કૉન્ગ્રેસ બાદ બીજેપીએ કાલે ૮૪ બેઠકો માટે જાહેર કર્યા ઉમેદવારો

Published: 23rd November, 2012 02:48 IST

મોદી અમદાવાદના મણિનગરમાંથી ચૂંટણી લડશે : સાત પ્રધાનો સહિત ૩૬ સિટિંગ ધારાસભ્યોને રિપીટ કરાયા : ૧૪ નવા ચહેરા અને ૧૧ મહિલાને ચાન્સકૉન્ગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા બાદ ગઈ કાલે રાત્રે બીજેપીએ નવી દિલ્હીથી ૮૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ અમદાવાદના મણિનગરમાંથી ફરી એક વાર ચૂંટણી લડશે.

બીજેપી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠકમાં બીજેપીના અગ્રણીઓએ ૮૪ બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં ૩૬ સિટિંગ ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે, જેમાં સાત પ્રધાનો વજુભાઈ વાળા, કિરીટસિંહ રાણા, વસુબહેન ત્રિવેદી, દિલીપ સાંઘાણી, પરસોત્તમ સોલંકી, રણજિત ગિલેટવાલા અને કનુભાઈ ભાલાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજેપીની આ યાદીમાં ૧૧ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ૧૪ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

કૉન્ગ્રેસનાં પૂનમ માડમને લૉટરી


સૌથી આશ્ચર્યની વાત એ બની રહી કે હજી તો ગઈ કાલે જ કૉન્ગ્રેસ અલવિદા કહીને બીજેપીમાં જોડાયેલાં કૉન્ગ્રેસનાં પૂનમબહેન માડમને બીજેપીએ ખંભાળિયાની બેઠક પરથી ઉમેદવારી કરાવી છે.

આઠ સિટિંગ ધારાસભ્યો કપાયા

બીજેપીએ જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં આઠ સિટિંગ ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા નથી, જેમાં સાવરકુંડલાના ધારાસભ્ય કાળુભાઈ વિરાણી, પારડીનાં મહિલા ધારાસભ્ય ઉષાબહેન પટેલ સહિતનાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈ ચૂંટણીમાં મહુવાની બેઠક પરથી ચૂંટણી લડીને જીતેલા ડૉ. કનુભાઈ કળસરિયાએ અલગ ચોકો રચ્યો છે એટલે આ બેઠક પરથી બીજેપીએ અન્ય ઉમેદવારને તક આપી છે.

સૌરભ પટેલની બાદબાકી

ઉલ્લેખનીય બાબત એ છે કે બોટાદની બેઠક પરથી ગઈ વખત ચૂંટણી લડીને આ બેઠક જીતી ગયેલા ઊર્જાપ્રધાન સૌરભ પટેલને સ્થાને બોટાદની બેઠક પર ડૉ. ટી. ડી. માળિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સૌરભ પટેલને અન્ય સલામત બેઠક પરથી ચૂંટણી લડાવે તેવી શક્યતા છે.

ચાર બેઠકોના ઉમેદવારો બાકી

બીજેપીએ જાહેર કરેલી યાદીમાં ચાર બેઠકો - ધોરાજી, ગોંડલ, ગારિયાધાર અને કેશોદના ઉમેદવારો જાહેર કર્યા નથી. આ બેઠકો ઉપર અન્ય પક્ષોના ઉમેદવારો જાહેર થયા પછી બીજેપી છેલ્લી ઘડીએ આ બેઠકો ઉપરથી ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

કૉન્ગ્રેસમાં થયો બળવો : ૪૨ તાલુકા અને ચાર જિલ્લાના પ્રમુખોની રાજીનામાંની ધમકી


ગુજરાત વિધાનસભાના ઇલેક્શનના ૫૨ ઉમેદવારોની પહેલી યાદી જાહેર થતાંની સાથે જ ગઈ કાલે ગુજરાત કૉન્ગ્રેસમાં બળવો શરૂ થઈ ગયો હતો અને નારાજ થયેલા નેતાઓએ જો યાદી બાબતમાં ફેરવિચારણા નહીં કરવામાં આવે તો પાર્ટીમાંથી રાજીનામું આપવાની ધમકી આપી હતી. રાજીનામાની ધમકી આપનારાઓમાં ૪૨ તાલુકાના કૉન્ગ્રેસ પાર્ટીના પ્રમુખ અને ચાર જિલ્લાના પ્રમુખનો સમાવેશ થાય છે.

સુરેન્દ્રનગર જિલ્લાના કૉન્ગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોલંકીએ કહ્યું હતું કે ‘જો યાદીમાં ફેરવિચારણા નહીં થાય તો અત્યારે ગુજરાતના દસ હજાર કાર્યકરો કૉન્ગ્રેસ છોડી દેવા માટે તૈયાર છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK