Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમઃ ગમે ત્યાં પી લો છો લીંબુનું શરબત?

કૉલમઃ ગમે ત્યાં પી લો છો લીંબુનું શરબત?

15 April, 2019 03:05 PM IST | મુંબઈ
સેજલને સવાલ - સેજલ પટેલ

કૉલમઃ ગમે ત્યાં પી લો છો લીંબુનું શરબત?

કૉલમઃ ગમે ત્યાં પી લો છો લીંબુનું શરબત?


થોડાક દિવસ પહેલાં કેટલાક પેસેન્જરોએ કુર્લા સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર સાત અને આઠ પરના સ્ટૉલની છત પર લીંબુ પાણી બની રહ્યું હતું એનો વીડિયો લીધો હતો જે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગયો. સ્વાભાવિકપણે સેન્ટ્રલ રેલવેના કાન ઊંચા થઈ ગયા અને તરત જ એ સ્ટૉલને સીલ કરી દેવામાં આવ્યો. આ સ્ટૉલ પર બનેલા લીંબુ પાણીના સૅમ્પલ્સ ગ્પ્ઘ્ સંચાલિત લૅબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યાં. બે દિવસ પહેલાં જ એનો રિપોર્ટ આવ્યો છે અને એમાં માનવમળના અંશો હોવાથી એ ખાદ્યલાયક નથી એવું નોંધાયું છે. એ સૅમ્પલમાં કૉલિફૉર્મ બૅક્ટેરિયા બહુ મોટી માત્રામાં હોવાનું જણાયું હતું. કૉલિફૉર્મ કેટલાક બૅક્ટેરિયાઓનું ઝૂમખું છે જેમાં હાનિકારક અને બિનહાનિકારક બન્ને પ્રકારના બૅક્ટેરિયા આવી જાય. બહુ જાણીતા ઈ.કોલી બૅક્ટેરિયા પણ એમાં આવી જાય. આ બૅક્ટેરિયા માટી, સીવેજ, સડેલો ખોરાક તેમ જ મનુષ્ય-પ્રાણીઓના આંતરડાંના ટ્રૅકમાં પણ જોવા મળે છે. કૉલિફૉર્મ બૅક્ટેરિયા ફૂડ પૉઇઝનિંગ, લોહીનું ઇન્ફેક્શન પેદા કરી શકે છે. અમુક બૅક્ટેરિયા શ્વસનતંત્ર અને યુરિનરી ટ્રૅક્ટનું ઇન્ફેક્શન લગાડવા માટે પણ સક્ષમ છે. આવા ઘાતક બૅક્ટેરિયા લીંબુ પાણીમાં હોવાનો રિપોર્ટ મળ્યા પછી કુર્લા સ્ટેશનની એ કૅન્ટીન ચલાવતા કૉન્ટ્રાક્ટરને પાંચ લાખ રૂપિયાનો દંડ થયો છે અને સેન્ટ્રલ લાઇનમાં હવે લીંબુ કે અન્ય કોઈ પણ ફ્લેવરના સિરપવાળાં પીણાં વેચવા પર જ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

આ તો એકલ-દોકલ સ્ટૉલની વાત થઈ, પરંતુ મુંબઈમાં ઠેર-ઠેર લીંબુ પાણીના ઠેલા જોવા મળે છે. ચૌરાહા પર છત્રી નાખીને બે-ત્રણ રૂપિયામાં લીંબુ શરબતનો આખો ગ્લાસ વેચતા હજારો ઠેલા છે. અનેક જગ્યાએ માત્ર કેમિકલનું એક ટીપું કે બે ચમચી સૅકરીનનો પાઉડર નાખવાથી આખું તપેલું પાણી ગળ્યું બની જાય છે. આવું લીંબુ પાણી સેહતને બગાડનારું છે એમ જણાવતાં વિલે પાર્લેમાં લગભગ ૩૩ વર્ષથી પ્રૅક્ટિસ કરતા જનરલ ફિઝિશ્યન ડૉ. સુનીલ શાહ કહે છે, ‘ગરમીમાં તરસ ખૂબ લાગે છે એટલે આજકાલ લીંબુ પાણી અને અન્ય ફ્લેવરનાં પીણાં ધૂમ વેચાવા લાગ્યા છે. જોકે આવાં પીણાં પીવાનું જોખમી છે. ઉનાળામાં શરીરને પૂરતું પાણી મળે એ જરૂરી છે, પણ જો એ ગંદું હશે તો ઊલમાંથી ચૂલમાં પડાશે. ગરમીની સીઝનમાં આમેય જમીનમાં પાણીનું સ્તર નીચું જતું રહ્યું હોય છે. નીચેનું પાણી ગંદું અને માટીવાળું હોય છે એટલે ગરમીમાં તમે સાદું ટૅપ વૉટર પણ એમ જ વાપરો તો એ નુકસાનકારક હોઈ શકે છે. જ્યારે ઠેલાઓ પર વેચાતાં પીણાં બનાવવા માટે તો ક્યાંથી પાણી લવાયું હશે એય ખબર નથી હોતી. જો પાણી બૅક્ટેરિયાથી સંક્રમિત હોય તો એનાથી ઝાડા, ઊલટી અને કમળા જેવી તકલીફો થઈ શકે છે.’



ડીહાઇડ્રેશન માટે શું?


ગરમીમાં પરસેવો ખૂબ થતો હોવાથી લીંબુ શરબત પીવાનું શ્રેષ્ઠ ગણાય છે. એનું કારણ સમજાવતાં ડૉ. સુનીલ શાહ કહે છે, ‘આમ જોવા જઈએ તો પરસેવો વધુ થાય ત્યારે શરીરને સૉલ્ટ અને શુગરની વધુ જરૂર હોય છે. લીંબુ એક ફ્લેવરનું કામ કરે છે. પસીના વાટે ખૂબ મિનરલ્સ શરીરમાંથી વહી જતા હોવાથી ઓવરઑલ બૉડીમાં પાણીની કમી થઈ ગઈ હોય એવું લાગે છે. એવામાં લીંબુ શરબત એ સૌથી હાથવગું પીણું છે. જોકે આગળ કહ્યું એમ એ શુદ્ધ પાણીમાં બન્યું હોય તો જ કામનું છે. આજકાલ તો એટલીબધી બ્રૅન્ડનાં પાણી વેચાવા લાગ્યા છે કે એની પ્રમાણભૂતતાનો પણ કોઈ ભરોસો નથી. ધારો કે તમે સારી મિનરલ વૉટરમાંથી તમારી નજર સામે લીંબુ પાણી બનાવડાવો તો એમાં બરફ ન નખાવવો. કેમ કે મોટા ભાગે લાદીવાળા બરફ કાચા હોય છે અને એમાં પણ સ્વચ્છતાની સમસ્યા બરકરાર રહે છે.’

ઇલેક્ટ્રોલાઇટ્સ બૅલૅન્સ


પસીના વાટે સોડિયમ અને પોટેશિયમ ખૂબ વહી જતું હોવાથી જેમને બહાર ફરવાનું બહુ થતું હોય અથવા તો જે બાળકો ખુલ્લા મેદાનમાં રમતાં હોય તેમના માટે લીંબુ પાણી એ અમૃત સમાન છે એમ જણાવતાં જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘ગરમીમાં બૉડીમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની કમી સર્જાતી હોય છે. એને કારણે સૌથી મોટી સમસ્યા મસલ ક્રૅમ્પ્સ અને માઇગ્રેનની હોય છે. માથું ચડી જાય, હાથ-પગમાં ક્રૅમ્પ્સ આવે ત્યારે સમજવું કે શરીરમાં પાણી અને સોડિયમ, પોટૅશિયમ જેવાં મિનરલ્સની કમી થઈ ગઈ છે. એવા સમયે નમક અને સાકરવાળું લીંબુ પાણી શ્રેષ્ઠ છે. ઉનાળામાં ભૂખ ન લાગવી, ખાવાનું બરાબર પચવું નહીં, ઍસિડિટી જેવું લાગવું જેવી ફરિયાદ બહુ કૉમન હોય છે. આ બધામાં લીંબુ પાણી કામનું છે. ખાટા ઓડકાર આવે, સહેજ તાપમાં ફરે તો માથું ભારે લાગવા લાગે, તાપમાં ફરીને ઘરે આવ્યા પછી હાથ-પગ સાવ ઢીલાઢસ થઈ ગયા છે એવું લાગે એ બધામાં લીંબુનું શરબત ઉપયોગી છે. લીંબુમાં વિટામિન સી હોય છે જે ઍન્ટિ-ઑક્સિડન્ટ જેવું કામ આપે છે અને સાથે એમાં નમક-શુગર હોય તો એ એનર્જી પણ આપે છે અને ખૂટતાં ઇલેક્ટ્રોલાઇટ્સની પૂર્તિ પણ કરે છે. જો તમે લીંબુ શરબતમાં સહેજ આદું છીણીને નાખ્યું હોય કે કાળાં મરી નાખ્યા હોય તો એ પાચન પણ સુધારે છે. જોકે આ બધું તો જ ફાયદો કરે જો પાણી સ્વચ્છ હોય. બહારનું લીંબુ શરબત ન પીવું જોઈએ એમાં ગંદું પાણી તો જવાબદાર ખરું જ, પણ સાથે એમાં વપરાતી સસ્તી શુગર પણ છે. એક-બે ચમચી પાઉડરમાં મોટું તપેલું ભરીને પાણી ગળ્યું થઈ જાય એવું કેમિકલ ઠેલાવાળા વાપરતા હોય છે. આ કેમિકલ પણ એટલું જ હાનિકારક છે. જો લીંબુનું શરબત ઘરે બનાવેલું હશે તો જ એની ગુણવત્તા જળવાશે.’

આ પણ વાંચોઃ કૉલમ : ઇસ ચૈત્ર મેં કુછ કડવા હો જાએ

લીંબુ શરબતમાં લીલોતરી

ઘરે લીંબુ શરબત બનાવો ત્યારે તમે બીજી પણ ઘણી હેલ્ધી ચીજો ઉમેરી શકો છો જે પાચન અને ઇમ્યુનિટી સુધારે છે અને ડીહાઇડ્રેશન અને ગરમીને કારણે થતા મસલ ક્રૅમ્પ્સ પણ સુધારે છે. એની રેસિપી જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘લીંબુ શરબતમાં તમે લેમનગ્રાસ, આદું અને ફુદીનો ત્રણેયને વાટીને એની પેસ્ટ પણ નાખી શકો છો. એનાથી શરબતના સ્વાદમાં પણ સુધારો થશે અને એની સ્વાસ્થ્યવર્ધક ગુણવત્તામાં પણ વધારો થશે. ગળપણ માટે ખડીસાકર વાપરવી અને ખારાશ માટે સિંધવ, ચાટ મસાલો નાખી શકાય. કાળાં મરી પણ લીંબુના શરબતનો સ્વાદ ચેન્જ કરી દે છે. આદું ભૂખ ઉઘાડે છે. કાળાં મરી પાચન સારું કરે છે અને પિત્ત શમાવે છે. ચાટ મસાલો અને સિંધવમાં સોડિયમ અને પોટેશિયમનું સંતુલન થાય છે. ઘરની બહાર નીકળતી વખતે આ શરબત બનાવીને સાથે લઈને ફરો તો તમારે બહારનું ઠંડું પીણું પીવાની નોબત જ ન આવે. અડધો-પોણો લિટર જેટલું શરબત સાથે લઈને કૅરી કરો અને દર થોડા કલાકે થોડું-થોડું પીઓ. લીંબુના પાણી સાથે કૅરી કરવા માટે પ્લાસ્ટિકની બૉટલને બદલે થમોર્સ અથવા તો સ્ટીલના ફ્લાસ્ક વાપરી શકાય. સસ્તા પ્લાસ્ટિકમાં લીંબુની ખટાશ અને ગરમી ભેગી થવાથી એ નુકસાનકર્તા બની શકે છે.’

Whatsapp-channel Whatsapp-channel

15 April, 2019 03:05 PM IST | મુંબઈ | સેજલને સવાલ - સેજલ પટેલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK