શું હંમેશાં સારું પરિણામ લાવવાનું શક્ય હોય છે?
પોતાના વ્યવસાયમાં પરિણામની અસરથી અલિપ્ત રહેવાનું અને પોતાના કાર્યની માનવીય અસર ઉપસાવવાનું ઘણી વાર શક્ય નથી હોતું. ફાઇનૅન્સની માનવીય અસર વિશે પ્રા. મિહિર દેસાઈનું વક્તવ્ય સાંભળતી વખતે મને આ વિચાર આવ્યો.
દેસાઈએ કહ્યું હતું, ‘નાણાકીય સંચાલન કરનારા વ્યવસાયીઓ પોતાના કામકાજ દરમ્યાન ટેãક્નકલ પાસાંની ચર્ચા કરતા જોવા મળે છે, પરંતુ એ વખતે તેઓ ભૂલી જાય છે કે આખરે તો લોકોના પૈસાનો સવાલ છે.
ADVERTISEMENT
મારા કૉલેજકાળમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક કહેતા કે પૈસાનો જેવો ઉપયોગ કરો એના પરથી એનું મહત્વ સિદ્ધ થાય છે. નાણાંનો ઉપયોગ કોઈકના નિવૃત્તિકાળનું આયોજન કરવા માટે છે કે પછી યુરોપના પ્રવાસ માટે છે, સખાવતી પ્રવૃત્તિ માટે છે કે પછી બાળકની કૉલેજની ફી માટે છે એના આધારે તેનું મહત્વ નક્કી થાય છે.
અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે ત્યારે તમે નાણાકીય બાબતનો બોજ મન પર લઈને ચાલો તો એ ઘણું નુકસાન કરી શકે છે. બજારમાં જે ચાલી રહ્યું છે તેની પાછળનો તર્ક સમજાવવાનો પ્રયાસ કરશો તો તમને પોતાને ગુનાહિત લાગણી અનુભવાશે અને તમે ધીરજ ગુમાવી બેસશો.
આવા સંજોગોમાં મનની સમતુલા કેવી રીતે રાખવી? આવા સમયે માનવીયતાને ધ્યાનમાં રાખીને ચાલવું. એમ કરીને વ્યવસાયીઓ પોતાના ક્લાયન્ટની લાગણીનું માન રાખી શકશે અને તેમણે મૂકેલા વિશ્વાસને કારણે પોતાના પર આવતી જવાબદારીને સમજી શકશે.
તત્કાળ જે પરિણામ આવશે તેના પર પોતાનો કોઈ કાબૂ નહીં હોય એવું સ્વીકારવાની નમ્રતા વ્યવસાયીમાં હોવી જોઈએ. લાંબા ગાળાનાં પરિણામ પર જ લક્ષ રાખવું જોઈએ.’’
ગયા મહિને હું જ્યારે પોલ કલાનિધિલિખિત પુસ્તક ‘વોન બ્રેથ બીકમ્સ ઍર’ વાંચી રહ્યો હતો ત્યારે પ્રા. દેસાઈનાં વિધાનો વિશે વિચાર કરી રહ્યો હતો. પોલે પુસ્તકના પૂર્વાર્ધમાં ન્યુરોસર્જરીને માનવીય બનાવવા વિશે વાત કરી છે. તેમનું કહેવું છે કે ન્યુરોસર્જરીનું ક્ષેત્ર જીવનને અર્થપૂર્ણ બનાવનારું છે, કારણ કે તેમાં દરદીનું મગજ સાબૂત રાખવામાં આવે છે.
હૉસ્પિટલમાં આપણે જોઈએ છીએ કે ડૉક્ટરની કરુણા-અનુકંપા ઘણું મોટું કામ કરી જાય છે. તેનાથી દરદીને સારું લાગે છે અને દરદ ઘટી જાય છે. આમ છતાં, ડૉક્ટરોએ પોતાના કાર્યના પરિણામની ચિંતા કરવાની ન હોય. તેમણે સાક્ષીભાવે કામ કરવાનું હોય છે. હાથમાં શસ્ત્રક્રિયાનું ઓજાર લઈને એ કોઈ બીજા વિચાર કરી શકે નહીં. તેણે તો એ વખતે જે કામ અભિપ્રેત કે નિર્ધારિત હોય એ જ કરવાનું હોય છે.
દરદીના પરિવાર કે તેના સંજોગો વિશે ડૉક્ટરે વિચાર કરવાનો ન હોય. એ વિચાર કરવા બેસે તો તેનું કામ બગડી જવાનું જોખમ ઊભું થાય છે. દરદી ગુજરી જવાનું જોખમ દરેક શસ્ત્રક્રિયામાં હોય છે. એ વખતે જો ડૉક્ટર આ બાબતે શંકાશીલ બની જાય તો તેના હાથ થરથરવા લાગે અને ન થવા જેવું થઈ જાય.
ડૉક્ટરો માટે દરદીનું મૃત્યુ કોઈ નવી વાત હોતી નથી. તેમણે તો એ વખતે મેડિકલ બાબતોને જ ધ્યાનમાં રાખવાની હોય, અંગત નહીં. જો એ અંગત બાબતોનો વિચાર કરવા લાગે તો ડિપ્રેશનમાં આવી જાય. મેડિકલ બાબતો પર લક્ષ હોવા છતાં તેણે દરદીના સંબંધીઓની સાથે વાતચીત કરતી વખતે અનુકંપા દર્શાવવી પડે છે. ડૉક્ટરનું કામ દરદીને સાજોમાજો કરવાનું હોય છે.
આ પણ વાંચો : કૉલમ: યુદ્ધ અને મત બન્ને એકસમાન છે
ડૉક્ટર, વકીલ, નાણાકીય સલાહકાર વગેરે જેવા વ્યવસાયીઓ કયા સંજોગોમાં કામ કરે છે અને તેણે કેવી રીતે મન અને કર્મ વચ્ચે સમતુલા રાખવી પડે છે એનો વિચાર ક્લાયન્ટના પરિવારે કરવાનો હોય છે. તેમણે પરિણામનો નહીં, પણ વ્યવસાયીએ દાખવેલી પ્રામાણિકતા, કાબેલિયત, ખંત જેવા ગુણોનો વિચાર કરવાનો હોય છે. પરિણામ એ કોઈના હાથની વાત નથી. આ વાતને ધ્યાનમાં રાખનાર ક્લાયન્ટ પોતાના માટે ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકે છે.
(લેખક CA, CFP અને FRM છે)


