ધાર્યું તો થાય મોદીનું જ : ઈ-મેઇલ કરીને નવ ઉપવાસની તૈયારીઓ શરૂ કરવા આદેશ આપ્યો

Published: 10th November, 2011 15:54 IST

૬ નવેમ્બરના ‘મિડ-ડે’માં લખ્યું હતું એમ ૧ ડિસેમ્બર સુધીમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ નવ સદ્ભાવના ઉપવાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ ગુજરાત બીજેપીના નેતાઓ તેમને આટલા ઉપવાસ એકસાથે કરવાની ના પાડી રહ્યા હતા.

 

(રશ્મિન શાહ)

રાજકોટ, તા. ૧૦

જોકે ગઈ કાલે મુખ્ય પ્રધાને ચીનથી ઈ-મેઇલ કરીને ક્લિયર કર્યું હતું કે તેઓ પોતાના પ્લાન મુજબ નવ ઉપવાસ જ કરશે અને એ માટેની જોઈતી તૈયારીઓ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવી. આ ઈ-મેઇલ મળ્યા પછી ગુજરાત બીજેપી અને ગુજરાત સરકાર ઉપવાસની કામગીરી પર લાગી ગઈ છે અને સદ્ભાવના મિશનને આગળ ધપાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉના પ્લાન મુજબ ૧૪ નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધીમાં કુલ નવ ઉપવાસ કરશે. એ મુજબ સૌથી પહેલો ઉપવાસ પાટણમાં (૧૪ નવેમ્બર), બીજો ઉપવાસ વડોદરા જિલ્લાના બોડેલી ગામે (૧૮ નવેમ્બર), ત્રીજો ઉપવાસ કચ્છ જિલ્લાના ભચાઉમાં (૧૯ નવેમ્બર), ચોથો ઉપવાસ પોરબંદરમાં (૨૦ નવેમ્બર), પાંચમો ઉપવાસ ગાંધીનગર જિલ્લાના માણસામાં (૨૧ નવેમ્બર), છઠ્ઠો ઉપવાસ તાપી જિલ્લાના સોનગઢ ગામે (૨૨ નવેમ્બર), સાતમો ઉપવાસ નર્મદા જિલ્લાના રાજપીપળા ગામે (૨૭ નવેમ્બર), આઠમો ઉપવાસ ડાંગ જિલ્લાના આહવા ગામે (૨૯ નવેમ્બર) અને નવમો ઉપવાસ ભાવનગરમાં (૧ ડિસેમ્બર) કરશે.

આ નવ ઉપવાસ દરમ્યાન ૧૮થી ૨૨ નવેમ્બર એમ કુલ પાંચ ઉપવાસ એકધારા આવી રહ્યા છે. બીજેપીના સિનિયર નેતાએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈ ચીનથી પાછા આવે એટલે અમે તેમને સમજાવવા પ્રયાસ કરીશું, પણ હવે તેઓ માને એવી શક્યતા સાવ નહીંવત્ છે.

આ અગાઉ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ત્રણ અને દ્વારકા તથા નવસારીમાં એક-એક સદ્ભાવના ઉપવાસ કરી ચૂક્યા છે.

નવ ઉપરાંતનો ઉપવાસ

૯ ડિસેમ્બરે રાજકોટમાં સદ્ભાવના ઉપવાસ માટે તૈયારી કરવા વિશેની સૂચના પણ મુખ્ય પ્રધાનની ઈ-મેઇલમાં આપવામાં આવી છે

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK