આપણું બેસ્ટ વર્ઝન કયું?

Published: Oct 07, 2020, 13:56 IST | Sejal Ponda | Mumbai

જીવનમાં આવતા સંજોગો અને ગમતી-અણગમતી ઘટનાઓ આપણને આપણે ભીતરથી કેવા છીએ એની સાથે મેળાપ કરાવે છે. આપણા રિયલ મી સાથે ભેટો કરાવે છે

કપરી પરિસ્થિતિમાં સંયમ જાળવીએ તો એ આપણું બેસ્ટ વર્ઝન કહેવાય
કપરી પરિસ્થિતિમાં સંયમ જાળવીએ તો એ આપણું બેસ્ટ વર્ઝન કહેવાય

જીવનમાં આવતા સંજોગો અને ગમતી-અણગમતી ઘટનાઓ આપણને આપણે ભીતરથી કેવા છીએ એની સાથે મેળાપ કરાવે છે. આપણા રિયલ મી સાથે ભેટો કરાવે છે. સ્વભાવની સારપ અને આવડતના અસબાબને રોજેરોજ આપણે વધુ સારી રીતે ખીલવી શકીએ તો એ આપણું બેસ્ટ વર્ઝન કહેવાય..

કોઈ તમને કહે કે તમે જેવા દેખાઓ છો અસલ એવું જ ચિત્ર બનાવો. જેનું ડ્રૉઇંગ જરાતરા સારું હશે તે પોતાનો ફોટો જોઈને એવું જ ચિત્ર કાગળ પર ઉતારવાનો પ્રયત્ન કરશે. જેનું ડ્રૉઇંગ વધારે સારું હશે તે પોતાનું ચિત્ર આબેહૂબ દોરવાનો પ્રયત્ન કરશે અને જેનું ડ્રૉઇંગ ખરાબ હશે તે પોતાના જેવો ચહેરો બનાવી નહીં શકે.
માણસના ચહેરાને કાગળ પર ઉતારવા સહેલા નથી. ચહેરાને કાગળ પર ઉતારવા એક બહુ કીમતી કળા છે. આપણે કેવા છીએ એની આપણને વધારે જાણ છે. આ તો થઈ જાતને કાગળ પર ઉતારવાની વાત, પણ જાતને જિંદગીમાં ઉતારવાની હોય તો?
જિંદગી દરેક વખતે આપણું બેસ્ટ વર્ઝન માગતી હોય છે. આપણી અંદર બેસ્ટ શું છે એ આપણે શોધીએ અને એને બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ ત્યારે એ આપણી જાતનું નવું વર્ઝન બને છે. કુદરતી રીતે આપણને જે કાયા મળી છે એમાં આપણે કોઈ બદલાવ લાવી શકવાના નથી. કાળા ગોરા નથી થવાના અને ગોરા કાળા નથી બનવાના. ઈશ્વરે જેવા બનાવ્યા છે એનો આદર કરવાનો હોય. જ્યારે આપણે આપણી જાતને ચાહીએ છીએ ત્યારે જગતને ચાહી શકીએ છીએ.
જાતને પ્રેમ કરવો એ પણ એક કળા છે. એમ જ જાતની ખામી શોધવી એ પણ એક કળા છે અને આપણી અંદર બેસ્ટ શું છે એ શોધવું એ મોટી કળા છે.
આપણે જ્યારે તૈયાર થઈએ છીએ અને અરીસામાં જોઈએ છીએ ત્યારે આપણને આપણું જુદું અને વધારે સુંદર રૂપ દેખાય છે. આપણે આપણને જ ગમવા લાગીએ છીએ. એ આપણું બાહ્ય બેસ્ટ રૂપ કહેવાય.
વાત જ્યારે ભીતરની આવે છે ત્યારે પોતાનું બેસ્ટ સ્વરૂપ શું હોઈ શકે એ વિચારવું પડે છે. વિચારતાં-વિચારતાં આપણને આપણી અંદરની સારી બાબતોનો ખ્યાલ આવે છે. કોઈની અંદર પ્રેમ છે, કોઈની અંદર કરુણા તો કોઈની અંદર નિખાલસતા, ત્યાગ, વિસ્મય, કુતૂહલ, આક્રોશ, ક્રોધ, ઈર્ષા. સારા-નરસા દરેક ભાવ માણસની અંદર રહેતા હોય છે. માણસની ભીતરથી આ જુદા-જુદા ભાવ સમય અને સંજોગો પ્રમાણે ડોકાયા કરે છે. કપરી પરિસ્થિતિમાં સંયમ જાળવીએ તો એ આપણું બેસ્ટ વર્ઝન કહેવાય. કોઈ આપણું ખરાબ કરે ત્યારે એનું ખરાબ ન કરીએ તો એ આપણું બેસ્ટ વર્ઝન છે. દરેક જીવ પ્રત્યે કરુણા રાખીએ તો એ આપણું બેસ્ટ વર્ઝન કહેવાય. કપરા અને વિપરીત સંજોગોમાં આપણે કેવું રીઍક્ટ કરીએ છીએ, કેટલી શાંતિ અને સંયમ જાળવી શકીએ છીએ એ જ આપણી બેસ્ટ છબિ છે. જો મને સખત ક્રોધ આવતો હોય અને એ સમય પર હું સંયમ જાળવી શકું, એલફેલ ન બોલું તો એ મારું બેસ્ટ વર્ઝન કહેવાય. આ તો થઈ સ્વભાવના વર્ઝનની વાત. જીવનમાં આવતા સંજોગો, ગમતી-અણગમતી ઘટનાઓ આપણને આપણે ભીતરથી કેવા છીએ એની સાથે મેળાપ કરાવે છે. આપણા રિયલ મી સાથે ભેટો કરાવે છે.
હવે વાત કરીએ આવડતના વર્ઝનની. દરેક માણસની અંદર કંઈ ને કંઈ આવડત હોય જ છે. માણસ પોતાની અંદર રહેલી આવડતનો કેટલો સારી રીતે ઉપયાગ કરી શકે છે એના પરથી માણસનો ક્યાસ નીકળે છે.
શેરડીને કૂચા થઈ જાય ત્યાં સુધી પીલવામાં આવે છે. જેટલો રસ નીકળી શકે એ કાઢી લેવામાં આવે છે. અગરબત્તી પોતાના અંતિમ સુધી બળીને ખુશ્બૂ પાથરે છે. એ જ રીતે માણસે પોતાની અંદરનું બેસ્ટ શોધીને એને અંતિમ સુધી લઈ જવું જોઈએ. મૂર્તિકાર જ્યારે ભગવાનની મૂર્તિ બનાવતો હોય ત્યારે પોતાની બધી આવડત કામે લગાડી દે છે. આવડત તેને માટે રોજીરોટીનું સાધન છે અને સર્જનહારને ઘડવાનો હરખ પણ.
સ્પોર્ટ્સ પર્સન મેડલ લાવવા સુધીની તનતોડ મહેનત કરે છે. દરેક કલાકાર પછી એ ચિત્રકાર હોય, લેખક હોય, સંગીતકાર હોય કે સંવાદ ભજવતો ઍક્ટર, તે પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરે છે. અને તેના ગુરુ તેની પાસેથી બેસ્ટ કઢાવવાનો પ્રયત્ન કરે છે. જે સમયે જાતની અંદરનું બેસ્ટ બહાર લાવવાની જવાબદારી આપણે જાતે પોતે નિભાવવાની હોય છે ત્યારે સતત જાતનું નિરીક્ષણ કરતા રહેવું પડે છે.
આપણું પોતાનું બેસ્ટ વર્ઝન કયું? સ્વભાવની સારપ અને આવડતના અસબાબને રોજેરોજ આપણે વધુ સારી રીતે ખીલવી શકીએ તો એ આપણું બેસ્ટ વર્ઝન કહેવાય. આપણે શેમાં માહેર છીએ, આપણી શેના પર પકડ છે એને ઓળખીને આપણી જાત સાથે જ હરીફાઈમાં મૂકવાની હોય.
જે માણસ પોતાની જાત સાથે હરીફાઈ કરે છે તે પોતાની જાતને વધુ બહેતર બનાવી શકે છે. ખામી અને ખરાબીઓ દરેક માણસમાં હોય છે, પણ ખામી અને ખરાબી આપણા પર એ રીતે હાવી ન થવી જોઈએ કે આપણી સારપ અને આપણી ભીતરનું બેસ્ટ છુપાઈ જાય. જાત સાથે હરીફાઈ કરવાનો અર્થ જ એ છે કે કાલે તમે જેવા હતા આજે એનાથી બહેતર બનવાના પ્રયત્ન કરો છો.
જાતને વધુ ને વધુ નિખારવા માટે દરેક માણસે પોતાનું બેસ્ટ વર્ઝન તૈયાર કરવું પડે. એમ સમજો કે તમારો કોઈ ટ્વિન્સ હોય તો? એ કેવો હશે? દેખાવમાં અસલ તમારા જેવો જ; પણ સ્વભાવ, આદત, ટેસ્ટની બાબતે તે જુદો હશે. મોટા થયા બાદ બન્નેની કરીઅર પણ જુદી હશે. સપનાં પણ જુદાં હશે. તો આપણી અંદર જે જુદું છે, નોખું છે અને સારું છે એને બહાર લાવીએ એટલે આપણું બેસ્ટ વર્ઝન આપણને મળતું રહે છે. આ પ્રોસેસ માત્ર એક દિવસ પૂરતી નથી. સતત અને એકધારી થવી જોઈએ અને તો જ બીજાથી ભિન્ન થઈ શકીશું, અલગ કરી શકીશું. અને નોખા તરી આવીશું.
કપરી પરિસ્થિતિમાં સંયમ જાળવીએ તો એ આપણું બેસ્ટ વર્ઝન કહેવાય. કોઈ આપણું ખરાબ કરે ત્યારે એનું ખરાબ ન કરીએ તો એ આપણું બેસ્ટ વર્ઝન છે. દરેક જીવ પ્રત્યે કરુણા રાખીએ તો એ આપણું બેસ્ટ વર્ઝન કહેવાય. કપરા અને વિપરીત સંજોગોમાં આપણે કેવું રીઍક્ટ કરીએ છીએ, કેટલી શાંતિ અને સંયમ જાળવી શકીએ છીએ એ જ આપણી બેસ્ટ છબિ છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK