Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લિજ્જત પાપડની શરૂઆત થયેલી એ પાપડ ગલીમાં હજીયે ધમધમે છે મહિલા ગૃહઉદ્યોગો

લિજ્જત પાપડની શરૂઆત થયેલી એ પાપડ ગલીમાં હજીયે ધમધમે છે મહિલા ગૃહઉદ્યોગો

15 March, 2020 04:48 PM IST | Mumbai Desk
Foram Dalal

લિજ્જત પાપડની શરૂઆત થયેલી એ પાપડ ગલીમાં હજીયે ધમધમે છે મહિલા ગૃહઉદ્યોગો

ગિરગામની શંકરબારી લેન પાપડ ગલી તરીકે પણ ફેમસ છે (જમણે) શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડમાં કામ કરતી મહિલાઓની જૂની ફાઇલ તસવીર.

ગિરગામની શંકરબારી લેન પાપડ ગલી તરીકે પણ ફેમસ છે (જમણે) શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડમાં કામ કરતી મહિલાઓની જૂની ફાઇલ તસવીર.


ગિરગામની શંકરબારી ગલીના અંતે આવેલા લોહાણા નિવાસમાં લગભગ ૩૦૦ ઘર છે. ૧૯૬૦માં ‘એ’થી ‘એચ’ લેબલવાળી આઠ ઇમારતોના લગભગ દરેક ઘરની પ્રત્યેક મહિલા નાના-મોટા ફૂડને લગતા ગૃહઉદ્યોગમાં સંકળાયેલી હતી. આ ઉદ્યોગમાં આખા દિવસ દરમ્યાન ૫૦૦૦ જેટલી રોટલીઓ અને થેપલાંથી લઈને ઢોકળાં, ખાંડવી અને અહીં સુધી કે ફુલ-મીલ ટિફિન્સની ડિલિવરી જેવી વિવિધતાઓનો સમાવેશ હતો.

જોકે આ ગલી અને એની મહિલાઓની સાહસિકતા પાપડઉદ્યોગને કારણે બહાર આવી. ૧૯૫૯માં ૭ મહિલાઓએ ભેગી થઈને પાપડઉદ્યોગ શરૂ કરેલો. તેમણે ૮૦ રૂપિયાની ઉધાર રકમ લઈને ગૃહઉદ્યોગ શરૂ કરેલો. આનાથી આસપાસના વિસ્તારોમાં રહેતી ઘણી મહિલાઓને રોજગાર મળી રહ્યો હતો, જેમાંની મોટા ભાગની સ્ત્રીઓ ગુજરાતી લોહાણા સમાજની હતી.



અડદનો લોટ, હિંગ અને મીઠું નાખી બાંધવામાં આવતા લોટના ગુલ્લા પાડીને એ મહિલાઓને આપવામાં આવતા અને તેઓ થપ્પીબંધ પાપડ વણવા પોતાના ઘરે લઈ જતી. આ સંસ્થા હતી શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ. જે રૂમથી આની શરૂઆત થઈ હતી આજે એ તેમનું સ્ટૉકિંગ સેન્ટર છે. આ જૂથે એટલો વિકાસ કર્યો છે કે ભારતનાં ૧૬ રાજ્યોમાં ૮૩થી વધુ બ્રાન્ચ છે અને લગભગ ૪૫,૦૦૦ મહિલાઓને એનાથી રોજગાર મળ્યો છે.


પાપડ ગલીની દિશા પૂછતાં-પૂછતાં અમે ચીરાબજારની આગળ ગાયવાડી તરફ ચાલીએ છીએ. એક ફૂલ વેચતો ફેરિયો અમને કહે છે, ‘અહીં જ ક્યાંક છે.’ જ્યારે એક પાનવાળાએ અમને ગઝદર સ્ટ્રીટ ભણી આંગળી ચીંધી. અમે આગળ ચાલ્યા, લગ્નનાં કાર્ડ્સ પ્રિન્ટ કરનારી દુકાનો પાસેથી પસાર થયા.

લોહાણા નિવાસમાં આજે નાસ્તા વેચતાં ઘરોની સંખ્યા ઓછી થઈને માંડ ૨૦ જેટલી જ રહી ગઈ છે, પરંતુ ચાલીમાં એક ઘરેલુ રસોડા જેવી દેખાતી જગ્યા હજી પણ છે. તાજાં થેપલાંની સુગંધ અને સાથે જ રાઈનો વઘાર કરેલાં આથેલાં ખાટાં ઢોકળાંની મહેક અહીંની હવામાં પ્રસરાયેલી હોય છે.


૩૨ વર્ષ જૂની ટિફિન-સર્વિસ
અમે ભૂતિયા શહેર જેવા દેખાતા એક આંગણાનાં ત્રણ પગથિયાં ચડ્યા. છતની નજીક હરોળમાં કપડાં ઝૂલી રહ્યાં હતાં. બન્ને બાજુ દરેક દરવાજા ખુલ્લા છે. ઝાંખા પ્રકાશમાં અમે ડોકિયું કર્યું તો માચીસના બૉક્સ જેવી રૂમમાં એક મુખ્ય ઓરડો, શયનખંડ અને રસોડું દેખાયાં.

૫૦ વર્ષનાં જ્યોત્સ્ના કેસરિયા પીળા રંગની બાંધણીની પ્રિન્ટવાળા નાઇટ ગાઉન પહેરીને જમીન તરફ વળેલાં છે. તેમની આજુબાજુમાં મોટાં તપેલાંઓમાં ગુજરાતીઓનું મનપસંદ સેવ-ટમેટાંનું શાક, કોબી, બટાટા, ભાતની તપેલી, રોટલી અને થેપલાંની બે થપ્પીઓ, દાળ સાથે જ એક ગાજર-મરચાના સંભારાથી ભરેલી બરણી હતી.

અમે વાત કરવાની પરવાનગી માંગતાં ખટખટાવ્યું. તેઓ સ્મિત આપતાં કહે છે, ‘બપોરનો જમવાનો સમય છે. લો પહેલાં મારું ખાવાનું ચાખો.’ ઉપર માળિયા (સીડી પરથી જઈ શકાય એવું) પરથી એક કરચલીવાળો ચહેરો અમારી સામે તાકી-તાકીને જોઈ રહ્યો હતો. અમે સ્મિત કરીએ તો તે બીજે જુએ છે. જ્યોત્સ્નાબહેન અમને શહેરમાં ટિફિનમાં મોકલેલી વસ્તુઓથી ભરેલી સ્ટીલની થાળી આપતાં કહે છે, ‘તે મારા દિયર છે, થોડા સમયથી માંદા છે.’

આ જ્યોત્સ્નાબહેનનો ૩૨ વર્ષ જૂનો વ્યવસાય છે. ખાસ કરીને તેમના પતિનું નિધન થયા પછી બાળકોને પોષવા માટે માર્ગ શોધવો પડ્યો હતો. તેઓ જૂની યાદ તાજી કરતાં કહે છે, ‘મારાં સાસુ-સસરા મારા કામ કરવાની વાતથી રાજી નહોતાં એટલે મેં એક દિવસમાં ૧૦૦ રોટલી બનાવવાની શરૂઆત કરી અને એમાંથી મને ૧૨ રૂપિયા મળ્યા.’

તેમનાં ટિફિન્સ આજે દરેક ગ્રાહકને ૧૨૦ રૂપિયામાં ૧૫ ક્લાયન્ટને જાય છે. જૂનાગઢનાં જ્યોત્સ્નાબહેન કહે છે, ‘ડિલિવરી કરનાર છોકરા ૪૦ રૂપિયા તેમના હિસ્સા તરીકે લે છે. આપણા પર દુ:ખ આવે તો કરવું પડે.’ હવે તેમની પુત્રીઓનાં લગ્ન થઈ ગયાં છે એટલે હવે તેઓ તેમના પુત્ર અને માંદા દિયર સાથે રહે છે. દર મહિને ૨૩,૦૦૦ જેટલા રૂપિયા જેટલા કમાય છે, જેનાથી તેઓ તેમના પરિવારનો ખર્ચો ચલાવે છે અને બચત પણ કરે છે.

તેમનો દિવસ સવારે પાંચ વાગ્યે થાય. ઊઠીને પાણી ભરવું, ઘરના લોકોનાં કપડાં ધોવા અને નાહવાનું કામ પતાવે. એ પછી તેઓ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોવાથી ઠાકોરજીને જગાડીને સેવા કરે. જમવાના ઑર્ડર બપોરે બે વાગ્યા સુધી ચાલ્યા કરે છે. ત્યાર બાદ તેઓ પોતાનો સમય વૉટ્સઍપ અને ફેસબુક જોઈને વિતાવે છે.

ઢોકળાં-સમોસાં-ફરસાણ
જ્યોત્સ્નાબહેનના ઘરેથી પથ્થર ફેંકી શકાય એટલું નજીક છે રંજન બદિયાણીનું ઘર. તેઓ એક નાનાઅમસ્તા ઝૂલા પર કોબી કાપતાં બેઠાં હતાં. અંબોડામાં વાળને બાંધેલી એક હૃષ્ટપુષ્ટ મહિલા જાણે પોતાના વજનને વારાફરતી ડાબા-જમણા પગ પર ધકેલતી હોય એમ ધીમી અને ખોડી ચાલ સાથે રસોડામાંથી અમારા માટે પાણીના ગ્લાસ લાવી. લાગ્યું કે આજે તેમનો મિજાજ ઠેકાણે નથી. તેઓ અમને કહે છે, ‘આજે કારીગર નથી અવ્યો.’ તેઓ અડધા તળેલાં, ચોરસ ચાઇનીઝ જૈન સમોસાંથી ભરેલો એક ડબ્બો અમને બતાવતાં કહે છે, ‘હું દરરોજ દુકાનના પ્રાઇવેટ ઑર્ડરને ધ્યાનમાં રાખીને ત્યાં સ્ટૉક કરવા માટે ૧૫થી ૧૭ કિલો ચાઇનીઝ જૈન સમોસાં બનાવું છું. એમાં શું-શું નાખો છો એવું પૂછતાં એકદમ પોપટની જેમ ફટાફટ કહે છે, ‘કોબી, બેલ પેપર, મરી અને એક ખાસ સૉસ.

શિવમંદિરની પાછળની જગ્યાએ રત્ના લુક્કા ઢોકળાં બનાવે છે. જ્યારે અમે તેમના પતિને ગલીના પ્રવેશ પર આવેલી તેમની ઑફિસમાં મળ્યા ત્યારે તેઓ કહે છે કે ૧૭ વર્ષથી તેઓ આ ધંધામાં છે અને સફેદ તેમ જ ત્રિરંગી સૅન્ડવિચ, ખમણ, પીત્ઝા, દમણી, ચીઝ અને પનીર ઢોકળાં પણ બનાવે છે.

આ બધી ઉદ્યોગ સાહસિક મહિલાઓને વાત કરવાની થોડી ફુરસદ મળે ત્યાં સુધીમાં તો અડધો દિવસ પહેલાં જ વીતી ગયો છે. હજી ચાર મહિના પહેલાં જ આ વિસ્તારમાં રહેવા આવેલા એક સજ્જન કહે છે, ‘અહીં મહિલાઓ કેટલી સખત મહેનતનું કામ કરે છે એ સમજવા માટે તમારે સવારે આવવું જોઈએ.’

અમે તેમની વાત પર ધ્યાન આપ્યું અને બીજા દિવસે સવારે ૭ વાગ્યે પાછા પહોંચી ગયા.

રોજની ૩૦૦૦ રોટલી
૧૫-જીની રૂમ નંબર-૨૧૯માં અરુણા પંચમતિયાના રસોડામાં પુરજોશમાં કામ ચાલી રહ્યું હતું. એક માણસે લગભગ ૩૦૦૦ જેટલી રોટલીનો લોટ બાંધવાનું કામ પૂરું કર્યું અને તે વણેલી રોટલીને ફુલાવવા ચૂલા પાસે ઊભેલી સ્ત્રીને આપવા ઊભો રહ્યો. બાજુમાં બેઠેલી સ્ત્રીની એકમાત્ર જવાબદારી પ્રત્યેક રોટલી પર ઘી લગાડવાની હતી. જમીન પર બેસેલાં અરુણાબહેન એક સહાયક સાથે બેસીને નાના ગોળા બનાવે છે અને એને વણવાનું કામ કરી ગણતરી રાખે છે તથા પ્રત્યેક ૧૦૦ રોટલી પછી એક પુસ્તકમાં એની નોંધ કરે છે.

અરુણાબહેન ફરી યાદોમાં સરી જતાં કહે છે, ‘હું અડદના પાપડ, ખીચિયા પાપડ, પૂરી, થેપલાં તથા સૂકા નાસ્તામાં ચેવડો, ચકરી અને સમોસાં બનાવતી હતી. વધુ ઑર્ડર મેળવી લાવવો એ એક હરીફાઈ હતી. લગભગ દરેક ઘરમાં આ ઉદ્યોગ ચાલતા હતા. એક રૂપિયા માટે અમે એક ગ્રાહક ગુમાવી શકીએ. અમે એક દિવસની રજા પણ ન લઈ શકતાં. એ સમયે આ વિસ્તારની એક રોનક હતી.’

હવે એ ૩૦૦ ઘરોમાંથી માત્ર ૧૫ ઘરમાં ફૂડ-બિઝનેસ ચાલે છે. કેટલાક વડીલોનું અવસાન થતાં તેમના પરિવાર અહીંથી સ્થળાંતરિત કરીને બીજે જતા રહ્યા છે.

કેસરિયાની જેમ તેમનો દિવસ સવારે ૪ વાગ્યે શરૂ થાય છે. પાણી ભરવું, ઘર સાફ કરવું અને ૬ વાગ્યે તો ઑર્ડરનું કામ શરૂ થઈ જાય એ સવારે ૧૦.૩૦ વાગ્યા સુધી કોઈ બ્રેક વિના ચાલે. અરુણાબહેન કહે છે, ‘એ પછી મને દિવસમાં નવરાશ હોય છે, પણ હું એટલી થાકી જાઉં છું કે બીજું કંઈ પણ કરી શકતી નથી. સાંજનો સમય બીજા દિવસની તૈયારી કરવામાં વ્યસ્ત થઈ જાય છે.’

ખાંડવી નિષ્ણાત
ભાવના તુષાર પોપટ ખાંડવી નિષ્ણાત છે. તેમની કોમળ આંગળીઓને કુશળ રીતે આગળ વધારતાં છરી લઈને તેમણે બાફેલા ચણાના લોટમાંથી બનાવેલા રોલના એકસરખા ટુકડા કર્યા. તેઓ કહે છે, ‘મારાં સાસુ જયાબહેન અને મારા પતિએ ૩૦ વર્ષ પહેલાં આ ધંધો શરૂ કર્યો હતો. હું એક બાયો-મેડિકલ એન્જિનિયરિંગ કંપનીમાં ઍડ્મિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી. ફૅક્સ અને પેપરવર્ક બધું કમ્પ્યુટરાઇઝ્ડ થઈ ગયું એટલે મારે એ છોડવું પડ્યું.’

તેની સ્વાદિષ્ટ ખાંડવીની રેસિપી શું છે એવું પૂછતાં તેઓ બહુ સહજતાથી જણાવે છે કે ‘એક ભાગ ચણાનો લોટ અને ત્રણ ભાગ છાસનું માપ લેવાનું. સ્ટફ્ડ ખાંડવી માટે હળદર, મીઠું, કોથમીર, વટાણા અને નાળિયેર મિક્સ કરો. બનીને તૈયાર હોય ત્યારે એ પિસ્તા-રોલ્સ જેવી લાગે છે. અમે આને જ ફરાળ માટે શિંગોડાના લોટમાં પણ બનાવીએ છીએ.’

આ પરિવાર સૌરાષ્ટ્રના વેરાવળ નજીકનો છે. રસોડામાં એક મોટા તાવડા તરફ નિર્દેશ કરતાં તુષાર કહે છે, ‘ભૂલથી અમે લોટમાં બમણું પાણી ઉમેરી દીધેલું. માણસ માત્ર, ભૂલને પાત્ર. આવું થાય ત્યારે બધું નવેસરથી કરવાની શરૂઆત કરી.’ તુષાર કહે છે કે આ ચાલમાં એવી સ્ત્રીઓની હિંમત અને આત્મનિર્ભરતાની અનેક કથાઓ છે જેમણે તેમના ઘરના પુરુષો આજીવિકા મેળવવામાં અસમર્થ હતા એવા સમયે જીવનનિર્વાહના કર્તવ્યની જવાબદારી બખૂબી સંભાળી હતી. જ્યારે મારા પિતાએ તેમના ધંધામાં ખોટ ખાધી ત્યારે મારી માતાએ રોટલી અને થેપલાં બનાવવાનું શરૂ કર્યું. હું બહાર જતો અને ઑર્ડરની હોમ ડિલિવરી કરતો એની યાદ કરતાં કહે છે. આજે પોપટનો દીકરો કૉલેજ જતાં પહેલાં રસોડામાં મદદ કરે છે. તેઓ ખાંડવીના રોલની ટ્રે રસોડામાં લઈ જાય છે, રાઈનો વઘાર કરે છે, એ સમાન રૂપે ફેલાય એ માટે સ્ટીલની થાળીને હળવેકથી હલાવે છે.

અન્નપૂર્ણા ટિફિન
સવારે આઠ વાગ્યે લોહાણા નિવાસના ૧૫-સીની ચાર નંબરની રૂમમાં અન્નપૂર્ણા ટિફિનરૂમમાંથી મંજીરાના તાલ અને શંખનાદનો ધીમો અવાજ સંભળાય છે.

રસોડામાં કેટલાક લોકો લોટ બાંધી રહ્યા હતા. ગોળા બનાવીને રોટલી બનાવનારને અને રસોડાના ઓટલા પર રોટલી શેકનારને એ પહોંચાડી રહ્યા છે. સ્ટાફમાંથી એક જણે કહ્યું, ‘આ કાળકાજીની આરતી છે, જે અમે રાજસ્થાનમાં સાંભળીએ છીએ. અમારી શરૂઆત દેવીના આશીર્વાદ સિવાય થઈ જ ન શકે.’

બહાર ત્રણ જણની ટીમ માપસર ભાત, શાક, રોટલી અને સૅલડ નાખીને સ્ટીલનાં ટિફિન ભરી રહી છે. ચૈતાલી બલસારાએ ચાર વર્ષ પહેલાં આ સેવા શરૂ કરી હતી. તેમણે તેમના પતિ આશિષના કહેવા પર ટિફિન શરૂ કરેલાં. એક ઇલેક્ટ્રિકલ કૉન્ટ્રૅક્ટર તરીકે નોકરીને કારણે તેમને મુંબઈભરમાં ફરવું પડતું. હંમેશાં જૉબ પર હોય ત્યારે પૌષ્ટિક ભોજનની શોધ અઘરી થઈ પડતી એટલે તેમણે પત્ની ચૈતાલીને ટિફિન શરૂ કરવાનું કહ્યું. આશિષ કહે છે, ‘તે અમારી પુત્રીને ઉછેરવામાં વ્યસ્ત હતી. મેં તેને વચન આપ્યું કે તેની પાસે એક વાર પાંચ ટિફિનના ક્લાયન્ટ્સ આવે એ પછી હું તેને માટે એક ટીમ બનાવીશ અને તેણે માત્ર દેખરેખ રાખવાની રહેશે.’

આ વાત છે ૨૦૧૫ની. આજે તેઓ નજીકની એક દરગાહમાં ભોજનપૂર્તિ કરે છે, પાર્ટી ઑર્ડર લે છે અને દરરોજ ૨૦૦ ગ્રાહકોને ખવડાવે છે. ચૈતાલી કહે છે, ‘જ્યારે અમે શરૂઆત કરી ત્યારે મારા પતિ પોતે ખાવાનું પહોંચાડતા હતા. ૨૦૧૬માં અમે ડબ્બાવાળાઓ સાથે ટાઇઅપ કર્યું. દરરોજ સવારે જ્યારે હું આ વિસ્તારમાંથી પસાર થાઉં ત્યારે હું પ્રેરણાની લાગણી અનુભવું છું. દરેક જણ અથાક મહેનત કરે છે. એવું લાગે છે કે દરેક વ્યક્તિ કેટલી સમર્પિત છે! એવા દિવસોમાં જ્યારે અમારામાંથી કોઈ ભૂલ થશે, અમે પાછળ રહી જઈશું ત્યારે અમને ખબર છે કે પાડોશીઓ જ હશે જે સામેથી મદદ કરવા આવશે.’

Whatsapp-channel Whatsapp-channel

15 March, 2020 04:48 PM IST | Mumbai Desk | Foram Dalal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK