તમે કોઈને કેટલું ધ્યાનથી જુઓ છો?

Published: Feb 17, 2020, 17:12 IST | Falguni Jadia Bhatt | Mumbai

બીજાનું અને બીજાની સાથે ખુદ પોતાની જાતનું બારીકાઈથી નિરીક્ષણ કરવું એક કળા છે, જે તમને બીજાની સાથે પોતાના વ્યક્તિત્વથી પણ પરિચિત કરાવી શકે છે

મારા એક સંબંધી છે, માનવસ્વભાવના જાણે વિશેષજ્ઞ. માનસશાસ્ત્રની કોઈ પણ ડિગ્રી મેળવ્યા વગર તેમનામાં જાણે વ્યક્તિને અરીસાની જેમ ઓળખી જવાની ત્રેવડ છે. એક વાર મેં તેમની આ ખૂબી પાછળનું રહસ્ય પૂછ્યું તો તેમણે કહ્યું કે તેમની એક ટ્રિક છે, જે તેમને વ્યક્તિના અંતરમનને સમજવામાં હંમેશાં મદદરૂપ થાય છે. એ ટ્રિક અનુસાર પહેલાં તેઓ સામેવાળી વ્યક્તિનું ધ્યાન ન હોય ત્યારે તેને ખૂબ બારીકાઈપૂર્વક ઑબ્ઝર્વ કરે છે. તેની ઊઠવા-બેસવા, ચાલવાની રીત, બોલવાની ઢબ, શબ્દોનાં ઉચ્ચારણ, વાત કરતી વખતે તેના મોઢા પર આવતા હાવભાવ વગેરેનું અત્યંત ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરે છે. ત્યાર બાદ એકલામાં અરીસા સામે ઊભા રહીને એ વ્યક્તિની નકલ કરે છે. તેમનું કહેવું છે કે એવું કરતી વખતે તેઓ અમુક અંશે એ વ્યક્તિ બની જાય છે જેને પગલે તેમને કઈ પરિસ્થિતિમાં તે કઈ રીતે વર્તશે એનો આછોપાતળો અંદાજ આવવા માંડે છે અને તેની માનસિકતા તેમની સામે ઉજાગર થવા માંડે છે. સાંભળવામાં થોડું અજીબ છે અને અમલમાં ઉતારવું કદાચ એનાથી પણ વધારે અજીબ, પરંતુ કોઈ વ્યક્તિને સમજવા થોડા સમય માટે એ વ્યક્તિ જ બની જવાનો આ કીમિયો છે રસપ્રદ, નહીં?

અંગ્રેજીમાં એક કહેવત છે, ‘ગૉડ લાઇસ ઇન ડીટેલ્સ.’ અર્થાત્ ભગવાન સૂક્ષ્મતામાં રહેલા છે. મોટા ભાગના આપણે જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આ કહેવત સાંભળી જ હોય છે, પરંતુ વ્યક્તિની માનસિકતાને સમજવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય એનો આપણને ભાગ્યે જ વિચાર આવે છે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિને સમજવા માટે તેની નાની-નાની બાબતો પર ધ્યાન આપવું પડે છે અને એ માટે તેનું અત્યંત સૂક્ષ્મતાપૂર્વક નિરીક્ષણ કરવું પડે છે. દુર્ભાગ્યે મોટા ભાગના આપણે પોતપોતાના જીવનની ઉપાધિઓમાં જ એટલા વ્યસ્ત રહીએ છીએ કે પારકા તો શું, ખુદ પોતાનાઓને પણ બે ઘડી ફુરસદથી જોતા નથી, પરંતુ જેઓ થોડો સમય કાઢી કોઈની સૂક્ષ્મતા પર આવી રીતે ધ્યાન આપવાનો પ્રયત્ન કરે છે તેઓ એ વ્યક્તિ સાથે વિતાવેલા સમયને પૂરેપૂરો માણી શકે છે અને એ વ્યક્તિના મન સુધી પણ પહોંચી શકે છે. એટલું જ નહીં, બારીકાઈપૂર્વક કરેલું આવું ઑબ્ઝર્વેશન આપણને કોઈની ન ગમતી બાબતોને નજરઅંદાજ કરી ગમતી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. 

જરા વિચાર કરી જુઓ કે છેલ્લે ક્યારે તમે કોઈ વ્યક્તિને ધ્યાનપૂર્વક જોઈ? ક્યારે કોઈ વ્યક્તિની બારીકાઈઓનું આટલું બારીક નિરીક્ષણ કર્યું? બીજા બધા તો જવા દો, જે બાળકના જન્મ માટે તમે આટલી બાધા રાખી હતી તેને ક્યારે આટલું ધારી ધારીને જોયું? મોટા ભાગના વાલીઓ કહેતા સાંભળવા મળે છે કે સમય ક્યાં વહી ગયો એની ખબર જ ન પડી અને અમારાં બાળકો ક્યાં મોટાં થઈ ગયાં એનો ખ્યાલ જ ન આવ્યો. ક્યાંક આવું એટલા માટે તો નથી બન્યુંને કે જે બાળકના અવતરણને લઈને આપણે આટલા આનંદિત હતા તેના આવ્યા બાદ તેને સારું ભવિષ્ય આપવાના ચક્કરમાં આપણે એટલા બધા અટવાઈ ગયા કે તેના ઉછેરના માર્ગમાં આવતા વિવિધ તબક્કાઓને જ માણવાનું ચૂકી ગયા? જે વાલીઓએ પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરવાની સાથે તેના વર્તમાનને પણ પૂરેપૂરો માણ્યો છે તેઓ આંગળી મૂકીને કહી શકશે કે ક્યારે તેમના બાળકના મોઢામાં પહેલાં દાંતની કણ ફૂટી, ક્યારે તેના આગળના બે દાંત તૂટ્યા અને ક્યારે તેની મૂછનો પહેલો દોરો ફૂટ્યો અને એ પ્રત્યેક તબક્કે તે કેવું દેખાતું હતું એ પણ તેમના સ્મૃતિપટ પર આજેય એટલું જ તરોતાજા હશે. આવું ત્યારે જ બને જ્યારે તમે તમારા બાળકને રોજેરોજ નીરખ્યું હોય, રોજેરોજ તેની સાથે સમય વિતાવ્યો હોય અને એ સમયને પૂરેપૂરો એન્જૉય કર્યો હોય.

લૈલા-મજનૂની પ્રેમકથા તો તમે સાંભળી જ હશે? કહેવાય છે કે લૈલા દેખાવમાં કંઈ ખાસ ખૂબસૂરત નહોતી એથી એક દિવસ કોઈએ જઈને મજનૂને પૂછ્યું કે લૈલામાં તને એવું તે શું દેખાઈ ગયું કે તું તેની પાછળ આવો દીવાનો બન્યો છે? ત્યારે મજનૂએ વધુ કંઈ જવાબ ન આપતાં માત્ર એટલું જ કહ્યું કે ‘લૈલા કો દેખો મજનૂ કી નજર સે.’ શું તમારી સાથે ક્યારેય  એવું બન્યું છે કે પહેલી વાર તમે કોઈ છોકરીને જોઈ હોય ત્યારે તે તમને કંઈ ખાસ ખૂબસૂરત ન લાગી હોય, પરંતુ જેમ-જેમ તેને વધુ નજીકથી જોઈ તેમ-તેમ પહેલાં તમારું ધ્યાન તેની શ્યામવર્ણી ત્વચા ચમકીલી પણ છે એના પર ગયું. તેની આંખ, નાક અને હોઠની નમણાશ, તેના ગાલમાં પડતા ખંજન તરફ આકર્ષણ થયું અને પછી જેટલો સમય વધુ સાથે વિતાવતા ગયા તેમ-તેમ સમજાયું કે ચહેરાની એ નમણાશ વાસ્તવમાં તેના વ્યક્તિત્વની નમણાશનું પ્રતિબિંબ છે અને તમે તેના પ્રેમમાં પડી ગયા? આવું બને છે, કારણ કે જેટલું આપણે કોઈને અત્યંત ધ્યાનપૂર્વક જોઈએ છીએ એટલું એ વ્યક્તિનું વ્યક્તિત્વ આપણી સામે વધુ ઉજાગર થવા માંડે છે. તેની આંખોની ભાષા સમજાવવા માંડે છે, ન બોલાયેલા શબ્દો સંભળાવા લાગે છે, ન થયેલા સ્પર્શોનો અનુભવ થવા માંડે છે અને ધીરે-ધીરે આ બધી બાબતો આપણા ચિત્ત પર એવું વશીકરણ કરી લે છે કે તેની ન ગમતી બાબતો સાવ ગૌણ બની જાય છે!

બીજા બધા તો છોડો, છેલ્લે તમે ખુદ પોતાની જાતને ક્યારે ધ્યાનપૂર્વક જોઈ? ક્યારે અરીસામાં પોતાની આંખોને જોઈ અને એ આપણને શું કહેવા માગે છે એ સમજવાનો પ્રયત્ન કર્યો? કહે છે કે આંખો આપણા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે એથી નિયમિત ધોરણે પોતાની આંખોને જોતા રહેવાની આદત પાડીએ તો જીવનના વિવિધ અનુભવને પગલે કેવી રીતે તેનું ભોળપણ જતું રહ્યું અને સમજદારીએ એનું સ્થાન લીધું અને કેવી રીતે સમજદારીને પગલે ન ફક્ત આંખોમાં પણ સમગ્ર વ્યક્તિત્વમાં ઠાવકાઈ આવતી ગઈ એનો અહેસાસ થયા વિના રહેતો નથી. જેઓ આ પ્રક્રિયાને જોઈ અને સમજી શકે છે તેમને ક્યારેય પોતાના વધેલા વજન કે માથાની ટાલ પ્રત્યે અણગમો થતો નથી, કારણ તેમને સમજાય છે કે શરીરમાં આવેલા એ બદલાવો વાસ્તવમાં મનમાં આવેલા બદલાવોનું પરિણામ છે અને જો તમે તમારા મનમાં આવેલાં પરિવર્તનોથી ખુશ હો તો શરીરના બદલાવો કેવી રીતે એને કૉમ્પ્લિમેન્ટ કરે છે એ સમજાતાં એને માટે અફસોસ થવાને સ્થાને ગર્વ થાય છે.

મજાની વાત તો એ છે કે કેટલીક વાર કોઈ બીજાને આવી રીતે ધ્યાનથી જોતાં-જોતાં ખુદ આપણી જાત પણ આપણી સામે ખૂલવા માંડે છે. આપણે લોકોની કઈ બાબતો પર વધુ ધ્યાન આપીએ છીએ અને કઈ બાબતોને નજરઅંદાજ કરીએ છીએ એ સમજાતાં વ્યક્તિ તરીકે આપણે પોતે કેવા છીએ, આપણને કઈ બાબતોમાં રસ પડે છે, કઈ બાબતો આપણે મન મહત્ત્વની છેથી માંડીને કઈ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું જોઈએ અને કેવી રીતે ન વર્તવું જોઈએ એ સમજાતાં બીજાના વ્યક્તિત્વની ઓળખની સાથે આપણું વ્યક્તિત્વ પણ ઘડાતું જાય છે અને જીવન પ્રત્યેનો નવો અભિગમ કેળવાતો જાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK