Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રાણાયામમાં રાજાઓના રાજા તરીકે ઘોષિત કરી દો અનુલોમ-વિલોમને

પ્રાણાયામમાં રાજાઓના રાજા તરીકે ઘોષિત કરી દો અનુલોમ-વિલોમને

26 November, 2020 04:54 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

પ્રાણાયામમાં રાજાઓના રાજા તરીકે ઘોષિત કરી દો અનુલોમ-વિલોમને

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગૅરન્ટી છે કે એ ઘોષણા પછી ક્યારેય તમારે લેવાના દેવાના નહીં પડે. તમારા આખા અસ્તિત્વમાં સંતુલન લાવતા અને જેના બેનિફિટ્સને શબ્દોમાં બાંધી ન શકાય એવા આ પ્રાણાયામને આજથી જ એક પણ મિનિટના તર્ક-વિતર્કને અવકાશ આપ્યા વિના શરૂ કરી દો. નાડીશુદ્ધિ તરીકે ઓળખાતી પ્રાણાયામની આ પ્રૅક્ટિસ તમારા શરીરની નાડીઓનું શુદ્ધિકરણ કરીને રોગીઓને નીરોગી બનાવવામાં અને નીરોગીની તંદુરસ્તીને વધારવામાં તો કામ કરે જ છે, પરંતુ સાથે તમારા જીવનના ઓવરઑલ ગ્રાૅથને એક્સલરેટર પણ આપી શકે છે..

આ દુનિયામાં જેટલી પણ ખૂબ જ ઉપયોગી કહી શકાય એવી બાબતો છે એ બધી જ નિઃશુલ્ક છે. એનું મૂલ્ય એટલું બધું વધારે છે કે એને કોઈ કિંમતમાં બાંધી જ ન શકાય. બીજી મહત્ત્વની વાત કે જેટલી પણ શ્રેષ્ઠતમ બાબત છે એ બધી લો પ્રોફાઇલ પણ છે. એની કિંમત નથી પણ આપણે સમજી પણ શક્યા નથી. એવું જ છે હંમેશા લો પ્રોફાઇલ રહેલા નાડીશુદ્ધિ અથવા તો અનુલોમ-વિલોમ પ્રાણાયામ. અકલ્પનીય લાભોની ખાણ ગણી શકાય આ પ્રાણાયામને. જેને પણ શ્વાસ લેતાં આવડે છે અને જેટલા પણ માને છે પોતે જીવતા છે એ દરેકે અચૂક-અચૂક-અચૂક કરવા જ જોઈએ આ પ્રાણાયામ. જરાય અતિશયોક્તિ નથી આ શબ્દોમાં. આસનોનો રાજા શીર્ષાસન કહેવાય છે એમ પ્રાણાયામના રાજાનો પણ રાજા તમે અનુલોમ-વિલોમને નિઃસંકોચ ઘોષિત કરી દો તો જરાય વાંધો નહીં આવે. લેવાના દેવા ક્યારેય નહીં પડે જો તમે અનુલોમ-વિલોમનો હાથ ઝાલી લીધેલો હશે. એક પણ મિનિટનો તર્ક-વિતર્ક કર્યા વિના સીધેસીધી રોજના જીવનમાં આ એક પ્રૅક્ટિસને ઉમેરી દેવી જોઈએ. તમે યોગમાં માનતા હો કે ન માનતા હો, તમે કોઈ ક્લાસમાં જતા હો કે ન જતા હો, તમે જીવનમાં ક્યારેય કોઈ પ્રૅક્ટિસ કરી હોય કે ન કરી હોય, તમે સાજા હો કે માંદા હો, તમે જમીન પર બેસી શકતા હો કે પછી બેડરેસ્ટ પર હો - ચાહે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ન હો - આ એક પ્રાણાયામ પ્રૅક્ટિસ અવશ્ય કરવી જ જોઈએ. આટલો ભાર મૂકીને આ વાત કહેવામાં આવી રહી છે ત્યારે એની પાછળના થોડાક તર્ક-વિતર્કયુક્ત વિજ્ઞાનને પણ હવે સમજીએ.
શું ખાસિયત?
નાડીશુદ્ધિમાં બે મુખ્ય શબ્દ છે નાડી અને શુદ્ધિ. શુદ્ધિ એટલે તો પ્યુરિફિકેશન એ સમજાય પરંતુ નાડીને વધુ બહેતર રીતે સમજવાની કોશિશ કરીએ. નાડી શબ્દ નાદ નામના શબ્દ પરથી આવે છે જેનો અહીંના પરિપ્રેક્ષ્યમાં અર્થ થાય છે વહેણ અથવા તો ફ્લો, જેમાંથી પ્રાણઊર્જાનો ફ્લો સતત થઈ રહ્યો છે એ નાડી. નાડીનો આપણે ત્યાં ખૂબ મહિમા ગવાયો હોય એવાં અઢળક શાસ્ત્રો છે. અત્યારના સમયમાં નાડીને નસ અથવા તો વેઇન્સ સાથે સરખાવવામાં આવે છે પરંતુ એ નાડી નથી. નાડીનો વધુ ગૂઢાર્થ છે. નાડીને તમે એનર્જી ચૅનલ્સ કહી શકો. શરીરમાં પ્રાણ ઊર્જાનું વહન આ નાડીઓથી થાય છે. આપણા શરીરમાં કેટલી નાડીઓ છે એને લઈને યોગ અને ઉપનિષદોના જુદા-જુદા ગ્રંથમાં અલગ-અલગ આંકડાઓ અપાયા છે. શિવસંહિતામાં લગભગ સાડાત્રણ લાખ નાડીઓની વાત છે. કઠોપનિષદમાં હૃદયમાંથી ૧૦૧ નાડીઓ નીકળે છે એવો ઉલ્લેખ આવે છે. હઠપ્રદીપિકા નામના યોગગ્રંથમાં ૭૨ હજાર નાડીઓની ચર્ચા છે. હકીકતમાં આ નંબર લાખોમાં હોય કે કરોડોમાં આપણને કોઈ ફરક ન પડે, કારણ કે દરેક ગ્રંથ એક બાબતે સહમત છે કે આ તમામ નાડીઓમાંથી સૌથી મહત્ત્વની ત્રણ નાડી છે. એ છે ઈડા, પિંગલા અને સુષુમ્ણા. આ ત્રણ મહત્ત્વની નાડીઓમાં સર્વાનુમત છે અને એ જ નોટ કરવા જેવો પૉઇન્ટ છે. બીજો મહત્ત્વનો મુદ્દો એટલે ઈડા અને પિંગલા એ બે સક્રિય છે અને સુષુમ્ણા સુષુપ્ત અવસ્થામાં છે. ઈડા અને પિંગલા વચ્ચે સુષુમ્ણા નાડીનું સ્થાન છે. આ ત્રણ મહત્ત્વની નાડીઓમાંથી જે પ્રાણ ઊર્જાનું વહન થાય છે એનું ફિઝિયોલૉજિકલ કનેક્શન પણ છે જેના વિશે આગળ વાત કરીએ. પરંતુ અત્યારે એટલું ધ્યાનમાં લઈ લઈએ કે નાડીશુદ્ધિ દ્વારા આપણે ઈડા અને પિંગલા નાડીમાંથી વહેતા એનર્જી ફ્લોને સંતુલિત કરવાની કોશિશ કરીએ છીએ, જેની અસર સુષુમ્ણા સહિત અન્ય તમામ એનર્જી ચૅનલ્સ પર પણ પડે છે.
ઈડા અને પિંગલા એટલે?
ઈડા એટલે ચંદ્ર નાડી અને પિંગલા એટલે સૂર્ય નાડી. ભારતીય પ્રાચીન યોગ પરંપરાની સૌથી બહેતરીન ખોજ એટલે આ બે નાડી કહી શકો. બે ઊંડા શ્વાસ લઈને શાંત ચિત્ત થઈને હવે આગળ વાંચો. નાક વડે આપણે શ્વાસ લઈએ અને એ શ્વાસ ફેફસામાં જાય અને શ્વાસ વાટે ગયેલો ઓક્સિજન ફેફસાની અંદર રક્તવાહિનીઓને મળે. મૉડર્ન સાયન્સની શ્વસનની વાત અહીં પૂરી થાય. જ્યારે પ્રાચીન યોગ વિજ્ઞાન આનાથી અનેકગણુ આગળ છે. શ્વાસ લેવો એક વાત થઈ, પરંતુ જો આ શ્વાસ તમે ડાબી બાજુએથી લો તો એની અલગ ઇફેક્ટ થાય અને જમણી બાજુથી લો તો ઇફેક્ટ બદલાય. અખતરો કરવો હોય તો અત્યારે જ કરી લો. બે મિનિટ માટે ઘડિયાળમાં ટાઇમર સેટ કરો અને ડાબી નાસિકાથી શ્વાસ લેવાનો અને ડાબી બાજુથી જ છોડવાનો. માત્ર બે મિનિટ કરો અને પરિણામ જુઓ. મન શાંત થઈ જશે તરત. જેમને બહુ ગરમી લાગતી હોય તેમને આ રીતે ડાબી બાજુનું શ્વસન ઠંડક આપશે. મનની ચંચળતા ઓછી થઈ ગઈ હશે. જેમને હાઈ બ્લડ-પ્રેશરની સમસ્યા હશે તેમના બ્લડ-પ્રેશરનું રીડિંગ્સ ધીમે-ધીમે પ્રૅક્ટિસથી નીચું આવશે. હવે જો આનાથી ઊંધું કરીએ. ડાબી નાસિકા બંધ કરીને જમણી બાજુથી શ્વાસ અંદર ભરો અને બહાર કાઢો. માત્ર બે મિનિટ. આંખો બંધ કરીને પછી ધ્યાન કેન્દ્રિત કરો. તમે જોશો કે તમારા શરીરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. જેમને આળસ આવતી હશે કે ઊંઘરેટા જેવું લાગતું હશે તેમનામાં ફ્રેશનેસ અને એનર્જી વધી છે. પાચન ઝડપી થશે. પેટમાં ઊઠેલો આફરો શમી જશે. શિયાળાની કડકડતી ઠંડીમાં જો જમણી નાસિકા વાટે શ્વસન કરવામાં આવે તો ઠંડીનો મુકાબલો કરવાની તમારા શરીરની ક્ષમતા આરામથી વધી જશે. મૅજિકલ નથી લાગતું? ડાબી અને જમણી નાસિકાના શ્વસનમાં આવો ફેર? આ જ છે યોગવિજ્ઞાન. વૈજ્ઞાનિકો હજી એના મૂળ સુધી નથી પહોંચી શક્યા પરંતુ આવનારા સમયમાં સો ટકા આ સ્વરવિજ્ઞાનમાં ઘણાં ચમત્કારિક સંશોધનોને અવકાશ છે એમાં કોઈ શંકા નથી. મૂળ વાત પર આવીએ. ડાબી નાસિકા એટલે ઈડા નાડી, જમણી બાજુની નાસિકા એટલે પિંગલા નાડી. ડાબી ચંદ્ર ઊર્જા એટલે કે ઠંડકનું પ્રતિનિધિત્વ કરે છે, જમણી સૂર્ય ઊર્જા એટલે કે હીટ એનર્જીનું પ્રતિનિધિત્વ કરે છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ
કેટલાક યોગ રિસર્ચરો માને છે કે ડાબી અને જમણી નાસિકાનો સંબંધ આપણા લેફ્ટ ઍન્ડ રાઇટ બ્રેઇન સાથે પણ છે. એટલે કે બ્રેઇનનો એક હિસ્સો જે તર્કબદ્ધતાનું પ્રનિધિત્વ કરે છે અને બ્રેઇનનો બીજો હિસ્સો જે તમારા ઇમોશનલ અને રચનાત્મક વ્યક્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે. નાડીશુદ્ધિ પ્રાણાયામ આ બન્ને હિસ્સામાં સંતુલન લાવે છે. આજના પરિપ્રેક્ષ્યમાં બીજી એક વાત સમજીએ. આપણી નર્વસ સિસ્ટમના પણ વિવિધ વર્ગીકરણમાં એક મહત્ત્વનું વર્ગીકરણ એટલે સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ અને પૅરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ. એક વાત તમને ખબર છે કે આપણા શરીરનાં કેટલાંક કામ એવાં છે જે આપમેળે ચાલે છે. હાર્ટરેટ,



બ્લડ-પ્રેશર, પાચક રસો અને હૉર્મોન્સનું ઝરવું જેવાં ફંક્શન જે ઑટોમૅટિક થાય છે એને ઑટોનોમિક નર્વસ સિસ્ટમ કહેવાય. હવે આ ઑટોનોમિકનું જ બે વિભાગમાં વિભાગીકરણ થાય છે એ છે સિમ્પથેટિક અને પૅરાસિમ્પથેટિક. સિમ્પથેટિક ચેતાતંત્ર ત્યારે ઍક્ટિવ હોય જ્યારે કોઈ સંકટનો સમય હોય. શરીરની એટલી અદ્ભુત રચના કુદરતે કરી છે જેમાં ઇમર્જન્સીનું પણ ધ્યાન રખાયું છે. ચેતાતંત્રની કાર્યપ્રણાલીમાં સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ ત્યારે સક્રિય થાય જ્યારે જોખમી ક્ષણો આવે. એક ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે રસ્તામાં ચાલી રહ્યા છે અને અચાનક એક હડકાયો કૂતરો તમારી પાછળ પડે છે અને તમે દોડવા માંડો છો, તમારા હૃદયના ધબકારા ઝડપી થઈ જાય છે, એનર્જી લેવલ અચાનક આવી જાય છે. જ્યારે તમે ચાલવાનું શરૂ કર્યું હશે ત્યારે બની શકે અંદરથી થાક લાગ્યો હશે, પરંતુ જેવી આ પરિસ્થિતિમાં મુકાયા કે કોને ખબર તમારી અંદર પ્રબળ એનર્જીનો ફ્લો વધી ગયો છે. આ વધેલી એનર્જીનો ફ્લો ક્યાંથી આવ્યો? તમારું મગજ ઝડપથી કામ કરી રહ્યું છે, આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું એનો રસ્તો તમે શોધી રહ્યા છે, સામનો કરીશું કે ભાગીશું એ પણ તમે આકલન કરી રહ્યા છો. આ જે તમામ બદલાવ તમારી જાણ બહાર તમારામાં આવ્યા એ સિમ્પથેટિકની કમાલ. સિમ્પથેટિકને ફાઇટ ઓર ફ્લાઇટ મોડ પણ કહેવાય. ફાઇટ એટલે લડો અથવા ફ્લાઇટ એટલે કે તાત્કાલિક પરિસ્થિતિમાંથી ભાગી નીકળો. હવે આનાથી વિપરીત, પૅરાસિમ્પથેટિક શું કરે? પૅરાસિમ્પથેટિકને રેસ્ટ ઍન્ડ ડાઇજેસ્ટ મોડ પણ કહેવાય. તમારા શરીરનું રિપેરિંગનું, હીલિંગનું, અંદરની વ્યવસ્થાઓને રીબૂટ કરવાનું જેટલું પણ કામ છે એ પૅરાસિમ્પથેટિકમાં થાય. પાચન એ પણ પૅરાસિમ્પથેટિક ચેતાતંત્ર દ્વારા થતું કાર્ય છે. જ્યારે મન શાંત છે, કોઈ ભાગદોડ કે ટેન્શન નથી ત્યારે આ સિસ્ટમ સક્રિય થતી હોય છે. સામાન્ય બંધારણમાં આ બન્ને સિસ્ટમ મહત્ત્વની છે અને બન્નેની જુદી-જુદી સ્થિતિમાં આવશ્યકતા છે, પરંતુ પ્રૉબ્લેમ ત્યારે છે જ્યારે બેમાંથી કોઈ એક કાયમી વસવાટ કરી લે. ખાસ કરીને અત્યારના સમયમાં જ્યારે સ્ટ્રેસ અને ટેન્શનનું પ્રમાણ વધારે છે અને આપણે સતત હાઇપર મોડમાં રહેવા ટેવાઈ રહ્યા છીએ ત્યારે પૅરાસિમ્પથેટિક મોડમાં ચેતાતંત્રને સક્રિય થવાનો સ્કોપ આપવાનુ જ આપણે બંધ કરી દીધું છે. સતત શરીર સિમ્પથેટિક મોડમાં ઍક્ટિવ રહેતું થઈ ગયું હોવાને કારણે એની વિપરીત અસર શરીર પર હાઇપરટેન્શન, હાર્ટ પ્રૉબ્લેમ્સ, કૅન્સર, થાઇરૉઇડ, ડાયાબિટીઝ, મેન્ટલ ડિસઑર્ડર, પાચનની સમસ્યા જેવા રોગો દ્વારા દેખાવાનું શરૂ થયું છે. આ સિસ્ટમને સરખી કરવામાં નાડીશુદ્ધિ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. કેવી રીતે એ વિશે આપણે આવતા ગુરુવારે વાત કરીએ.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2020 04:54 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK