મધુર વાણી બોલવી જરૂરી, ખુશામતથી તો દૂર જ રહેવું સારું

Published: May 05, 2019, 13:31 IST | જૈન દર્શન - ચીમનલાલ કલાધર | મુંબઈ

આપણી જીવનશક્તિ પ્રાણ દ્વારા વ્યક્ત થાય છે, પરંતુ આ પ્રાણ શું છે એ પ્રશ્ન કેટલાકને થાય એ સ્વાભાવિક છે.

આપણી જીવનશક્તિ પ્રાણ દ્વારા વ્યક્ત થાય છે, પરંતુ આ પ્રાણ શું છે એ પ્રશ્ન કેટલાકને થાય એ સ્વાભાવિક છે. કેટલાકના મતે પ્રાણ એક જાતનો વાયુ છે તો કેટલાક પ્રાણને સૂક્ષ્મ પ્રવાહી માને છે. તો વળી કેટલાક પ્રાણને ગરમી કહે છે. પરંતુ જૈન શાસ્ત્રકારો સ્પષ્ટ કહે છે કે જીવ જેના સંયોગથી જીવન અવસ્થા પ્રાપ્ત કરે અને જેના વિયોગથી મરણ અવસ્થાને પ્રાપ્ત કરે એનું નામ પ્રાણ. જૈન દર્શનમાં પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય એમ દસ પ્રકારના પ્રાણ દર્શાવવામાં આવ્યા છે.

પાંચ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન મેળવવાની શક્તિને પાંચ ઇન્દ્રિય પ્રાણ કહેવામાં આવે છે. મનન કરવાની શક્તિને મનોબળ કહેવામાં આવે છે. બોલવાની શક્તિને વચનબળ કહેવામાં આવે છે. શારીરિક ક્રિયા કરવાની શક્તિને કાયબળ કહેવામાં આવે છે. શ્વાસ લેવાની અને મૂકવાની શક્તિને શ્વાસોચ્છ્વાસ કહેવામાં આવે છે. શ્વાસ લેવાની અને મૂકવાની શક્તિને શ્વાસોચ્છવાસ કહેવામાં આવે છે અને અમુક કાળ સુધી જીવિત રહેવાની શક્તિને આયુષ્ય પ્રાણ કહેવામાં આવે છે. જીવ આ પ્રાણોને ધારણ કરતો હોવાથી પ્રાણ કહેવામાં આવે છે. જીવ આ પ્રાણોને ધારણ કરતો હોવાથી પ્રાણ કહેવાય છે. આ સૃષ્ટિ પરના બધા જ જીવોને દસ પ્રાણ હોતા નથી. એકેન્દ્રિય જીવોને ચાર પ્રાણ હોય છે. સ્પર્શેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય બે ઇન્દ્રિય જીવોને આ ચાર પ્રાણ કરતાં રસનેન્દ્રિય અને વચન બળ એ બે વધારો હોય છે. એટલે કુલ છ પ્રાણ હોય છે. તેઇન્દ્રિય જીવોને આ છ પ્રાણ ઉપરાંત ઘ્રાણેન્દ્રિય હોય છે એટલે કુલ સાત પ્રાણ હોય છે. ચઉરિન્દ્રિય જીવોને આ સાત પ્રાણ ઉપરાંત ચક્ષુરિન્દ્રિય અધિક હોવાથી આઠ પ્રાણ હોય છે. અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને આ આઠ પ્રાણ ઉપરાંત એક શ્રોતેન્દ્રિય અધિક હોવાથી નવ પ્રાણ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિયને મનોબળ વધારે હોવાથી નવ પ્રાણ હોય છે.

આપણા શિક્ષણશાસ્ત્રીઓ અને આપણો અનુભવ એ બન્ને કહે છે કે ઇન્દ્રિયોને કેળવી હોય એમ કેળવાય. એટલે ઇન્દ્રિયોને વ્યવસ્થિત રીતે કેળવવામાં આવે તો એ આપણે ધારીએ છીએ એના કરતાં ઘણું વધારે કામ આપી શકે. અવધાન પ્રયોગોમાં અનેક વસ્તુઓને વગર જોયે માત્ર સ્પર્શથી ઓળખી કાઢવામાં આવે છે તથા એક જ સરખાં પુસ્તકોમાંથી પણ સ્પર્શના આધારે પહેલો, બીજો, ત્રીજો ક્રમ કહી દેવામાં આવે છે. કેટલાકને સુગંધ-દુર્ગંધની પણ પૂરી ખબર પડતી નથી. ત્યારે ઘ્રાણેન્દ્રિયને બરાબર કેળવનારાઓ વાસની અનેક તરમતાઓ પારખી શકે છે, એના આધારે વસ્તુઓને ઓળખી કાઢે છે.

જેને આપણે મન કહીએ છીએ એ દ્રવ્યમન છે, કારણ કે એ મનોવર્ગણારૂપી પુદ્ગલથી બને છે. આત્મા આ દ્રવ્યમનનું આલેખન લઈને મનનો વ્યાપાર કરે છે એટલે એ ભાવમન છે. એથી જ જૈન શાસ્ત્રોમાં લખાયું છે કે ‘જીવ પુણ મણપરિણામ કિરિયાવંતો ભાવમણો.’ દ્રવ્યમન અને ભાવમનના ચાર વિકલ્પો છે. (૧) દ્રવ્યમન હોય, પણ ભાવમન ન હોય (૨) ભાવમન હોય, પણ દ્રવ્યમન ન હોય. (૩) ભાવમન પણ હોય, દ્રવ્યમન પણ હોય અને (૪) ભાવમન પણ ન હોય, દ્રવ્યમન પણ ન હોય. કેવલી ભગવંતોને દ્રવ્યમન હોય છે, પણ સ્મરણ-ચિંતનરૂપ મનન વ્યાપાર હોતો નથી એટલે તેમને ભાવમન હોતું નથી. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, સમુર્ચ્છિમ તર્યિંચ અને સમુર્ચ્છિમ તર્યિંચને દ્રવ્યમન હોતું નથી; પણ ભાવમન અવશ્ય હોય છે. જ્યારે દેવ, નાટકી, ગર્ભજ તર્યિંચ અને ગર્ભજ મનુષ્યને દ્રવ્યમન અને ભાવમન બન્ને હોય છે. સિદ્ધ ભગવંતો સકલ કર્મથી રહિત અને અશરીરી હોવાથી તેમને દ્રવ્યમન કે ભાવમન એ બેમાંથી એકે પ્રકારના મનનો સંભવ નથી.

આ પણ વાંચો : કૉલમ: પારિવારિક બિઝનેસમાં પ્રોફેશનલિઝમનું મહત્વ

આપણી બોલવાની શક્તિ એ વચનબળ છે. આ વચનબળને પણ યોગ્ય રીતે કેળવવામાં આવે તો એનું સુંદર પરિણામ આવી શકે છે. વચનબળ વડે સ્વજન-પરિજનને સંતોષ આપી શકાય છે, મિત્રો વધારી શકાય છે અને ધારેલાં કાર્યો થઈ શકે છે. સર્વ જીવો પ્રિય વાણીવ્યવહારથી પ્રસન્ન થાય છે, તેથી નિત્ય એવો જ વ્યવહાર કરવો. વચનમાં દરિદ્રતા શા માટે રાખવી? પરંતુ આનો અર્થ એવો નથી કે જીવનમાં ખોટી ખુશામતને સ્થાન આપવું. વાતે-વાતે માખણ લગાડતા જવું. વાણી જીવનનું અદ્ભુત વરદાન છે. જે માણસ વિષયને અનુરૂપ સત્પુરુષોને પ્રિય લાગે એવું બોલવાનું જાણતો નથી તેમણે તો મૌન રહેવું જ વધુ ઉચિત છે. બોલવામાં અને ખાવામાં જેની જીભ કાબૂમાં રહેતી નથી તે માણસ હંમેશાં દુ:ખી જ થતો હોય છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK