આજના સમયમાં આ દેશમાં સત્ય શોધવા માટે જૂઠનો સહારો લેવો અનિવાર્ય છે

Published: 7th October, 2012 08:03 IST

કેટલાક લોકોનું માનવું છે કે સ્ટિંગ ઑપરેશન ચીટિંગ છે. મને પણ પહેલાં એનો ક્ષોભ થતો, પણ હવે એ સાવ નીકળી ગયો છેકરીઅરનાં પંદર વર્ષ દરમ્યાન અનેક સ્ટિંગ ઑપરેશન કર્યા છે. બીજેપીના બાંગારુ લક્ષ્મણથી લઈને ક્રિકેટર મનોજ પ્રભાકરનું સ્ટિંગ ઑપરેશન પણ હું કે મારી ટીમ કરી ચૂક્યાં છીએ અને લેટેસ્ટ દિવસોમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતા બ્લૅક મનીને કેવી રીતે વાઇટ કરવામાં આવે છે એનું સ્ટિંગ ઑપરેશન પણ અમે કર્યું છે. કેટલાક લોકોનું માનવું છે કે સ્ટિંગ ઑપરેશન એક ચીટિંગ છે. ખોટું બોલીને જે-તે વ્યક્તિ પાસે જવાનું, ખોટું બોલીને મીટિંગ કરવાની, ખોટું બોલીને હકીકત કઢાવવાની અને એ પછી આ હકીકતને લોકોની સમક્ષ મૂકવાની. ખોટું બોલવાની આ રમત સિદ્ધાંત વિનાની છે એવું શરૂઆતમાં મને પણ લાગ્યું હતું, પરંતુ પછી સમજાયું કે આ દેશમાં સત્ય શોધવા માટે હવે જૂઠનો સહારો લેવો અનિવાર્ય છે. બસ, એ દિવસ પછી સ્ટિંગ ઑપરેશન માટે ક્ષોભ નીકળી ગયો. સ્ટિંગ ઑપરેશનની આખી પ્રક્રિયા જેટલી રોમાંચક છે એટલી જ જોખમી પણ છે.

સ્પાય-કૅમેરા સાથે કોઈની ચેમ્બરમાં જવાનું કે કોઈને મળવા જવાનું અને એ પછી કૅમેરામાં એ વાતચીત કે દૃશ્યો રેકૉર્ડ કરી લેવાનાં. સ્ટિંગ ઑપરેશન જોવાની જેટલી મજા આવતી હોય છે એટલું જ એ કામ કરવામાં ડર લાગતો હોય છે. આ ઑપરેશન જોવામાં જેટલી મિનિટમાં પૂરાં થઈ જાય છે એટલા જ મહિનાઓ એને કૅપ્ચર કરવામાં કે પ્રૂફ એકઠા કરવામાં નીકળી જાય છે. મારી કરીઅર દરમ્યાનનાં સાત સ્ટિંગ ઑપરેશન એવાં છે જે માટે અમારી કોબ્રાપોસ્ટ કંપની છેલ્લાં ચાર વર્ષથી કામ કરી રહી છે, પણ હજી સુધી એ પૂરાં નથી થયાં. અનેક વખત એવું બન્યું છે કે સ્ટિંગ ઑપરેશન માટે છ-છ મહિનાની તૈયારીઓ કરી હોય અને એ પછી ઑપરેશન શરૂ થાય ત્યારે એમાંથી કંઈ મળે નહીં. સાચું કહું તો આવું બને ત્યારે ઑપરેશન ફેલ થવાના દુ:ખ કરતાં આનંદ વધુ થતો હોય છે કે અમને મળેલી માહિતી ખોટી પુરવાર થઈ.

થોડા સમય પહેલાં અમને એવી માહિતી મળી હતી જેમાં એક મિનિસ્ટરને એક સોદા માટે બહુ મોટી રકમ મળવાની વાત હતી. અમે પૂરતી તૈયારીઓ કરી અને એ જ પ્રકારના બીજા એક સોદાની તૈયારીઓ કરીને સ્ટિંગ ઑપરેશન ગોઠવ્યું. બધું બરાબર ચાલ્યું અને છેલ્લી ઘડીએ કમિશનની વાત આવી ત્યારે પેલા મિનિસ્ટરે ક્લિયર વર્ડ્સમાં કહી દીધું કે હું કમિશન નથી લેતો, કામ બરાબર થાય એ મારું કમિશન. દેખીતી રીતે અમારું ઑપરેશન ફેલ ગયું હતું, પણ દેશ માટે આ ઑપરેશન સક્સેસફુલ રહ્યું હતું. એ દિવસે મારી ટીમના કેટલાક જુનિયર જર્નલિસ્ટનો મૂડ બગડી ગયો એટલે મેં એ રાતે પાર્ટી આપી અને બધાને સમજાવ્યું કે આ સમયે ખુશ થવાનું હોય, નહીં કે દુ:ખી.

હેતુ મહત્વનો છે

ક્રિકેટના સટ્ટાનું સ્ટિંગ ઑપરેશન અમે ‘આઉટલુક’ મૅગેઝિન માટે કર્યું હતું. એ સમયે સ્ટિંગ ઑપરેશન આપણા દેશ માટે નવું હતું અને એનું એક્સાઇટમેન્ટ પણ હતું. ક્રિકેટના સટ્ટામાં અઝહરુદ્દીન, અજય જાડેજા અને મનોજ પ્રભાકર જેવા પ્લેયર્સની સાથે સાઉથ આફ્રિકાના પ્લેયર્સનાં નામ ખૂલ્યાં એટલે દેશભરમાં સન્નાટો છવાઈ ગયો હતો. એ પછી લોકોને આ સ્ટિંગ ઑપરેશનમાં રસ પડવો શરૂ થયો અને લગભગ પાંચેક વર્ષ પછી જરૂરી ન હોય એવી ઘટનાઓમાં પણ સ્ટિંગ ઑપરેશન શરૂ થઈ ગયાં હતાં. મોટા ભાગનાં સ્ટિંગ ઑપરેશન લેધર-કરન્સી (કૉલગર્લ અને સેક્સને લગતાં) હતાં જેને કારણે થોડા સમય માટે મિડિયા-ઇન્ડસ્ટ્રી પણ બદનામ થઈ અને ન્યુઝચૅનલની ઇમેજ પણ ખરડાઈ. કોઈ સાધુની સેક્સલીલા, કોઈ ઍક્ટરનું કાસ્ટિંગ કાઉચ, પૉલિટિશ્યિનનું સેક્સ-રૅકેટ અને એવું જ બધું પકડવામાં આવતું હતું. હું અંગતપણે માનું છું કે સમાજને અત્યંત જરૂરી હોય એ પ્રકારના સ્ટિંગ ઓપરેશન માટે અસત્યનો સહારો લેવાનો હોય, ન કે કોઈના અંગત રિલેશનની ખુલ્લામાં ચર્ચા કરવા. હું એવું નથી કહેતો કે કોબ્રાપોસ્ટ મિડિયા ક્યારેય એ પ્રકારનું સ્ટિંગ ઑપરેશન નહીં કરે. ડેફિનેટ્લી કરશે, પણ જરૂરી હશે તો જ અને એ ન્યુઝથી સોસાયટીના મોટા હિસ્સાને ફાયદો થતો હશે તો જ. એ પછી પણ જો આ સ્ટિંગની સામે મને રાષ્ટ્રીય હિતની કોઈ વાત મળશે અને એ માટે સ્ટિંગ ઑપરેશન કરવાનું હશે તો જાતીય શોષણને કદાચ સાઇડ પર મૂકીને પહેલાં રાષ્ટ્રીય હિતના ઑપરેશન પર કામ કરવાનું વધુ પસંદ કરીશ. અહીં વાત નીતિમત્તા અને સિદ્ધાંતની આવે છે. સ્ટિંગ ઑપરેશનનો હેતુ પણ એ જ હોવો જોઈએ. જો આ હેતુ ભૂલી જઈએ તો ગૉસિપ અને નૅશનલ ઇન્ટિિગ્રટી વચ્ચે કોઈ તફાવત નહીં રહે.

મળ્યાં કેટલાક મર્દ પણ...

સ્ટિંગ ઑપરેશન દરમ્યાન અનેક વખત એવું બન્યું છે કે રિપોર્ટર ફસાતાં કે પકડાતાં સહેજમાં બચી ગયો હોય. એક વખત એક રિપોર્ટર પકડાઈ પણ ગયો હતો. પકડાયેલા એ રિપોર્ટરની સાથે સહેજ પણ આછકલાઈભર્યું વર્તન કર્યા વિના પેલા માણસે તેને રવાના કર્યો અને પછી અમે તપાસ કરી તો ખબર પડી કે તેની સાથે એક સમયે જોડાયેલા સાથીએ પોતાના એ જૂના સાથીદારની બદનામી થાય એ માટે આખી ગેમ બનાવી હતી અને એમાં મિડિયાનો, અમારો ઉપયોગ હાથા તરીકે કરવામાં આવ્યો હતો. જરૂરી નથી કે આવું દરેક તબક્કે બને. દેશના એક સ્ટેટમાં અમે કોમી દંગલ અને પૉલિટિક્સના કૉમ્બિનેશન પર સ્ટિંગ ઑપરેશન કરવાનું શરૂ કર્યું ત્યારે અમને અનેક ધમકીઓ મળી હતી. અલબત્ત, એ સ્ટિંગ ઑપરેશન હજી બાકી છે અને એ જ્યારે બહાર આવશે ત્યારે કદાચ આ દેશ જબરદસ્ત આઘાત અનુભવશે.   

કાશ, હું નિષ્ફળ જઉં


સામાન્ય રીતે લોકો કામમાં સફળ થવાની અપેક્ષા રાખતા હોય છે, પણ હું તો ઇચ્છું કે આપણા દેશમાં એવી સ્થિતિ નિર્માણ થાય જ્યાં મારા જેવું કામ કરનારાઓને નિષ્ફળતા મળે અને સ્ટિંગ ઑપરેશન દરમ્યાન તેમના હાથમાં કંઈ ન આવે. આવું બનશે ત્યારે દેશમાં રામરાજ્ય હશે અને દેશનો દરેકેદરેક નાગરિક સુખી હશે એવું મારું દૃઢ માનવું છે. કાશ, એવો દિવસ વહેલો આવે; કાશ, હું મારા કામમાં નિષ્ફળ જઉં અને કાશ, મારે બીજું કોઈ કામ શોધવું પડે.

અનિરુદ્ધ બહલ

૪૭ વર્ષના અનિરુદ્ધ બહલ ભારતના ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમના આઇકન સમાન છે. ‘ઇન્ડિયા ટુડે’ મૅગેઝિનમાં એડિટર (ફીચર્સ) અને ‘આઉટલુક’ મૅગેઝિનમાં એડિટર (સ્પેશ્યલ સ્ટોરીઝ)ની પોઝિશન પર રહી ચૂકેલા અનિરુદ્ધ બહલ અત્યારે cobrapost.com નામની વેબસાઇટના એડિટર છે અને કોબ્રાપોસ્ટ મિડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર છે. કોબ્રાપોસ્ટ શરૂ કરતાં પહેલાં અનિરુદ્ધ બહલે જાણીતા પત્રકાર તરુણ તેજપાલ સાથે ૧૯૯૯માં ‘તહલકા’ નામની વેબસાઇટ અને સ્ટિંગ ઑપરેશન કરતા મિડિયા હાઉસની શરૂઆત કરી, જેણે ‘આઉટલુક’ સાથે અનેક સ્ટિંગ ઑપરેશન કર્યા અને દેશભરમાં તહલકો મચાવી દીધો. ‘તહલકા’ માટે અનિરુદ્ધ બહલ અને તરુણ તેજપાલે સટ્ટા સાથે સંકળાયેલા ક્રિકેટરોને ખુલ્લા પાડતું સ્ટિંગ ઑપરેશન કર્યું હતું, જેમાં અનેક ક્રિકેટરોનાં કાળાં કામ ખુલ્લાં પડ્યાં હતાં. આ સિવાય લાંચ લેતા પૉલિટિશ્યનના સ્ટિંગ ઑપરેશનમાં પણ અનિરુદ્ધ બહલે અનેક પૉલિટિશ્યનને ખુલ્લા પાડ્યા હતા તો ડિફેન્સ મિનિસ્ટ્રીમાં લેવામાં આવતા કમિશનને ખુલ્લું પાડતું સ્ટિંગ ઑપરેશન દેશભરમાં સનસનાટી મચાવી ગયું હતું. ‘તહલકા’માંથી છૂટા થયા પછી અનિરુદ્ધ બહલે કોબ્રાપોસ્ટ નામની વેબસાઇટ અને મિડિયા કંપની શરૂ કરી, જેમાં અત્યાર સુધીમાં નવથી વધુ સક્સેસફુલ સ્ટિંગ ઑપરેશન થયાં છે. તેઓ પત્રકાર ઉપરાંત લેખક પણ છે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK