Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મને ચા બનાવવી બહુ ગમે, પણ કોઈ બનાવવા દેતું નથી

મને ચા બનાવવી બહુ ગમે, પણ કોઈ બનાવવા દેતું નથી

11 December, 2019 04:11 PM IST | Mumbai Desk

મને ચા બનાવવી બહુ ગમે, પણ કોઈ બનાવવા દેતું નથી

મને ચા બનાવવી બહુ ગમે, પણ કોઈ બનાવવા દેતું નથી


હસાવવાનું કામ કરતા સાંઈરામ દવેનો એક સિદ્ધાંત છે. લોકોનાં ચોકઠાં પડાવવાનાં પણ હસાવી-હસાવીને, ફાલતું રાંધેલું ફૂડ ખવડાવીને નહીં. સાંઈ ચા બનાવે છે પણ તેને ચા બનાવવાની પરમિશન ઘરમાંથી નથી એટલે તે એના માટે પણ મોકાની રાહ જુએ છે અને કાં તો એવી તકની અપેક્ષા રાખીને બેસી રહે છે. દેશી ખાણાંના જબરા શોખીન એવા સાંઈરામભાઈએ પોતાની ફૂડ-હૅબિટ્સ, રસોડાના ફ્લૉપ શોઝ વિશે દિલ ખોલીને રશ્મિન શાહ સાથે વાતો કરી છે જે તેમના જ શબ્દોમાં વાંચો

હું બે વાત હંમેશાં મારા તમામ મિત્રોને કહેતો હોઉં છું. ખાવાનો આગ્રહ કરવામાં જરા પણ કચાશ રાખવી નહીં, હું ખાવાનો ભરપૂર શોખીન છું અને મને ખાવાનું ભાવે પણ બધું. આ થઈ એક વાત. હવે વાત બીજી, મને ક્યારેય કંઈ બનાવવાનું કહેવું નહીં. ક્યારેય એટલે ક્યારેય નહીં. હું બહુ ફ્રૅન્ક્લી એવું ઍક્સેપ્ટ કરીશ કે મને કંઈ પણ બનાવતાં આવડતું નથી. કંઈ પણ એટલે કંઈ પણ નહીં અને મને એનો કોઈ રંજ પણ નથી. ભગવાન માણસને એક કળા આપે, બધી કળામાં પારંગત ન પણ કરે. મને હસાવવાની કળા આવડે છે એનાથી મને સંતોષ છે એટલે મને રાંધતાં આવડતું નથી એનો મને રંજ પણ નથી. હા, એ પણ એટલું જ સાચું કે મને રાંધતાં નથી આવડતું એ મેં જાતે નથી સ્વીકાર્યું, મને લોકોએ સ્વીકારાવ્યું છે. થોડા પ્રયાસો મેં હસતા મોઢે કર્યા, પણ મેં બનાવેલી આઇટમ લોકોએ હસતા મોઢે ખાધી નહીં અને મારા એ પ્રયાસ પછી મને ક્યારેય કોઈએ એવી સલાહ આપી નહીં કે તમે બનાવો તો અમને ચાલશે, કારણ કે એ બન્યા પછી તેમનાથી ખવાયું નહોતું.
વાત એવી છે કે મારા પપ્પા બહુ સારા કુક અને મારા બે નાના ભાઈઓ કિશન અને અમિતને પણ રસોઈ બનાવતાં આવડે, પણ મેં મારા જીવનના એકાદ-બે અખતરા પછી એવો નિયમ લઈ લીધો કે કાર્યક્રમમાં અખતરા કરવા પણ આપણે રસોઈ ઉપર કોઈ પણ પ્રકારના અખતરા કરવા નહીં અને એવું કરીને કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનાં નહીં. સાલ્લું, આપણે આપણા નિજાનંદ માટે રસોઈ બનાવીએ અને સામેવાળો બિચારો સવારે પેટ પકડીને ઘરમાં ફરતો હોય એ ખોટું કહેવાય. પાડવું તો ચોકઠું પાડી દેવું, પણ એ હસાવી-હસાવીને; આપણું રાંધેલું ખવડાવીને નહીં. મેં લીધેલો એ નિયમ આજે પણ અકબંધ રાખ્યો છે પણ મારે કહેવું પડે એટલો નસીબદાર પણ છું. રાત્રે અઢી-ત્રણ વાગ્યે પ્રોગ્રામમાંથી કે પ્રવાસમાંથી ઘરે પાછા આવવાનું બને અને મને ટમેટાંનું શાક ખાવાનું મન થાય. ટમેટાંનું શાક મારું ફેવરિટ. ગમે તે ટાઇમે આપો, આપણે ખાવા માટે તૈયાર. જો રાતે પ્રોગ્રામ પૂરો કરીને ઘરે આવું અને મને ટમેટાંનું શાક ખાવાનું થયું હોય તો મારી વાઇફ દીપાલી મને ગરમાગરમ પરોઠાં અને ટમેટાંનું શાક બનાવી આપે. મારે આજે કહેવું છે કે મારા માટે દીપાલી સાક્ષાત અન્નપૂર્ણા છે. ખૂબ જ સારી રસોઈ બનાવે. આ ઉપરાંત એવું પણ ખરું કે રાતના કોઈ પણ સમયે તે જમવાનું બનાવવા તૈયાર હોય અને હસતા મોઢે, જેને લીધે એવું બનતું નથી કે મારે રસોઈ બનાવી પડે કે પછી કિચનમાં જવું પડે.
 જમવાની બાબતમાં મારો એક નિયમ છે. આ નિયમ તમે પણ લખી રાખજો, સુખી દામ્પત્યજીવનની એ સુવર્ણ ચાવી છે. અમે જૉઇન્ટ ફૅમિલીમાં રહીએ અને જમવાનું મોટા ભાગે સાથે જ થાય. પ્રોગ્રામ કે બહારગામ ટૂર હોય તો એવું ન બને બાકી અમે બધા સાથે જમવાનો આગ્રહ રાખીએ. નિયમ એ કે જમવાનું શરૂ થાય કે તરત જ બોલવાનું બંધ કરી દેવાનું, કશું બોલવાનું નહીં. ફોન પણ ઊંચકવાના નહીં અને શાંતિથી જે થાળીમાં પીરસાયું હોય એ પૂરા મનથી અને સ્વાદ લઈને જમવાનું. આનાથી ફાયદો એ થાય છે કે પત્નીને કે પછી રસોઈ બનાવવાની જવાબદારી જે સંભાળે છે તેને સંતોષ થાય, તેને એવી લાગણી થાય કે મારી બનાવેલી રસોઈ પ્રેમથી આખો પરિવાર જમે છે. સાહેબ, તમે પણ આને અમલમાં મૂકજો. આટલા પ્રેમથી તેણે આપણા માટે રસોઈ બનાવી હોય તો તેના પ્રેમને માન આપો, સન્માન આપો. શું કામ બીજે ધ્યાન ડાઇવર્ટ કરીને એ રસોઈનું અને રસોઈ કરનારીનું અપમાન કરવાનું?
હવે આવીએ મારા રસોઈના અનુભવો પર. હું દસમું ધોરણ ભણતો ત્યારની વાત છે. અમે ત્રણ ભાઈઓ, બહેન એક પણ નહીં. એક દિવસ મમ્મી સહેજ બીમાર. તેમનાથી રસોઈ થાય એમ નહોતી. પપ્પાએ જવાબદારી લીધી પોતાના પર. કહે કે ચાલો આજે આપણે રસોઈ બનાવીએ. પપ્પાને ખૂબ સારું કુકિંગ ફાવે, પણ આપણું તો દસમું ધોરણ અને એમાં પાછો કુકિંગનો આ નવો જ સબ્જેક્ટ. મને કહેવામાં આવ્યું કે નાનું-નાનું કામ અમે કરીશું, તું સીધો રોટલી બનાવવામાં લાગી જા. શાક પપ્પાએ બનાવ્યું, કચૂંબર ભાઈઓએ તૈયાર કર્યું અને મને રોટલીનો લોટ આપવામાં આવ્યો. બહુ મહેનત પછી જે રોટલી મેં વણી એ તુર્કસ્તાનના નકશાનો પણ બાપ હતી. એક-બે પ્રયત્નો પછી એવું લાગ્યું કે આપણે આવું કરવાને બદલે જો રોટલીને ગોળ કરવી હોય તો બીજો કોઈ આઇડિયા લગાવવો પડશે. મેં સરકીને તપેલી લીધી અને વણેલી રોટલી પર તપેલી રાખીને રોટલીને ગોળ શેપ આપી દીધો. હજી વાત અહીં અટકતી નથી. ગોળ રોટલી કર્યા પછી કૉન્ફિડન્સ વધ્યો એટલે વારો આવ્યો રોટલી ચોડવવાનો. એમાં ખબર ન પડી કે રોટલીને એકથી બીજી સાઇડ ફેરવતી રહેવી પડે. બન્યું એવું કે એક બાજુની રોટલી બળી ગઈ. બધું થઈ ગયું પછી પ્રયત્ન કરેલો એ રોટલી ખાવાનો, પણ માના હાથની જ રોટલી યાદ આવતી. ખાધી જ નહીં. મેં જ નહીં, મારા ઘરમાંથી કોઈએ ખાધી નહીં. લગ્ન પછી એક વાર મને શાક લાવવાનું કહેવામાં આવ્યું. નવાં-નવાં લગ્ન. આપણે તો ચાલ્યા થેલી લઈને માર્કેટમાં. થયું કે આજે પત્નીને શાક લઈને એટલી મદદ તો કરીએ. મનમાં એમ હતું કે જો આ કામ સારી રીતે કરું તો વાઇફને નિરાંત. તેણે ક્યારેય બહાર શાક લેવા જવું નહીં, એ કામ આપણે સંભાળી લેશું.
ત્રણસો રૂપિયાનું શાક લીધું અને આપણે પહોંચ્યા ઘરે. ઘરે જઈને દીપાલીને કીધું કે આ શાક લાવ્યો. તેણે ભાવ પૂછ્યો. મેં કીધું, ત્રણસો રૂપિયા. એ ઘડી અને આજનો દિવસ, મને ક્યારેય શાક લેવા પણ મોકલવામાં નથી આવ્યો. ઓગણીસ વર્ષના લગ્નજીવનમાં મને બીજી વાર શાક લેવા નથી મોકલ્યો. હકીકત એ હતી કે ત્રણસોનું એ શાક, ઍક્ચ્યુઅલમાં ચાલીસ રૂપિયાનું હતું. કદાચ દીપાલીને એ વાતની ખબર પડી ગઈ હતી એટલે જ તેણે ક્યારેય મને આ કામ સોંપ્યું નથી.
બીજો એક કિસ્સો કહું તમને. એક વખત એવું બન્યું કે ઘરે મિત્રો આવ્યા અને ઘરના બધા સૂતા હતા. મને થયું કે ચાલો ચા હું બનાવી લઉં. વગર કારણે શું કામ કોઈને હેરાન કરવાના. ચા ઉપર હાથ અજમાવ્યો. ચા બહુ સરસ બની, પણ તપેલી બાળી નાખી. એમાં પાણી નાખવાનું હોય એવી મને ક્યાં ખબર હતી? દૂધ, ચા, ખાંડ અને બસ ચા તૈયાર. ચા બની, સરસ બની અને અમે પીધી પણ ખરી; પણ જ્યારે બળેલી તપેલી જોઈ ત્યારે ઘરના સભ્યોને મારા ચા પ્રકરણનો ખ્યાલ આવી ગયો. બધા મને કહે કે તું હવે કદી ચા બનાવતો નહીં. પણ સાચું કહું, મને એ દિવસે ચા બનાવવાની જે મજા આવી છે એ અદ્ભુત હતી પણ એ પણ સાચું છે કે મને ચા બનાવવા આપવામાં નથી આવતું એટલે હું ચા બનાવવાનો લાભ બહાર લઈ લઉં છું. ફૉરેનની ટૂર હોય એવા સમયે ચાની કિટલી હોય. એમાં મજા આવે નહીં. દેશી રીતે જ ચા બનવી જોઈએ. હમણાં ગયા વીકની જ વાત છે. એક પ્રોગ્રામ કરીને પાછો આવતો હતો ત્યાં રસ્તામાં જોયું કે બધા તાપણું કરીને તાપતા હતા અને બાજુમાં જ ચાવાળાની લારી હતી. આપણને તો સૂઝી ગ્યું ચા બનાવવાનું. રસ્તા પર કરવામાં આવેલા તાપણામાં જ મેં તો ચા બનાવવાનું ચાલુ કરી દીધું.
ચાની બ્યુટી સૌથી વધારે મોટી એ કે એમાં તમે ધારો એવા અખતરા કરો. હમણાં જે મેં ચા બનાવી એ ચામાં તજ પણ નાખ્યા ને ઇલાયચીની સાથોસાથ મેં એમાં અશ્વગંધાનો પાઉડર પણ નાખ્યો. શું ચા બની હતી! ચા મેં એકલાએ જ નહીં, મારી સાથે રહેલા સૌ સાજિંદાઓએ પણ પીધી અને જેણે અમને તાપણું આપી દીધું હતું એ મિત્રોને પણ ચા પીવડાવી.



દેશી ખાણાંનો હું જબરો આશિક છું. ટમેટાનું શાક મારું ફેવરિટ. ગમે ત્યારે ગમે એ સમયે પત્નીના હાથનું ટમેટાંનું શાક ખાઈ શકું. એવી જ રીતે મને કોઈ રોટલો અને ઢોકળીનું શાક આપે તો મને સ્વર્ગનો અહેસાસ અહીં પૃથ્વી પર થઈ જાય. રોટલો અને ઢોકળીનું શાક જમ્યા પછી મને લાગે કે હું એકલો બાર ગાઉનો ધણી છું.


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2019 04:11 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK