Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચરખડી ગામમાં કશું નહોતું અને એ પછી પણ ચરખડી પાસે અઢળક હતું

ચરખડી ગામમાં કશું નહોતું અને એ પછી પણ ચરખડી પાસે અઢળક હતું

08 January, 2020 05:00 PM IST | Mumbai
Pankaj Udhas

ચરખડી ગામમાં કશું નહોતું અને એ પછી પણ ચરખડી પાસે અઢળક હતું

લોકભાગવતઃ પ્રખ્યાત લોકસાહિત્યકાર મનુભાઈ ગઢવીના આ કાર્યક્રમમાં એક ઘટના એવી ઘટી જેને આજે પણ સૌકોઈ અવિરલ ઘટના ગણે છે.

લોકભાગવતઃ પ્રખ્યાત લોકસાહિત્યકાર મનુભાઈ ગઢવીના આ કાર્યક્રમમાં એક ઘટના એવી ઘટી જેને આજે પણ સૌકોઈ અવિરલ ઘટના ગણે છે.


આજે આપણે વાત કરવી છે એક નઝ્મની, જે મારી પોતાની ગાયેલી છે. આ નઝ્‍મ અચાનક જ યાદ આવી નથી, એની સાથે અનેક પ્રસંગો, ઘટનાઓ જોડાયેલી છે કે ન પૂછો વાત. એ નઝ્‍મના શબ્દોમાં એટલી અસર છે કે એ નઝ્‍મની સાથે મેં અલગ-અલગ પ્રકારના અને અદ્ભુત કહેવાય એવા અનુભવો કરેલા છે. ઑસ્ટ્રેલિયાની મારી એક કૉન્સર્ટ ટૂર દરમ્યાન ઍડીલેડમાં મારો શો હતો. હું સ્ટેજ પર બેસીને એ નઝ્‍મ ગાતો હતો અને સામે ઑડિયન્સમાં જોઉં તો લાંબી સફેદ દાઢીવાળા એક સરદારજી ધ્રુસકે-ધ્રુસકે રડે. નઝ્‍મના એ શબ્દોની અસર હતી. નઝ્‍મના શબ્દોની એ તાકાત હતી. ગયા વર્ષે ૨૦૧૯માં લંડનના બહુ પ્રખ્યાત ઇવેનટીમ અપોલો થિયેટરમાં મારો શો હતો. ૩૦૦૦થી ૩૨૦૦ની કૅપેસિટીવાળા એ થિયેટરમાં હાઉસફુલ શો અને મારે પર્ફોર્મન્સ આપવાનો હતો. શો પહેલાં મારો નાનો ભાઈ નિર્મળ ઉધાસ મારી પાસે આવ્યો. નિર્મળ પહેલાં અહીં, ઇન્ડિયામાં જ હતો, પણ હવે તે લંડન સ્થાયી થઈ ગયો છે.

નિર્મળે ગ્રીન રૂમમાં મારી પાસે આવીને મને પૂછ્યું કે આજે તું એ નઝ્‍મ ગાવાનો છે? મને તાજ્જુબ થયું કે આવું કેમ મને પૂછવામાં આવી રહ્યું છે. મેં સ્પષ્ટ જવાબ આપવાને બદલે નિર્મળને સામો સવાલ કર્યો, ‘કેમ મને આવું પૂછો છો?’



નિર્મળે મને જે જવાબ આપ્યો એ સાંભળીને હું અંદરથી હચમચી ગયો. નિર્મળે નિખાલસતાથી કહ્યું, ‘જો આજે તું એ નઝ્‍મ ગાઈશ તો મને રડવું આવી જશે, મારાથી મારા પર કાબૂ નહીં રહે.’


૨૦૧૯ની અંતિમ રાતની વાત કહું તમને. આ વાત મને ખબર નહોતી, પણ મને મારા એક મિત્રએ કહ્યું કે એક જાણીતી ન્યુઝ-ચૅનલે નવા વર્ષની વધામણી સમયે જે કાઉન્ટડાઉન શરૂ થાય એ કાઉન્ટડાઉન પૂરું થયા પછી મારી એ નઝ્‍મ સાથે નવા વર્ષનો આરંભ કર્યો. આ પ્રીવિલેજ એ નઝ્‍મને છે એવું પણ હું નમ્રપણે સ્વીકારું છું. નઝ્‍મ કઈ અને એ નઝ્‍મના શબ્દો કયા છે એ વિશે વાત કરતાં પહેલાં મારે હજી પણ તમને આ નઝ્‍મ સાથે જોડાયેલો એક કિસ્સો કહેવો છે.

વર્ષો પહેલાંની વાત છે. મુંબઈમાં એક વાર લોકસાહિત્યના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસાહિત્યના ખૂબ મોટા અને પ્રખ્યાત કલાકાર શ્રી મનુભાઈ ગઢવીનું આ આયોજન હતું. મનુભાઈ ગઢવીને આપણા તમામ કલાકારો ઓળખે છે, જાણે છે. મનુભાઈ ગઢવીને બે બીજી ઓળખ આપી દઉં. મનુભાઈ ગઢવી મારા બનેવી. આ મનુભાઈ ગઢવી આપણા બૉલીવુડના જાણીતા ફિલ્મ-ડિરેક્ટર સંજય ગઢવીના પપ્પા, એ સંજય ગઢવીના ફાધર જેમણે ‘ધૂમ’ અને ‘ધૂમ 2’ જેવી વિખ્યાત ફિલ્મ બનાવી હતી.


લોકસાહિત્યના એ કાર્યક્રમમાં મને મનુભાઈએ આમંત્રિત કરેલો. હું તો શ્રોતા તરીકે ગયેલો અને બિરલા માતુશ્રી હૉલમાં ઑડિયન્સમાં બધા સાથે બેઠો હતો. સામે સ્ટેજ પર અનેક મહાનુભાવો બિરાજ્યા હતા. કોકિલાબહેન અંબાણી, રામાયણકાર  મોરારીબાપુ અને તેમના સિવાય પણ કલા અને સાહિત્ય ક્ષેત્રના અનેક દિગ્ગજો સ્ટેજ પર. મનુભાઈ ગઢવી પોતે એક વિદ્વાન વક્તા, કલાકાર અને લોકસાહિત્યના જીવતાજાગતા એન્સાયક્લોપીડિયા. જો હું ભૂલતો ન હોઉં તો એ કાર્યક્રમનું નામ લોકભાગવત હતું. મનુભાઈનો વાણીપ્રવાહ સ્ટેજ પરથી અસ્ખલિત વહે અને સૌકોઈ તેમના એ રસમાં વહ્યા કરે અને ચાલુ કાર્યક્રમે મનુભાઈએ મને સ્ટેજ પરથી આમંત્રિત કરતાં કહ્યું કે ‘પંકજભાઈ, આવો. આવીને તમે બે શબ્દો કહો.’

આ ક્રાયક્રમનો હેતુ હતો આપણા ગુજરાતી લોકસાહિત્યની ધરોહર સુધી પહોંચવાનો. ગુજરાતી લોકસાહિત્યનું મૂળ ક્યાં, ગુજરાતી લોકસાહિત્યનો પ્રારંભ કેવી રીતે થયો અને એ પ્રયોગાત્મક કેવી રીતે બન્યુંથી માંડીને કેવી રીતે જન-જન સુધી પહોંચ્યું. મને આજે એક નાનકડી સ્પષ્ટતા પણ કરવી છે. ગુજરાતી ભાષા પોતે જો અમુક અંશે અત્યારે કટોકટીનો અનુભવ કરતી હોય તો લોકસાહિત્યની તો વાત જ શું કરવી. ‘મિડ-ડે’ની આ કૉલમની વાત જ્યારે મારી પાસે આવી એ તબક્કામાં મારા મનમાં એક વિચાર ચાલતો હતો કે જે ગુજરાતી ભાષાએ મારું ઘડતર કર્યું છે એ ભાષા માટે મારે પણ કશુંક કરવું જોઈએ. કૉલમને અવસર ગણીને હું એમાં જોડાયો. અગાઉ અનેક વખત અલગ-અલગ જગ્યાએથી આ પ્રકારની ઑફર આવી હતી. હિન્દી અને અંગ્રેજી સાપ્તાહિક તથા ડેઇલી ન્યુઝપેપરમાંથી પણ આવી ઑફર આવી હતી, પણ એ સમયે હેતુ સ્પષ્ટ નહોતો એટલે વાત આગળ વધાર્યા વિના જ સૌજન્યશીલતા સાથે ના પાડી હતી, પણ વાત ગુજરાતીની આવી એટલે સહર્ષ મેં એનો સ્વીકાર કર્યો.

કાર્યક્રમમાં મનુભાઈએ લોકસાહિત્ય શૈલીમાં રામાયણની વાત કરી હતી. ગુજરાતી લોકસાહિત્યમાં રામાયણની વાત કરવી હોય તો પૂજ્ય મોરારીબાપુ વિના કેવી રીતે થઈ શકે. આ જ કારણે બાપુ પણ સ્ટેજ પર બિરાજમાન હતા. મનુભાઈએ મને બોલાવ્યો એટલે હું તો ઑડિયન્સમાંથી સ્ટેજ પર ગયો.

આપ સૌ જાણતા હશો કે મોરારીબાપુ કેટલાંક વર્ષોથી અઠવાડિયાના અમુક દિવસોમાં મૌનવ્રત રાખે છે. એ દિવસે કશું બોલવાનું નહીં. બિલકુલ ચૂપ રહેવાનું અને મનમાં ને મનમાં આત્મમંથન કરવાનું. બાપુ જે દિવસે કાર્યક્રમમાં આવ્યા હતા એ દિવસે તેમનું મૌનવ્રત હતું.

મને બોલવાનું કહેવામાં આવ્યું એટલે મેં મારી વાત શરૂ કરતાં કહ્યું કે મુંબઈ મારી કર્મભૂમિ છે, પણ મારો જન્મ જેતપુરમાં થયો છે. મારા દાદા, પરદાદા, વડદાદા અને એમ અમારું આખું ઉધાસ કુટુંબ, અમારી જે આખી પેઢી છે એ પૈકીની છેલ્લી આઠ-દસ-બાર પેઢી ગોંડલ પાસે આવેલા ચરખડી નામના એક ગામના, આ ચરખડી એ અમારું મૂળ વતન. મારી સ્કૂલ રાજકોટમાં થઈ. રાજકોટમાં જ્યારે ભણતો ત્યારે પાંચ-સાત વર્ષની ઉંમરે મારાં માતાપિતા અમને દિવાળી ઊજવવા ચરખડી લઈ જાય. આ ચરખડી ગામમાં જ અમારે રજાના દિવસોમાં રહેવાનું. જ્યાં રહેવાનું ત્યાં પાણીના નળ નહોતા કે ઇલેક્ટ્રિસિટી નહોતી. એક પણ જાતની સુવિધા નહોતી અને છતાં ગામમાં રહેવાનો એટલોબધો આનંદ આવે કે એ શબ્દોમાં વર્ણવી ન શકાય.

ખુલ્લા આકાશ નીચે સૂવાનું, રાતે તારા ગણતાં-ગણતાં ક્યારે ઊંઘ આવી જાય એની ખબર પણ ન પડે. સવારે ચકલી, પોપટ, મેના અને મોરના અવાજ સાથે આંખો ખૂલે. દિવસઆખો રમવાનું, ધૂળવાળા પગ સાથે આખા ગામમાં ફરવાનું. કોઈના પણ ઘરમાં જઈ શકીએ અને કોઈની રોકટોક પણ ન હોય. બાલદી ભરીને ખુલ્લામાં નહાતા હોઈએ એટલે એવું લાગે જાણે આપણો પોતાનો દરિયો છે અને એના પર તમારો પોતાનો હક છે.

ગુજરાતીમાં એક શબ્દ છે, સાતી. સાતી એટલે તમારી જે જમીન હોય અને તમારા માટે જે  ખેતી કરતા હોય તે વ્યક્તિ. આ સાતીને વાર્ષિક અમુક પૈસા અને અનાજ આપવાનાં હોય. એ આપો એટલે તે તમારી જમીનનું બધું ધ્યાન રાખે. ચરખડીમાં અમારા એક સાતી હતા, નામ તેમનું મોહનભાઈ. સવારનું શિરામણ એટલે કે નાસ્તો કરીને મોહનભાઈ વાડીએ જવા નીકળી જાય અને આખો દિવસ તેઓ ખેતી કરે. મને વાડીએ જવાનો એટલો શોખ કે હું રાહ જોતો બેઠો હોઉં. મોહનભાઈ સવારના પહોરમાં નીકળી જાય એટલે તેમની સાથે જવાનું તો બને નહીં, પણ પછી વાડીએ કોણ જવાનું છે એની રાહ જોતો બેસી રહું. મને ખબર હતી કે બપોરે ૧૧-૧૨ વાગ્યે તેમને ભાથું આપવા માટે કોઈ ને કોઈ જશે. ભાથું એટલે આપણું ટિફિન. ભાથામાં ગોળ, શાક અને રોટલો હોય. ઉનાળાના દિવસો હોય તો દહીં પણ ભાથામાં હોય. વાડીએ મોહનભાઈ દહીંમાં પાણી નાખીને છાસ બનાવી લે ને પછી ઘોરવું એટલે કે ઘટ્ટ છાસ બનાવીને જમવામાં લે.

(ચરખડી ગામના મારા એ અનુભવ અને નઝ્‍મ સાથે જોડાયેલી બીજી અનેક વાતો જાણીશું આવતા અઠવાડિયે)

Whatsapp-channel Whatsapp-channel

08 January, 2020 05:00 PM IST | Mumbai | Pankaj Udhas

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK