Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ધાડ ફિલ્મ ખરેખરા કચ્છનું છેલ્લું દસ્તાવેજીકરણ છે

ધાડ ફિલ્મ ખરેખરા કચ્છનું છેલ્લું દસ્તાવેજીકરણ છે

14 April, 2020 02:36 PM IST | Kutch
Mavji Maheshwari

ધાડ ફિલ્મ ખરેખરા કચ્છનું છેલ્લું દસ્તાવેજીકરણ છે

ધાડ ફિલ્મ

ધાડ ફિલ્મ


ગુજરાતી સાહિત્યના વિલક્ષણ વાર્તાકાર જયંત ખત્રીની વાર્તા ‘ધાડ’ પરથી બનેલી ફિલ્મ ‘ધાડ’નું નિર્માણ ૨૦૦૦ની સાલમાં થયું અને છેક ૨૦૧૭માં રજૂ થઈ. આટલા લાંબા સમય બાદ અટકી પડેલી ફિલ્મ રજૂ થઈ હોય એવી પ્રાદેશિક ફિલ્મજગતની પહેલી ઘટના છે. ‘ધાડ’ને ભલે ગુજરાત કે કચ્છમાંથી જોઈએ એવો પ્રતિસાદ નથી મળ્યો. પરંતુ જેમણે શાંત ચિત્તે આ ફિલ્મ જોઈ હશે તેઓ જરૂર વિચારતા હશે કે શા માટે ગુજરાતીઓએ આ ફિલ્મમાં રસ ન લીધો?

જે લોકોએ કચ્છને ઓળખ્યું છે, કચ્છના વિવિધ રંગોને માણ્યા છે, જેમણે કચ્છની વેરાન ધરતી પર બાળી નાખતી લુ વચ્ચે નેજવું કરીને ક્ષિતિજો સામે જોયું છે, રણ વિસ્તારમાં દૂર-દૂર માનવઆકારોનું હલનચલન જોઈને રોમાંચિત થયા છે તેઓ ‘ધાડ’ જોઈને રાજી થયા હશે અને ઘેલાની ભડભડ બળતી ચિતાનું અંતિમ દૃશ્ય જોઈ જરૂર વિષાદમાં ડૂબી ગયા હશે. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં કચ્છને, કચ્છની ધરતીની વિરુપતા અને અહીંનાં માનવહૈયાંમાં ઊઠતાં વમળો, ચિત્તમાં ચડતી ડમરીઓને રજૂ કરતી અત્યાર સુધીમાં માત્ર એક જ ફિલ્મ બની છે. એ છે ડૉ. જયંત ખત્રીની વાર્તા પરથી બનેલી ફિલ્મ ‘ધાડ’. ત્રણ-ત્રણ પત્ની છતાં સંતાનસુખ ન પામેલો ધાડ વાર્તાનું નકારાત્મક પાત્ર ઘેલો અને તેની આસપાસ વણાયેલી પાત્રસૃષ્ટિને જયંત ખત્રીએ જેટલી બારીકાઈથી રજૂ નથી કરી એટલી હિન્દી ચિત્રપટ જગતના દિગ્ગજ કલાકારો રજૂ કરી શક્યા છે. વળી એ કલાકારો જે કચ્છથી સાવ જ અજાણ હતા. કે. કે. મેનન, નંદિતા દાસ, રઘુવીર યાદવ, સુજાતા મહેતા, સંદીપ કુલકર્ણી, સમીરા અવસ્થી જેવા બિનગુજરાતી કલાકારો ઉપરાંત ભીમ વાંકાણી, બાબુભાઈ રાણપરા અને ઝવેરીલાલ સોનેજી જેવા ગુજરાતી કલાકારોએ આ ફિલ્મમાં કચ્છી માડૂઓનાં ચરિત્રોને એક ચોક્કસ ઊંચાઈ આપી છે. ધાડની સૌથી મોટી વિશેષતા એ છે કે આ ફિલ્મ ખરેખરા કચ્છનું છેલ્લું દસ્તાવેજીકરણ છે. એ કચ્છ, જ્યાં પવનચક્કીઓ નહોતી, વાહનોની દોડમદોડ નહોતી કે નહોતો ઉદ્યોગોનો ધમધમાટ. અસ્સલ રણપ્રદેશની વેરાન ધરતી. લૉન્ગ શૉટમાં દેખાતા અબડાસા, માંડવી, લખપત વિસ્તારનાં દશ્યો, રણપ્રદેશ અને પાત્રોના મનોભાવોને રજૂ કરતું વનરાજ ભાટિયાનું શોરબકોર વગરનું સંગીત આ ફિલ્મને એક પ્રાદેશિક ફિલ્મની ગરિમા બક્ષે છે.  ૧૭ વર્ષ સુધી અટકી પડેલી ફિલ્મ થકી કોને-કોને શું નુકસાન થયું છે એ તો પડદા પાછળની વાતો છે. તેમ છતાં, ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં ખેરખા કલાકારોને રજૂ કરવા માટે આ ફિલમના દિગ્દર્શક પરેશ નાયકને સલામ તો મારવી જ પડે.



ધાડ ફિલ્મનાં બીજ ૧૯૯૯ના જૂન મહિનામાં વવાયાં હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ભુજમાં જયંત ખત્રીના સાહિત્ય પર પરિસંવાદ હતો. ગુજરાતી સાહિત્ય જગતના નામાંકિત વાર્તાકારો ભુજ આવ્યા હતા. એ સત્રમાં જયંત ખત્રીની ‘ખરા બપોર’ વાર્તાની ચર્ચા થઈ હતી. ‘ખરા બપોર’ વાર્તાને તંતોતંત સમજાવવા કચ્છ આવેલા સાહિત્યકારોએ બન્નીનો પ્રવાસ ખેડ્યો. જ્યારે હજી કચ્છ કૅમેરા દ્વારા ગુજરાત સામે આવ્યું ન હતું, એવા સમયમાં ગુજરાતી સાહિત્યકારો કચ્છનું રણ અને સૂનકાર જોઈ દંગ થઈ ગયા. એ પરિસંવાદમાં વાર્તાકાર તરીકે પરેશ નાયક પણ આવ્યા હતા. સત્ર દરમિયાન એવી ચર્ચા નીકળી હતી કે ગુજરાતી સાહિત્ય કૃતિઓ પરથી ફિલ્મો બનવી જોઈએ. પરેશ નાયકના મનમાં આ વાત ઊતરી ગઈ અને તેમણે નક્કી કર્યું કે મારે જ આ ફિલ્મ બનાવવી. એ પછી ધાડ વાર્તા પરથી ફિલ્મ બનાવવાનાં ચક્રો ગતિમાન થયાં. જયંત ખત્રી ફિલ્મ ફાઉન્ડેશન રચાયું. જયંત ખત્રીના મોટા પુત્ર અને જાણીતા પત્રકાર કીર્તિ ખત્રી નિર્માતા બન્યા. ધાડ વાર્તા પરથી જ ધાડ નામની નવલકથા લખનાર વિનેશ અંતાણીએ આ ફિલ્મની પટકથા લખવાનું સ્વીકાર્યું. ફિલ્મ બનાવવી કેટલી અઘરી છે તે એ સમજી શકે જેને આ ક્ષેત્રનો અનુભવ હોય. એવો અનુભવ પરેશ નાયકના ખાતે જમા હતો, પરંતુ નાણાં ક્યાંથી લાવવા એ બાબતે ગડમથલ ચાલી. એ વખતે જીએમડીસીના ચૅરમૅન કચ્છના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી મૂકેશ ઝવેરી હતા. તેમણે આ ફિલ્મના નિર્માણ માટે ૩૦ લાખ રૂપિયા આપવાની હા પાડી જે પૈકી ૧૫ લાખનો પહેલો હપ્તો નિર્માતાને ચૂકવાયો પણ ખરો. ફિલ્મનું શૂટિંગ કરવા માટે નલિયા અને લખપત તરફનું લોકેશન નક્કી થયું. સહનિર્માતા ઝવેરીલાલ સોનેજી કચ્છની બારીકીઓ સમજાવવા એક મહિનો શૂટિંગ સ્થળે ધામા નાખીને પડ્યા રહ્યા. લોકોનો સહકાર અદ્ભુત હતો. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ૨૦૦૦ના અંત સુધી પૂરું પણ થયું, પરંતુ જાન્યુઆરીમાં કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો. કચ્છની તમામ ગતિવિધિઓ બદલતી રહી સાથે-સાથે નિર્માતા અને નિર્દેશકનો ઉચાટ પણ વધતો ગયો, કારણ કે રાજકીય સમીકરણો બદલાઈ ગયાં હતાં જેને આ ફિલ્મ સાથે સંબંધ હતો. તોય ૨૦૦૩માં ફિલ્મનો પહેલો પ્રોમો રજૂ થયો, પરંતુ નાણાકીય કટોકટીમાંથી કેમ પાર ઊતરવું એનો કોઈ ઉપાય દેખાતો ન હતો. ફિલ્મ રજૂ કરવામાં નિર્દેશકે ટેક્નિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ફિલ્મને એક પછી એક ગ્રહણ લાગતાં રહ્યાં. એક તબક્કો એવો આવ્યો કે આ ફિલ્મ હવે રજૂ નહીં થઈ શકે એવું પણ લાગ્યું. આખરે અદાણી ફાઉન્ડેશન વહારે આવ્યું અને ફિલ્મ ૨૦૧૭માં રજૂ થઈ, પરંતુ ત્યારે આખું કચ્છ બદલાઈ ગયું હતું. કચ્છ વિશેના ખ્યાલો બદલાઈ ગયા હતા. કચ્છના લોકોની માનસિકતા પણ બદલાઈ ગઈ હતી. ગુજરાતમાંથી ફિલ્મને જોઈએ એવો લોકપ્રતિભાવ મળ્યો નહીં. કચ્છમાંથી પણ નહીં. અસ્સલ કચ્છની તાસીર અને ખુમારી રજૂ કરતી ફિલ્મ વિશે ગુજરાતીઓ અજાણ રહ્યા.


છેલ્લાં પાંચેક વર્ષથી ગુજરાતી ફિલ્મો એની પરંપરામાંથી બહાર આવી રહી છે. નવી પેઢી નવા સંદર્ભો સાથે ફિલ્મો બનાવી રહી છે જેને લોકચાહના પણ મળી રહી છે. ટૂંકા ગાળામાં ‘રેવા’ અને ‘હેલ્લારો’ જેવી ફિલ્મો ગુજરાતી દર્શકોને થિયેટર સુધી લઈ જવામાં સફળ રહી છે. એવું લાગી રહ્યું છે જાણે ગુજરાતી ફિલ્મોનો નવો યુગ આવી રહ્યો છે. આવા સમયમાં રજૂ થયેલી ‘ધાડ’ને જોવા ગુજરાતી દર્શકોએ ઝાઝો ઉત્સાહ દર્શવ્યો નહીં એનાં મજબૂત કારણો પણ છે. કોઈ પણ સમજી શકે એવી બાબત એ છે કે કોઈ ફિલ્મ માત્ર પશ્ચાદભૂ અને અભિનય પર ચાલી ન શકે. ગુજરાતી ફિલ્મ તો બિલકુલ ન ચાલે. ધાડમાં નબળું તત્વ છે કથાનું ટુકડામાં વહેંચાઈ જવું. ત્રણ સ્ત્રી અને તેમની સાથે જોડાયેલા એક પુરુષની સ્વતંત્ર કથાને કારણે ફિલ્મની ગતિ મંદ પડે છે. નિર્દેશક મૂળ વાર્તાને વળગી ન રહ્યા હોત તો એક સ્ત્રીપાત્ર ઓછું કરી ફિલ્મને ચુસ્ત કરી શક્યા હોત. વળી એક ફિલ્મમાં હોય એવું જનસમૂહને સ્પર્શતું રંજક તત્વ પણ નથી. આખીય ફિલ્મ પર ઘેલો છવાઈ રહે છે, પરંતુ તે સમાજનું નકારાત્મક પાત્ર છે. નકારાત્મક મુખ્ય પાત્રવાળી ફિલ્મો ભારતીય દર્શકોને ગમતી નથી હોતી. ધાડપાડુ ઘેલાનું મૃત્યુ જયંત ખત્રીની વાર્તામાં સમજાઈ શકે એવું છે, પરંતુ પરેશ નાયકની ફિલ્મમાં સમજાતું નથી. ફિલ્મનો અંત ‘બેસતો રાજા અને ઊઠતો બકાલી’ જેવો ઉતાવળિયો છે. આ એક પ્રાદેશિક ફિલ્મ છે અને એ માટે ફિલ્મમાં લોકસમૂહ હોવો જોઈતો હતો. નિર્દેશકને આ ભૂલ મોંઘી પડી છે. ગુજરાતી સંવાદો વચ્ચે કચ્છી સંવાદો પણ આગંતુક લાગે છે. ક્યાંક ટેક્નિકલ ત્રૂટીઓ પણ નજરે ચડે છે. તેમ છતાં, ધાડ કચ્છની ધરતીના મૂળ સ્વભાવને રજૂ કરતી ફિલ્મ છે એટલે એને વ્યાપારી ધોરણે નહીં, પણ કલાની નજરે જોવાથી જ સમજાય એમ છે.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2020 02:36 PM IST | Kutch | Mavji Maheshwari

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK