કથા સપ્તાહ : ત્રિકમલાલ (1)

Published: Jul 01, 2019, 12:06 IST | ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક - કથા સપ્તાહ | મુંબઈ ડેસ્ક

‘ખંજનિયા, એક કામ તારે કરી આપવું પડશે...’ સવારના પહોરમાં સાડાછ વાગ્યે એ દિવસે ત્રિકમકાકાએ ફોન પર અચાનક માગણી કરી હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કથા સપ્તાહ 

ઍક્ટિવા પર બેસતાં પહેલા ખંજને પોતાના મોબાઇલમાં રહેલા અનેક ફોટોમાંથી ત્રિકમકાકાએ ધ્રૂજતા હાથે ખેંચેલો સેલ્ફીવાળો ફોટો શોધી કાઢ્યો. એ ખાસ ફોટોને જોતાંની સાથે આવા દુઃખના માહોલમાં પણ ખંજનનું મોં મલકાઈ ગયું. ઍક્ટિવા ચાલુ કરીને તે નીકળ્યો. આજે ત્રિકમકાકા સાથે વિતાવેલી અનેક યાદો તેની આંખ સામે આવી ગઈ...

‘ખંજનિયા, એક કામ તારે કરી આપવું પડશે...’ સવારના પહોરમાં સાડાછ વાગ્યે એ દિવસે ત્રિકમકાકાએ ફોન પર અચાનક માગણી કરી હતી.

આગલી રાતે નાટકનો શો પતાવીને ખૂબ મોડો સૂઈ ગયેલા ખંજન ત્રિવેદીએ અડધી ઊંઘમાં વડીલ મિત્રની વાત સાંભળી અને એક મોટા બગાસા સાથે બોલ્યો ‘બોલોને કાકા શું થયું?’

‘અલ્યા કામ છે કહું છું, અને તારે કરી જ આપવાનું છે, તાત્કાલિક.’ ત્રિકમકાકાના અવાજમાં હમેંશાં છલોછલ રહેતો જુસ્સો એ ઘડીએ પણ એવો જ હતો.

ખંજનને થયું કે કંઈ ખાસ હશે એટલે થોડું સ્વસ્થ થઈ તેણે પૂછ્યું, બોલોને કાકા, શું હતું?’

‘એક અનાથાશ્રમ અને એક વૃદ્ધાશ્રમ ખરીદવું છે. ગોઠવો કંઈ...’ ત્રિકમકાકાના શબ્દોને સાંભળી ખંજન પથારીમાંથી સફાળો બેઠો થઈ ગયો.

હૃદયમાંથી સોંસરવી નીકળી ગળા મારફત જીભ સુધી આવી ગયેલી ગાળને માંડ-માંડ મનોમન ત્રિકમકાકાની ઉંમરનું પાટિયું બતાડીને રોકી.

‘શું કાકા, સવાર-સવારમાં મજાક કરો છો, સુવા દોને યાર. આ ગઈ કાલનો શો પતાવીને છેક ૩ વાગ્યે ઘરે આવ્યો છું.’ ખંજનના અવાજમાં ગુસ્સો, કંટાળો અને કાકા પ્રત્યેના માનને લીધે રહેલું વહાલ ત્રણેય હતું.

‘ના ના, ખંજનિયા, જોને આ ગઈ કાલ રાતથી મને દુનિયાનો વર્લ્ડ બેસ્ટ આઇડિયા આવ્યો છે. આપણે છેને એક વૃદ્ધાશ્રમ અને એક અનાથાશ્રમ ખરીદીને બેયને ભેગા કરી દઈએ. આ વડીલોને દીકરા મળી જશે અને દીકરાઓને વડીલો. એકઝાટકે પ્રૉબ્લેમ સૉલ્વ... શું કહે છે, છેને ધોતીફાડ આઇડિયા.’

એ દિવસે તો સાંભળીને ખૂબ ચીડ ચડી હતી, પણ કોણ જાણે કેમ આજે એ શબ્દો અને વિચાર યાદ કરીને થયું કે માણસ તો બૉસ વિઝનરી હતો. આવી તો કેટલીય જીવન ઉપયોગી વાતો ત્રિકમકાકા અનાયાસ જ બીડીના કશ ફૂંકતાં-ફૂંકતાં કરી નાખતા હતા. ત્રિકમકાકાની આવી જ વાતોનું કલેક્શન કરીને બુક બનાવવામાં આવે તો ખરેખર તેમની ભાષામાં કહું તો દુનિયાની વર્લ્ડ બેસ્ટ મોટિવેશનલ બુક બને.

જેટલા અનપ્રિડિક્ટેબલ ત્રિકમકાકા હતા એટલી જ અનપ્રિડિક્ટેબલ પણ અદ્ભુત તેમની વાતો હતી.

એક દિવસ નાટકના રિહર્સલ દરમ્યાન ગોટા અને ભજિયાં ખાતા કલાકારોને જોઈને ખબર નહીં શું થયું કે ગાડી લઈને કાકા નીકળી ગયા અને બધા માટે અમદાવાદની સૌથી સારી હોટેલમાંથી પૅક્ડ લંચ લઈ આવ્યા અને ગણતરી પણ એવી કે પ્રૅક્ટિસ હૉલને સાચવતો ચોકીદાર પણ એમાંથી બાકાત નહીં.

નાટકના જબરા શોખે આ રિટાયર્ડ બિઝનેસ-ટાયકૂનને ભલભલાં નાટકો કરાવ્યાં હતાં.

જગતભરમાં નારિયેળપાણીના સ્વાદવાળી શિંગ એક્સપોર્ટ કરવાનો ધોમધખતો ધંધો અચાનક દીકરાને સોંપીને નાટકોમાં રોલ કરીને મનગમતું કામ કરતાં જીવન પૂરું કરવાનું નક્કી કર્યું.

ત્રિકમદાસ આમ જોવા જઈએ તો સાવ નબળા કળાકાર. સાઇડના રોલ કર્યા કરે, પણ ખૂબ જ આર્થિક સધ્ધરતા ધરાવતા ત્રિકમદાસને નાટકોનો શોખ એટલો કે કોઈ પણ ભોગે ઍક્ટિંગ તો કરવાની જ. ઘણી વાર પ્રોડ્યુસર શોધતા દિગ્દર્શકો આ ત્રિકમદાસકાકાને નાનો રોલ આપે અને બદલામાં ત્રિકમદાસ આખું નાટક સ્પૉન્સર કરી દે.

આખાય નાટયજગતમાં આ ત્રિકમકાકા એટલે પ્રોડક્શનની બૅન્ક તરીકે પ્રખ્યાત થઈ ગયેલા. બધાને ખબર કે આ કાકાને એક નાનકડો રોલ આપીએ એટલે આપણા અડધા ખર્ચા તો તેઓ જ આપી દે અને પાછા રિહર્સલ દરમ્યાન નાસ્તામાં પતાવતા દિગ્દર્શકોથી ઉપરવટ જઈને કલાકારોને અને પ્રોડક્શનવાળાને ભરપેટ જમાડે પણ ખરા.

કલાકારોને લેવા-મૂકવા પોતાની ડ્રાઇવરવાળી ઍરકન્ડિશનર ગાડી મોકલે. ડ્રેસ હોય કે નાટકનો સેટ, નબળું કશું તેઓ ચલાવે નહીં, ખાલી પોતાની ઍક્ટિંગ સિવાય.

હવે એક કે બે ડાયલૉગનો રોલ આપીને આવી જાજરમાન સેવા મળતી હોય તો દરેકને ત્રિકમકાકા પોસાય જ અને ત્રિકમકાકા પણ હસતાં-હસતાં કહે કે જિંદગી બહુ જ સુંદર છે અને સુંદર વસ્તુઓ વિચારવાની ન હોય, માણી લેવાની હોય. એટલે હું પણ જિંદગીની પળેપળ માણું છું. કોણ મારે માટે શું વિચારે છે એ વિચારીને મને કંકોડાય ફરક નથી પડતો.

આ લોકો શું કહેશે એની ચિંતામાં ને ચિંતામાં મનગમતું મૂકીને ન ગમતું કરતા અનેકોના શહેરમાંતે એકલો હતો જે બીજાથી તદ્દન ભિન્ન હતો.

લગભગ પાંચ ફુટની બેઠી દડીની કાયા ધરાવતા ત્રિકમલાલ ત્રિભુવનદાસ કોઠારી બહુ ગોરાય નહીં ને કાળા પણ નહીં. ભગવાને બન્ને ગાલ કાન તરફ ખેંચીને પાછળથી સેલોટેપ મારી દીધી હોય એમ હોઠના ખૂણા તરફ ખેંચેલા એટલે એકદમ હૃદયદ્રાવક સીનમાં પણ સ્ટેજ પર સિરિયસ ઊભેલા ત્રિકમલાલ હસતા હોય એવું જ લાગે.

કપડાંના શોખીન પણ બૂટ પહેરવાની જગ્યાએ ચંપલનો જ આગ્રહ... ધારે તો સિગારેટની કંપની ઊભાં-ઊભાં ખરીદી શકે એટલી મિલકતના માલિક પણ પીવાની

તો બીડી જ. તેમના શબ્દમાં કહીયે તો સિગારેટ પીવાથી વહેલું મરી જવાય અને બીડીથી મોડું. મરવાનું બેઉમાં છે, પણ તો પછી શાંતિથી ન મરીએ.

આ માણસને પહેલી વાર જોયો હતો ત્યારથી જ ખંજનને તેમનામાં કંઈક જુદો જ સ્પાર્ક અનુભવાતો. તેમની દુનિયાને જોવાની દૃષ્ટિ અલગ તો હતી જ, પણ એની પાછળ રહેલું લૉજિક પણ તેમના તકિયા કલામ ‘ધોતીફાડ’ જેવું જ હતું.

વચ્ચે એક દિવસ આવીને ખંજનને કહે કે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી છે, કોઈ સારો વકીલ નજરમાં છે? ખંજનને ગળા સુધી વિશ્વાસ હતો કે જજનું બીપી વધી જશે એવી જ કોઈ સ્કીમ હશે એટલે તેણે વળતું પૂછ્યું કે ‘પણ છે શું?’

‘આપણે દશેરાના દિવસે થતું રાવણદહન બંધ કરાવવા માટે સ્ટે ઑર્ડર લેવો છે’ ત્રિકમલાલે સિરિયસ થઈને કહ્યું.

ખંજનને થયું કે આ માણસ પોતે માર ખાશે અને મને પણ ખવડાવશે એટલે તેણે છણકો કર્યો, ‘શું કાકા તમે, કંઈ પણ બોલો છો?’

‘ના ના, સિરિયસ છું લા...’

‘અરે કાકા, તમે લોકોની આસ્થા સાથે ન રમોને યાર... તમે આમ સના કરશો ને તો લોકો તમને મારશે, સમજ્યા?’

ખંજનને મનમાં થયું કે આ માણસ ઉંમરલાયક થયો તોય કેમ આવી બાલિશ મજાક કર્યા કરે છે!!

ત્રિકમલાલે ફોડ પાડ્યો, ‘જો ભાઈ રામાયણમાં રાવણને કોણે માર્યો?’

ખંજનને ફરી પાછા પુછાયેલા બાલિશ પ્રશ્ન પર ચીડ ચડી. કંટાળેલા મોઢે તેણે કહ્યું, ‘ભગવાન રામે, બીજા કોણે?’

ત્રિકમલાલે એ શબ્દ પકડ્યો, ‘ભગવાન રામ. હવે તું જ કહે ખંજનિયા આજના યુગમાં એક માણસ મને રામ જેવો બતાય... જે માણસ રામ જેવો હોય તેને જ રાવણને મારવાનો હક હોય. આ તો દર વર્ષે રાવણ પણ મારો બેટો અંદર ને અંદર મૂંઝાતો હશે કે આ ઊભેલામાંથી કોણ રામ જેવો છે?’

સાવ મજાકમાં કહેલી કાકાની વાત આમ તો સાચી હતી. ખંજન કાકાની વાત મજાક હતી કે ફિલોસૉફિકલ એ સમજવા જાય ત્યાં તો તેમણે બીજી વાત કરી. તને ખબર છે ખંજન, આ રાવણને બાળતાં પહેલાં આપણે જ તેને મોટો કરીને બનાવીએ છીએ.

આ પણ વાંચો : કથા સપ્તાહ : હું શીલા જિતેન્દ્ર દવે (શૉર્ટકટની સજા લાંબી હોય છે... - 5)

ખંજને તેમની સામે જોયું‍ અને મોંમાં રહેલી બીડી નીચે નાખી એના પર ચંપલ મૂકીને એને કચડતાં ત્રિકમકાકાએ કહ્યું, ‘એના કરતાં તો રાવણને જીવનમાં બનાવીએ જ શું કામ કે પછી બાળવો પડે?’ (ક્રમશઃ)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK