એક રાજકીય ક્ષેત્રના વરિષ્ઠ નેતાના દીકરા હોવું એટલે શું?

Published: Jun 16, 2019, 10:04 IST

પ્રકાશ મહેતાના પુત્રો હર્ષ અને અભિષેક મહેતાનું પિતા માટેનું બયાન...

પ્રકાશ મહેતા પરિવાર સાથે
પ્રકાશ મહેતા પરિવાર સાથે

મારા હોય કે તમારા - પપ્પા એટલે વરસાદમાં છત્રી, ઉનાળામાં ઠંડી હવાની લહેરખી અને શિયાળામાં તમારું હૂંફાળું સ્વેટર. જોકે દરેક ઘરમાં પપ્પા એટલે મોટા ભાગે પડદા પાછળનું પાત્ર રહે છે. પપ્પા નામની પ્રોફાઇલને ક્રેડિટ સાથે બહુ લેવાદેવા હોતી નથી અને માતાની સરખામણીમાં પિતાને હંમેશાં ભૂલી જવાય છે, પણ અમારું સદ્ભાગ્ય છે કે અમારા પિતાનું વ્યક્તિત્વ વિરાટ આકાશ જેવું રહ્યું છે. પપ્પાનું પ્રદાન માત્ર અમારા પરિવાર પૂરતું જ સીમિત નથી. તેઓ માત્ર અમારા જ નહીં, સમગ્ર સમાજની છત્રછાયા બની રહ્યા છે.

આજે વાત ભલે મારા પપ્પાની કરવાની હોય, પણ એ વાત ફક્ત મારી આંખથી જોયેલા મારા પપ્પાની નથી, અનેક આંખોથી જોવાતા એક પ્રભાવશાળી અને ગૌરવશાળી વ્યક્તિત્વની પણ છે.

પપ્પા શિવાજી પાર્કમાં જન્મ્યા અને ઘાટકોપરમાં મોટા થયા છે. રાજકીય ક્ષેત્રમાં તેઓ ઘણી નાની ઉંમરથી જ પ્રવેશ્યા હતા. તેઓ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સમાજની દરેક વ્યક્તિના ઉત્થાન માટે સતત સક્રિય રહ્યા છે. તેમણે પૈસાના જોરે નહીં, પણ દિલ જીતીને લોકોના દિલમાં રાજ કર્યું છે અને એક સ્વયંસેવકમાંથી છેક પ્રધાન સુધીની તેમની લાંબી સફળ રાજકીય જર્ની આની સાક્ષી છે.

ઘાટકોપરના ૫૦ વર્ષના ઇતિહાસમાં પપ્પા સતત છ-છ વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. કામગાર, ગૃહનિર્માણ સેવા યોજના, ઘરદુરસ્તી અને પુનર્બાંધણી, નાગરી કમાલ જમીન ધારણા ખાતાના પ્રધાન ઉપરાંત એક જ વર્ષના ટૂંકા ગાળામાં કૅબિનેટ પ્રધાન, ત્યાર પછી વિશેષ સહાય અને પર્યટન ખાતાના કૅબિનેટ પ્રધાન સહિત મુંબઈ ઉપનગર જિલ્લાના પાલકપ્રધાન જેવી અનેક પદવીઓ તેમના ખાતે જમા છે.

સમાજના દરેક સ્તરની વ્યક્તિનાં દુ:ખ-દર્દને પોતાનાં સમજીને હળવાં કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરનાર તેઓ દૃઢપણે માને છે કે રાજકીય ક્ષેત્રે આવ્યા પછી આજીવન લોકો માટે સમર્પિત હોવું જોઈએ. જોકે તેમના આ સમર્પણને લીધે અને કામ માટે કોઈ પણ સમયમર્યાદા ન હોવાને લીધે તેઓ અનેક ફૅમિલી-ફંક્શનમાં ગેરહાજર રહ્યા છે અને તેમની આ ગેરહાજરી અમને ખૂંચી પણ છે છતાં તેમનું રાજકીય જીવન લોકોને સમર્પિત છે એ વાતનો અમને હંમેશાં ગર્વ પણ રહ્યો છે અને આવી-એવી પરિસ્થિતિથી ખાસ કરીને અમારી મમ્મી કિશોરીબહેન તેમ જ અમે સ્વજનો ટેવાઈ પણ ગયાં છીએ.

Harsh and Abhishek Mehta with their Father Prakash Mehta પ્રકાશ મહેતાના પુત્રો હર્ષ અને અભિષેક મહેતા

તેમની સ્ફૂર્તિ, કાર્યદક્ષતા અને કાર્યપ્રણાલીને જોઈ-શીખીને અમે પણ એ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. રાજકારણ ક્ષેત્રે તેમને એક ગૌરવશાળી ગુરુ તરીકે ગણી શકાય. તેમની ઑર્ગેનાઇઝિંગ સ્કિલ, પ્રૅક્ટિકલ નૉલેજ, આઉટ ઑફ ધ બૉક્સ વિચારવાની ક્ષમતા અને સતત કાર્યશીલ રહેવાની ધગશને લીધે તેઓ માત્ર મારા જ નહીં, લોકોના પણ ગૉડફાધર છે.

ફ્લૅશબૅકમાં જઈને અમારું બાળપણ યાદ કરીએ તો અમે બન્ને ભાઈઓની બેઝિક જરૂરિયાત, માથા પરની છત, ભણતર,

સમાજમાં ઓળખ બધું જ અમારા જન્મદાતા-અમારા પપ્પાની દેન છે. જાહોજલાલી વચ્ચે પણ અમારું ઘડતર અત્યંત સહજ રીતે અને સાદગીથી થયું છે. લાલબત્તીવાળી ગાડી, બૉડીગાર્ડ જેવી વીઆઇપી સ્ટેટસની સાહ્યબી અમે નથી ભોગવી.

પિતાએ શીખવ્યું છે કે સાદાઈથી મોટી કોઈ ચીજ નથી. લોકોની વચ્ચે રહો અને તેમના જેવું સાદું જીવન જીવો અને બને એેટલું લોકોનું ભલું કરો. સિદ્ધાંતો સાથે સમાધાન ન કરવાનો અને વિચારીને નિર્ણય લેવાનો તેમનો ગુણ અમને ખૂબ ગમે છે.

મારા ફાધરની કારકિર્દી એટલી ઝળહળતી રહી છે કે બીજા કોઈને મારા લીડર કે રોલમૉડલ માનવાનો પ્રશ્ન જ નથી ઉદ્ભવ્યો. તેઓ અમારા જીવનની ડિક્શનરી છે. તેમના રાજકીય જીવનના અનુભવ અને માર્ગદર્શન સાથે અમે પણ તેમના જ પદચિહ્ન પર ચાલવાની ઇચ્છા રાખીએ છીએ.

આ પણ વાંચો : Father's Day: મારા પિતા જ છે મારા 'ગોડ ફાધર': મિત્ર ગઢવી

તેઓ અત્યારે પણ એટલી જ સ્ફૂર્તિ અને ખંતથી દરેક કાર્યો કરે છે અને એ વાતનો અમને આનંદ છે, છતાં તેઓ પોતાના સ્વાસ્થ્યની કાળજી કરતા રહે એ પણ એટલું જ જરૂરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK