Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > વીજળી થવી અને પડવી એટલે શું? એ શા માટે જીવલેણ નીવડી શકે?

વીજળી થવી અને પડવી એટલે શું? એ શા માટે જીવલેણ નીવડી શકે?

29 July, 2012 06:15 AM IST |

વીજળી થવી અને પડવી એટલે શું? એ શા માટે જીવલેણ નીવડી શકે?

વીજળી થવી અને પડવી એટલે શું? એ શા માટે જીવલેણ નીવડી શકે?


vijliસાયન્સ પ્લીઝ - જગદીશચંદ્ર ભટ્ટ

ગયા અઠવાડિયે આપણે વાદળાંઓની ગર્જના અને વીજળીના કડાકા વિશે માહિતી મેળવી. આજે ચોમાસામાં મુશળધાર વરસાદ સાથે આંખો આંજી નાખે એવા ચમકારા કરતી અને કાન ફાડી નાખે એવા કડાકા કરતી વીજળી વિશે થોડીક ટેક્નિકલ છતાં મજેદાર જાણકારી મેળવીએ. કુદરતનો ખેલ જ એવો છે કે વરસાદ, વાદળાંઓની ગડગડાટી અને વીજળીના ચમકારા વગર વર્ષાઋતુ પૂરી થાય જ નહીં.



ચોમાસા દરમ્યાન આપણે અખબારોમાં વાંચીએ છીએ કે દેશના અમુક વિસ્તારમાં વીજળી પડવાથી બે વ્યક્તિનાં મૃત્યુ થયાં, ગુજરાતના એક ગામડામાં વીજળી પડવાથી ખેતરમાં કામ કરતા પાંચ ખેડૂતો ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, મહારાષ્ટ્રના એક ગામની બહાર વીજળી પડવાથી વૃક્ષ નીચે ઊભેલા બે કિસાનો અને ત્રણ ગાય મૃત્યુ પામ્યાં. હવે વર્ષાઋતુમાં વરસાદ સાથે મેઘગર્જના અને વીજળીના ચમકારા તો સ્વાભાવિક ઘટના છે, પરંતુ વીજળી પડવી એટલે શું? વીજળી પડવાથી કોઈ માણસ કે પશુ કાં તો ગંભીર રીતે દાઝી જાય અથવા મૃત્યુ પામે. અમુક ઘટનામાં તો વીજળી કોઈ વૃક્ષ પર ત્રાટકે તો એ ઝાડ પણ સુકાઈ જાય અને એના થડમાં ઊભી તિરાડ સુધ્ધાં પડી જાય. આવું બનવાનાં ચોક્કસ કારણો શાં છે? આ પ્રાકૃતિક ઘટના સમજવી જરૂરી છે.


વીજળી પડે ત્યારે ખરેખર શું થાય?

સૂર્યની ગરમીને કારણે જે-તે વિસ્તારની હવા ગરમ અને પાતળી બનીને ઉપરના વાતાવરણમાં ચડી જાય. ઉપરના વાતાવરણમાં જઈને એ હવા ઠંડી થાય. ઠંડી થયેલી હવામાં ભેજનું પ્રમાણ વધી જાય અને એમાંથી પાણીનાં અસંખ્ય બિંદુઓ સાથે બરફના કણો પણ સર્જાય. આ પ્રક્રિયા ધરતીથી ફક્ત ૧૫ કિલોમીટરના અંતરે તરતાં ક્યુમુલોનિમ્બસ પ્રકારનાં વાદળાંઓમાં થાય. ત્યાર બાદ જળનાં બિંદુઓ અને બરફના કણો ભેગાં થઈને પ્રચંડ ગતિએ ગોળ-ગોળ ઘૂમવા લાગે અને સાથોસાથ નીચેના વાતાવરણમાં તરતાં વાદળાંઓ ઊતરી આવે. આ પ્રક્રિયા દરમ્યાન એમાં કુદરતી રીતે જ વિદ્યુત ચુંબકીય ઘર્ષણ પેદા થાય અને વીજળી ઉત્પન્ન થાય. ટેક્નિકલી સમજીએ તો વાદળાંઓમાં સર્જાતા •ણ વિદ્યુતભાર (-) અને ઘન વિદ્યુતભાર (+)ને કારણે વીજળી પેદા થાય છે.


હવામાનશાસ્ત્રીઓના કહેવા મુજબ આ સમગ્ર ગતિવિધિ કોઈ પર્વત પરથી જળનો પ્રવાહ તીવ્ર ગતિથી ધસમસતો જમીન તરફ આવે એવી રીતે થાય છે. પાણીનો પ્રવાહ પહાડ પરથી નીચે જમીન ભણી આવે ત્યારે એના અગ્ર ભાગની ગતિ સૌથી વધુ હોય છે. આ પ્રક્રિયા દરમ્યાન જળના આગળના મુખ્ય અને મોટા ભાગમાંથી અમુક નાના-નાના હિસ્સા છૂટા પડીને આડાઅવળા ફેંકાય છે. વળી પ્રવાહનો એ અગ્ર હિસ્સો છેક જમીન સુધી આવે ત્યારે જમીન સાથે જોરથી અથડાય છે. પરિણામે પ્રવાહના એ આગળના ભાગમાંથી પણ અમુક હિસ્સો છૂટો પડીને દૂર ફેંકાય છે. કંઈક આ જ રીતે આકાશમાંનાં વાદળાંઓમાં વીજળી પેદા થાય ત્યારે એમાં ભયંકર સ્પાર્ક થાય છે. આવા સ્પાર્કને આપણે સામાન્ય ભાષામાં વીજળી થઈ એમ કહીએ છીએ. જોકે વીજળીના એ સ્પાક્ર્સ કુદરતી રીતે જ વાદળાંઓમાંથી નીચેના વાતાવરણ તરફ ફેંકાય છે. વીજળીના ચમકારા નીચેની તરફ ફેંકાય ત્યારે એના અગ્ર ભાગમાંથી કેટલાક નાના-નાના હિસ્સા તૂટી પડે - પર્વત પરથી નીચે ધસી આવતા પેલા પાણીના પ્રવાહના આગળના ભાગમાંથી છૂટા પડતા નાના-નાના હિસ્સાની જેમ. જોકે વીજળીના એ બધા નાના-નાના હિસ્સા જમીન સુધી નથી પહોંચતા, પરંતુ એકાદ નાનકડો હિસ્સો છૂટો પડીને છેક ધરતી સુધી આવી જાય છે. વીજળીનો જે સૂક્ષ્મ હિસ્સો છેક ધરતી સુધી આવી જાય એને વીજળી પડી એમ કહેવાય.

વીજળીનો જે સૂક્ષ્મ હિસ્સો છૂટો પડીને જમીન ભણી ફંટાય એને જમીન સુધી પહોંચવામાં ફ્ક્ત ૨૦ મિલી-સેકન્ડનો સમય થાય છે. વીજળી પડવાની આ ગતિવિધિ કેટલી ઝડપથી થતી હશે એની કલ્પના કરવા જેવી છે.

જમીન સુધી આવતી વીજળી કેટલી જોખમી?

હવામાનશાસ્ત્રીઓના અભ્યાસ મુજબ વીજળીના એક કડાકામાં લગભગ ૧૦૦ મિલ્યન વૉલ્ટ્સ (૧૦ કરોડ વૉલ્ટ્સ) અથવા એના કરતાં પણ વધુ વૉલ્ટ્સની શક્તિ હોય છે. આટલી અતિ પ્રચંડ તાકાતથી વીજળી જે કોઈ વિસ્તારમાં ત્રાટકે ત્યાં જમીનમાં ઊંડો ખાડો પડી જાય અને ત્યાં કોઈ માણસ, પશુ કે વૃક્ષ હોય તો ઘડીના છઠ્ઠા ભાગમાં એનું નામનિશાન મટી જાય. ઘરમાં કે પછી બહાર કોઈ વ્યક્તિને હળવો ઇલેક્ટ્રિક શૉક લાગે તો પણ તે ઘણું દાઝી જાય છે અથવા તેની પરિસ્થિતિ ગંભીર બની જાય છે તો કરોડો ડિગ્રી વૉલ્ટ્સની અસર કેટલી ઘાતક હોય એની કલ્પના જ કરવી રહી. વળી જે કોઈ સ્થળે વીજળી પડવાની ઘટના બને ત્યાં મગજની નસો ફાટી જાય એવો અતિ ભયાનક કડાકો પણ થાય અને આખો વિસ્તાર રીતસર ખળભળી ઊઠે. ખાસ કરીને પશુઓ અને પંખીઓ પ્રકૃતિના આવા રૌદ્ર સ્વરૂપથી અવાચક થઈ જાય.

વીજળી પડવાની સૌથી વધુ સંભાવના

વીજળી પડવાની શક્યતાને પૃથ્વી પરની ધરતીમાંનાં કુદરતી તત્વો સાથે સીધો સંબંધ છે. જમીનમાં વિવિધ પ્રકારનાં રાસાયણિક અને ખનિજ તત્વો હોય છે. ઉપરાંત ખડકોના બંધારણ અને એનાં વિશિષ્ટ તત્વો સાથે પણ સંબંધ હોય છે. ઉદાહરણરૂપે જે જમીનમાં સૌથી વધુ મૅગ્નેટિક તત્વો હોય ત્યાં વીજળી ત્રાટકવાનું જોખમ સૌથી વધુ રહે છે, કારણ કે આવાં મૅગ્નેટિક તત્વો વીજળીને સૌથી વધુ આકર્ષે છે. ઉપરાંત જે વિસ્તારના ખડકોમાં ગ્રેનાઇટ અને મૅગ્નેટિક તત્વો વધુ હોય ત્યાં પણ વીજળી પડવાનું જોખમ ઘણું વધી જાય છે. ભારતમાં કેરળ અને મહારાષ્ટ્ર ઉપરાંત ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશમાં વીજળી ત્રાટકવાની ઘટનાઓ સૌથી વધુ બને છે. ઉત્તરાખંડના ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદરીનાથ, ઉત્તર-કાશી વગેરે વિસ્તારોમાં અને મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં વીજળી ત્રાટકવાની ઘટનાઓમાં દર વર્ષે ઘણી વ્યક્તિઓનાં મૃત્યુ થાય છે. આનો અર્થ એવો થયો કે ઉત્તરાખંડની અને નાશિકની જમીનમાં અને ખડકોમાં મૅગ્નેટિક અને તત્વોનું પ્રમાણ વધારે છે.

વીજળીના વિવિધ પ્રકારો

આમ તો આકાશમાં ચમકતી વીજળી એકસરખી લાગે, પરંતુ હકીકત એ છે કે હવામાનશાસ્ત્રીઓએ સઘન સંશોધન અને અભ્યાસના આધારે વીજળીના પણ જુદા-જુદા પ્રકાર નક્કી કર્યા છે. ઉદાહરણરૂપે ક્લાઉડ-ટુ-ક્લાઉડ લાઇટનિંગ (એટલે કે વાદળાથી વાદળા સુધી થતી વીજળી), પૉઝિટિવ લાઇટનિંગ, રિબન લાઇટનિંગ, ફોર્કડ લાઇટનિંગ, રૉકેટ લાઇટનિંગ, બૉલ લાઇટનિંગ, બ્લુ લાઇટનિંગ, અપર ઍટ્મોસ્ફિયરિક લાઇટનિંગ વગેરે. રળિયામણી, મનોહર અને હરિયાળી પ્રકૃતિનાં આ બધાં ભયાનક અને બિહામણાં સ્વરૂપો પણ જાણવા-સમજવાં જેવાં છે.           

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2012 06:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK