૨૫,૦૦,૦૦૦ કડવા પાટીદારો સિદસરમાં યોજશે ઉમિયા રજતજયંતી મહામહોત્સવ

Published: 16th November, 2011 09:30 IST

૯થી ૧૩ ફેબ્રુઆરી એમ કુલ પાંચ દિવસ માટે જામનગર જિલ્લાના સિદસર ગામે ઊજવાનારા ઉમિયા રજતજયંતી મહોત્સવની જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ થયું છે. હવે આ રજતજયંતી મહામહોત્સવ ૧૦૦૦ વીઘાં જમીન પર ઊજવવામાં આવશે.

 

મહામહોત્સવના પ્રમુખ ટ્રસ્ટી ઓધવજી પટેલે કહ્યું હતું કે ‘જે જમીન મળી છે એ જમીનના માલિકોને બે પાક માટે વળતર પૂરું પાડવામાં આવશે. અડધોઅડધ જમીન પટેલો થકી મળી છે અને એ જમીન માટે કોઈએ વળતરની માગણી નથી કરી, પણ તેમને યોગ્ય વળતર પૂરું પાડવાનું કમિટીએ નક્કી કર્યું છે.’

પાંચ દિવસના આ મહામહોત્સવની વ્યવસ્થા માટે કુલ ૮૮ સમિતિ બનાવવામાં આવી છે. ઉમિયા મહામહોત્સવ દરમ્યાન ૧૦૮ મહાકુંડી યજ્ઞ કરવામાં આવશે, જેની સાથોસાથ મહામહોત્સવમાં આનંદ મેળો, કૃષિ મેળો, બાળનગરી, પ્રદર્શન જેવા એન્ટરટેઇનમેન્ટ માટેના એરિયા પણ ડેવલપ કરવામાં આવશે.

ઈસવી સન ૧૯૮૫માં સિદસરના ઉમિયા માતાજીના મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એને પચીસ વર્ષ થયાં હોવાથી હવે ઉમિયા રજતજયંતી મહામહોત્સવનું આયોજન થઈ રહ્યું છે.

ઉછામણી થશે ૪ ડિસેમ્બરે

ઈસવી સન ૧૯૯૯માં સિદસરમાં ઉમિયા પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ ઊજવાયો હતો. એ પછી પહેલી વાર આ પ્રકારના મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ઉમિયા મહામહોત્સવની સેવા-પૂજાની કુલ ૧૦૮ કૅટેગરી માટે ઉછામણી ૪ ડિસેમ્બરે સિદસરમાં કરવામાં આવશે. ઉમિયા મહામહોત્સવ સમિતિનું ધારવું છે કે આ ઉછામણીમાં અંદાજે પચીસ કરોડ રૂપિયાની બોલી લાગશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK