બાર વર્ષે બાપાને બહાર લાવવાનો ઘણો જશ આ માણસના ફાળે જાય છે

Published: 19th August, 2012 07:24 IST

કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીની જાહેરાત કરી પછી અગાઉ આપેલા વચન મુજબ ચોવીસ જ કલાકમાં એમાં પોતાની મહાગુજરાત જનતા પાર્ટી મર્જ કરી દેનારા ગોરધન ઝડફિયા આટલા મોટા બલિદાન પછી પણ હસતાં-હસતાં રોકડા ત્રણ જ શબ્દો કહે છે : હક છે તેમનો. આ ગોરધન ઝડફિયા છે કોણ?

gordhan-szadafiaરશ્મિન શાહ

સ્વભાવે એકદમ સાલસ અને અજાણ્યા નંબરોને પણ જવાબ આપવાની સૌજન્યશીલતા. ઇતિહાસ આખો મોઢે અને એ મોઢે થઈ ગયેલા ઇતિહાસ વચ્ચે આંકડાઓ પણ કડકડાટ આવ્યા કરે. હિન્દુત્વની વાત આવે ત્યારે તેમની આંખમાં આછી અમસ્તી ચમક ઊપસી આવે, પણ પછી ગુજરાતની વાત નીકળે એટલે એ જ ચમક પાછી અસ્ત થઈ જાય. પોતાની આલીશાન કારની પાછળની સીટમાં બેઠાં-બેઠાં તે એકસાથે ત્રણ-ચાર કામ કરે છે. ઇલેક્શન સુધીનો સમય તેમના માટે કીમતી છે. એક-એક ક્ષણ માટે તે લડી લે છે. કાને રહેલા મોબાઇલ પર સૂચના અપાતી જાય, ખોળામાં પડેલા લૅપટૉપ પર એક હાથની આંગળીઓ ફટાફટ ફરતી રહેતી હોય, બાજુમાં બેઠેલા સેક્રેટરીને સૂચના આપી દેવામાં આવે અને પછી ડ્રાઇવરને પણ આગળથી કયા રસ્તે ગાડી વાળવી

એનું સૂચન કરી લેવામાં આવે. ગોરધન ઝડફિયા Sunday સરતાજને કહે છે, ‘હવે ઇલેક્શન સુધી આમ જ રહેવાનું છે. કામ એટલાં છે કે પાંચ ગોરધન આવે તોય કેમ પૂરાં કરવાં એનો સવાલ ઊભો રહેશે.’

ગોરધન ઝડફિયા.

કેશુભાઈ પટેલે બનાવેલી નવી ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)ની જાહેરાત સાથે ગરમાગરમ થઈ ગયેલા ગુજરાતના રાજકારણના ન્યુઝમાં આ નામ આછા ચમકારા સાથે ક્યારેક ન્યુઝપેપરમાં ઝળકી જાય છે, પણ હકીકત એ છે કે આ નામ હેડલાઇનને પાત્ર છે. ગોરધનભાઈને કારણે જ ૨૦૦૧માં સત્તા છોડ્યા પછી આજે બાર વર્ષે કેશુભાઈ પટેલ મેદાનમાં આવ્યા છે. ગોરધન ઝડફિયા બીજેપીના સૌથી પહેલા એવા નેતા હતા જેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે ઑફિશ્યલ બળવો પોકાર્યો અને ૨૦૦૮માં મહાગુજરાત જનતા પાર્ટી (એમજેપી) નામની પાર્ટી બનાવીને બીજેપી અને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ટક્કર આપી. ૨૦૦૯ના લોકસભા ઇલેક્શનમાં એમજેપીએ ગુજરાતની ૧૯ બેઠક પર ઉમેદવાર મૂક્યા, જેમાંથી એક પણ ઉમેદવાર જીત્યો નહીં; પણ એણે બીજેપીના ઉમેદવારના સરેરાશ ૧૦.૦૯ ટકા મત કાપ્યા. ૨૦૧૦-’૧૧માં ગુજરાતમાં થયેલા નગરપાલિકા, તાલુકા-પંચાયત,

જિલ્લા-પંચાયત અને ગ્રામ-પંચાયતના ઇલેક્શનમાં એમજેપીએ અલગ-અલગ શહેર અને ગામમાં બસોથી વધુ સીટ જીતી, જેને કારણે પાર્ટીનું એસ્ટાબ્લિશમેન્ટ થયું અને બીજેપી તથા કૉન્ગ્રેસ સહિત સામાન્ય લોકોએ પણ મહાગુજરાત જનતા પાર્ટીને સ્વીકારી લીધી. લોકોએ જે પાર્ટીને સ્વીકારી લીધી એ જ પાર્ટીને ગોરધન ઝડફિયાએ હવે કેશુભાઈની પાર્ટીમાં મર્જ કરી દીધી છે. આ ખરા અર્થમાં ગુરુદક્ષિણા છે - એવી જ રીતે જેવી રીતે ૧૪ વર્ષના વનવાસ પછી ભગવાન રામ અયોધ્યા પાછા આવ્યા અને ભરતે તેમને સિંહાસન સોંપી દીધું હતું - એ કેશુભાઈને જે દર ઇલેક્શન વખતે વિરોધનાં બે-ચાર સ્ટેટમેન્ટ કરે અને પછી અચાનક ચૂપ થઈ જાય. ગોરધન ઝડફિયા કહે છે, ‘એક મોટા જૂથના વડીલની મનોદશા કેવી હોય એ સમજવી અઘરી છે. બીજેપી કેશુભાઈની માતૃસંસ્થા હતી, ત્યાં જ તેમનું ઘડતર થયું હતું. આ સંસ્થા તેમણે તો બાર વર્ષ પહેલાં છોડવી હતી, પણ બને કે એ માટે હિંમત ભેગી કરવામાં બાર વર્ષ નીકળી ગયાં.’

ના, હકીકત જરા જુદી છે. હકીકત એ છે કે સતત વિરોધ નોંધાવ્યા કરતા ગોરધન ઝડફિયા અને તેમની પાર્ટીની કામગીરી જોઈને કેશુભાઈને અંદરખાને ગ્લાનિનો અનુભવ થતો હતો અને એટલે જ ૨૦૦૯ અને એ પછીનાં વષોર્માં ગોરધનભાઈ અને તેમની પાર્ટીએ જે પર્ફોર્મન્સ દેખાડ્યો એ જોઈને જ કેશુભાઈ પટેલે મન મનાવી લીધું હતું કે જો ૨૦૧૧ સુધીમાં ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીને હટાવવામાં નહીં આવે તો તે ગોરધન ઝડફિયાની મોદી વિરુદ્ધની ઝુંબેશમાં જોડાઈ જશે. આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકોને ખબર છે કે મોદી સામે બળવો કરતાં પહેલાં બીજેપીના સિનિયર નેતાઓને મળવા દિલ્હી ગયેલા કેશુભાઈ પટેલ સાથે ગોરધન ઝડફિયા પણ હતા. આ વખતે જ નહીં, આ અગાઉ પણ ગોરધન ઝડફિયા કેશુભાઈની સતત બાજુમાં ઊભા રહ્યા છે. ગોરધનભાઈ કહે છે, ‘કેશુભાઈ મારા માટે ફાધર-ફિગર છે અને પિતાને માન આપવું એ હિન્દુ સંસ્કૃતિના સંસ્કાર છે. ૨૦૦૬માં કેશુભાઈનાં વાઇફ લીલાબહેનની તબિયત ખરાબ હતી ત્યારે મોદીની ગવર્નમેન્ટના કેટલાય પ્રધાનો લીલાબહેનની તબિયત જોવા ગયા. હું પણ એમાં એક હતો. બીજા દિવસે બધા પ્રધાનોને શો-કૉઝ નોટિસ આપવામાં આવી. મેં તો એ જ દિવસે ચેમ્બરમાં જઈને કહી દીધું કે મને મારી પર્સનલ લાઇફમાં કોઈ દખલ કરે એ પસંદ નથી, હું કોઈ શો-કૉઝ નોટિસનો જવાબ આપવાનો નથી. આટલું કહ્યા પછી ત્યાંથી નીકળીને સીધો કેશુભાઈના બંગલે તેમને મળવા પહોંચી ગયો હતો. કેશુભાઈ સરકારમાં હોય કે ન હોય, સત્તા પર હોય કે ન હોય; મારા માટે આજે પણ તે મારા સન્માનનીય નેતા છે, પિતાસમાન છે અને વડીલ સખા છે.’

અત્યારે એમજેપી અને જીપીપીના કોઈ પણ કાર્યકરને જઈને કેશુભાઈ પટેલ અને ગોરધન ઝડફિયા વચ્ચેની રિલેશનશિપ વિશે પૂછવામાં આવે તો તે બધા કૃષ્ણ-અજુર્નની રિલેશનશિપ સાથે સરખાવે છે. હમણાં અઢી લાખ સભ્યોની પાર્ટી કેશુભાઈ પટેલની પાર્ટીમાં મર્જ કરવાની હતી ત્યારે મહાગુજરાત જનતા પાર્ટીના કેટલાક સદસ્યોને એ ગમ્યું નહોતું. માંડ એસ્ટાબ્લિશ થયેલી પાર્ટીને આમ અચાનક જ કેશુભાઈ એકના કારણે વિખેરી નાખવાની અને પછી બીજી પાર્ટીમાં જૉઇન કરી દેવાનું કહેવામાં આવે ત્યારે સ્વાભાવિકપણે દુ:ખ તો થાય જ. કેટલાકે હિંમત કરીને ગોરધનભાઈને સમજાવવાનો અને તેમના સ્વાર્થને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું હતું કે ‘આજે તમે એમજેપીમાં નંબર વનના સ્થાન પર છો, કાલે સવારે જીપીપીમાં તમે બીજી હરોળમાં મુકાઈ જશો.’

ગોરધનભાઈએ એ સમયે જૈન શ્રેષ્ઠી શેઠ સગાળશાનું જીવનકવન એમજીપીના ૨૧ નેતાઓની સામે વર્ણવ્યું અને કહ્યું હતું કે ‘ભગવાનનો ભોગ ધરવાના ભાવથી સગાળશાએ એક સાધુને પોતાનો દીકરો ખાંડીને ખાવા માટે આપી દીધો હતો. આ તો પાર્ટીની વાત છે. જો મારો દીકરો કેશુભાઈ માગે તો હું એને પણ પીરસી દેવા તૈયાર છું.’

એવું નથી કે ગોરધન ઝડફિયાની પૉલિટિકલ કરીઅર કેશુભાઈ પટેલ થ્રૂ શરૂ થઈ હોય અને એ કારણે તે કેશુભાઈ પટેલને આટલું માન-સન્માન આપી રહ્યા હોય. કેશુભાઈ પ્રત્યેનું આ માન ગોરધનભાઈને કેશુભાઈના લાગણીમય સ્વભાવના કારણે છે. ગોરધનભાઈ કહે છે, ‘ગરીબ છોકરીને ભીખ માગતી જોઈને કેશુભાઈ રડી પડ્યા હોય એવું મેં મારી આંખે જોયું છે. ધરતીકંપ પછી માણસોની લાશને જોઈને કેશુભાઈ પટેલ મહિનાઓ સુધી જમતા નહોતા જે મેં મારી નરી આંખે જોયું છે. કેશુભાઈ ભારોભાર લાગણીશીલ છે. લાગણી એવી જ વ્યક્તિને હોય જે જમીનનો માણસ હોય. કેશુભાઈ જમીનના માણસ છે. આજે પણ કેશુભાઈ પોતાના વિસાવદરના કાર્યકરને નામથી ઓળખે છે અને વિસાવદર જાય તો તેને મળવા જાય છે. નાનો માણસ ભાવનો ભૂખ્યો છે અને હું કહીશ કે કેશુભાઈ સાચે જ ભાવનાઓના માણસ છે.’

કંઈક આવી જ ભાવનાઓ ૫૮ વર્ષના લેઉવા પટેલ ગોરધન ઝડફિયાના મનમાં છે અને એટલે જ તે કેશુભાઈ પટેલ પ્રત્યે આકષાર્યા હશે એવું ધારી શકાય. ભાવનગર જિલ્લાના ગારિયાધર તાલુકાના ઠાંસા નામના ગામમાં જન્મેલા ગોરધનભાઈએ પોતાનું પ્રાઇમરી એજ્યુકેશન ઠાંસા ગામમાં જ લીધું અને એ પછી અમદાવાદ અને સુરતની અલગ-અલગ કૉલેજમાંથી માર્કેટિંગનો ડિપ્લોમા ર્કોસ અને પબ્લિક ઍડ્મિનિસ્ટ્રેશનમાં ગ્રૅજ્યુએશન પૂરું કર્યું. એજ્યુકેશન પૂરું કર્યા પછી ગોરધનભાઈએ અમદાવાદના જાણીતા સારાભાઈ ગ્રુપ અને ગ્રેબેલ ઇન્ડિયા નામની કંપનીમાં પંદર વર્ષ જૉબ કરી અને પછી ડાયમન્ડનો પોતાનો બિઝનેસ શરૂ કર્યો જે ૨૦૦૦ની સાલ સુધી ચાલ્યો, પણ પછી ગોરધનભાઈ પૉલિટિકલી બિઝી થઈ ગયા એટલે એ વાઇન્ડઅપ કરી લેવામાં આવ્યો. અત્યારે ગોરધનભાઈનો દીકરો જતીન ભક્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કન્સ્ટ્રક્શન કંપની ચલાવે છે. ગોરધનભાઈ પહેલી વખત ૧૯૯૫માં અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી વિધાનસભાનું ઇલેક્શન લડ્યા. એ સમયે ગોરધનભાઈનું નામ સંઘપરિવાર દ્વારા આપવામાં આવ્યું હતું જે કેશુભાઈએ સ્વીકાર્યું અને ગોરધનભાઈને ટિકિટ આપવામાં આવી. બીજી વખત ૧૯૯૮માં અને ૨૦૦૨ના વર્ષમાં નરેન્દ્ર મોદીના શાસનમાં ઇલેક્શન લડ્યા પછી ગોરધનભાઈને મોદીએ ગુજરાતના ગૃહપ્રધાન બનાવ્યા. ગોરધનભાઈના જ શાસનકાળ દરમ્યાન ગુજરાતનો સૌથી કુખ્યાત એવો ગોધરા ટ્રેનકાંડ અને એ પછી ગુજરાતમાં કોમી રમખાણો થયાં. આ સમયગાળામાં ગોરધનભાઈએ મોદીની કાર્યપ્રણાલી અત્યંત નજીકથી જોઈ અને તેમણે એનો વિરોધ શરૂ કર્યો. ગોધરાકાંડ અને રમખાણોના કેસ અત્યારે ર્કોટમાં ચાલતા હોવાથી એ સમયની ઘટનાઓ વિશે વાત કરવાનું ટાળતાં ગોરધનભાઈ કહે છે, ‘જોહુકમી અને સરમુખત્યારશાહી તેમનો સ્વભાવ છે, જે લોકશાહીમાં ન ચાલે. હિન્દુત્વના નામનો રાજકીય ઉપયોગ કરતાં મોદીને બહુ ખરાબ રીતે આવડે છે. મને ક્યારેય દેખાડો ગમતો નથી. મારા ચાવવા અને દેખાડવાના દાંત એક છે. મોદી સાથે મતભેદ શરૂ થયા એ દરમ્યાન હું નિયમિત કેશુભાઈને મળતો અને તેમને પરિસ્થિતિનો ચિતાર આપતો, પણ બાપા શાંતિ રાખવાની સલાહ આપતા. મેં તેમની વાત ચૂપચાપ માન્યે રાખી, પણ જ્યારથી મોદીએ કેશુભાઈને મળવા પર પાબંદી લગાવવાનું શરૂ કર્યું ત્યારથી મેં જાહેરમાં વિરોધ કર્યો અને પછી મારો જંગ શરૂ થયો.’

કેશુભાઈ પટેલને મળવા અને તેમની સાથે સંબંધો જાળવી રાખવા બદલ ઝડફિયાએ પોતાનું અહિત પોતાના હાથે જ કર્યું છે.

૨૦૦૭ના ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં ઝડફિયાને ટિકિટ આપવા મોદી તૈયાર હતા, પણ તેમણે એવી ડિમાન્ડ મૂકી કે ગોરધનભાઈએ પાર્ટીના અન્ય નેતાઓને મળવું નહીં જેથી પાર્ટીનું શિસ્ત બગડે નહીં. આ અન્ય નેતાઓનો અર્થ એક જ થતો હતો કે કેશુભાઈને મળવું નહીં. ગોરધનભાઈએ ટિકિટ સ્વીકારવાની ના પાડી દીધી. એ સમયે તે ગુજરાત બીજેપીના મહામંત્રી હતા. ટિકિટની ના પાડ્યા પછી તેમણે પાર્ટીમાંથી પણ રાજીનામું આપીને પોતાની દિશા નક્કી કરી લીધી. ગોરધનભાઈ કહે છે, ‘હું વિનમ્રતાથી કહું છું કે મોદીના વિરોધમાં શરૂઆતમાં બધા નેતાઓ કેશુભાઈના ઘરે જઈને તેમને મળતા હતા, પણ જેમ-જેમ સમય પસાર થતો ગયો એમ-એમ એ બધા નેતાઓ કાં તો મોદીના કહ્યામાં આવી ગયા અને કાં તો ગુમ થઈ ગયા. કદાચ હું એકમાત્ર એવો હતો જેણે બાપાની છત્રાછાયા કાયમ અકબંધ રાખી.’

મહાગુજરાત જનતા પાર્ટી શરૂ થઈ રહી હતી ત્યારે કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા અને કાશીરામ રાણા સહિતના સૌ કોઈએ કહ્યું હતું કે ગોરધન ભૂલ કરી રહ્યો છે; પણ ગોરધનભાઈ એકમાત્ર એવી વ્યક્તિ હતા જેને ભૂલ કરીને ખોવાઈ જવાનો ડર નહોતો, ઘરે ચૂપ બેસીને માયકાંગલામાં ખપી જવાનો ડર હતો. મહાગુજરાત જનતા પાર્ટી શરૂ થયા પછી સમયાંતરે કેશુભાઈ પટેલને પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવતું હતું, પણ કેશુભાઈ અટકેલા રહ્યા અને છેવટે મે મહિનામાં તેઓ જાહેરમાં આવવા માટે તૈયાર થયા. આ વખતે કેશુભાઈ પટેલને બહાર લાવવાની કામગીરી જાન્યુઆરી મહિનાથી ચાલી રહી હતી. કેશુભાઈ પટેલને સતત સમજાવવામાં આવી રહ્યા હતા, પણ દરેક વખતે કેશુભાઈ પટેલ પાર્ટીની આચારસંહિતાઓને ધ્યાનમાં રાખીને અટકી જતા હતા. જોકે આ વખતે કેશુબાપાને સૌથી પહેલું એ સમજાવવામાં આવ્યું કે જો ડાયરેક્ટ વિરોધ ન કરવો હોય તો ઍટલીસ્ટ કોર કમિટીને વિધિવત્ અને કાયદેસરની રજૂઆત કરીને એને અલ્ટિમેટમ આપો અને એ પછી શું પગલાં લેવામાં આવે છે એ જુઓ. ગોરધનભાઈ કહે છે, ‘અમારી ઇચ્છા માત્ર એટલી હતી કે કેશુભાઈ મનમાં ને મનમાં જીવ બાળ્યાં કરે એના કરતાં જાહેરમાં આવે અને પોતાના મનની વાત કરે. અમે એ જ દિશામાં અત્યારે આગળ વધી રહ્યા છીએ.’

બીજેપી = ભારતીય જનતા પાર્ટી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK