સુરત :નદીમાં ડૂબતાં માસી-ભાણેજનો સુરતના રામશી રબારીએ જીવ બચાવ્યો
પોલીસ-કૉન્સ્ટેબલ બન્યો જીવનરક્ષક
બે કહેવત છે, રામ રાખે તેને કોણ ચાખે અને હિંમતે મર્દા તો મદદે ખુદા. જી હા, આ બન્ને કહેવત સુરતમાં ખરા અર્થમાં ચરિતાર્થ થઈ છે જેમાં તાપી નદીમાં પર બનેલા કોઝવે ખાતે ડૂબી રહેલાં માસી-ભાણેજને કૉન્સ્ટેબલે પોતાના જીવની પરવા કર્યા વગર બચાવી લીધી હતી. પોતાની નોકરી પૂર્ણ કરી પોલીસ મુખ્ય મથકથી ઘરે જઈ રહેલા કૉન્સ્ટેબલે પહેરેલી વરદીમાં જ બહાદુરીપૂર્વક તાપી નદીમાં કૂદીને માસી-ભાણેજને બચાવી સહીસલામત બહાર કાઢી લીધાં હતાં જેથી કાંઠે ઊભેલા લોકોના ટોળાએ કૉન્સ્ટેબલના કાર્યને બિરદાવ્યું હતું. જોકે થોડું મોડું થયું હોત તો બન્નેનું બચવું મુશ્કેલ બની ગયું હોત.
પોલીસ મુખ્ય મથક ભવન ખાતેના ટ્રાફિક વિભાગના વહીવટ અને પ્લાનિંગ વિભાગમાં કૉન્સ્ટેબલ તરીકે સેવા આપતા રામશીભાઈ રબારીએ જણાવ્યું હતું કે ‘મંગળવારે સવારે નવેક વાગ્યાની આસપાસ રાતપાળીની ફરજ બજાવી પોતાના ઘર સિંગણપોર તરફ જઈ રહ્યો હતો. આ સમયે રાંદેર અને કતારગામ વિસ્તારને જોડતા તાપી નદી પરના કોઝવે પર લોકોનું ટોળું ભેગું થયું હતું. એથી હું પણ શું થયું છે એ જોવા અટકી ગયો હતો. મેં જોયું તો બે મહિલાઓ નદીમાં ડૂબી રહી હતી. લોકોએ કહ્યું કે આ બન્ને માસી-ભાણેજ છે. લોકો ચર્ચા તો કરી રહ્યા હતા પણ પાણીમાં ઊતરવાની કોઈએ પહેલ કરી નહોતી. એથી મારી ફરજના ભાગરૂપે ક્ષણનો પણ વિચાર કર્યા વગર પહેરેલી વરદીએ જ હું તાપી નદીમાં કૂદી પડ્યો હતો. માસી-ભાણેજને એક પછી એક પાણીમાંથી ખેંચી સહીસલામત રીતે કાંઠે લઈ આવ્યો હતો.’
ADVERTISEMENT
સમગ્ર ઘટનાની જાણ જ્યારે સુરત શહેર પોલીસ-કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટને થઈ ત્યારે તેમણે રામશીભાઈ રબારીની બહાદુરીને બિરદાવી હતી. રામશીભાઈને પોલીસ-કમિશનર ઑફિસે બોલાવી ખાસ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું તો સાથે જ જીવનરક્ષા અવૉર્ડ આપવા માટે રાજ્ય સરકારમાં ભલામણ કરવામાં આવશે એમ પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદ: લગ્નપ્રસંગમાં પહેરવા માટે જરૂરિયાતમંદ બહેનોને સાડીઓ મળે છે બિલકુલ ફ્રી
ભંગાર વીણતાં પગ લપસ્યો
તાપી નદીમાં ડૂબી રહેલાં રીટા લક્ષ્મણ રાઠોડ (૩૦ વર્ષ) અને જયશ્રી મુન્ના રાઠોડ (૧૦ વર્ષ) ભંગાર વીણી રહ્યાં હતાં. કોઝવે પાસે નદીકિનારે પડેલી પાણીની ખાલી બૉટલ સહિતનો ભંગાર વીણતાં હતાં ત્યારે જામી ગયેલી લીલમાં પગ લપસી જતાં બન્ને ડૂબવા લાગી હતી, જેમાં કૉન્સ્ટેબલ રામશીભાઈ રબારીએ સૌપ્રથમ કિશોરી જયશ્રીને કાંઠે લાવ્યા બાદ તેની માસીને બચાવી લીધી હતી. રીટા અને જયશ્રીએ હાથ જોડી રામશીભાઈનો આભાર માણ્યો હતો. બન્નેનું કહેવું હતું કે રામશીભાઈએ જો સમયસર તેમને બચાવી ન લીધાં હોત અને થોડું મોડું થયું હોત તો અમારું મોત પણ થઈ શક્યું હોત, પરંતુ આમણે ભગવાન બની અમને બચાવી લીધાં.


