Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મંદિર-મસ્જિદ-ગિરજાઘર ને બાંટ લિયા ભગવાન કો

મંદિર-મસ્જિદ-ગિરજાઘર ને બાંટ લિયા ભગવાન કો

17 August, 2020 09:58 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

મંદિર-મસ્જિદ-ગિરજાઘર ને બાંટ લિયા ભગવાન કો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઑગસ્ટ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ મહિનો એટલે તહેવારોનો તો ખરો જ, સાથોસાથ મહિમાઓનો મહિનો. શિવ-કૃષ્ણ આરાધનાનો મહિનો અને આ વખતે તો રામજન્મભૂમિના ઐતિહાસિક મંદિરના પાયાના પૂજનનો મહિનો.
થોડા દિવસ પહેલાં જન્માષ્ટમી આપણે ઊજવી. ઘરે બેઠાં-બેઠાં આપણા માનસપટ પર ઊજવી. ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’નો નાદ મંદિરોમાંથી સીધો આપણા માનસપટ પર ગુંજવા લાગ્યો. મંદિર અને મન એકાકાર થઈ ગયાં. મન મંદિર બની ગયું. મંદિરમાં ઝાલર, ઝાંઝ, પખવાજ, ઢોલ-નગારાંના નાદે પ્રભુ પ્રગટ્યા અને ઘરે બેઠાં-બેઠાં આપણા કાળજાએ કૃષ્ણને પોંખ્યા. એક નવતર અનુભૂતિએ મન તરબતર કરી દીધું. ઘેરબેઠાં જાણે કથરોટમાં ગંગાનું અવતરણ થયું અને ‘ગોવિંદા આલા રે આલા’ના નાદ રસ્તા પર નહીં, હૃદયમાં ગુંજ્યા.
પાંચમી ઑગસ્ટ સમસ્ત દેશ માટે દિવાળી પહેલાંની દિવાળી બની ગઈ. અયોધ્યામાં એક નવો અધ્યાય રચાયો. રામમંદિર માટે વડા પ્રધાનના હસ્તક ભૂમિપૂજન થયું, શાસ્ત્રોક્ત વિધિ થઈ, મંત્રોચ્ચાર થયા, શંખનાદ થયો, ભજનો ગવાયાં, પરંપરા મુજબ બ્રાહ્મણોએ દક્ષિણા પણ માગી અને અપાઈ પણ ખરી. અત્ર તત્ર સર્વત્ર વાતાવરણ મંગલમય બની ગયું. લાખ્ખો-કરોડો લોકોએ આ આનંદોત્સવ દૂરદર્શન પર દૂરથી નિહાળ્યો અને અંતરાનંદ અનુભવ્યો.
જે ભૂમિ ૫૦૦ વર્ષથી ‘વિવાદાસ્પદ’ ભૂમિ તરીકે ઓળખાતી હતી એ ભૂમિનો વિવાદ સમી ગયો એવું શ્રદ્ધાળુઓને અને જાહેર જનતાને લાગ્યું, પણ વિધિ પત્યાને હજી અડધો કલાક ન થયો ત્યાં નવા વિવાદ શરૂ થઈ ગયા. આપણી એ જ કમનસીબી છે. એક વિવાદ શમે ન શમે ત્યાં બીજો વિવાદ જન્મે છે. ખેર, આજે એ વિવાદની વાત નથી કરવી, રામની વાત કરવી છે.
પાંચમી ઑગસ્ટ પછી કેટલાક યુવાનોએ અને કેટલાક વયસ્કોએ પણ મને પૂછ્યું કે આ રામજન્મભૂમિનો મામલો શું છે? ૫૦૦ વર્ષથી આ વિવાદ ચાલે છે એટલે શું? ૫૦૦ વર્ષથી શાસનકર્તા શું કરતા હતા? શાનો વિવાદ અને શી વાત છે?
સૌપ્રથમ તો ‘રામનો મહિમા’ શું છે એ જાણીએ. હિન્દુ અને લાખ્ખો-કરોડો અન્ય લોકો માટે રામ એ માત્ર સંજ્ઞાવાચક કે ભાવવાચક નામ નથી; એ એક અનુભૂતિ છે, શ્રદ્ધા છે, અહેસાસ છે, ભક્તિ છે, આસ્થા છે, ડૂબતાનું તરણું છે, તરતાની તાકાત છે. રામ અને રામનામ અનેક સ્વરૂપે આપણા જીવનમાં ઓતપ્રોત બની ગયાં છે. રામની કથા છે, રામની ગાથા છે, રામ ઇતિહાસ છે, રામ દંતકથા છે, રામ સાહિત્ય છે, રામ સંસ્કૃતિ છે, રામ મર્યાદા છે, તો રામનામનો વિસ્તાર અમર્યાદિત છે.
રામ એટલે દશરથનંદન કે કૌશલ્યાપુત્ર જ નહીં, રામ એટલે આપણો આતમ. આતમરામ! વિચાર કરો આપણે કેટલી વાર બોલ્યા હોઈશું ‘રામ જાણે!’ એટલે કે આપણે જે વાતથી અજાણ છીએ એ વાત રામ જાણે છે. ‘રામ રમી ગયા’ એટલે કે અંત આવી જવો, નષ્ટ થઈ જવું. એ જ રીતે ‘હે રામ થઈ જવું.’ આપણી રોજબરોજની ભાષામાં ‘રામ’ શબ્દ કેટકેટલી રીતે સંકળાઈ ગયો છે.
રામનામ સત્ય હૈ, રામ રાખે તેને કોણ ચાખે, રામનામ જપના પરાયા માલ અપના, રામરતન ધન પાયો, રામ કરે સો હોઈ, રામ બોલો ભાઈ રામ, ભમતારામ, રખડતા રામ, રામ રામ કરી દીધા, હૈયામાં રામ વસ્યા, વાતમાં કઈ રામ (દમ) નથી, રામ (હિંમત) વગરનો, રામબાણ (કદી નિષ્ફળ ન જાય એવો ઇલાજ), રામરાજ્ય, રામનું રામાયણ કરવું (વાતનું વતેસર કરવું), રામ-લખનની જોડી, રામ રમી જવા, રામ ગાંઠિયું (બુદ્ધિ વગરનું), ભીતર કી રામ જાણે, રામ કરવું (બુઝાવી-ઓલવી નાખવું), રામ ઊડી જવા એટલે હિંમત હારી જવી, રામને રડવું નહીં અને સીતાને દળવું નહીં એટલે બેઉ પક્ષે આળસુ હોવું, રામ-કહાણી એટલે કષ્ટદાયી કથા, મુખ મેં રામ બગલ મેં છૂરી, રામધન એટલે પવિત્ર લક્ષ્મી.
‘રામ ઝરૂખે બૈઠકર, સબકા મુજરા લેત,
જૈસી જીનકી ચાકરી, વૈસા ઉનકું દેત’ - (જેવી કરણી તેવું ફળ) રામફળ, રામગોલા, રામગોવાળ, રામઆણ, રામકલી, રામકુંડ, રામજણ, રામજની, રામટેક, રામઝરૂખો, રામછંદ, રામઢોલ (ઘણું જાડું માણસ), રામ ડોલી (કમભાગ્ય), રામણ (મુશ્કેલી, અડચણ), રામ દીવડો (મંગલ પ્રસંગે પ્રગટાવાતો દીપ), રામ બુઝારુ (માટલા પર ઢાંકવામાં આવતું માટીનું વાસણ), રામ દુવાહી, (રામની આણ). રામ પાતર (શકોરું), રામ પિયાલો (હાથીના કપાળ પર બાંધવાનો કટકો), રામદલ (જેનો મુકાબલો કરવો મુશ્કેલ થઈ પડે એવી સેના), રામ બટાઈ, (જમીનદાર અને ખેડૂત વચ્ચે પાકની વહેંચણી).
રામપુરી ચાકુથી કોણ અજાણ હશે? અસલના જમાનામાં શબ્દ હતો રામપુરી કતી. એ પોલાદના પાનાવાળું, ઝેરી પાણી પાયેલું, લંબાઈમાં બે ફુટ સાત ઇંચ અને પહોળાઈમાં દોઢ ઇંચ સીધા પાનાવાળું, એક જ બાજુની ધારવાળું હથિયાર. સિસોદિયા વંશના સમરસિંહે આ જાતની તલવાર તૈયાર કરાવી હતી. પોતાની જન્મગાંઠના દિવસે સગાંવહાલાંઓને એની ભેટ આપતા.
રામમહિમાની યાદી હજી ઘણી લંબાવી શકાય. કહેવાનું તાત્પર્ય એટલુંજ કે રામનામ આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે.
હવે મૂળ વાત, રામજન્મભૂમિ વિવાદ શું છે? બહુ ટૂંકમાં અને સરળ રીતે કહું તો સોળમી સદીમાં (૧૫૨૮-’૨૯માં) બાબરના સેનાપતિએ અયોધ્યામાં એક મસ્જિદ બંધાવી. મસ્જિદનું નામ રાખ્યું ‘બાબરી મસ્જિદ.’ સમય જતાં લોકોના ધ્યાનમાં આવ્યું અને કોઈકે ધ્યાન દોર્યું કે જે જમીન પર બાબરી મસ્જિદ છે એ તો હકીકતમાં રામજન્મભૂમિ છે, બસ, પત્યું! ત્યારથી વિવાદનો વંટોળ શરૂ થયો. હિન્દુ-મુસ્લિમ સંગઠનો આ બાબતે સામસામે આવી ગયા. છેક ૧૮૮૫માં પહેલી વાર આ વિવાદ અદાલતમાં ગયો, પણ અદાલતે એ અપીલને સ્વીકારી નહીં.
૧૯૪૯માં હિન્દુએ હિન્દુ સંગઠનોની મદદથી એ બાબરી મસ્જિદના સ્થળે રામની મૂર્તિ મૂકી દીધી અને ૧૯૫૦માં ગોપાલસિંહ વિશારદે ફૈઝાબાદ અદાલતમાં રામની પૂજા કરવાનું ચાલુ રાખવા માટે અરજી દાખલ કરી (એ વખતે મસ્જિદને ઢાંચા તરીકે સંબોધવામાં આવતી). પછી તો અદાલતની રીતરસમ પ્રમાણે હિન્દી ફિલ્મના ડાયલૉગ મુજબ ‘તારીખ પે તારીખ પે તારીખ’નો સિલસિલો શઈ થયો.

૧૯૫૯માં નિર્મોહી ‍અખાડાએ પ્રસ્તુત વિવાદાસ્પદ સ્થળે કબજો જમાવવાનો પ્રયત્ન કર્યો અને પ્રત્યાઘાતરૂપે સુન્ની વક્ફ બોર્ડ બાબરી મસ્જિદ પર માલિકીપણાના હક માટે અદાલતે ચડ્યું. એ પછી રાજરમત શરૂ થઈ. ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવી અને વિવાદિત સ્થળે રામમંદિરનું નિર્માણ કરવાની ઝુંબેશ શરૂ કરી. ૧૯૮૬માં સ્થાનિક અદાલતે એક મહત્ત્વનો ચુકાદો આપીને હિન્દુઓને પૂજા કરવાની પરવાનગી આપી દીધી અને ૧૯૮૯માં બીજેપીએ વિશ્વ હિન્દુ પરિષદને સમર્થન આપ્યું, તો ૧૯૮૯માં જ એ સમયના વડા પ્રધાન રાજીવ ગાંધીની સરકારે બાબરી મસ્જિદ નજીક મંદિર બનાવવાની મંજૂરી આપી. 



૧૯૯૦માં બીજેપીના એ સમયના અધ્યક્ષ લાલ કૃષ્ણ અડવાણીએ સોમનાથથી લઈને અયોધ્યા સુધીની કાઢેલી રથયાત્રા ઐતિહાસિક બની ગઈ અને પછી તો ઘણીબધી ઘટનાઓ બની; અદાલતો ભરાઈ, ચુકાદા આવ્યા, બદલાયા, રાજરમત રમાઈ, પરંતુ હિન્દુ સંગઠનો એક બાબતે એકજૂટ રહ્યા કે બાબરી મસ્જિદ એ રામની જન્મભૂમિ છે અને એ જ જન્મભૂમિ પર રામમંદિર બંધાવું જોઈએ.
આ બધી કસરતો, કાવાદાવાઓ, કંકાસ અને કજિયા પછી છેક ૨૦૧૯ની ૯ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે છેવટનો ચુકાદો આપ્યો જેમાં ૨.૭૭ એકર જમીન અત્યારે વિરાજમાન રામમંદિરને આપવાનો આદેશ આપ્યો અને સાથોસાથ મસ્જિદ માટે પાંચ એકર જમીન અલગથી સુન્ની વક્ફ બોર્ડને આપવાનો ફેંસલો સંભળાવ્યો જે બન્ને પક્ષે માન્ય રાખ્યો. આ છે રામમંદિરની રામકહાણી.
અને છેલ્લે...
પાંચમી ઑગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન વાજતે-ગાજતે થઈ ગયું એટલે એમ ન સમજવું કે ઘીના ઠામમાં ઘી પડી ગયું. એ ઘીને હવે ઉકાળવામાં આવી રહ્યું છે. કેટલાક નેતાઓએ નાદાન હરકતો અને બયાનો ચાલુ કર્યાં છે કે જે રામમંદિર બનશે એને અમે તોડી પાડીશું અને ફરીથી ત્યાં મસ્જિદ બાંધીશું. તો કેટલાક હરખપદૂડા ધર્મપ્રેમીઓ ‘અયોધ્યામાં રામમંદિર બની ગયું, હવે કાશી-મથુરાનો વારો’ એવા નારા ગજવવા માંડ્યા છે. હવે આગળ શું થશે એ તો ‘રામ જાણે.’


સમાપન
વૈમનષ્ય ધરાવતા બે પક્ષો જો ખાનદાન હોય તો શું થઈ શકે એની અદ્ભુત વાત કંબન રામાયણમાં છે...
સેતુબંધ બાંધવા પૂજન કરવાનું હતું. કોઈ એવા બ્રાહ્મણની જરૂર હતી જે શિવ અને વિષ્ણુ બન્નેનો ભક્ત હોય. જાંબુવંતે રામને કહ્યું, ‘એવો બ્રાહ્મણ તો નજીકમાં એક જ છે, રાવણ! પણ તે આપણો દુશ્મન છે.’ રામે કહ્યું, ‘લડવામાં તે આપણો દુશ્મન હશે, પણ ધર્મવિધિ માટે તેને આચાર્ય તરીકે નિમંત્રણ આપો.’
જાંબુવંતે રાવણ પાસે જઈને વાત કરી, આમંત્રણ આપ્યું. રાવણે સહર્ષ સ્વીકાર્યું! ભગવાન રામના આચાર્ય બનવાનું કોને ન ગમે! રાવણે પૂજન શરૂ કરતાં પહેલાં કહ્યું, ‘આ ખાસ વિધિમાં પત્ની આવશ્યક છે, બોલાવો. બધા મૂંઝાઈ ગયા. થયું કે રાવણની આ કોઈ ચાલ તો નથીને. રાવણ એ લોકોની મૂંઝવણ સમજી ગયો. હસતાં-હસતાં તરત જ કહ્યું, ‘મારા પુષ્પક વિમાનમાં આપના દૂતને મોકલો, લંકામાંથી સીતાજીને લઈ આવે.’
સીતાજી આવ્યાં. વિધિપૂર્વક પૂજન પૂરું થયું. રાવણે પરંપરા મુજબ કહ્યું કે ‘હું માગું એ દક્ષિણા આપો.’ ફરીથી સોપો પડી ગયો. રાવણ વિજયનું વરદાન માગશે તો? પણ રામ સ્વસ્થ હતા. મલકાતા સ્વરે કહ્યું, ‘હે આચાર્ય, બોલો શું ઇચ્છો છો?’ રાવણે કહ્યું, ‘બીજું કાંઈ નહીં, મારી એક જ અરજ છે કે મારા મૃત્યુ સમયે આપ સન્મુખ રહેજો.’
‘હાથ મેં ખંજર નહીં,
આંખોં મેં પાની ચાહિયે
અય ખુદા, દુશ્મન ભી હમે
ખાનદાની ચાહિયે.’
- રાહત ઇન્દોરી


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2020 09:58 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK