બેફામગીરી શું લોકશાહી છે?

Published: Jan 28, 2020, 14:20 IST | Taru Kajaria | Mumbai

દરેક પક્ષ જે ભૂમિકા ભજવી રહ્યો છે એ સો ટકા પોતપોતાનાં હિતોનાં કારણોસર કરી રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દેશમાં હમણાં દેખાવો અને દેકારો ચરમ સીમાએ છે. કેન્દ્ર સરકારના ‘સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ’ (સીએએ) અને ‘નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ’ (એન.આર.સી.) સંબંધી પગલાં સામે દેશના બૌદ્ધિકો અને કહેવાતા બોદ્ધિકોએ મોરચો ખોલી દીધો છે. સ્વતંત્રતા અને લોકશાહીના મુક્ત માહોલના પુરસ્કર્તાઓને સરકારનાં પગલાંમાં આપખુદશાહી દેખાય છે અને તેઓ એનો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે. તો સરકારને આ લોકો રાષ્ટ્રવિરોધી લાગે છે. આખો દેશ બે ભાગમાં જાણે વહેંચાઈ ગયો છે. સીએએ પાડોશી રાષ્ટ્રોની લઘુમતીઓને ભારતીય નાગરિકતા મેળવવામાં સરળતા ઊભી કરે છે, પરંતુ આ લઘુમતીમાં મુસ્લિમોનો સમાવેશ નથી કરાયો. આ જ કારણ છે કે ઉદારમતવાદીઓ, બૌદ્ધિકો અને દેશના મુસ્લિમો વિરોધ કરી રહ્યા છે. દુનિયાની લોકશાહીઓ પણ ભારત સરકારના આ પગલાને ધર્મન આધારે કરાતો ભેદભાવ ગણાવીને એનો વિરોધ કરી રહી છે. દેશમાં જ્યાં ને ત્યાં વિરોધના ઝંડા લઈને સ્ત્રી-પુરુષો ઊમટી પડ્યાં છે. એમાં નૅચરલી મુસ્લિમોની હાજરી આંખે વળગે એવી છે. અહીં એક સવાલ થાય છે કે આ સુધારાથી દેશના મુસ્લિમ નાગરિકોને તો કોઈ અન્યાય થતો નથી? એમ તો આ સુધારાની કોઈ અસર દેશના અન્ય કોઈ પણ ધર્મના કે જાતિના નાગરિકોના સ્ટેટસ પર પડવાની નથી. તો પછી તેઓ આટલા ભારપૂર્વક આનો વિરોધ કેમ કરે છે? સવાલ તો આપણા પાડોશી દેશોના એ‍વા નાગરિકોનો છે જેઓ ભારતના નાગરિક બનવા ચાહે છે. ભારતના નાગરિકો છે તે ચાહે કોઈ પણ જાતિ, ધર્મ કે વર્ગના હોય, તેમના નાગરિક તરીકેના સ્ટેટસને તો આ સુધારો હાથ લગાડતો જ નથી. તો પછી આટલા ઘવાઈ કેમ ગયા છે એ બધા? આ સવાલો ઘણાના મનમાં ઊઠે છે અને એના જવાબો શોધવા દૂર જવું નથી પડતું, આપણા રાજકારણીઓ બિચારા ક્યારેક ને ક્યારેક સાચું બોલી દે છે. હમણાં જ મહારાષ્ટ્રના એક સત્તાધીશ કૉન્ગ્રેસી રાજકારણીએ એક વિધાન કર્યું હતું કે મુસ્લિમો નહોતા ઇચ્છતા કે મહારાષ્ટ્રમાં બીજેપી પાછો સત્તા પર આવે. એટલે જ અમારા પક્ષે શિવસેનાની સાથે હાથ મેળવ્યા. ત્યાર બાદ નૅશનલ કૉન્ગ્રેસના માંધાતા શરદ પવારે ખુદ કહ્યું કે મુસ્લિમો ધારે તેને સત્તા પર લાવી શકે અને સત્તા પરથી ખદેડી શકે છે! આમાં કશું નવું નથી. પરંતુ આ અગ્રણી નેતાઓના મોઢેથી જાહેરમાં આ કબૂલાત થઈ ગઈ એ થોડુંક નવું છે. બાકી ભારતમાં દરેક રાજકીય પક્ષ સત્તાના સિંહાસનને આંબવા માટે અને એક વાર આંબી લીધા પછી ત્યાં ચીટકી રહેવા માટે લઘુમતીની આળપંપાળ કરતો આવ્યો છે.

આ બન્ને નેતાઓનાં વિધાનોમાંથી જ આવો સુધારો લાવવા પાછળ સરકારની અતિઉત્સુકતા અને આ સુધારાનો વિરોધ ફેલાવવા પાછળ વિપક્ષનો ઝનૂની ઉત્સાહ અને આગ્રહ થોડે ઘણે અંશે સમજી શકાય એવાં નથી લાગતાં? દરેક પક્ષ જે ભૂમિકા ભજવી રહ્યો છે એ સો ટકા પોતપોતાનાં હિતોનાં કારણોસર કરી રહ્યો છે. બાકી એક કલ્પના કરો. તમારે ઘરે આવીને કોઈ વ્યક્તિને રહેવું છે. તો તમે પહેલાં તો એ વધારાની વ્યક્તિનો તમારા પરિવારમાં સમાવેશ કરવાની તમારી હેસિયત છે કે નહીં એ જોશોને? કદાચ તમારી એવી કૅપેસિટી છે તો પછી તમે એ વ્યક્તિનું બૅકગ્રાઉન્ડ ચેક કરશો  કે આ મારા માટે કોઈ નવી ઉપાધિ નહીં ઊભી કરેને! પછી તમે એ જોશો કે એ વ્યક્તિના આવવાથી તમારા ઘરના સભ્યોને કોઈ તકલીફ તો નહીં ભોગવવી પડેને! તમે તેને તમારા ઘરમાં પ્રવેશ આપશો કે નહીં એનો આધાર તમારી એ કવાયત પર છે. હવે જે વાત પરિવારને લાગુ પડે છે એ દેશને પણ લાગુ ન પડી શકે? યુરોપના કેટલાય દેશોએ અન્ય દેશોના વિસ્થાપિતો માટે દેશના દરવાજા ખુલ્લા રાખેલા. પછી તેમણે ઘરઆંગણે ભારે મૂંઝવણભરી  સ્થિતિમાંથી પસાર થવું પડેલું. તેમના પોતાના નાગરિકો, પોતાના રિસોર્સિસ અને પોતાના કલ્ચર પર એ નિર્ણયની અવ‍ળી અસરો પડી અને તેમણે પોતોના નિર્ણય અંગે ફેરવિચાર કરવો પડ્યો છે. કોઈ પણ દેશના નેતાઓની પહેલી અને સૌથી મહત્ત્વની ફરજ પોતાના દેશવાસીઓ પ્રત્યે છે. ત્યાર બાદ એ અન્ય દેશોના નાગરિકોના પ્રશ્નો હાથ ધરે તો એ બરાબર છે, પરંતુ આવી વાત કે વિચારશૈલીને ‘માનવતા વિરોધી’ અને ‘વિશ્વનાગરિકતા વિરોધી’ ગણાવાય છે. પણ પ્રામાણિકરૂપે કહું તો રાજકીય નેતાઓએ પોતાના પરિવાર સંદર્ભે આ સ્થિતિને અપ્લાય કરી જોવી જોઈએ. હા, આપણા સંસ્કાર તો ‘આંગણે આવેલાને મીઠો આવકાર’ આપવાના છે, પરંતુ એવા મીઠા આવકારનાં કડવાં ફળો ભોગવ્યાં હોય તો પછી આપણા વ્યવહારમાં બદલાવ આવે કે નહીં?

અને રાજકારણીઓની વાત છે ત્યાં સુધી એક વાત તો દીવા જેવી સ્પષ્ટ છે કે આ બિરાદરી પોતાની ખુરશી અને સત્તા માટે કંઈ પણ અને કોઈ પણ સ્તરે જતાં અચકાય એમ નથી. શાસક પત્ર હોય કે વિરોધપક્ષ, એકને સત્તા પર ટકી રહેવા કંઈક પગલું ભરવું છે તો બીજાને સત્તા પર આવવા એ પગલાનો વિરોધ કરવો છે. પણ આમાં આપણા જેવા સામાન્ય નાગરિકોનું શું? તેણે પોતાની વિચારશક્તિ અને બુદ્ધિથી વિચારવાનું છે કે દેશનું હિત અને દેશના નાગરિકોનું હિત ક્યાં રહેલું છે. પરિવાર હોય કે કોઈ પણ સામાજિક એકમ હોય, શિસ્ત અને સુવ્યવસ્થા જળવાય તો જ બધાને માટે ઉપલબ્ધ અધિકારોનો લાભ સૌને પહોંચે. એ લાભ ભોગવવો હોય તો પાયાની શિસ્ત તો જાળવવી જ પડે. લોકશાહી એટલે હું મારા મનનું કરું અને તું તારી મરજી મુજબ વર્તે એવું હરગિજ નહીં. તાજેતરમાં બૉલીવુડના એક પ્રતિભાશાળી કલાકારે બીજા એવા જ એક કલાકાર માટે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો ત્યારે થયું કે આવી પ્રતિભાઓને પણ આ સ્તરે ઢસડી જઈ શકે એ બેફામગીરી શું લોકશાહી છે?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK