સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 43

Published: Jun 16, 2019, 11:36 IST | ગીતા માણેક

લોહી રેડ્યા વિના હિન્દુસ્તાનને છિન્નભિન્ન થતું રોકવાનો જંગ આલેખતી ડૉક્યુ-નૉવેલ

સરદાર: ધ ગેમ-ચેન્જર
સરદાર: ધ ગેમ-ચેન્જર

એ તેરમી સપ્ટેમ્બર, ૧૯૪૭નો દિવસ હતો.

જૂનાગઢનો પ્રસ્તાવ સ્વીકારીને એને પાકિસ્તાનમાં સામેલ કરવાનું લિયાકત અલીએ જાહેર કરી દીધું છે. બપોરના ભોજન માટે ઘરે આવેલા સરદાર જમીને સોફા પર બેઠા કે તરત જ વી. પી. મેનને સમાચાર આપ્યા.

પાકિસ્તાન જો બધા જ નીતિનિયમોને ઘોળીને પી જતું હોય તો પછી આપણે પણ રણનીતિ બદલવી જ પડશે. જૂનાગઢના પ્રસ્તાવને સ્વીકારીને એને પાકિસ્તાનનો હિસ્સો જાહેર કરવાના વડા પ્રધાન લિયાકત અલીના નિવેદનથી સરદાર ઊકળી ઊઠ્યા.

જૂનાગઢમાં હવે આપણે વધુ આક્રમક નીતિ અપનાવ્યા સિવાય છૂટકો નથી. વી. પી. મેનને સરદાર સાથે સહમતી દર્શાવી.

હવે સવાલ ફક્ત જૂનાગઢનો નથી, હૈદરાબાદ અને કાશ્મીરમાં પણ આ જ નિયમ લાગુ થશે. જૂનાગઢમાં બહુમતી પ્રજા હિન્દુ છે અને શાસક નવાબ છે એટલે પાકિસ્તાન એના પર ડોળો નાખતું હોય તો પછી કાશ્મીરમાં એવી જ તો સ્થિતિ છે. ત્યાં પ્રજા મુસ્લિમ અને શાસક હિન્દુ છે. સરદારની અકળામણ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.

અત્યાર સુધી જૂનાગઢ અને હૈદરાબાદના બખેડામાં વ્યસ્ત રહેલા સરદારે કાશ્મીર તરફ નજર દોડાવી નહોતી. જોકે જ્યારે રૅડક્લિફે ખેંચેલી લાઇને ગુરદાસપુર જિલ્લો ભારતમાં સામેલ કરી નાખ્યો ત્યારે જ સરદારે પોતાની દૂરંદેશીથી ગુરદાસપુરથી જમ્મુ જતો કાચો રસ્તો ડામરનો કરાવી નાખ્યો. મુસ્લિમ બહુમતી હોવાને કારણે કાશ્મીર પાકિસ્તાન સાથે જોડાય એવી સંભાવના વધુ હોવા છતાં સરદારે આ બહુ જ અગત્યનું પગલું અમલમાં મૂકી દીધું હતું. કાશ્મીરમાં બહુમતી પ્રજા મુસલમાન હતી એટલે જો એ પાકિસ્તાન સાથે જોડાય તો એને પોતે સ્વીકારી લેશે એવા મતલબનો પત્ર એ દિવસે સવારે જ સરદારે સંરક્ષણમંત્રી બલદેવ સિંહને લખ્યો હતો. પરંતુ જૂનાગઢમાં બહુમતી હિન્દુ હોવા છતાં ફક્ત શાસક મુસલમાન હોવાને કારણે પાકિસ્તાન એના પર કબજો જમાવવા માગતું હોય તો કાશ્મીરના મુદ્દે ભારતે નમતું ન જોખવું જોઈએ એ વિશે સરદારના મનમાં હવે કોઈ દ્વિધા રહી નહોતી. જૂનાગઢ, હૈદરાબાદની જેમ જ કાશ્મીર પણ ભારતનો જ હિસ્સો હોવો જોઈએ એ દૃઢ નિશ્ચય સાથે તેમણે એક પછી એક પગલાં લેવા માંડ્યાં. તેમણે તરત જ તેમના ખાનગી સેક્રેટરી વી. શંકરને બોલાવીને સૂચનાઓ આપી.

ખાનગી વિમાન કંપનીઓનો સંપર્ક કરી દિલ્હી અને શ્રીનગર વચ્ચે વિમાનસેવા શરૂ કરાવો. અમૃતસર અને જમ્મુ વચ્ચે ટેલિગ્રામ સર્વિસ અને પઠાણકોટ-જમ્મુ વચ્ચે ટેલિફોન તેમ જ ટેલિગ્રામ સર્વિસ વહેલામાં વહેલી તકે શરૂ થાય એની ગોઠવણ કરાવો. કાશ્મીર મેળવવા માટેની પૂર્વતૈયારીઓનો તેમણે આરંભ કરી દીધો.

એક અઠવાડિયા બાદ તેમણે કાશ્મીરના મહારાજા હરિ સિંહને એક પત્ર લખ્યો.

માય ડિયર મહારાજાસાહેબ,

મને એ જાણીને આનંદ થયો છે કે નામદાર સાહેબે ન્યાયાધીશ મહેરચંદ મહાજનને કાશ્મીરના દીવાન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ એક ડહાપણભર્યું પગલું છે. અમારા તરફથી તેમને પૂરો ટેકો તથા સહકાર મળશે એવું મેં તેમને વચન આપ્યું છે. હું આપ નામદારને ખાતરી આપવા માગું છું કે તમારા રાજ્યને આ વિષમ સ્થિતિમાં શક્ય એટલી બધી જ મદદ પહોંચાડીશું.

આપનો વિશ્વાસુ

વલ્લભભાઈ પટેલ

રાજકીય શતરંજની આ એક મહત્વની ચાલ હતી. કાશ્મીરના દીવાન રામચંદ્ર કાક પાકિસ્તાનમાં જોડાવાના હિમાયતી હતા એટલે મહારાજા હરિ સિંહે તેમને હટાવીને જનરલ જનક સિંહ કટોચને દીવાન તરીકે નીમી દીધા હતા. પરંતુ હકીકતમાં તેઓ મહેરચંદ મહાજનને દીવાનપદું સોંપવા માગતા હતા. એ વખતે મહેરચંદ મહાજન પંજાબ હાઈ કોર્ટના ન્યાયાધીશ હતા. સરદારે તરત જ મહાજનનો સંપર્ક કરીને કાશ્મીરના દીવાન તરીકેની નિમણૂક સ્વીકારી લેવાનો આદેશ આપ્યો. આ પદ સંદર્ભેની જરૂરી સૂચનાઓ પણ તેમને આપવામાં આવી અને હાઈ કોર્ટમાંથી તેમની આઠ મહિનાની રજા મંજૂર કરવામાં આવી. રાજનીતિની ભાષામાં કહીએ તો સરદારે કાશ્મીરમાં પોતાનું એક મહોરું ગોઠવી દીધું.

દરમિયાન અન્ય એક ઘટના બની જેનો ફાયદો સરદારે લઈ લીધો. કાશ્મીરના લશ્કરના કમાન્ડર-ઇન-ચીફ મેજર જનરલ સ્કૉટ નિવૃત્ત થવાના હતા. આ બ્રિટિશ અધિકારી હતા. મહારાજા હરિસિંહે તેમની જગ્યાએ નિયુક્ત કરવા માટે હિન્દુસ્તાનના લશ્કરના લેફ્ટનન્ટ કર્નલ કશ્મીરસિંહ કટોચની માગણી કરી. જ્યારે સરદાર સુધી આ વાત પહોંચી તો તેમણે સંરક્ષણ પ્રધાન બલદેવસિંહને તાબડતોબ આ માગણી સ્વીકારી લેવાની સૂચના આપી.

હું જાણું છું કે અત્યારના સંજોગોમાં કાશ્મીરસિંહ કચોટ જેવા અધિકારીની આપણા લશ્કરમાંની ગેરહાજરી તમારા માટે મુશ્કેલી વધારશે. પરંતુ આપણા પોતાના લશ્કરના એક ઉચ્ચ અધિકારી કાશ્મીરની સેનાના કમાન્ડર-ઇન-ચીફ હોય એ બાબત આપણા માટે અત્યંત લાભદાયક સાબિત થશે.

સરદારે પાકિસ્તાનમાં બીજું મહોરું ગોઠવી દીધું.

€ € €

આપણે બહુ જ વિષમ સ્થિતિમાં મુકાઈ ગયા છીએ. મહારાજા હરિસિંહના માથા પર સળ ઊપસી આવ્યાં.

આપણે હવે નિર્ણય લેવામાં બહુ સમય ગુમાવી શકીએ એમ નથી. એ વખતના દીવાન જનરલ જનક સિંહ કટોચે પોતાનો મત આપ્યો.

નિશ્ચિત જ તમારી વાત સાચી છે. પરંતુ પાકિસ્તાનનો તો પાયો જ મજહબ છે. એક મુસલમાન રાષ્ટ્ર સાથે આપણે કઈ રીતે જોડાઈ શકીએ?

હું સમજી શકું છું મહારાજા, પણ આપણી પ્રજા મુસ્લિમ છે એ વાત આપણે ભૂલવી ન જોઈએ.

હરગિજ નહીં. આપણી પ્રજા કાશ્મીરી છે. મહારાજા હરિસિંહનું હૃદય તેમની પ્રજા માટે દ્રવી ઊઠ્યું. પોતાના રાજપાટ જેટલો જ પ્રેમ હરિસિંહને પ્રજા માટે હતો પછી એ મુસ્લિમ હોય કે હિન્દુ. એક પ્રગતિશીલ રાજા તરીકેની તેમની ખ્યાતિ હતી. તેમના રાજ્યમાં મંદિરના દરવાજા બ્રાહ્મણથી માંડીને નીચલામાં નીચલી જાતિ માટે ખુલ્લા હતા. આ કદાચ એકમાત્ર રાજ્ય હતું જ્યાં દરેક બાળક માટે શિક્ષણ જબરન (ફરજિયાત) હતું.

હિન્દુસ્તાન સાથે આપણે જોડાઈએ એવી ઇચ્છા તો વાઇસરૉયની પણ છે. જનરલ જનકસિંહે યાદ દેવડાવ્યું.

પરંતુ મારી નથી. કાશ્મીર સ્વતંત્ર રાજ્ય શા માટે ન રહી શકે? મહારાજા હરિસિંહનું મન બન્નેમાંથી એક પણ રાષ્ટ્ર સાથે જોડાવા માટે માનતું નહોતું.

આ તબક્કે આપણે હિન્દુસ્તાન અને પાકિસ્તાન બન્ને સાથે સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટ કરીએ અને પછી સંજોગો કેવા સર્જા‍ય છે એ પરથી નક્કી કરીશું. જનરલ જનક સિંહે નિર્ણય લેવા માટે સમય મેળવવાનો વચલો રસ્તો સૂચવ્યો.

મહારાજા હરિસિંહે દીવાનના આ સૂચન મુજબ પાકિસ્તાન અને હિન્દુસ્તાન બન્ને સાથે સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટ કરવાનું ઠરાવ્યું. હિન્દુસ્તાન જૂનાગઢ, હૈદરાબાદ અને શરણાર્થીઓ ઉપરાંત અનેક સમસ્યાઓથી ઘેરાયેલું હોવાને કારણે મહારાજાના સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટ પર સહી કરવાના પ્રસ્તાવ માટે સમય ફાળવી શક્યું નહીં. દરમિયાન પાકિસ્તાને સ્ટૅન્ડસ્ટીલ અથવા જૈસે થે સ્થિતિ જાળવી રાખવાના કાગળ પર તો સહી કરી નાખી, પણ કાશ્મીરને અંદરખાનેથી કનડવાની યોજના બનાવતું રહ્યું. પાકિસ્તાન તરફથી કાશ્મીરને અનાજ, પેટ્રોલ અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો જે પુરવઠો મોકલવામાં આવતો હતો એને બંધ કરી દેવામાં આવ્યો. કાશ્મીર પર આ રીતે દબાણ લાવી એને પાકિસ્તાન સાથે જોડાવા માટે મજબૂર કરવાનો આ કારસો હતો. વિકટ સ્થિતિમાં ફસાયેલા હરિસિંહે જ્યારે ભારત પાસે ૫૦૦૦ ગૅલન પેટ્રોલની માગણી કરી ત્યારે ભારત પોતે મુશ્કેલીમાં હોવા છતાં હરિસિંહને ૫૦૦ ગૅલન પેટ્રોલ મોકલી આપવામાં આવ્યું. આ બધા દ્વારા હિન્દુસ્તાન મહારાજાને એટલો જ સંદેશો પહોંચાડવા માગતું હતું કે એ કાશ્મીરની પડખે ઊભું છે.

ફક્ત આર્થિક રીતે જ નહીં પણ કાશ્મીર પર આક્રમણ કરવાની તૈયારીઓ પણ પાકિસ્તાન કરી રહ્યું હતું. આ બાબતની જાણ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને થઈ ત્યારે તેમણે સરદારને એક પત્ર લખ્યો, જેમાં તેમણે લખ્યું કે પાકિસ્તાનના હિસ્સાનું પંજાબ અને નૉર્થ-વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સની મુસ્લિમ લીગ કાશ્મીરમાં ઘૂસવા માટેની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાનનો વ્યૂહ એવો છે કે અત્યારે કાશ્મીરમાં ઘૂસવું અને શિયાળો આવે ત્યારે કાશ્મીર લગભગ એકલુંઅટુલું પડી જાય ત્યારે કોઈ મહત્વનું પગલું ભરવું. મને લાગે છે કે મહારાજા અને તેમનું લશ્કર આ પરિસ્થિતિનો કોઈની મદદ વિના સામનો નહીં કરી શકે. જો તેમના પોતાના લોકો બળવો કરશે તો તેમના માટે મુશ્કેલીઓ વધી જશે. એટલા માટે એ જરૂરી છે કે મહારાજાએ નૅશનલ કૉન્ફરન્સ સાથે હાથ મેળવી લેવા જોઈએ જેથી તેમને પાકિસ્તાન સામે લોકોનો સહકાર મળી રહે. મારી દૃષ્ટિએ મહારાજા પાસે હવે અન્ય કોઈ ઉપાય બચતો નથી. તેમણે શેખ અબદુલ્લાને જેલમાંથી છોડવા જ પડશે અને તેમની સાથે મૈત્રીભર્યો વ્યવહાર કરવો પડશે. મહારાજાએ વહેલામાં વહેલી તકે હિન્દુસ્તાન સાથે જોડાઈ જવું એ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. મને લાગે છે કે મહારાજા અને નૅશનલ કૉન્ફરન્સ વચ્ચે સમાધાન થઈ જાય એ પણ એટલું જ જરૂરી છે. જો તમે મહારાજા હરિસિંહ કે દીવાન મહાજનને આ મુજબની સલાહ આપશો તો એનું બહુ વજન પડશે.

કાશ્મીર જવાહરલાલ નેહરુને અતિશય વહાલું હતું. તેમની કહેવાતી પ્રેમિકા લૉર્ડ માઉન્ટબૅટનની પત્ની એડ્વિનાને તેમણે કાશ્મીર માટેના પોતાના પ્રેમનું બયાન કરતાં લખ્યું હતું -

આ પણ વાંચો : સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 42

માય ડિયર એડ્વિના,

કાશ્મીરનું મારા હૃદયમાં એક અલગ સ્થાન છે. કાશ્મીરનો મને કેફ ચડે છે - જેમ સંગીત કે પ્રિયજનની હાજરીનો એક ઘેરો નશો હોય છે. વર્ષો જેલમાં વિતાવવાને કારણે હું કાશ્મીર જઈ શકતો નહોતો અને અહીં વારંવાર આવવાની ઇચ્છા મારા માટે ઘેલછા બની ગઈ છે. આ માત્ર અહીંના સૌંદર્યને લીધે નથી. જોકે મને સૌંદર્ય અને સુંદર વસ્તુઓ અતિ પ્રિય છે, પરંતુ કાશ્મીરની હવામાં જ એવું કંઈક છે જે અકળ અને પોતાની પાશમાં બાંધી લે એવું છે.

તારો જ જવાહર (ક્રમશ:)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK