Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > માઇક્રોસૉફ્ટ ઑફિસની મજા હવે સ્માર્ટફોનમાં

માઇક્રોસૉફ્ટ ઑફિસની મજા હવે સ્માર્ટફોનમાં

16 November, 2014 07:32 AM IST |

માઇક્રોસૉફ્ટ ઑફિસની મજા હવે સ્માર્ટફોનમાં

માઇક્રોસૉફ્ટ ઑફિસની મજા હવે સ્માર્ટફોનમાં




વેબ-વર્લ્ડ - આર્યન મહેતા




૧૯૮૮ની ૧ ઑગસ્ટે બિલ ગેટ્સ નામના મહાશયે અમેરિકાના લાસ વેગસમાં માઇક્રોસૉફ્ટ વિન્ડોઝના લૉન્ચિંગનું શ્રીફળ વધેર્યું હતું. એ પછી તો સાઇબર ગંગામાં હજારો ગિગાબાઇટ્સનું ડિજિટલ પાણી વહી ગયું છે. પરીકથાના રાજકુમારની જેમ માઇક્રોસૉફ્ટ ઑફિસ નામનું વિવિધ સર્વિસિસનું ફીંડલું લોકોને એવું ફાવી ગયું કે આજની તારીખે વિશ્વના એક અબજથી પણ વધુ લોકો એનો ઉપયોગ કરે છે. પરંતુ ઈ-જમાનો એવો પલટાયો કે લોકો હવે પોતાનું બેસિક ઇન્ટરનેટ સર્ફિંગ અને કમ્પ્યુટર પરનું સારું એવું કામ સ્માર્ટફોન કે ટૅબ્લેટમાંથી જ પતાવતા થઈ ગયા છે. એટલે અગાઉ જ્યાં ડેસ્કટૉપ કે લૅપટૉપ પર ચોંટી રહેવાની ફરજ પડતી હતી એને બદલે ‘દીવાર’ ફિલ્મના અમિતાભ બચ્ચનના ડાયલૉગમાં ફેરફાર કરીને એવું કહી શકાય કે હમ જહાં ખડે રહતે હૈં, ઑફિસ વહીં શુરુ હો જાતી હૈ! પરંતુ સ્માર્ટફોન સ્માર્ટ તો થયા, પણ ઑફિસનાં ઘણાં કામ માટે હજી લૅપટૉપની મદદ લીધા વિના ચાલતું નથી. એનું એક કારણ છે માઇક્રોસૉફ્ટ ઑફિસના પ્રોગ્રામ્સને આપણા ફોન સપોર્ટ કરતા નથી. ફૉર એક્ઝામ્પલ વર્ડ, એક્સેલ, પાવરપૉઇન્ટમાં ફાઇલો તૈયાર કરવા માટે કે તૈયાર થયેલી ફાઇલોમાં સુધારા-વધારા કરવા હોય તો લૅપટૉપદેવતાના શરણમાં ગયા વિના ચાલતું નથી.


બદલાતા સમય સાથે તાલ મિલાવવા હવે માઇક્રોસૉફ્ટે પણ સ્માર્ટફોનને અનુકૂળ થવાનું નક્કી કર્યું છે. એટલે જ માઇક્રોસૉફ્ટે લૉન્ચ કયોર્ માઇક્રોસૉફ્ટ ઑફિસ મોબાઇલ. અલબત્ત, માઇક્રોસૉફ્ટે પોતાની ટેવ પ્રમાણે શરૂઆતમાં સબસ્ક્રિપ્શન ભરો તો જ એનો ઉપયોગ કરવા મળે એવી ગોઠવણ કરેલી. પરંતુ માઇક્રોસૉફ્ટને કદાચ બદલાતા પવનની ગંધ મળી ગઈ એટલે એણે હોમ યુઝ માટે પોતાના ઑફિસ મોબાઇલની ઍપ આ ઑક્ટોબર મહિનાથી ફ્રી કરી નાખી છે (હા, બિઝનેસના હેતુસર આ સર્વિસ વાપરવી હોય તો માઇક્રોસૉફ્ટ એ માટે ૩૦૦ રૂપિયાથી લઈને ૭૫૦ રૂપિયા પ્રત્યેક મહિને ચાર્જ કરે છે) એટલું જ નહીં, પરિવર્તનનો પવન કહો કે સમયનો તકાજો; માઇક્રોસૉફ્ટે સ્માર્ટફોનના સમરાંગણમાં પોતાના કટ્ટર હરીફો એવા ગૂગલ અને ઍપલની ઑપરેટિંગ સિસ્ટમ્સ માટે પણ પોતાની ઍપ ઉપલબ્ધ કરાવી આપી.


આ ઍપ્લિકેશનમાં માઇક્રોસૉફ્ટે પોતાનાં વર્ડ, એક્સેલ અને પાવરપૉઇન્ટને એક જ ઠેકાણે સમાવી લીધાં છે જેથી આપણે કોઈ પણ ઠેકાણે વિહરી રહ્યા હોઈએ; પરંતુ ત્યાં બેઠાં-બેઠાં ડૉક્યુમેન્ટ લખી શકીએ, પ્રેઝન્ટેશન બનાવી શકીએ અથવા તો એક્સેલમાં હિસાબકિતાબો કરી શકીએ. આપણને ઈ-મેઇલ મારફતે કોઈએ આ ફૉર્મેટમાં ફાઇલો મોકલી હોય તો તેને સ્માર્ટફોનમાં સ્પર્શમાત્રથી એડિટ પણ કરી શકીએ છીએ. માઇક્રોસૉફ્ટના નિષ્ણાતોએ મહેનત કરીને ફોન કે ટૅબ્લેટની નાની સ્ક્રીન માટે આ ઍપ ડેવલપ કરી છે એટલે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે ડેસ્કટૉપ-લૅપટૉપની મોટી સ્ક્રીનમાં તૈયાર થયેલી ફાઇલ જ્યારે નાની સ્ક્રીનમાં ખૂલે ત્યારે એનું (લેઆઉટ, બૉક્સ, બોલ્ડ-ઇટૅલિક, અન્ડરલાઇન્સ વગેરે) ફૉર્મેટિંગ વીંખાઈ જતું નથી.

ગૂગલની ગલીઓમાં વિહરતા રહેતા વાચકોને ખ્યાલ હશે જ કે ગૂગલે પોતાના યુઝર્સ માટે ગૂગલ ડ્રાઇવ નામની સવલત આપી છે. એ અંતર્ગત એ પ્રત્યેક યુઝરને ૧૫ ગિગાબાઇટનો ક્લાઉડ સ્ટોરેજ આપે છે. યુઝર્સ એમાં પોતાનો ડેટા સેવ કરી શકે છે, વિશ્વના કોઈ પણ ખૂણેથી એને ઍક્સેસ કરી શકે છે અને ઇચ્છે તેને શૅર પણ કરી શકે છે. હવે માઇક્રોસૉફ્ટે પણ ગૂગલના જ પગલે ચાલીને વન ડ્રાઇવ નામની આવી જ સગવડ શરૂ કરી છે અને એ પણ પોતાના ગ્રાહકોને ૧૫ ગિગાબાઇટની નિ:શુલ્ક સ્પેસ આપે છે. એટલે ઑફિસ મોબાઇલની મદદથી તૈયાર કરેલા ડૉક્યુમેન્ટ્સ આપણે માઇક્રોસૉફ્ટની વન ડ્રાઇવમાં સેવ કરી દઈએ તો એને પણ ગમે ત્યાંથી ઍક્સેસ કરી શકાય.

માઇક્રોસૉફ્ટે સ્માર્ટ ડિવાઇસિસની વહેતી ગંગામાં યા હોમ કરીને ઝુકાવ્યું છે. એટલે એણે વન નોટ, લિન્ક ૨૦૧૩ (ન્ક્કઁણૂ ૨૦૧૩), માઇક્રોસૉફ્ટ રિમોટ ડેસ્કટૉપ, આઉટલુક ઑફિસ વેબ ઍપ જેવી ઍપ્લિકેશન્સ પણ લૉન્ચ કરી દીધી છે. એની ચર્ચા આપણે ભવિષ્ય માટે પેન્ડિંગ રાખીએ છીએ.

બાય ધ વે, જેમને સ્માર્ટફોન કે ટૅબ્લેટમાં માઇક્રોસૉફ્ટ ઑફિસ ડાઉનલોડ કરવાની પળોજણમાં ન પડવું હોય તેમના માટે ઓપન ઑફિસ પ્લૅટફૉર્મ તરીકે ઓળખાતી સંખ્યાબંધ ઍપ્સ ઉપલબ્ધ છે. જેમ કે પોલારિસ ઑફિસ, ઑફિસ સ્યુટ, ફ્રી મોબાઇલ ઑફિસ ઍપ, મૅક્સ ઑફિસ વગેરે. એમાં પણ આ બધાં જ કામો થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2014 07:32 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK