Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લાઇફ કા ફન્ડા - શેઠનો પસ્તાવો

લાઇફ કા ફન્ડા - શેઠનો પસ્તાવો

15 July, 2020 03:40 PM IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

લાઇફ કા ફન્ડા - શેઠનો પસ્તાવો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર



એક પરમ દાનવીર શેઠ હતા. વેપાર બહોળો હતો અને અઢળક પૈસા કમાતા, શેઠ પૈસાથી શ્રીમંત હતા અને દિલથી પણ શ્રીમંત હતા. સતત તેઓ દાનની ગંગા વહાવતા રહેતા. મંદિરો માટે, શાળા અને હૉસ્પિટલો બંધાવવા માટે શેઠે ઘણું દાન કર્યું. કોઈ પણ માણસ કે સંસ્થા શેઠના દ્વારેથી ખાલી હાથે ન જતું. શેઠ સતત સમાજ ઉપયોગી સારાં કામ કરતાં. સાથે સાથે યજ્ઞ, રામકથા, ભાગવત કથા જેવાં પ્રભુભક્તિનાં કામ પણ કરતા રહેતા. શેઠની લક્ષ્મી સારાં કર્મોમાં વપરાતી એટલે વધુ ને વધુ શુદ્ધ થતી જતી હતી અને ઉત્તરોત્તર વધતી જતી હતી. શેઠના ખજાનામાં અઢળક હીરા-મોતી અને રત્નો હતાં; જેમાંથી અમુક રત્નો અમૂલ્ય હતાં. આ રત્નો શેઠને ખૂબ જ પ્રિય હતા. શેઠ રોજ તિજોરી ખોલી રત્નો જોતાં, રાજી થતા અને પછી કામે લાગતા. શેઠ રોજ એક સત્કર્મ તો કરતાં જ. સતત થતાં આટલાં બધાં પુણ્યકર્મોથી શેઠ પુણ્યાત્મા તરીકે ઓળખાવા લાગ્યા.
ચિત્રગુપ્તે કહ્યું, ‘પ્રભુ મારા ચોપડામાં હવે શેઠના પુણ્ય કર્મો લખવા માટે જગ્યા નથી રહી અને તેમનાં પુણ્યકર્મો રોજ વધતાં જ રહે છે. મારા મતે તો આપનાં દર્શન તેમને કરાવવાનો સમય થઈ ગયો છે.’ ભગવાન હસ્યા અને બોલ્યા, ‘તમારી ઇચ્છા હોય તો જાવ તેમને લઈ આવો, પણ હું કહું છું હજી સમય નથી થયો.’
ચિત્રગુપ્ત શેઠને લેવા પૃથ્વી પર ગયા અને શેઠને કહ્યું, ‘શેઠજી તમારા દાન ને ધર્મને કારણે મારા ચોપડામાં તમારું પુણ્ય એટલું બધું જમા થયું છે કે હું તમને સદેહે પ્રભુધામમાં લઈ જવા માટે આવ્યો છું. ચાલો મારી સાથે...’ શેઠ ખુશ થઈ ગયા. અને ચિત્રગુપ્તને નમન કરી બોલ્યા અબઘડી આવ્યો અને તેઓ તિજોરી પાસે ગયા, ચાવીથી તિજોરી ખોલી, પેલા તેમને પ્રિય એવા અમૂલ્ય રત્નો સાથે લીધા અને ચાવી દીકરાને સોંપી ચિત્રગુપ્ત પાસે આવ્યા અને બોલ્યા, ‘ચાલો.’
ચિત્રગુપ્તે જાણી લીધું કે હજી શેઠને પેલા રત્નોની માયા છૂટી નથી એટલે જ પ્રભુ કહેતા હશે કે હજી સમય થયો નથી, પણ એક ઉપાય રૂપે ચિત્રગુપ્તે સમુદ્ર માર્ગ પરથી પસાર થતી વખતે એવી માયા રચી કે શેઠની કમરે ખોસેલો અમૂલ્ય રત્ન ભરેલો બટવો સમુદ્રમાં પડી ગયો. શેઠ બૂમો પાડવા લાગ્યા, ‘મારા રત્નો...મારા અમૂલ્ય રત્નો...હવે દરિયામાંથી કઈ રીતે મળશે.’ માથે હાથ દઈ રડવા લાગ્યા. ચિત્રગુપ્તે કહ્યું, ‘શેઠ, આ રત્નોના મોહમાં તમારું સઘળું પુણ્યફળ બળી ગયું. તમને પ્રભુદર્શન અને પ્રભુધામ લઈ જવા આવ્યો હતો અને તમે આ રત્નોનો મોહ ન છોડી શક્યા. આ એક મોહને લીધે તમારે ફરી પૃથ્વી પર રહીને પુણ્ય કમાવવું પડશે.’ શેઠને પારાવાર પસ્તાવો થયો. પુણ્ય પણ ગયું અને રત્નો પણ...અચાનક શેઠની આંખો ખૂલી, સમજાયું કે આ પ્રભુનો સંદેશ આપતું સપનું હતું. શેઠે તિજોરી ખોલી રત્ન છેલ્લી વાર જોયા અને રત્નોનો મોહ ત્યાગી દાનમાં આપવાનું શરૂ કરી દીધું.


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2020 03:40 PM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK