કૉલમ : તરસ્યું છે કચ્છ

Published: 21st May, 2019 11:30 IST | રશ્મિન શાહ - કચ્છી કોર્નર | કચ્છ

હા, આ જ લાગણી છે કચ્છીઓની. ઉપરાછાપરી બે નબળાં વર્ષના કારણે કચ્છ આ વખતે ત્રાહિમામ પોકારી ગયું છે. ચાલીસ હજારથી વધારે માલધારીઓ અઢી લાખ જેટલાં પશુ સાથે હિજરત કરી ગયાં છે તો હવે પીવાના પાણીની પરિસ્થિતિ પણ કથળતાં કચ્છના શહેરીજનોની હાલત પણ કફોડી થવી શરૂ થઈ

તરસ્યું છે કચ્છ
તરસ્યું છે કચ્છ

કચ્છી કોર્નર

છેલ્લાં બે વર્ષથી અપૂરતો વરસાદ અને એની અગાઉના વર્ષો ૬૨ ટકાના વરસાદે કચ્છની હાલત બગાડી નાખી છે. કચ્છ અત્યારે પાણીના વાંકે ત્રાહિમામ પોકારી ગયું છે, માલધારીઓ હિજરત કરી ગયા છે અને એ સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે તો કચ્છના સરહદી વિસ્તારનાં ગામોમાં તો પીવાના પાણી માટે વલખાં મારવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બન્ની વિસ્તારના હોડકા નામના ગામે ટૅન્કરથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પણ એ વ્યવસ્થા પછી પણ આજે એવી પરિસ્થિતિ છે કે હોડકાની મહિલાઓએ પાણી ભરવા માટે દરરોજ પંદરથી સત્તર કિલોમીટર ચાલીને જવું પડે છે. કચ્છના કલેક્ટર રેમ્યા મોહન કહે છે, ‘જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં પાણી પહોંચતું રહે એ જોવાઈ જ રહ્યું છે. નર્મદાનું પાણી પિમ કચ્છને પહોંચે છે અને પૂર્વ કચ્છમાં ટૅન્કરની વ્યવસ્થા રાખી છે. એ સાચું છે કે પાણીના કારણે માલધારીઓએ હિજરત કરી છે, પણ આ તેમનું રૂટીન છે. જ્યાં પણ પાણી મળે ત્યાં તે રહી જતા હોય છે. ચોમાસું શરૂ થતાં એ લોકો પાછા આવી જશે.’

સરકારી દાવાઓ બિલકુલ ખોટા છે એવો આક્ષેપ સતત વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કહે છે, ‘તમે બેચાર મોટાં શહેરને પીવાના પાણીની વ્યવસ્થા કરી આપો એને વ્યવસ્થા કરી ન કહેવાય. આજે કચ્છમાં બે વર્ષથી પાક લઈ શકાતો નથી, તળ સાવ ખાલી થઈ ગયાં છે; જેની અસર ગ્રામ્ય જનજીવન પર પડી છે. એકેક ગામડાંઓ ખાલી થઈ ગયાં છે. ડૅમ તળિયાઝાટક છે, નર્મદાના પાણીથી ડૅમ ભરવાની જે વાતો છે એ બધી હજી પણ હવામાં છે.’

વાત સાવ ખોટી તો નથી જ.

તળિયાઝાટક છે ડૅમ

સતત બે વર્ષથી વરસાદ પાછો ખેંચાઈ રહ્યો હોવાથી આજે એવી પરિસ્થિતિ છે કે કચ્છને પાણી પૂરું પાડતાં ડૅમ ખાલીખમ થઈ ગયા છે. કચ્છને પાણી પૂરું પાડતાં સત્તર જળાશયો છે, આ સત્તર મોટા ડૅમોમાંથી કચ્છના અંજાર તાલુકાના ટપ્પર ડૅમ, રાપર તાલુકાના સુવઈ અને ફતેહગઢ ડૅમને નર્મદાના પાણીથી ભરવામાં આવે છે; પણ બાકીના મોટા ભાગના ડૅમોમાં પાણીનો જથ્થો નામ પૂરતો બચ્યો છે. સિંચાઈની વાત કરીએ તો મધ્યમ સિંચાઈના વીસ ડૅમ છે જેમાંથી માત્ર ત્રણ ડૅમમાં જ પાણી રહ્યું છે, બાકીના ડૅમ તળિયાઝાટક થઈ ગયા છે. પરિણામે કચ્છમાં થતાં ઘઉં અને એરંડાનો પાક સંદતર નિષ્ફળ ગયો છે તો કચ્છની શાન ગણાતી ખારેકના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. ગયા વર્ષો ખારેકનું ઉત્પાદન ૨૭.૦૩ ટકા જેટલું ઓછું થયું હતું તો આ વર્ષો ૩૬.૪૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. ભુજ તાલુકાનાં ૧૪ ગામોને સિંચાઈ અને પીવાનું પાણી સપ્લાય કરતાં રુદ્રમાતા ડૅમમાં માત્ર ૧૨.૯૦ ટકા પાણી બચ્યું છે, આમાંથી પણ જો સરકારી આંકડા મુજબની ૪.૫૦ ટકાનું ડેડ-વૉટર કાઢવામાં આવે તો સ્પષ્ટતા સાથે કહી શકાય કે રુદ્રમાતામાં માત્ર ૮.૪ ટકા પાણી બચ્યું છે અને હજી ચોમાસાને લગભગ એક મહિનાની વાર છે. કચ્છના અબડાસાના વિધાનસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા કહે છે, ‘સરકારી આંકડાઓને ક્યાંય સાચા માનવામાં સાર નથી. અત્યારે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે છેલ્લાં પંદર વર્ષમાં સૌથી વધારે હિજરત આ વર્ષો માલધારીઓએ કરી છે. માલધારીઓને વાયદા કરવામાં આવે છે, પણ એ વાયદા પૂરા કરવાનું કામ સરકારી અધિકારી કે સરકાર દ્વારા કરવામાં નથી આવતું. અમે હવે સરકાર પર ભરોસો રાખવાને બદલે સામાજિક સંસ્થા અને સમાજસેવકો પર વધારે આધાર રાખવા માંડ્યા છીએ.’

વાત ખોટી નથી. અત્યારે ગુજરાતની ચાલીસથી વધારે સામાજિક સંસ્થાઓ દ્વારા કચ્છમાં પાણી અને ઘાસ માટેની સહાયો શરૂ કરી દેવામાં આવી છે. વાગડ, અબડાસા અને લખપત તથા કચ્છનાં અંતરિયાળ ગામોની હાલત એ સ્તર પર કફોડી બની ગઈ છે કે તેમણે આ સહાય આધારિત રહેવું પડે છે. દક્ષિણ ગુજરાત ખેડૂત મંડળના પ્રમુખ જયેશ દેલાડે કહે છે, ‘માલધારીઓ પોતાનાં પશુઓને છૂટાં મૂકીને નીકળી હિજરત કરે છે, જે દેખાડે છે કે માલધારીઓની હાલત કેવી છે. પેટમાં નાખવા પાણી કે અનાજ ન હોય એવા સમયે કેવી રીતે મૂંગાં પશુને હેરાન થતાં તમે જોઈ શકો? અમે ઘાસની વ્યવસ્થા ચાલુ કરી છે તો સાથોસાથ રાજકોટ, જામનગર અને મોરબીથી પીવાના પાણીનાં ટૅન્કર પહોંચાડવાનું કામ પણ આવતા દિવસોમાં કરવાના છીએ. આ પાણી અમે સીધા છેવાડેનાં ગામોએ પહોંચાડીશું.’

સૌથી મોટા જિલ્લાની કઠણાઈ

ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. કચ્છનાં બે ગામડાંઓ વચ્ચે સરેરાશ ૧૬.૦૯ કિલોમીટરનું અંતર છે, જ્યારે મધ્યમ કદનાં બે શહેર વચ્ચે આ અંતર સરેરાશ ૭૮.૧૫ કિલોમીટરનું છે, જે દેશના અન્ય જિલ્લાઓ કરતાં ઘણું વધારે છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ ચોમેર પથરાયેલા કચ્છના દરેક ખૂણે પાણી પહોંચાડવાની પ્રક્રિયા પ્રમાણમાં કઠિન છે. આ કામ કરવા માટે તમારે આર્મી-ડિસિપ્લિન સાથે જ કામ કરવું પડે અને મોટી ફોર્સ ઉતારવી પડે, પણ આ કામ હજી થયું નથી. પશ્ચિમ કચ્છને નર્મદાના પાણી પહોંચાડવામાં આવે છે એવી વાતો થાય છે, પણ હકીકત એ છે કે એ પાણી પશ્ચિમ કચ્છના માત્ર ચાલીસ ટકા વિસ્તાર સુધી જ પહોંચે છે અને એ પણ પીવાના પાણી પૂરતું સીમિત રહે છે. બાકીના સાઠ ટકા વિસ્તારમાં આ પાણી પહોંચતું નથી, જ્યારે પૂર્વ કચ્છ આખું ટૅન્કર આધારિત બની ગયું છે, પણ પાણી સમયસર અને પૂરતી માત્રામાં પહોંચી રહ્યું નહીં હોવાથી એ વિસ્તાર પણ પાણીના કારણે ત્રાહિમામ પોકારી ગયો છે. બન્ની વિસ્તારના રતાડિયા નામના ગામના ભૂતપૂર્વ સરપંચ જુમા સામા કહે છે, ‘અત્યારે એવી હાલત થઈ ગઈ છે કે સૂતાં-બેસતાં, ઊઠતાં-જાગતાં ખાલી ને ખાલી પાણીના વિચાર મનમાં હોય છે. બૈરાંઓ દિવસના આઠથી દસ કલાક પાણી શોધવામાં ને ભરવામાં પસાર કરે છે અને પુરુષો તેમનાં ઢોર માટે લીલું શોધવામાં લાગેલા હોય છે. ઘરમાં છોકરાઓ પાણીનું ધ્યાન રાખીને બેસે છે. જો આવી હાલત રહી તો કચ્છમાં પાણી વાંકે મારામારી થતાં હવે કોઈ રોકી નહીં શકે.’

આ પણ વાંચો : આએગા તો મોદી હી : જાણો છો તમામ એક્ઝિટ પોલે શું કામ આ જ વાત કહી છે?

જુમા સામાની વાત ખોટી નથી. થોડા સમય પહેલાં હોડકા ગામના જ કેટલાક યુવાનોએ બાજુમાં આવેલા ડીંડોક ગામે જતું પાણીનું ટૅન્કર આંતરી લેતાં બે ગામના સોઢા યુવાનો સામસામા આવી ગયા હતા અને તનાવ ઊભો થઈ ગયો હતો. જોકે સમયસૂચકતા વાપરીને ટૅન્કર ચાલક ત્યાંથી નીકળી જતાં વાત વણસે એ પહેલાં જ પૂરી થઈ ગઈ હતી પણ જો હજી ચોમાસું ખેંચાયું અને કચ્છને પૂરતું પાણી ન મળ્યું તો પરિસ્થિતિ વધારે વણસશે અને વણસેલી પરિસ્થિતિ વચ્ચે પાણીને બદલે લોહી વહેશે એ પણ નક્કી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK