Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વર્ક ફ્રૉમ હોમ મજા કે મુશ્કેલી?

વર્ક ફ્રૉમ હોમ મજા કે મુશ્કેલી?

21 March, 2020 02:36 PM IST | Mumbai
Arpana Shirish

વર્ક ફ્રૉમ હોમ મજા કે મુશ્કેલી?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સેલ્ફ-ક્વૉરન્ટીન પિરિયડ. એટલે સોશ્યલ લાઇફને થોડો સમય માટે તિલાંજલિ આપી એકલા રહેવું. હાલમાં વિશ્વના મોટા ભાગના લોકો આ રીતે ઘરમાં લૉક્ડ છે. તેમના તેમ જ તેમની આજુબાજુના લોકોના ભલા માટે. મહારાષ્ટ્ર સરકારે પણ હાલમાં ઑફિસોમાં ફક્ત હોય એના કરતાં ૫૦ ટકા કર્મચારીઓને જ આવવા દેવા અથવા ઘરેથી કામ કરવાની પરવાનગી આપી દેવી એવી સલાહ આપી છે. આવામાં કંઈ બિઝનેસ અને કામ બધું જ બંધ કરી ન શકાય એટલે લોકોએ અપનાવી લીધો છે વર્ક ફ્રૉમ હોમનો કન્સેપ્ટ. આ પહેલાં અનેક ઇન્ટરનૅશનલ કંપનીઓ પ્રોડક્ટિવિટી વધારવા માટે પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સહુલિયત આપવાના પ્રયોગો કરી ચૂકી છે.

 ઝેપીર નામની એક ઑટોમોબાઇલ ઍપે રિમોટ વર્કિંગ માટેના તેમના બનાવેલા રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં દર ચારમાંથી એક વ્યક્તિ કામના સમયમાં ફ્લેક્સિબિલિટી અથવા વર્ક ફ્રોમ હોમનો પર્યાય ન મળતો હોવાને લીધે જૉબ છોડી દે છે. ઝેપીર કંપનીએ કરેલા સર્વેમાં ૭૪ ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ ઘરેથી કામ કરવા મળે એ માટે પોતાની જૉબ છોડવા તૈયાર છે. ચારમાંથી એકનું માનવું હતું કે ઘરે બેસીને કામ કરવાથી તેઓ પ્રદૂષણથી બચી શકે છે, જ્યારે પાંચમાંથી એકનું



કહેવું હતું કે તેઓ પોતાના પેટ્સ સાથે વધુ સમય ગાળી શકે એ માટે તેમને ઘરેથી કામ કરવું છે. આ સર્વેમાં સૌથી મહત્ત્વનું છે કે ૪૨ ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ ઘરેથી કામ કરે ત્યારે તેમની પ્રોડક્ટિવિટીમાં વધારો થાય છે જ્યારે ફક્ત ૩૨ ટકા લોકો માને છે કે કામ કરવા માટે ઘર કરતાં ઑફિસ જ વધુ સૂટેબલ છે. મોટા ભાગના કર્મચારીઓનું માનવું છે કે આવનારા સમયમાં ૨૦૩૦ સુધીમાં આ રીતે ટ્રેડિશનલી ઑફિસમાં જઈને કામ કરવાનું કલ્ચર લગભગ નાબૂદ થઈ જશે અને લોકો ગમે ત્યાંથી ફક્ત કામ તો થાય છેને એ વાત પર ધ્યાન આપશે. આ વિષે વાત કરતાં એક ક્લિનિકલ હિપ્નોસિસ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર નીતિન શાહ કહે છે, ‘વર્ક ફ્રૉમ હોમની ઇફેક્ટ વ્યક્તિદીઠ જુદી-જુદી હોઈ શકે. મારા મતે જ્યાં સુધી કામ સારી રીતે થાય છે ત્યાં સુધી કામ ગમે ત્યાંથી થાય, વાંધો નહીં. પણ હા, એ માટે કર્મચારીઓએ પ્રોફેશનલ અપ્રોચ અને ટાઇમ મૅનેજમેન્ટ સાથે કામ કરવું જોઈએ. મારી કંપની પ્રોફેશનલ થેરપિસ્ટો માટે વર્કશૉપ કરે છે, હાલમાં લૉક્ડ ડાઉન જેવી સ્થિતિમાં એ શક્ય નથી એટલે મારા બધા જ ટ્રેઇનર્સને મેં ઘરેથી કામ કરવા કહ્યું છે. તેઓ હાલમાં ઑનલાઇન વર્કશૉપ લે છે અને કામ પૂરું કરે છે. જો પ્રોડક્ટિવિટી વધતી હોય તો કંપનીઓએ પણ ફ્લેક્સિબિલિટી આપવી જોઈએ.’


વર્ક ફ્રૉમ હોમ એટલે એમાં ઘરનું કામ પણ ગણી લેવાનું – દીપ્તિ ઠક્કર, આઇટી કન્સલ્ટન્ટ

એક જાણીતી કંપનીમાં આઇટી કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત, મીરા રોડમાં રહેતી દીપ્તિ ઠક્કર ઐરોલીમાં આવેલી તેની ઑફિસે જવા માટે રોજ ત્રણ કલાક ટ્રાવેલિંગ કરે છે. છેલ્લા કેટલાક દિવસથી તેની કંપનીએ તેને ઘરે બેસીને લૅપટૉપ પર જ કામ કરવાની પરવાનગી આપી છે. જોકે અઢી વર્ષના દીકરા સાથે તેની માટે આ વર્ક ફ્રૉમ હોમની તક ચૅલેન્જિંગ બની ગઈ છે. તે કહે છે, ‘રોજ ઊઠું એના કરતાં આજે મોડી ઊઠી. અને ઐરોલી સુધી ઑફિસ જવાના ત્રણ કલાક પણ બચાવ્યા. જોકે આટલો જ ફાયદો થયો છે, કારણ કે ઊઠ્યા બાદ પહેલાં તો નાસ્તો કરીને ઑફિસ ઊપડી જતી, પણ હવે ઘરે છું એટલે સવારનો મોટા ભાગનો સમય ઘરનાં બાકીનાં કામોમાં જતો રહે છે. વળી હસબન્ડ પણ કોરોનાને કારણે ઘરેથી કામ કરી રહ્યા છે. દીકરાની પ્લે સ્કૂલ પણ બંધ છે એટલે તેને પણ વેકેશન. આ બધું સાથે ભેગું થયું છે એમાં કામ પર પ્રોફેશનલી ધ્યાન નથી રાખી શકાતું. ઘરેથી કામ કરો તોય મેઇલ અને કૉલ પર સતત બાકીની ટીમ સાથે કો-ઑર્ડિનેટ કરતા રહેવું પડે. કિચન કે બાકીના કામમાં હોઈએ ત્યારે જો કૉલ મિસ થઈ જાય તો ઇશ્યુ એસ્કેલેટ થાય અને ખરાબ ઇમ્પ્રેશન પડે. આ બધી ચીજોનું ધ્યાન રાખવું પડે પ્લસ આપણે ઘરે હોઈએ એટલે બાકીના મેમ્બર્સની અપેક્ષાઓ પણ વધી જાય. કહી શકાય કે ઑફિસમાં ફક્ત ૮ કલાક જ કામ કરીએ પણ વર્ક ફ્રૉમ હોમમાં જેટલા કલાક જાગીએ એટલા કલાક સતત કામ જ થાય છે. એટલે આના કરતાં ઑફિસ જઈને કામ પતાવીને ઘરે આવી જવું પરવડે.’


ફૅમિલી મેમ્બર્સ ખુશ છે મને ઘરે જોઈને : નિકિતા કામદાર, પબ્લિક રિલેશન્સ ઑફિસર

ઘાટકોપરમાં રહેતી અને પીઆર એજન્સી સાથે કામ કરતી નિકીતા કામદારની ઑફિસ પણ ઘાટકોપરમાં જ છે. કોરોના વાઇરસને કારણે છેલ્લા એકાદ અઠવાડિયાથી નિકિતા અને તેના બધા જ સહકર્મીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. આ વર્ક ફ્રૉમ હોમે ફાયદો કરાવ્યો કે નહીં એ વિષે વાત કરતાં તે કહે છે, ‘મારી ઑફિસનું કલ્ચર ફ્લેક્સિબલ છે અને કમ પૂરું થતું હોય એ શરતે બાકીની ફ્રીડમ પણ મળે છે. હું ઘણી વાર ઘરેથી કામ કરતી હોઉં છું પણ આ વખતે આખી ઑફિસના બધા જ સહકર્મીઓ ઘરે બેસીને કામ કરતા હોવાથી ટાઇમ સંભાળવો પડે છે. બધા જ વૉટ્સઍપ પર સવારે રિપોર્ટ કરી કામની શરૂઆત કરે. કમ્યુનિકેશનનું ફીલ્ડ હોવાથી ક્લાયન્ટ અને મીડિયા સાથે સતત ટચમાં રહેવું પડે. ઘરેથી કામ કરવાને લીધે કામની પ્રોડક્ટિવિટી વધી છે કારણ કે ટ્રાફિકમાં ફસાવાને લીધે વેડફાતો સમય બચી જાય છે. પ્લસ ઘરના પણ ખુશ છે. ઘરની વહુ આખો દિવસ ઘરે હોય એટલે ઘરના પણ ખુશ અને કામ ગમે ત્યાંથી થાય પણ સારી રીતે પૂરું થાય છે એટલે બૉસ પણ ખુશ. એટલે એકંદરે ક્યારેક-ક્યારેક આવી ફૅસિલિટી મળતી રહે તો કામ કરવાની મજા આવે.’

ક્યારેક કિચનમાં તો ક્યારેક બેડરૂમમાં બેસીને કામ કરવાનો વારો આવ્યો છે : સુમિત ટાંક, રિસર્ચ ઍનૅલિસ્ટ

વિરાર (વેસ્ટ)માં રહેતા રિસર્ચ ઍનૅલિસ્ટ સુમિત ટાંકને ઘરેથી બેસીને કામ કરવા મળે એવી ઇચ્છા ઘણી વાર થતી. અને છસાત વર્ષમાં પહેલી વાર કોરોનાને લીધે વર્ક ફ્રૉમ હોમનો ચાન્સ મળ્યો છે. જોકે આ સંજોગોમાં તેમને તેમની ઑફિસ જ સારી લાગે છે. પોતાનો અનુભવ જણાવતાં સુમિત કહે છે, ‘અત્યારે એક નવા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે જેન માટે સતત ફોન પર કો-ઑર્ડિનેટેડ રહેવું પડે છે. ક્લાયન્ટ સાથે વાત કરવાની હોય ત્યારે શાંતિ જોઈએ. અઢી વર્ષની દીકરી સહિતનો મારો પાંચ મેમ્બરનો પરિવાર છે એટલે સ્વાભાવિક છે કે ઘરમાં અવાજ તો થવાનો જ. ફોન આવે એટલે ક્યારેક કિચનમાં કામ કરવા બેસી જાઉં તો ક્યારેક બેડરૂમમાં. આના કરતાં તો ઑફિસ જ સારી એવું લાગે ક્યારેક. ટ્રાવેલિંગનો સમય બચે અને ફૅમિલી સાથે સમય ગાળવા મળે એ પ્લસ પૉઇન્ટ છે જ પણ સાથે કામમાં ઑફિસના માહોલમાં આવે એ પ્રોફેશનલ ફીલિંગ નથી આવતી.’

પ્રોડક્ટિવિટી વધી ગઈ છે : કૌશલ પટેલ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને ઑડિટર

મલાડની એક ઇન્ટરનૅશનલ કંપની સાથે સંકળાયેલા બોરીવલીના કૌશલ પટેલ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. તેઓ કંપનીમાં ઇન્ટરનલ ઑડિટ કરે છે જેને કારણે તેમને જુદાં-જુદાં સ્થાનોએ ટ્રાવેલ કરવું પડે છે. છેલ્લા કેટલાક સમયથી કોરોના વાઇરસના ફેલાવાને લીધે તેમનું ટ્રાવેલિંગ બંધ છે અને બાકીનું કામ તેઓ એક અઠવાડિયાથી ઘરે બેસીને જ કરી રહ્યા છે. જોકે તેમને ઘરેથી કામ કરવામાં વધુ આનંદ આવી રહ્યો છે. તેઓ કહે છે, ‘પોતાની સાથે કામની બાબતે સ્ટ્રિક્ટ રહો અને માનસિક તૈયારી રાખો તો ઘરે બેસીને કામ વધુ સારી રીતે થઈ શકે. ફૅમિલી મેમ્બર્સને પણ ખબર છે કે કામના સમયે ડિસ્ટર્બ નહીં કરવાનું એટલે કામ વધુ આસાન બને. જોકે ઑફિસમાં થાય એવું કલીગ્સ સાથેનું ઇન્ટરેક્શન ઘરે નથી થતું એટલે થોડું બોરિંગ લાગે. બાકી કોઈ ટાઇપનો ટાઇમપાસ કે ટી-બ્રેક થતા ન હોવાથી ઓછા કલાકોમાં વધુ કામ થવા લાગ્યું છે જેમાં લીધે પ્રોડક્ટિવિટી વધી છે. મારા મતે થોડા-થોડા સમયે આ રીતે ઘરેથી કામ કરવું જોઈએ.’

ફૅમિલીનાં બીજાં કામો પણ કરી શકાય છે : યશ સાવલા, આઇટી એન્જિનિયર

બોરીવલીમાં રહેતો યશ સાવલા પુણેની એક કંપનીમાં આઇટી એન્જિનિયર છે. તે ક્યારેક પુણે તો ક્યારેક મુંબઈ એમ અપડાઉન કર્યા રાખે છે એટલે વર્ક ફ્રૉમ હોમનો કન્સેપ્ટ તેના માટે નવો નથી. હાલમાં છેલ્લા એક મહિનાથી તે બોરીવલીનાં તેનાં ઘરે બેસીને જ ઑફિસનું કામ કરી રહ્યો છે. તેના ઘરમાં તેની બહેનની બે વર્ષની દીકરી છે પણ તેને પણ ખબર છે કે મામાને તેઓ કામ કરતા હોય ત્યારે ડિસ્ટર્બ નહીં કરવાના. તેના મતે ઘરેથી કામ કરવાના ફાયદા અનેક છે. યશ કહે છે, ‘ટ્રાવેલિંગનો સમય બચી જાય છે, રોજ-રોજ કયાં કપડાં પહેરીને ઑફિસ જવું એ વિચારવું નથી પડતું. ઑફિસમાં જે કામ ૯ કલાકમાં કરીએ એ ઘરે બેસીને પાંચથી છ કલાકમાં થઈ જાય છે, બચેલા સમયમાં જિમ જઈ શકું છું. કોઈ એક્સ્ટ્રા કરિક્યુલર ઍક્ટિવિટી કરવી હોય તો એ માટે પણ સમય છે અને સૌથી મહત્ત્વનું એટલે ઘરમાં અચાનક કંઈ કામ કે ઇમર્જન્સી હોય તો હું હાજર હોઉં છું. ઘરનું બીજું કોઈ કામ હોય તો એમાં મમ્મી અને પપ્પાને સાથ આપી શકું છું. ઘરે કામ કરું ત્યારે બેડરૂમમાં બેસી પૂરા કૉન્સન્ટ્રેશન સાથે કામ કરું છું એટલે પ્રોડક્ટિવિટી વધે છે.’

ઘરેથી કામ કરવાના હો તો આટલું ધ્યાનમાં રાખજો

સમયનું શેડ્યુલ રોજ પ્રમાણેનું જ રાખો, કારણ કે તમારું મગજ એ જ સમયે કામ કરવા માટે ટેવાઈ ગયું હોય છે.

ઘરમાં હો એટલે ગમે તેવાં કપડાં પહેરીને કામ કરવા ન બેસી જાઓ. કમ્પ્લીટ ફૉર્મલ નહીં તો ઍટ લીસ્ટ કમ્ફર્ટેબલી ફૉર્મલ ડ્રેસિંગ કરવાનું ટ્રાય કરો, કારણ કે જ્યારે તૈયાર થઈને કામ કરવા બેસશો તો કામ કરવાનું મન પણ થશે આપોઆપ તમે એ ‘વર્ક માઇન્ડસેટ’માં આવી જશો.

જો સગવડ હોય તો ઘરનાં કોઈ એક રૂમ અથવા કોઈ એક એરિયાને કામ માટે નક્કી કરી લો જેથી તમારી ફૅમિલી પણ તમે કામ કરતા હો ત્યારે ત્યાં આવીને તમને ડિસ્ટર્બ ન કરે.

જે સમય ટ્રાવેલિંગમાં ગાળતા એ સમય હવે ફૅમિલી સાથે ગાળો. તેમને પણ તમારા વર્ક ફ્રૉમ હોમનો ફાયદો થવો જોઈએને.

સહકર્મીઓ સાથેના કૉલ ટાઇમ્સ ફિક્સ કરી લો અને જરૂર પડે ત્યારે ટચમાં રહો.

ઘરેથી કામ કરો ત્યારે ટીવી કરતાં પણ સૌથી વધુ ડિસ્ટર્બ કરનાર ચીજ હોય તો એ છે ફ્રિજ. કામ કરતાં કરતાં ફ્રિજમાંથી જે મળે એ લઈને ખાઈ લેવાની આદત હાનિકારક નીવડશે.અને વર્ક ફ્રૉમ હોમના આ સમયમાં વજન વધી જશે. અહીં એક્સ્ટ્રા સમય મળશે એમાં શક્ય હોય તો એક્સરસાઇઝ કરો.

ઑફિસના આઇટી ડિપાર્ટમેન્ટથી જોઈતો સપોર્ટ પહેલેથી જ માગી લો જેથી ઘરે કામ ન અટકે.

બૉસ કે ટીમ લીડરને કામ વિશે હંમેશાં અપડેટ્સ આપતા રહો. વધુમાં તમારા મૅનેજર પણ તમારા ટચમાં હોય એનું ધ્યાન રાખો. ઑફિસમાં મીટિંગ્સ દ્વારા એકબીજાને અપડેટ કરવું આસાન છે પણ ઘરેથી કામ કરો ત્યારે આ બાબતે થોડા એક્સ્ટ્રા એફર્ટ લેવા પડશે. રોજ સાંજે કામનો રિપોર્ટ આપતો એક કૉલ બૉસને કરી રજા લઈ શકાય.

કામ ભલે ઘરેથી કરો, પણ પ્રોફેશનલ અપ્રોચ એ જ રાખવો જેથી કામની ગુણવત્તા પર અસર ન થાય.

- કરણ માખણિયા, હ્યુમન રિસોર્સ એક્સપર્ટ

Whatsapp-channel Whatsapp-channel

21 March, 2020 02:36 PM IST | Mumbai | Arpana Shirish

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK