મુંબઈ: કૅરટેકરમાંથી લૂંટારુ બનવા ગયેલાને બે વેપારીબંધુઓએ પકડી પાડ્યો

Published: May 15, 2019, 10:57 IST | અનુરાગ કાંબલે | મુંબઈ

મલાડના ચાવડા કમર્શિયલ સેન્ટરમાં ૧૫ વર્ષથી કામ કરતો આરોપી ગાંધીભાઈઓને ડરાવવા માટે રમકડાની પિસ્તોલ લઈને આવ્યો હતો

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

બાંગુરનગર પોલીસે મલાડમાં આવેલા ચાવડા કમર્શિયલ સેન્ટરના બિઝનેસમેન ભાઈઓને લૂંટવાનો પ્રયાસ કરનારા ૪૬ વર્ષના કૅરટેકરની ધરપકડ કરી હતી. માસ્ક પહેરીને લૂંટ ચલાવવા આવેલો લૂંટારો આ જ બિલ્ડિંગનો કૅરટેકર હોવાનું બાદમાં જાણવા મળ્યું હતું. બન્ને ગુજરાતી ભાઈઓએ હિંમત દાખવીને લૂંટારાનો સામનો કર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

૫૦ વર્ષના સમીર ગાંધી અને તેના ભાઈ કાર્તિક ગાંધી મલાડ (પૂર્વ)માં આવેલા ચાવડા સેન્ટરમાં પોતાની ઑટોમેશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે. તેઓ દરરોજ સવારે ૮ વાગ્યે ઑફિસ આવે અને રાતના ૮ વાગ્યે ઘરે જવા માટે નીકળે છે.

અમે બન્ને ભાઈઓ જ્યારે ઑફિસથી નીકળીને દાદરા ઊતરી રહ્યા હતા ત્યારે અમારો કોઈ પીછો કરી રહ્યો હોવાની અમને જાણ થઈ હતી. અમે બન્ને પાછળ ફર્યા ત્યારે માસ્ક પહેરેલો અને હાથમાં ગન લઈને એક શખસ ઊભો હતો એવું સમીર ગાંધીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

સમીરે વધુમાં જણાવ્યું હતું કે ‘જેબ મેં જીતના ભી પૈસા હૈ વહ ચૂપચાપ નીકાલો, નહીં તો માર ડાલૂંગા એવું તે ચિલ્લાઈને બોલ્યો હતો. અમે બન્ને એકદમ જ દિગ્મૂઢ થઈ ગયા હતા અને શું કરવું એની અમને ગતાગમ નહોતી.’

સમીર ગાંધીએ હિંમત દાખવી હતી અને લૂંટારાની ગનને પકડી લીધી હતી. ગન હાથમાં પકડવા જતાં એનો આગળનો ભાગ બટકી ગયો હતો. રમકડાની પિસ્તોલથી લૂંટારો ડરાવી રહ્યો હોવાની જાણ થતાં જ બન્ને ભાઈઓએ તેને પકડવાની કોશિશ કરી હતી. જોકે લૂંટારો બન્ને ભાઈના હાથમાંથી છટકીને સામેની લૉબીમાં ભાગી ગયો હતો.

બન્ને ભાઈઓની બૂમાબૂમ સાંભળીને બિલ્ડિંગના અન્ય લોકોએ દોટ મૂકી હતી અને આખરે માસ્ક પહેરેલા લૂંટારાને પકડી પાડ્યો હતો. માસ્ક ખોલતાં જ તમામ લોકોને આંચકો લાગ્યો હતો કે લૂંટારો બીજો કોઈ નહીં, પણ બિલ્ડિંગમાં છેલ્લાં ૧૫ વર્ષથી કૅરટેકરનું કામ કરતો વીરેન્દ્ર કુમાર શર્મા હતો. શર્માને પકડીને બાંગુરનગર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. બાંગુરનગર પોલીસે શર્માની ભારતીય દંડ સંહિતાની ૩૯૩ની કલમ હેઠળ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : મુંબઈ: જૈન શાસન ભણનાર વિદ્યાર્થીને 25 લાખનું ઇનામ જીતવાની તક

પૈસાની જરૂરિયાતને કારણે પગલું ભર્યું

શર્માને પૈસાની ખૂબ જરૂર હોવાનું તેણે પોલીસે કરેલી પૂછપરછમાં જણાવ્યું હતું. શર્માએ પૈસા શાને માટે જોઈતા હતા એ વાતનો ફોડ નથી પાડ્યો. ગાંધી બ્રધર્સના હાથમાં બૅગ હતી અને એમાં પૈસા હશે એવું માનીને શર્માએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો એવું બાંગુરનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય બનેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK