દુનિયાની અનેક ભાષામાં ફિલ્મ બને છે, પરંતુ કેવળ ભારતીય ફિલ્મોમાં ગીતો હોવાનું શું કારણ?

Published: Apr 05, 2020, 14:36 IST | Rajani Mehta | Mumbai

વો જબ યાદ આએ: આજે કોરોના જેવી મહામારીના ભયથી જ્યારે સમગ્ર મનુષ્યજાત ભયભીત છે ત્યારે લૉકડાઉનના આ સમયે સંગીત આપણા ખાલીપાને સભર કરવાનું હાથવગું સાધન છે એ વાતનો ભાગ્યે જ કોઈ ઇનકાર કરી શકે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

Music is the voice of all humanity, of whatever time or place. In its presence, we are one.

Charlotte Gray

[Canadian Historian]

આજે કોરોના જેવી મહામારીના ભયથી જ્યારે સમગ્ર મનુષ્યજાત ભયભીત છે ત્યારે લૉકડાઉનના આ સમયે સંગીત આપણા ખાલીપાને સભર કરવાનું હાથવગું સાધન છે એ વાતનો ભાગ્યે જ કોઈ ઇનકાર કરી શકે. રોટી, કપડાં અને મકાન બાદ મનુષ્યની ચોથી અગત્યની જરૂર એટલે સંગીત. એટલે જ તો સંગીત; કાળ અને ભાષાઓની, સરહદ અને સંસ્કૃતિની અનેક દીવાલોને ઓળંગીને એક સૂર, એક ભાષામાં, સાચા અર્થમાં દરેક મનુષ્યને વિશ્વ નાગરિક બનાવે છે.

કહેવાય છે કે સંગીતની કોઈ ભાષા નથી, કારણ કે સંગીત દિલનો વિષય છે, દિમાગનો નહીં. સંગીતની લિપિ નહીં, લય હોય છે. એટલે જ સંગીત સમજનો નહીં, અનુભૂતિનો વિષય છે. બર્નાર્ડ શૉ કહે છે કે જે માણસ સંગીતને માણતો હોય તેનો તમે આંખ મીંચીને ભરોસો કરી શકો. સંગીત વિનાના જીવનની કલ્પના જ મુશ્કેલ છે. એક ફિલોસૉફર કહે છે, Without Music, Life would be a mistake.’

આજે આ વાતો કરવાનું કારણ એટલું જ કે વર્તમાન પરિસ્થિતિમાં મારા-તમારા જેવા અનેક સંગીતપ્રેમીઓ માટે સંગીત અને ખાસ કરીને હિન્દી ફિલ્મસંગીત પ્રાણવાયુની ગરજ સારે છે. હું તો મિત્રોને કહું છું કે મને નાકથી શ્વાસ અને કાનથી સંગીત મળે તો જ જીવી શકું. આ વાત મારા જેવા બીજા અનેકને માટે સાચી હશે. સંગીત આપણા માટે મેડિટેશન અને મેડિસિનનું કામ કરે છે.

વર્ષો પહેલાં મનમાં એક સવાલ આવ્યો હતો કે દુનિયાની અનેક ભાષામાં ફિલ્મો બને છે, પરંતુ કેવળ ભારતની ફિલ્મોમાં જ ગીતો કેમ હોય છે? (વિદેશની ‘Sound of Music’ કે પછી ‘Fiddler on the Roof’ જેવી છૂટીછવાઈ ફિલ્મો અપવાદ છે. આ સિવાયની બીજી વિદેશી ભાષાની ફિલ્મોની મારી વધુ જાણકારી નથી એથી આ માહિતી અધૂરી હોઈ શકે. દલીલ કરવા માટે કોઈ એમ કહી શકે કે પાકિસ્તાન, બંગલા દેશ અને નેપાલની ફિલ્મોમાં ગીત હોય છે. તેમને મારે એટલું જ કહેવાનું કે ઇતિહાસમાં હું બહુ કાચો છું.) આ પ્રશ્નના જવાબ માટે થોડું સંશોધન કરવાની મજા આવી, પરંતુ એ જવાબ સુધી પહોંચવા ભારતના સંગીતનો ઇતિહાસ જાણવો જરૂરી છે. મજાની વાત એ છે કે આ કવાયત કરતાં ફિલ્મસંગીતની બીજી અનેક રસપ્રદ માહિતીઓ પણ મળી.     

સૃષ્ટિની  શરૂઆત થઈ ત્યારથી સંગીત એની સાથે જોડાયેલું છે. સંગીત મનુષ્ય સહિત ઈશ્વરનાં  બીજાં અનેક સર્જનનું સાક્ષી અને સાથી રહ્યું છે. પંખીઓનો કલરવ, જીવજંતુઓનો ગણગણાટ, ઝરમર વરસતો વરસાદ, વહેતી હવાનો સૂસવાટો, ગગનમાં થતી વીજળી અને બીજાં અનેક કુદરતી સ્વરકંપન આપણા અસ્તિત્વને સંગીતમય બનાવે છે.

એમ કહેવાય છે કે ઋગ્વેદના સમયથી મંત્રોચ્ચાર કરીને કુદરત સાથે સંવાદ કરવામાં આવતો. એ સમયે સંગીત ઋતુચક્ર પર આધારિત હતું. એ કાળના રીતિરિવાજો, પહેરવેશ, હવામાન અને ખાણીપીણી; ટૂંકમાં કહીએ તો જીવનની રહેણીકરણીનું પ્રતિબિંબ એ સંગીતમાં પડતું. ભારત વિશાળ દેશ હતો. અલગ-અલગ પ્રકારના પ્રદેશોમાં અલગ-અલગ સંસ્કૃતિ હોવાને કારણે દરેક પ્રદેશના સંગીતની એક આગવી ઓળખ ઊભી થઈ. મોગલોના આગમન પહેલાં પર્સિયાના અમીર ખુસરોને ભારતીય સંગીતમાં ખૂબ રસ પડ્યો અને આપણા સંગીતમાં તબલાનો પ્રવેશ થયો. મોગલોના શાસન દરમ્યાન, ખાસ કરીને અક્બરના સમયમાં સ્વામી હરિદાસ, તાનસેન, બૈજુ બાવરા જેવા ગાયક કલાકારોએ શાસ્ત્રીય ધૂનોને પ્રચલિત કરી. ત્યાર બાદ અંગ્રેજ આવ્યા અને સ્ટેજ-શોનું ચલણ વધ્યું.

harishchandra

૧૮૮૬માં Auguste અને Louis Lumiere નામના બે ભાઈઓ ફ્રાન્સથી ભારત આવ્યા. તેમણે એક મશીન બનાવ્યું હતું જેમાં પડદા પર હાલતા-ચાલતા માણસો દેખાતા. આ કલાને તેમણે નામ આપ્યું હતું સિનેમૅટોગ્રાફી. એ જોઈને લોકો દંગ થઈ ગયા. ત્યાર બાદ ઘણી નાની ફિલ્મો બની. જોકે એ બનાવનારા દરેક વિદેશીઓ હતા. એક ભારતીય યુવાન એવો હતો કે તેને ચેન નહોતું પડતું કે આ કામ હું કેમ ન કરી શકું? અને તે આ કસબ શીખવા ઇંગ્લૅન્ડ ગયો. ત્યાં આ કામ  શીખીને ૧૯૧૩માં તેણે ૪૦ મિનિટની એક ફિલ્મ બનાવી. એ ફિલ્મ હતી ‘રાજા હરિશ્ચંદ્ર’. એ યુવાનનું નામ હતું ધુંડીરાજ ગોવિંદ ફાળકે જે આજે દાદાસાહેબ ફાળકે (૧૮૭૦—૧૯૪૪)ના નામે ઓળખાય છે. ભારતમાં એક ભારતીયે બનાવેલી આ પહેલી ફિલ્મ હતી.

એ દિવસોમાં મૂંગી ફિલ્મો મોટી હોટેલના આલીશાન હૉલમાં દેખાડવામાં આવતી. એ માટે બે રૂપિયા જેવી માતબર રકમ વસૂલ કરવામાં આવતી. આને કારણે ફિલ્મો જોવાનો મોકો કેવળ પૈસાદાર લોકોને જ મળતો. ત્યાર બાદ આ ફિલ્મોને લોકપ્રિય બનાવવા, સામાન્ય લોકો માટે મેદાનમાં એક તંબુ બાંધીને આ ફિલ્મો દેખાડવાની શરૂઆત થઈ. આને માટે ૪ આનાની ટિકિટ રાખવામાં આવતી. ફિલ્મોનાં મારફાડનાં દૃશ્યો જોઈને ઉત્તેજિત થઈ જતા દર્શકો સિસોટી મારતા, ધમાલ કરતા. આને કારણે વિવેચકોએ આ ઑડિયન્સને ‘ચવ્વની છાપ ઑડિયન્સ’ નામ આપ્યું. વર્ષો સુધી આ ક્રેઝ સસ્તી ટિકિટ લઈને જોતા દર્શકો માટે વપરાયો છે.   

avt

એક આડવાત. સ્કૂલ અને કૉલેજના દિવસોમાં ગૂટલી મારીને ધોબી તળાવ પાસે આવેલાં બે થિયેટર કેમ ભુલાય? ૬ આનામાં (બાદમાં ૪૦ નવા પૈસા) એડવર્ડ થિયેટરમાં હિન્દી ફિલ્મો અને ૧૦ આનામાં (બાદમાં ૬૦ નવા પૈસા) મેટ્રો થિયેટરમાં અંગ્રેજી ફિલ્મો જોયાનો રોમાંચ આજે આ લખતી વખતે બરકરાર છે. 

ફિલ્મો ભલે મૂંગી હતી, પરંતુ પડદા પર જીવતા-જાગતા લોકોને હાલતા-ચાલતા જોઈને દર્શકો એટલા રોમાંચિત થઈ જતા કે તેમને માટે આ ઘટના એક  ચમત્કાર  લાગતી.  વિદેશમાં પણ આ જ હાલત હતી. ત્યાર બાદ અનેક ફિલ્મો બનવાની શરૂઆત થઈ, ખાસ કરીને ભારતમાં. એ દિવસોમાં ઍક્શન ફિલ્મોનું ચલણ વધારે હતું.  પરંતુ એ ફિલ્મો મૂંગી હતી એટલે એને વધુ રોમાંચક બનાવવા સંગીતનો ઉમેરો થયો. ફિલ્મના પડદાની નજીક ચાર-પાંચ સાજિંદાઓ બેસતા. ફિલ્મની શરૂઆત કરતાં પહેલાં એક માણસ ફિલ્મ વિશે થોડી માહિતી આપતો અને પછી ફિલ્મની શરૂઆત થતી. હીરો ઘોડા પર જતો હોય તો તબલા પર થાપ મારીને તેની ચાલનો અવાજ ઊભો કરવામાં આવતો. કોઈ રોમૅન્ટિક સીન હોય તો ધીમેકથી સૉફ્ટ ટ્યુનમાં વાયોલિન વાગતું. આ રીતે મૂંગી ફિલ્મમાં સંગીતના સથવારે એક અલગ રોમાંચ ઊભો કરવામાં આવતો.

૧૯૨૬માં અમેરિકામાં ‘Don Juan’ (જેમાં કેવળ સંગીત હતું) અને ‘The Jaaz Singer’ (સંગીત અને સંવાદ સાથે) નામની પહેલી બોલતી ફિલ્મો બની જેને ‘ટૉકીઝ’ કહેતા. ત્યાર બાદ  ૧૯૨૯માં ઇંગ્લૅન્ડમાં હિચકોકની ‘Blackmail’ બની. ૧૯૩૧માં ઇમ્પીરિયલ ફિલ્મ કંપનીના અરદેશર ઈરાનીએ ભારતની પહેલી ‘ટૉકી’ ફિલ્મ ‘આલમઆરા’ બનાવી. આ ફિલ્મમાં ૬ ગીત હતાં. વઝીરના રોલમાં કામ કરતા વઝીર મોહમ્મદ ખાને હિન્દી ફિલ્મોનું પહેલું ગીત ગાયું. ‘દે દે ખુદા કે નામ પે પ્યારે, તાકત હૈ ગર દેને કી.’ કેવળ હાર્મોનિયમ અને તબલા સાથે ગવાયેલા આ ગીતની સંગીતકાર જોડી હતી પી. એમ. મિસ્ત્રી અને બી. ઈરાની.

આમ ભારતમાં ટૉકીઝ (બોલતી ફિલ્મો)નો યુગ શરૂ થયો. એ દિવસોમાં મોટા ભાગની ફિલ્મો ધાર્મિક અને ઐતિહાસિક નાટકો પર આધારિત હતી. આ નાટકો સદીઓથી ભજવાતાં અને લોકો પર એનો ખૂબ પ્રભાવ હતો. એ સમયે નાટકોમાં ગીતોનું ચલણ વધારે હતું. આને કારણે જ્યારે ફિલ્મો બનતી ત્યારે એમાં પણ ગીતો ઉમેરવામાં આવતાં. આ એક જ મુખ્ય કારણ છે કે આપણી ફિલ્મમાં ગીત-સંગીત એક અત્યંત મહત્ત્વનો હિસ્સો રહ્યાં છે, એટલું જ નહીં, વિદેશમાં પણ આપણાં ગીતો લોકપ્રિય થયાં છે. રશિયામાં રાજ કપૂરનાં ગીતોનો ક્રેઝ કેટલો છે એના અનેક કિસ્સા જાણીતા છે.

મારો જ એક અંગત અનુભવ તમારી સાથે શૅર કરું છું. થોડાં વર્ષો પહેલાં કૅનેડાના વિક્ટોરિયા શહેરના પ્રખ્યાત ગાર્ડનમાં અમે ફરતા હતા. વિશ્વભરનાં રંગબેરંગી ફૂલોથી સુશોભિત આ ગાર્ડનનો નજારો અદ્ભુત છે. મિત્રો અને પરિવાર સાથે ફરતાં-ફરતાં મને ફિલ્મ ‘આરઝુ’નું ગીત યાદ આવ્યું અને હું ગાવા લાગ્યો; ‘અય ફુલોં કી રાની બહારોં કી મલિકા, તેરા મુસ્કુરાના ગઝબ હો ગયા’ (કાશ્મીરમાં શૂટ થયેલા આ ગીતમાં રાજેન્દ્રકુમાર અને સાધના આવા જ એક લોકેશન પર આ ગીત ગાય છે) અને દરેકે આ ગીત ઝીલી લીધું. અમે જોયું કે અમારાથી આગળ ચાલતી ત્રણ વિદેશી મહિલા કમર હલાવતાં આ ગીતનો આનંદ લેતી હતી. જેવું અમે ગાવાનું બંધ કર્યું એટલે તેઓ પાછળ ફરીને અમને કહે, Please, sing again. We love these songs.’ અમને નવાઈ લાગી. મેં પૂછ્યું, ‘તમે આ ગીત સાંભળ્યુ છે?’ તો કહે, ‘કેવળ આ નહીં, અમે હિન્દી ફિલ્મોનાં અનેક ગીત ખૂબ જ માણીએ છીએ. તમારી ફિલ્મો અમે કેવળ ગીતો સાંભળવા જ જોઈએ છીએ.’  તેઓમાંના બે ઈરાનના નાગરિક હતા અને એક જૉર્ડનનો.

         ૦૦૦૦          

ફિલ્મોમાં હજી સુધી પ્લેબૅકની શરૂઆત થઈ નહોતી. એને લીધે એવું બનતું કે થોડું ગાતા અને થોડો અભિનય કરતા કલાકારોને જ ફિલ્મોમાં કામ મળતું. કેવળ સારું ગાતા કે પછી કેવળ સારો અભિનય કરતા કલાકારો માટે આ લાઇનમાં કોઈ મોકો નહોતો (પોતાની કમેન્ટ દ્વારા બીસીસીઆઇને નારાજ કરનારા ક્રિકેટ-કૉમેન્ટેટર સંજય માંજરેકરની ભાષામાં કહીએ તો ‘Bits and pieces player’ની બોલબાલા હતી). ૧૯૩૫માં ફિલ્મ ‘ધૂપછાંવ’થી ફિલ્મોમાં પ્લેબૅક સિન્ગિંગની પ્રથા શરૂ થઈ. એક મત એવો છે કે પંકજ મલિકે આ શરૂઆત કરી, જ્યારે અમુક લોકોનું માનવું છે કે આ પ્રથા રાયચંદ બોરાલે શરૂ કરી હતી.

રાયચંદ બોરાલ મૂંગી ફિલ્મોથી સંગીત સાથે સંકળાયેલા હતા. તેઓ પિયાનો અને તબલાં વગાડી જાણતા. એ દિવસોમાં મૂંગી ફિલ્મો મોટા તંબુમાં દેખાડવામાં આવતી. તેમને પ્રેક્ષકોની નાડની ખબર હતી. દરેક પ્રકારનાં વાદ્યોની ખૂબીથી તેઓ સારી રીતે જાણકાર હતા, જ્યારે બોલતી ફિલ્મો આવી ત્યારે તેમને લાગ્યું કે હવે સંગીતના માધ્યમથી આ ફિલ્મો વધુ અસરકારક બનશે. ‘ટૉકીઝ’ આવવાને કારણે ફિલ્મ-મેકિંગમાં એક બીજો મહત્ત્વનો ફેરફાર થયો. જે કલાકાર સારા સિંગર (પણ નબળા અભિનેતા) હતા તેઓ પડદા પાછળ આવ્યા અને જે કલાકાર સારા અભિનેતા (પણ નબળા સિંગર) હતા તેઓ કૅમેરાની સામે રહ્યા. આના બે ફાયદા થયા. ફિલ્મોમાં નવા-નવા સારા અદાકાર અને પ્લેબૅકમાં સારા સિંગર્સ આપણને મળ્યા.

મૂંગી ફિલ્મોના પ્રખ્યાત કલાકારોની જોડી હતી માસ્ટર વિઠ્ઠલ અને સુલોચના (રૂબી માયર્સ),  નાદિયા અને જૉન કાવસ. સંવાદો બોલવાની તેમની અણઆવડત બોલતી ફિલ્મોના આગમનને કારણે ચાલે એમ નહોતી. આમ તેમને કામ મળતું બંધ થઈ ગયું છતાં તેમના યોગદાનને ભૂલવું ન જોઈએ.

મોટા ભાગના સંગીતકારો જેવા કે ઓ. પી. નૈયર, સી. રામચંદ્ર, ખય્યામ, વસંત દેસાઈ, જયદેવ આ દરેક પહેલાં ફિલ્મોના ગ્લૅમરથી આકર્ષાઈને અભિનેતા બનવા માટે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા. (મદન મોહન ફિલ્મિસ્તાનની એક-બે ફિલ્મોમાં છૂટાછવાયાં દૃશ્યોમાં દેખાય છે), પરંતુ ભલું થાજો એ પ્લેબૅક સિન્ગિંગ સિસ્ટમનું જેને કારણે તેમને એ વાતનો અહેસાસ થયો કે તેઓ ઍક્ટર–સિંગર  નહીં બની શકે. આથી તેમણે સંગીતના ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું અને આપણા સદ્નસીબે અનેક અમર ગીતોનું સર્જન થયું. 

(આ લેખની પૂરક માહિતી માટે મિત્ર માણેક પ્રેમચંદનો ઋણસ્વીકાર)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK