Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કૉલમ: યુદ્ધ અને મત બન્ને એકસમાન છે

કૉલમ: યુદ્ધ અને મત બન્ને એકસમાન છે

Published : 28 April, 2019 01:17 PM | IST | મુંબઈ
આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી

કૉલમ: યુદ્ધ અને મત બન્ને એકસમાન છે

ઈલેક્શન 2019

ઈલેક્શન 2019


આવતી કાલે આપણે સૌએ વોટ આપવાનો છે. વોટિંગનો દિવસ આવે ત્યારે હંમેશાં બે પ્રકારના લોકો જોવા મળતા હોય છે. એક તો વોટ આપવા માટે થનગનતા લોકો અને બીજા હોય છે એવા લોકો જેઓ આ દિવસે આરામથી પોતાનું કામ કરે અને કાં તો મસ્ત રીતે આરામ ફરમાવે. એક કહેતું હોય વોટ આપવો જોઈએ અને બીજો કહેતો હોય કે વોટ આપીને પણ શું કરીશું, દેશ આમ જ ચાલવાનો છે, એમાં કોઈ બદલાવ નથી થવાનો, પણ મારે કહેવું છે કે જો ચેન્જ થવાનો હોય તો નિમિત્ત શું કામ ન બનવું અને જો ચેન્જ ન જ થવાનો હોય અને તમારા વોટથી એની શરૂઆત થતી હોય તો શું કામ ચેન્જને વેલકમ કરવા રાજી નથી થતા.

આજે આપણે વાત કરવી છે કેટલાંક એવાં કારણોની, જેમાં વોટ આપવા માટેની આપણી જે ટિપિકલ સમજણ છે એને નવું બૂસ્ટ મળે અને નવી જનરેશનને પણ વોટ આપવા જવા વિશે વિચાર થાય. પહેલાં વાત કરીએ વોટ શું કામ આપવો જોઈએ એની.



મતદાન, દેશ માટે : સૌથી પહેલાં તો એ વાત યાદ રાખજો કે તમારે મતદાન દેશ માટે કરવાનું છે. વોટ આપવો એ આપણો ધર્મ છે અને ફરજ પણ છે. એક વખત પૂજા નહીં થાય તો ચાલશે, શાંતિપાઠ નહીં બોલો તો પણ ચાલશે અને નવકાર ગણવાના ભૂલી જાઓ તો પણ એ માફ છે, પણ દેશ પ્રત્યેની આ ફરજ ચૂકવાની નથી. અને જો એ ફરજમાંથી ચુકાઈ જવાતું હોય તો પછી ક્યારેય ફરિયાદ કરવાની નથી. કારણ સ્પષ્ટ છે, જે ફરજ નિભાવો નહીં એ ફરજ સાથે આવતી સુવિધાઓના અભાવ માટે ક્યારેય ફરિયાદ ન કરો. દેશ માટે જો તમને પ્રેમ હોય અને આદર હોય તો દેશને જરૂર છે એ સમયે તમારે ઊભા રહેવાનું છે. જરૂરી નથી કે તમે દેશની સેવા બૉર્ડર પર જઈને જ કરો, તક મળે ત્યારે દેશમાં રહીને પણ દેશની સેવા કરી શકાય છે. વોટ આપવો એ એવી જ સેવાની એક તક છે. દેશ માટે આપણે સાથે મળીને એવી વ્યક્તિને પસંદ કરવાની છે જે આવનારાં પાંચ વર્ષ આપણા દેશની સેવા કરે, દેશને આગળ વધારે.


સ્વ માટે મતદાન : મતદાન એ દેશ માટેની ફરજ છે તો એ જ ફરજ જાત સાથે પણ લાગુ પડે છે. તમે જે દેશમાં રહો છો એ દેશમાં તમારે કામ કરવાનું છે, અહીં જ જીવવાનું છે અને અહીં જ મરવાનું છે તો એ દેશ પાસેથી તમને પણ અપેક્ષાઓ હશે. જો એ બધી અપેક્ષાઓ પૂરી થાય એવું ઇચ્છતા હો તો તમારે વોટ કરવો જરૂરી છે. બદલાવ દરેક જગ્યાએ જરૂરી છે અને જો એ બદલાવ ન આવ્યો તો જીવન અટકી જવાનું છે એટલે બદલાવ લાવવા માટે, નવી શરૂઆત માટે અને નવા આરંભ માટે પણ તમારો વોટ આવશ્યક છે. આપણે જે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાપરીએ છીએ એ દેશને આગળ વધારવા માટે, આગળ લઈ આવવા માટે થોડું સેલ્ફિશ બનવું પડશે અને એ સ્વાર્થ ખાતર પણ વોટ આપવા જવું જરૂરી છે. તમારે બીજા માટે નહીં, તમારા માટે મતદાન કરવાનું છે. તમારી સુવિધા અને તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને મતદાન કરવાનું છે.

આ કારણો પછી હવે વાત કરીએ એવા જવાબોની જે જવાબોમાં મોટા ભાગે બેદરકારી જ દેખાતી હોય છે અને બેદરકારીને લીધે જ લોકો મતદાનના દિવસે પોતાની ફરજથી અલગ થઈ જાય છે. બેદરકારી ભરેલા જવાબો આપણે સાંભળીએ છીએ, જેમાં પહેલો જવાબ હોય છે - ટાઇમ નથી.


ટાઇમ નથી : આવું કહેનારાને ખાસ મારે કહેવાનું કે વોટિંગના દિવસે સરકાર ખાસ રજા આપે છે અને એની અમને બધાને ખબર છે. સરકારનો હેતુ સારો છે કે રજા હોય તો બધા દેશધર્મ નિભાવી શકે અને એ પછી પણ ટાઇમ નથી એવી દલીલ કરીને અમુક લોકો વોટ આપવા જતા નથી. ટાઇમ શેમાં નથી એ મારે સમજવું છે. આમ તો મને ખબર જ છે કે આ લોકોને ફિલ્મ જોવામાં, ઘરે આરામ કરવામાં, આઉટિંગ પર જવાના કામમાં અને દિવસઆખાને હૉલિડે ગણીને મોજમજા કરવામાં પસાર કરવો છે અને એટલે જ તેમની પાસે ટાઇમ નથી. આ વખતે ટાઇમ નથી એવું કહેતાં પહેલાં ખાલી એટલું જ વિચારવાનું છે કે આજે વોટ ન આપીને ટ્રાફિકની ફરિયાદ કરવાની સત્તા તે ગુમાવી દે છે. ટ્રેનમાં ભીડ છે એવી ફરિયાદ પણ બંધ કરી દેવાની અને જુહુ બીચ પર ગંદકી વધી ગઈ છે એવું કહેવાનો પણ તમને કોઈ અધિકાર નથી. આજે તમને ટાઇમ નથી તો આવતી કાલે તમારી ફરિયાદને પણ અવાજ નથી. સિમ્પલ, અને જો આ સરળ વાત તમને સમજવી ન હોય તો એનાથી પણ સરળતા સાથેની એક વાત, જાઓ અને વોટ આપો.

ગેરહાજરી છે મારી : હું તો બૅન્ગલોર છું, દિલ્હી છું કે પછી ગુજરાત છું. ખાલી વોટ આપવા માટે મુંબઈ આવવું મને મોંઘું પડી જાય અને દોડાદોડી પણ ખૂબ થાય. આવું કરવાને બદલે હું મનોમન વોટ આપી દઉં છું અને દેશને મારો સપોર્ટ તો છે જ. આવું માનનારાઓનો પણ તોટો નથી. ભાઈ, દર ઇલેક્શનમાં ફૉરેનથી વોટ આપવા માટે હજારો લોકો ઇન્ડિયા આવે છે, ફક્ત ને ફક્ત વોટ આપવા. એક વખત આવવાના ૨૦,૦૦૦થી લઈને બે લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે અને એ પછી પણ લોકો આવે છે. આપણે તો દેશમાં જ રહીએ છીએ અને એવા દેશમાં જ્યાં દરેક ગામ અને ગામડાંઓ હવે ટ્રેન-બસથી કનેક્ટ છે તો પછી ફરિયાદ શું કામ. ફ્રેન્ડ્સ, મારે કહેવું છે કે આ જે કોઈ બહાર નોકરી કરે છે કે સેટલ થયા છે એ બધા કાન ખોલીને સાંભળી લે અને મનમાં પણ ઉતારી લે કે જો તમે વોટ આપતા થશો તો જ કદાચ સંજોગો એવા સર્જાશે કે તમારે બહાર કામ કરવા જવું નહીં પડે અને તમે તમારા જ મુંબઈમાં જૉબ કરતા હશો. તમારી લાઇફસ્ટાઇલ પણ એક બેસ્ટ સિટી જેવી જ રહેશે અને ઇન્કમ પણ ઘરઆંગણે જ થતી હશે. આ રીતે ગેરહાજર રહેનારાઓ માટે મને એટલું જ કહેવું છે કે ગેરહાજરીના નામે દેશ માટે ઊભા નહીં રહેવાની આ જે માનસિકતા છે એ માનસિકતા અત્યંત વાહિયાત અને થર્ડ-ક્લાસ છે. જો તમે ઇચ્છતા હો કે આવી થર્ડ-ક્લાસ માનસિકતા તમારા નામે ન બોલાય તો હજી પણ ૨૪ કલાકનો સમય છે તમારી પાસે, તમે આવી જાઓ અને મતદાન કરો. હું મારી વાત કહી દઉં, આ મતદાનના દિવસે હું મતદાન કરવાનો છું અને એ માટે મારે ઑલમોસ્ટ ૯૦૦ કિલોમીટરનું ટ્રાવેલ કરવાનું છે, પણ હું એ કરવા પણ તૈયાર છું. આ દેશ પરનો ઉપકાર નથી, આ મારા પરનો ઉપકાર છે.

ફરક નહીં પડે : પોતાના એક વોટથી કોઈ ફરક પડવાનો નથી એવું માનનારાઓ માટે મને બહુ ખીજ ચડે છે. મોબાઇલમાં પબ્જી રમતા, કૅફે કૉફી ડેની મસ્ત કૉફી પીતા કે પછી મૉલમાં જઈને ‘અવેન્જર્સ એન્ડગેમ’ જોઈને બહાર નીકળીને મને કોઈ કહે છે કે એક વોટથી શું ફરક પડવાનો છે તો ખરેખર મને એને એક ફડાકો મારીને કહેવાનું મન થાય કે તારા જેવી વિચારધારા બધાની નથી એ ખૂબ સારું છે, અન્યથા એવી પરિસ્થિતિ હોત કે મતદાનના દિવસે બધા એમ જ ધારતા હોત કે દેશને એના એક વોટથી કોઈ ફરક નથી પડવાનો. જો દેશને ફરક ન પડવાનો હોત તો કદાચ આજે પણ આપણે હજી ગુલામ જ હોત અને આજે પણ આપણે આઝાદી મેળવવા માટે વલખાં મારતા હોત. એકેક વોટનું મૂલ્ય છે અને ઇતિહાસ વાંચશો તો સમજાશે પણ ખરું કે એક વોટને કારણે આખી સરકાર બદલાય છે અને ઇતિહાસ પણ આખો ચેન્જ થયો છે. મારા એક ફ્રેન્ડે મને કહ્યું કે હું તો ‘નોટા’ આપવાનો છું એટલે ન જાઉં તો પણ ચાલે. ના, ન ચાલે. માન્યું કે તમે નોટા જ સિલેક્ટ કરવાના છો, તમને કોઈ કૅન્ડિડેટ નથી ગમતો, પણ એ કહેવા માટે પણ તમારે વિરોધ નોંધાવવા તો જવું જ પડશે. ઘરમાં બેસીને વિરોધ નોંધાવવાને બદલે બહાર નીકળીને સાચી રીતે તમારો વિરોધ દર્શાવો અને સાચી રીતે તમે એની નોંધ આપો.

આ પણ વાંચો : સમયની દૃષ્ટિએ 1 કલાક પાસે 3600 સેકન્ડ છે જેને તમે દરરોજ બચાવીને ચમત્કાર સર્જી શકો છો

વોટ ઇઝ મસ્ટ. એ નહીં હોય તો નહીં ચાલે. હું તો કહીશ કે આપણી સરકારે એવો કોઈ કાયદો પણ લાવવો જોઈએ કે જે વોટ ન કરે તેણે કાં તો દંડ ભરવો પડે અને કાં તો તેને ઇન્કમ-ટૅક્સમાંથી રિબેટ ન મળે. કંઈ પણ, કંઈક તો કરવું જ જોઈએ. જો કંઈક કરશે તો અને તો જ આપણે વોટ માટે વધારે ગંભીર થઈશું. હું તો કહીશ કે આપણે આ બાબતમાં ગંભીર નથી એટલા ગંભીર આપણે આઇપીએલના સ્કોર બાબતમાં છીએ. ખોટું કહું છું જરા પણ?

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2019 01:17 PM IST | મુંબઈ | આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK