Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વર રવિવારે આરામ લે છે?

ઈશ્વર રવિવારે આરામ લે છે?

20 February, 2019 12:24 PM IST |
સેજલ પોન્દા

ઈશ્વર રવિવારે આરામ લે છે?

યે આરામ કા મામલા હૈ

યે આરામ કા મામલા હૈ


સોશ્યલ સાયન્સ

રવિવાર આવે એટલે એક પ્રકારનો હાશકારો અનુભવાય. વ્યક્તિદીઠ રવિવારનું જુદું-જુદું મહત્વ હોય છે. રવિવારની ઉજવણી અલગ-અલગ હોય છે. નોકરિયાત માટે રવિવાર એટલે પેન્ડિંગ કામને પૂરાં કરવાનો દિવસ અને એ કામ પૂરાં કરતાં થોડો આરામ કરવા મળે તો એ રવિવારની સફળતા.



કૉર્પોરેટ જગતમાં શનિ-રવિ બે દિવસની રજા હોય એટલે એક દિવસ આરામ અને એક્સ્ટ્રા કામ પતાવ્યા પછી બીજા દિવસની રજા મૂવી, શૉપિંગ, સોશ્યલ ગેટ-ટુગેધર કે પછી શોખ અનુસારના આઉટિંગમાં પસાર થઈ જાય.


બાળકો માટે રવિવાર એટલે ધિંગામસ્તી. અમે તો બાળપણમાં સાઇકલ લઈ દોડી જતા. ક્રિકેટ, ખોખો, ગીલીદંડો, પકડાપકડી, આંધળોપાટો, થપ્પોની રમત મન ભરીને રમતા. મોબાઇલથી જોજન દૂરનું બાળપણ જેણે માણ્યું છે તે ખરેખર ભાગ્યશાળી છે. અને રવિવારે સવારે સાથે બેસી મહાભારત સિરિયલ જોવાનો પણ અલગ આનંદ હતો. રવિવારે ભાવતી દાળ-ઢોકળી ખાવાની અનેરી મજા હતી. હાથની આંગળીઓને ટચસ્ક્રીનનો નહીં, પણ ચણીબોર, આમલી, એક્સ્ટ્રા સ્ટ્રૉન્ગ પેપરમિન્ટ, સંતરાની પેપરમિન્ટ, લૉલીપૉપનો સ્પર્શ થતો. અને રવિવાર એટલે ખાસ વાર્તા સાંભળવાનો દિવસ. વાર્તા સાંભળતાં-સાંભળતાં મનમાં ઊઠતું કુતૂહલ, કલ્પના, વાર્તા સાંભળતાં ખડું થતું દૃશ્ય બીજા દિવસે સ્કૂલની રિસેસમાં વહેંચાતું. નો ટ્યુશન નો ટેન્શનનો એ રવિવાર કંઈક અલગ હતો અને અત્યારે જુદા-જુદા ઍક્ટિવિટી ક્લાસમાં જતાં, ટ્યુશન ક્લાસમાં જતાં બાળકોનો રવિવાર આપણા કરતાં વધારે બિઝી વીતતો હોય છે. અને જેવો એમાંથી સમય મળે એટલે બાળકો મોબાઇલનો સત્સંગ કરવા લાગે. બાળકો હવે દોડતાં ઓછાં જોવા મળે છે અને મોબાઇલથી દોરવાતાં વધુ જોવા મળે છે.

રવિવારે સાંજે ગૃહિણીઓને કિચનથી મુક્તિ મળે એવો મ્યુચ્યુઅલ ઠરાવ અનેક ઘરોમાં પળાતો હોય છે. જોકે દરેક ગૃહિણીને આવી લક્ઝરી નથી મળતી. મિડલ ક્લાસ ગૃહિણીઓ માટે રવિવાર રોજના દિવસ જેવો જ કામઢો વીતે છે. બે છેડા માંડ ભેગા થતા હોય ત્યાં વળી રવિવારની ઉજવણી શેની! મિડલ ક્લાસ પરિવારનો રવિવાર ટીવીની સામે વીતતો હોય છે અને શ્રીમંતોનો રવિવાર પાર્ટીઓમાં વીતતો હોય છે.


મેટ્રો સિટીઝનો રવિવાર માણસો અને વેહિકલથી ઊભરાતો હોય છે. મૉલ્સ, રેસ્ટોરન્ટ, થિયેટરથી લઈ ફેરિયાઓ સુધી મસમોટી ભીડ જોવા મળે છે. સતત કામ કરતા માણસોને બ્રેક માટે જોઈએ છે રજા. રવિવારની રજામાં શરીરનો થાક ઉતારવા આપણે ઘરમાં ભરાઈ રહીએ અને મનનો થાક ઉતારવા ઘરની બહાર જતા રહીએ.

જે લોકો રોજની જેમ રવિવારે પણ સતત કામ કરે છે તેમના માટે રવિવાર માત્ર નામનો હોય છે. એવાં ઘણાં વ્યાવસાયિક ક્ષેત્ર છે જ્યાં જવાબદારી અને ફરજને લીધે રજા મળવી, રજા માણવી બહુ મુશ્કેલ હોય છે.

આપણા માટે ચોવીસ કલાક સરહદ પર તહેનાત રહેતા સૈનિકો ન તો આપણી જેમ ઉજવણી કરી શકે છે ન તો દર અઠવાડિયે રવિવાર જેવી રજા માણી શકે છે. આપણને રજાનો દિવસ આપણી રીતે ઊજવવા ન મળે તો આપણે અકળાઈ જઈએ છીએ. બહાર જવું હોય અને પ્લાન કૅન્સલ થાય તો મોઢું ચડી જાય છે. આપણા માટે હસતે મોઢે શહાદત વહોરી લેતા સૈનિકો આપણા જેવી અનુકૂળ જિંદગી જીવી શકતા નથી અને આપણે થોડીક અમથી પ્રતિકૂળતામાં નસીબને દોષ દેવા બેસી જઈએ છે.

એમ તો ઈશ્વરને પણ રવિવારની રજા ક્યાં મળે છે? રવિવારે મંદિરોમાં ભક્તોની અને તેમની માગણીની ભીડ વધારે ઊમટતી જોવા મળે છે. માગણીનું લાંબું લિસ્ટ જોઈ ઈશ્વરને શ્વાસ લેવાની ફુરસદ નહીં મળતી હોય. માણસોને જીવવા માટે જોઈતાં હવા-પાણીનું ફંક્શનિંગ બંધ ન થાય એ માટે ઈશ્વરનું નેટવર્ક સતત કાર્યરત રહે છે. ઈશ્વર કોઈ રજા લેતો નથી.

વૃદ્ધાશ્રમનો રવિવાર રોજના દિવસ જેવો જ અફસોસ કરતો, પરિવારનું કોઈક મળવા આવશે એવી આશમાં જીવતો જોવા મળે છે. માણસ છેલ્લે સુધી આશા નથી છોડતો અને જ્યારે એ આશા ઠગારી નીવડે છે ત્યારે ઈશ્વર પરનો વિશ્વાસ ડગમગી જાય છે. વૃદ્ધાશ્રમમાં એકબીજાના સહારે જીવતા વડીલોને સોમથી રવિ સુધી રજા જ રજા લાગે છે. જિંદગીનાં પાછલાં વર્ષોમાં શરીર કામ કરવાની ક્ષમતા ધરાવતું ન હોય ત્યારે માનસિક રીતે સ્વસ્થ રહેવું સૌથી કપરું હોય છે. આવી પરિસ્થિતિમાં દિવસ જલદીથી વીતતો ન હોય એવું અનુભવાય.

આ પણ વાંચો : સર્જનાત્મક શિક્ષણનો પ્રસાર કરવાની અનોખી રીત

રવિવારે દરેકને રોજના દિવસ કરતાં અલગ જીવવાની ઇચ્છા જરૂર થાય. રવિવાર આવનારા અઠવાડિયાની એનર્જી ભેગી કરવા હોઈ શકે. રવિવાર કંઈક અવનવું કરી જાતને એક્સપ્લોર કરવા હોઈ શકે. રવિવાર માત્ર આરામ કરવા હોઈ શકે. રવિવાર નવા સ્થળે ફરવા જવા માટે હોઈ શકે. રવિવાર જવાબદારી અને ફરજ સાથે બંધાઈ રહેવા હોઈ શકે. રવિવાર એટલે માણસોનો લેઝિએસ્ટ ડે અને ઈશ્વરનો બિઝિએસ્ટ ડે. જીવનમાંથી રવિવાર બાકાત થઈ જાય તો શું થાય એની કલ્પના કરી જુઓ. સરહદ પરના સૈનિકો માટે આપોઆપ માથું નમી જશે.

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2019 12:24 PM IST | | સેજલ પોન્દા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK