કૉલમ : ઘર મેં આજ હુઆ હૈ ઝગડા, મમ્મી જો દેંગી ખા લેંગે

Published: May 06, 2019, 09:34 IST | પ્રવીણ સોલંકી - માણસ એક રંગ અનેક

પપ્પા પહલે ડાટેંગે ફિર બોલેગા હા, લા દેંગે મમ્મી આજ મિલેગી તનખ્વાહ, પપ્પા આજ નહીં ડાટેંગે કુછ લેને કી ઝિદ મત કરના, પપ્પા મેલા દિખા દેંગે ઘર મેં આજ હુઆ હૈ ઝગડા, મમ્મી જો દેંગી ખા લેંગે

પ્રવીણ સોલંકી
પ્રવીણ સોલંકી

માણસ એક રંગ અનેક

પપ્પા પહલે ડાટેંગે ફિર બોલેગા હા, લા દેંગે
મમ્મી આજ મિલેગી તનખ્વાહ, પપ્પા આજ નહીં ડાટેંગે
કુછ લેને કી ઝિદ મત કરના, પપ્પા મેલા દિખા દેંગે
ઘર મેં આજ હુઆ હૈ ઝગડા, મમ્મી જો દેંગી ખા લેંગે

બાળપણની દુનિયા અજબ હોય છે. બાળપણની દુનિયા એટલે સંતાઈ રહેલું શાણપણ અને બહાર ડોકાતું ગાંડપણ. બાળપણ એટલે લાડ, પ્યાર, ધિંગામસ્તી, ઊછળકૂદ, જીદ-જડતા, માગણી અને મસ્તીની મોસમ. રડીને રાજ કરવાનો અવસર, હસીને વહાલ મેળવવાનું વૈંકુઠ. બાળક હસતું પણ ગમે, રડતું પણ ગમે. મસ્તી કરતું પણ ગમે, શાંત રહેતું પણ ગમે, બાળકને છત આભડતી નથી ને અછત નડતી નથી. તે સગપણથી પર છે, શાણપણથી પર છે, ગરીબી-અમીરીથી પર છે, નાતજાત, છૂતઅછૂત, ધર્મ-અધર્મથી પર છે. બાળક એક એવું મનમોજી વાદળ છે કે મન થાય ત્યારે ગરજે અને મનફાવે ત્યાં વરસે. તેની ઇચ્છાને કોઈ હદ નથી અને મનને કોઈ સરહદ નથી. બાળક જાણે છે ઓછું, પણ સમજે છે વધારે; જ્યારે પુખ્ત વયના લોકો જાણે છે વધારે, પણ સમજે છે બહુ જ ઓછું.

બાળકને કાદવ ગમે છે, કિચડ ગમે છે, કચરો ગમે છે, ધૂળ ગમે છે, પથરા ગમે છે, કાગળના ડૂચા ગમે છે, બાળકને જે વસ્તુ પહેલી મળે એ ગમે છે, જે હાથમાં આવે એનાથી રમે છે. પણ સૌથી વધારે ગમે છે તેને ઘરની ભીંત. ભીંત પકડીને તે ભાંખોડિયાં ભરે છે, ભીંત પર તેના નાજુક હાથ થપથપાવી તે આનંદ માણે છે, ભીંત પર જીભ ફેરવી તેનો સ્વાદ માણે છે. વળી ઘરની ભીંત એટલે બાળકના શિક્ષણની સૌથી પહેલી પાટી. ભીંત પર તે લિસોટા કરે, લખે, ચીતરે. આપણને લાગે કે બાળક ભીંત બગાડે છે, પણ હકીકતમાં તો તેના જીવનનું ઘડતર થતું હોય છે. વર્તમાનકાળને જો સંપૂર્ણ રીતે જીવતું હોય તો બાળક જ છે. ભૂતકાળ તેને યાદ નથી હોતો, ભવિષ્યની તેને નથી પરવા હોતી કે નથી હોતી ખબર.

બાળક વિશેની આટલી પ્રસ્તાવના પછી ઉપરની પંક્તિઓની મજા લઈએ. કેટલી સરળ અને કેટલી ભાવભરી છે! માબાપના સ્વભાવની કેટલી સરસ અને સરળ રજૂઆત છે! ‘પહલે પપ્પા ડાટેંગે, ફિર બોલેગા હા લા દેંગે.’ મા બાળકની આંખો છે, બાપ બાળકની પાંખો છે, મા જમીન છે, બાપ આસમાન છે. મા મમતાની મૂરત છે, બાપ ક્ષમતાના પૂરક છે. મા બાળકનું હૃદય છે, બાપ બાળકનું મસ્તક છે. મા ભક્તિ છે, બાપ શક્તિ છે. મા બાળકને લાડ કરે છે, બાપ બાળકને ધાકમાં રાખે છે. આ ધાકમાં પણ નર્યો પ્રેમ હોય છે.

દરેક પિતાનો એક સ્વભાવ હોય છે. બાળક માગે ને બાપ આપી દે એવું ભાગ્યે જ બનતું હોય છે. જેવું બાળક કંઈ માગે કે પિતાની રાબેતા મુજબની ટેપ કરેલી રેકૉર્ડ શરૂ થઈ જતી હોય, ‘દર અઠવાડિયે તારી કોઈ ને કોઈ માગણી ઊભી જ હોય છે. એક વાત સમજી લે, તું કંઈ લાટસાહેબનો દીકરો નથી. આવા ખર્ચા આપણને ન પોસાય, તારા ભાઈબંધ-દોસ્તારો તો બધા બાપ લાખ ચાલીસ હજારિયા છે, બે નંબરની આવક છે, હું મહેનત કરીને કમાઉં છું. ખબરદાર જો હવેથી કંઈ માગ્યું છે તો!’ આવા શબ્દો સાંભળી બાળક મોઢું નિમાણું કરી નાખશે, નીચું જોઈ જશે. નાટકિયું બાળક આંખમાં આંસુ લાવી ચૂપચાપ બહાર દોડી જશે, માતાના પડખામાં ભરાઈ જશે. તેને ખબર છે કે બાપ આખરે બાપ છે. તે માની જેમ લાગણી દેખાડીને નહીં, માગણી પૂરી કરીને પ્રેમ વ્યક્ત કરશે. સાંજે જ્યારે ઘરે પાછો આવશે કે માગેલી ચીજ તેના હાથમાં હશે જ! ‘પહેલે ડાંટેગે ફિર લા દેંગે!’

હવે બીજી પંક્તિ જુઓ : ‘મમ્મી, આજ મિલેગી તનખ્વાહ, પપ્પા આજ નહીં ડાટેંગે.’ બાળક બહુ ચતુર હોય છે, ઘરના માહોલને બરાબર જાણતું હોય છે. પગારના દિવસનું મહત્વ મધ્યમ વર્ગના કુટુંબ માટે અનેરું હોય છે. મધ્યમ વર્ગનો પિતા એકથી દસ તારીખ સુધી મૂડીવાદી શ્રીમંતની જેમ વર્તે છે, અગિયારથી વીસ તારીખ સમાજવાદી બની જાય છે અને એકવીસથી ત્રીસ તારીખ સામ્યવાદી થઈ જાય છે. પગારનો દિવસ તેને મન ઉત્સવ હોય છે. હાથમાં પગારની કડકડતી નોટો આવતાં જ તેનામાં આત્મવિશ્વાસ જાગૃત થઈ જાય છે. કંઈકેટલાંય સપનાંઓ દેખાવા લાગે છે. ખિસ્સું ભરેલું હોય તો મન ઠરેલું હોય, મન ઠરેલું હોય તો આનંદ રહેવાનો જ-મળવાનો જ!

ત્રીજી પંક્તિ જુઓ : ‘કુછ લેને કી ઝિદ મત કરના, પપ્પા મેલા દિખા દેંગે.’ બાળક કે કુટુંબ સાથે જ્યારે પણ ક્યાંક બહાર જવાનું થાય ત્યારે પિતાને પેટમાં મોટો ધ્રાસકો પડતો હોય છે કે બહાર નીકળીશ કે માગણીઓની વણજાર શરૂ થઈ જશે, ‘મને આ અપાવી દો, મને પેલું અપાવી દો.’ એટલે તો સમજુ માતા પહેલેથી જ બાળકને ચેતવી દેતી હોય છે કે બેટા, તારે મેળો જોવો છેને, પપ્પા જરૂર તને લઈ જશે પણ તારે મેળામાંથી કંઈ અપાવી દેવાની જીદ નહીં કરવાની. બાળકના મનનું પહેલેથી જ સમાધાન કરાવતી માતાના હૃદય પર શું વીતતું હશે એ તો મા જ જાણે, પણ આર્થિક અવદશાનું આ પરિણામ દરેક માતા ભોગવતી હોય છે.

ચોથી પંક્તિ : ‘ઘર મેં આજ હુઆ હૈ ઝગડા, મમ્મી જો દેંગી વો ખા લેંગે.’ બાળકના મનમાં સૌથી ઘેરી-ઊંડી છાપ પડતી હોય તો માબાપના, ઘરના ઝઘડાની છે. બાળકની હાજરીમાં ઝઘડા થાય એ સૌથી મોટો સામાજિક અપરાધ છે. ઝઘડા મા-બાપ, કુટુંબ કરે; પણ એની સજા બાળકને ભોગવવી પડે છે. કહેવાય છે કે મા-બાપ તરફથી સંતાનોને સૌથી મોટી-અમૂલ્ય ભેટ, ગિફ્ટ એ જ છે કે પિતા સંતાનની માતાને અનહદ પ્રેમ કરે. પતિપત્નીના મધુર સંબંધથી બાળક તંદુરસ્ત, બુદ્ધિશાળી, કલ્પનાશીલ બને છે અને ખુશખુશાલ રહે છે. ઘરના ઝઘડાથી બાળક ક્ષુબ્ધ બની જાય છે, તેની લાગણી દુભાય છે, ચિત્તતંત્ર ખોરવાય છે, ઝઘડા પછી તે સૂનમૂન બની ડાહ્યા બનવાનો ડોળ કરે છે. એનાથી તેના માનસપટ પર ઘેરી અસર પડે છે. તે જાણી જાય છે કે આવા સંજોગોમાં કોઈ જીદ કરવી, કોઈ માગણી કરવી, કોઈ વાદવિવાદ કરવો એટલે બળતામાં ઘી હોમવા જેવું થશે. એટલે ‘મમ્મી જો દેંગી, ખા લેંગે.’

આપણે ઘણી વાર બાળકના મનનો વિચાર કર્યા વગર ઘરમાં વર્તન કરતા હોઈએ છીએ. બાળક કંઈ સમજતું નથી એવી સમજ નાસમજ છે. બાળકની સમજ ભલે કાચી હોય, પણ તેના પ્રત્યાઘાતો બહુ સાચા હોય છે. તે પોતાની લાગણી ભાષા-શબ્દો દ્વારા વ્યક્ત કરી નથી શકતો કે જાણીજોઈને નથી કરતો એ વાત જુદી છે.

બાળકની હાજરીમાં અપશબ્દો બોલવા, કોઈ વિશે ખરાબ બોલવું, ભદ્દી મજાક કરવી, કોઈને ઉતારી પાડવા વગેરે ખતરનાક છે. એક વાતનો બરાબર ખ્યાલ રાખવો કે આપણે વાંદરાના વંશજ છીએ. અનુકરણ કરવું આપણા જન્મજાત સંસ્કાર છે અને બાળક જેવું ઝડપી અનુકરણ કોઈ કરી શકતું નથી. બાળકનું શારીરિક ઘડતર માતાના ઉદરમાં થાય છે અને માનસિક ઘડતર ઘરના ઘોડિયામાં થાય છે. માબાપ બાળકનો અરીસો છે. સંતાનોને પોતાનું પ્રતિબિંબ એમાં જ દેખાવાનું.

ક્યારેક મને થાય છે કે કુદરત સામે આપણે મોટાઓ (ઉંમરમાં) કેટલા લાચાર છીએ, જ્યારે બાળકો કુદરતને કેવાં કુદરતી રીતે માણે છે! ભર વરસાદમાં કપડાં કાઢી ઉઘાડે ડીલે અને ખુલ્લા દિલે નહાય છે, છબછબિયાં કરે છે, એકબીજાને છાંટા ઉડાડે છે, પોતે ભીંજાય છે બીજાને પણ ભીંજવે છે. છત્રી તેને દુશ્મન લાગે છે. રેઇનકોટ તેને ભાર. બસ, ભીંજાય છે બેધડક, બેસુમાર!

તડકાની ઐસીતૈસી કરીને ક્રિકેટ રમતાં, ફુટબૉલ કે પકડાપકડી રમતાં કે સાઇકલ ફેરવતાં બાળકોને જોઈને સહેજે ઈર્ષા આવી જાય. ધોમધખતા તડકાને શીતળ ચાંદની માનીને માણવાની કળા ફક્ત બાળકોને જ હસ્તગત હોય છે. તડકાને જે તોડી શકે તેનું નામ બાળક. તડકાના ફડકાનો ભડકો કરી ઉલાળી શકે તેનું નામ બાળક.

શિયાળાની કડકડતી ઠંડીમાં પણ માએ પરાણે પહેરાવેલું સ્વેટર ઉતારીને મેદાનમાં રમતાં બાળકોને જોઈને મંત્રમુગધ થઈ જવાય છે. ઠંડીમાં બંડી પહેરાવે એ બુઢાપો, વંડી કુદાવે એ બાળપણ. બાળકને ટાઢ, તડકો, વરસાદનું ભાન નથી રહેતું એટલે તો તે ભગવાન ગણાય છે.

અને છેલ્લે...

બાળકો વિશેની કેટલીક ઉક્તિઓ. સૌથી પહેલાં આપણે બાળકને બોલતાં શીખવીએ છીએ, પછી ચૂપ રહેતાં. પહેલાંના જમાનામાં બાળકો મા-બાપની આજ્ઞા પાળતાં, આજે માબાપને બાળકોની આજ્ઞા પાળવી પડે છે. માબાપ જ્યારે ગુસપુસ કરતાં વાતો કરતાં હોય છે ત્યારે બાળકના કાન વધારે સતેજ થઈ જતા હોય છે. જે બાળકો ઘોડિયાઘરમાં ઊછર્યાં હોય છે એ બાળકો માબાપને વૃદ્ધાશ્રમમાં ઉછેરે છે. ઘણી વાર બાળકો ઘર છોડીને ભાગી જતાં હોય છે એનું કારણ પ્રેમાળ મા-બાપની શોધ હોય છે. બાળકો ઘણી વાર ખોટા સમયે, ખોટી જગ્યાએ અને ખોટી વ્યક્તિઓ સામે સાચી વાત કહી દેતાં હોય છે. દા.ત. ડોરબેલ વાગે ને પિતાને ખબર પડે કે ન ગમતી વ્યક્તિ આવી છે ને બાળકને કહે કે જા, દરવાજો ખોલીને કહે કે બાપુ ઘરમાં નથી. બાળક દરવાજો ખોલીને કહેશે કે બાપુએ કહ્યું છે તમને કહેવાનું કે બાપુ ઘરમાં નથી!

આ પણ વાંચો : કૉલમઃ મૈં ખુદ આયા નહીં લાયા ગયા હૂં, ખિલૌને દે કે બહલાયા ગયા હૂં

દરેક પિતાનો એક સ્વભાવ હોય છે. બાળક માગે ને બાપ આપી દે એવું ભાગ્યે જ બનતું હોય છે. જેવું બાળક કંઈ માગે કે પિતાની રાબેતા મુજબની ટેપ કરેલી રેકૉર્ડ શરૂ થઈ જતી હોય, ‘દર અઠવાડિયે તારી કોઈ ને કોઈ માગણી ઊભી જ હોય છે. એક વાત સમજી લે, તું કંઈ લાટસાહેબનો દીકરો નથી. આવા ખર્ચા આપણને ન પોસાય, તારા ભાઈબંધ-દોસ્તારો તો બધા બાપ લાખ ચાલીસ હજારિયા છે, બે નંબરની આવક છે, હું મહેનત કરીને કમાઉં છું. ખબરદાર જો હવેથી કંઈ માગ્યું છે તો!’ આવા શબ્દો સાંભળી બાળક મોઢું નિમાણું કરી નાખશે, નીચું જોઈ જશે. નાટકિયું બાળક આંખમાં આંસુ લાવી ચૂપચાપ બહાર દોડી જશે, માતાના પડખામાં ભરાઈ જશે. તેને ખબર છે કે બાપ આખરે બાપ છે. તે માની જેમ લાગણી દેખાડીને નહીં, માગણી પૂરી કરીને પ્રેમ વ્યક્ત કરશે. સાંજે જ્યારે ઘરે પાછો આવશે કે માગેલી ચીજ તેના હાથમાં હશે જ! ‘પહેલે ડાંટેગે ફિર લા દેંગે!’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK