Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > Summer Tips:ગરમીમાં સૉલ્ટ છોડો સંચળ વાપરો

Summer Tips:ગરમીમાં સૉલ્ટ છોડો સંચળ વાપરો

29 April, 2019 09:11 AM IST | મુંબઈ
સેજલ પટેલ

Summer Tips:ગરમીમાં સૉલ્ટ છોડો સંચળ વાપરો

સંચળ અને કાળું મીઠું

સંચળ અને કાળું મીઠું


મુંબઈની કાળઝાળ ગરમીમાં પસીનો પુષ્કળ થાય છે. તમે જોયું હોય તો ગરમીની સીઝનમાં તમે વધુપડતી નમકવાળી ચીજો ખાશો કે પીશો તો પસીનો ખૂબ થશે અને તરસ પણ ખૂબ લાગશે. બીજી તરફ પસીનાને કારણે શરીરમાંથી પાણી અને મિનરલ્સ ઘટી જતાં હોવાથી આ સીઝનમાં પૂરતું પાણી અને નમક લેવાં જ પડે છે. આવી બેવડી સમસ્યાથી બચવું હોય તો બપોરે લેવાનાં પીણાંમાં મીઠાને બદલે સંચળ વાપરવાનું વધુ હિતાવહ છે. આયુર્વેદમાં સંચળને ઠંડક આપનારું કહ્યું છે. આપણા રસોડામાં જ્યારે પાણીપૂરીનો મસાલો બનાવવાનો હોય કે કંઈક ચટપટું બનાવવાનું હોય ત્યારે જ સંચળની ડબ્બી નીકળતી હોય છે, પણ સંચળ ખરેખર કેટલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એ વિશે આપણે ભાગ્યે જ વિચાર્યું છે.

સંચળ અને સૉલ્ટમાં ફરક



સંચળ પણ એક પ્રકારનું સૉલ્ટ જ છે, પરંતુ એ સૉલ્ટ કરતાં ઓછી તકલીફ આપે છે અને એના ખાસ રાસાયણિક બંધારણને કારણે નમક જેવી હાનિથી બચી શકાય છે. નમક અને સંચળનો ફરક સમજાવતાં જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘સૉલ્ટનું રાસાયણિક બંધારણ છે સોડિયમ ક્લોરાઇડ, જ્યારે સંચળનું બંધારણ સોડિયમ સલ્ફાઇડ છે. યસ, એ પણ નમકનો જ પ્રકાર છે, પરંતુ એમાં રહેલા સલ્ફર કમ્પાઉન્ડને કારણે એની વિશેષતાઓ બદલાય છે. સલ્ફર શરીરનો રેઝિસ્ટન્સ પાવર વધારવામાં મદદ કરે છે. એની બનાવટમાં ઓછું પ્રોસેસિંગ થયું હોય છે અને એમાં આયર્નની પણ માત્રા સારીએવી હોય છે. સંચળ અને સફેદ મીઠા બન્નેમાં સોડિયમ હોય છે, પણ સૌથી મહત્વની વાત એ કે સંચળમાં સોડિયમની માત્રા ઘણી ઓછી હોય છે. એને કારણે બ્લડપ્રેશર, કિડનીની તકલીફ ધરાવતા લોકો માટે નમકના બદલે સંચળ વાપરવું વધુ હિતકર છે. જેમને ખૂબ પસીનો થતો હોય અને ગરમીમાં હૃદયના ધબકારા વધી જતા હોય તેમને માટે સંચળ ઇઝ બેટર ઑપ્શન. માત્ર જેમને થાઇરૉઇડની તકલીફ હોય એવા લોકો માટે
સંચળ કરતાં આયોડાઇઝ્ડ નમક બહેતર ગણાય.’


સંચળ કઈ રીતે બને?

અંગ્રેજીમાં એના માટે બ્લૅક સૉલ્ટ શબ્દ વપરાય છે. જોકે વિદેશીઓ જે બ્લૅક સૉલ્ટ વાપરે છે અને આપણે ત્યાં જે વપરાય છે એ બ્લૅક સૉલ્ટમાં ફરક છે. એશિયન દેશોમાં જે બ્લૅક સૉલ્ટ વપરાય છે એ છે સંચળ. જેને હિમાલયન બ્લૅક સૉલ્ટ અથવા સુલેમાની નમક કહેવાય છે. બ્લૅક લાવા સૉલ્ટ હોય છે એ સાદું નમક જ હોય છે, પણ એમાં ચારકોલ પાઉડર મેળવવામાં આવે છે, જે મોટા ભાગે ખાવાના વપરાશમાં નથી આવતું. જેને આપણે સંચળ કહીએ છીએ એ બ્લૅક સૉલ્ટનો પાઉડર બનાવવાથી એ પિન્ક રંગનું થઈ જતું હોવાથી એને પિન્ક સૉલ્ટ પણ કહેવાય છે. સંચળ એ ખનીજ છે જેના ગાંગડા બને છે. ખારા પાણીમાં હરડેનાં બીને ખૂબ ઊંચા તાપમાને ઉકાળવામાં આવે છે. એ પાણી ઊડી જતાં જે ક્ષારના સ્ફટિક રૂપ અવશેષો રહે છે એ સંચળ છે. હરડેમાં સલ્ફર હોય છે અને એનાં બીને ઉકાળવાની પ્રક્રિયા દરમ્યાન એમાં સલ્ફાઇડ, સલ્ફેટ, આયર્ન, મૅગ્નેશિયમ જેવાં મિનરલ્સ અતિસૂક્ષ્મ માત્રામાં ભળે છે. આ જ કારણસર સંચળના સ્ફટિકનો રંગ ઘેરો મરૂન રંગનો હોય છે અને એનો પાઉડર બનાવતાં એ ગુલાબી રંગ થઈ જાય છે.


ગરમીમાં સંચળના ફાયદા

આયુર્વેદ મુજબ સંચળ ઠંડી પ્રકૃતિનું હોવાથી સંચળ લીધા પછી શરીરમાં ગરમી વધતી ન હોવાથી વધુપડતો પસીનો નથી થતો. એ જ કારણસર ગરમીમાં બનતાં તમામ પીણાંમાં નમકને બદલે ચપટીક સંચળનો ઉપયોગ હિતાવહ છે. ગરમીમાં સંચળના ફાયદા વિશે સમજાવતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘ગરમીમાં સૌથી વધુ પાચનને લગતી સમસ્યા થાય છે. એમાં સંચળ બહુ સરસ કામ આપે છે. એનું રાસાયણિક બંધારણ ક્ષારીય છે એટલે પેટમાં જે ઍસિડ પેદા થાય છે એને ન્યુટ્રલ કરવાનું કામ કરી શકે છે. કબજિયાત, ગૅસ, ઍસિડિટી અને પેટ ભારે લાગવા જેવી સમસ્યામાં ચપટીક સંચળ અસરદાર બને છે. એનું મુખ્ય કામ મસલ રિલેક્સન્ટનું છે. આંતરડાંના મસલ્સને પણ એ રિલૅક્સ કરે છે. એ મસલ્સની મૂવમેન્ટને કારણે સરળતાથી ગૅસ પાસ થઈ જાય છે. પાણીપૂરી ખાધા પછી પેટ ખુલાસાથી સાફ આવે અને ગૅસ નીકળી જાય છે એ અનુભવ તો સૌને હશે જ. એનું કારણ પાણીપૂરીના પાણીમાં ફુદીનો અને સંચળ છે. આ સીઝનમાં તમે સૅલડ ખાઓ કે ફ્રૂટ-ડિશ એના પર સંચળ છાંટીને ખાશો તો પાચન સુધરશે, ગૅસ ભરાઈ નહીં રહે અને કબજિયાતની સમસ્યા પણ નહીં રહે.’

હાથ-પગમાં ક્રૅમ્પ્સ

ઉનાળામાં લાંબો સમય ચાલવાનું થતું હોય, રસોડામાં ઊભા રહીને લાંબા કલાકો કામ કરો અને ખૂબ પસીનો થાય, બાળકો ગ્રાઉન્ડમાં રમીને પરસેવે રેબઝેબ થયાં હોય એ પછી થાક લાગી જાય એ ગરમીનું મુખ્ય લક્ષણ છે. જો પૂરતું પાણી ન પીધું હોય અથવા તો ખૂબબધું સાદું પાણી જ પીધે રાખ્યું હોય તો હાથ-પગમાં ક્રૅમ્પ્સ આવે છે. સંચળ આમાં પણ મદદ કરે છે એ વિશે વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘સંચળમાંનું સલ્ફર શરીરનો રેઝિસ્ટન્સ વધારે છે અને મસલ્સ જકડાઈ ગયા હોય તો એ રિલીઝ કરે છે. મસલ રિલૅક્સન્ટ ગુણ જે આંતરડાંને લાગુ પડે છે એવું જ શરીરના અન્ય મસલ્સમાં પણ થાય છે. સંચળ નાખીને બનાવેલું પીણું પીવાથી મસલ્સના થાકમાં ઇન્સ્ટન્ટ રિલીફ વર્તાય છે.’

અતિ નહીં

સફેદ સૉલ્ટ કરતાં સંચળ અનેકગણું સારું છે, પણ એની માત્રા લેવામાં ભાન ભૂલવું ન જોઈએ એ વિશે ચેતવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘રોજિંદા વપરાશમાં ૬ ગ્રામથી વધુ નમક ન લેવું જોઈએ એમ સંચળ પણ વધુ ન લેવાય. હા, રિપ્લેસમેન્ટમાં અડધું સંચળ વાપરી શકો, પણ છૂટથી ચમચી ભરીને રોજ ન લેવાય. ફ્રૂટ્સ, શાકભાજી, જૂસ, પીણાં, શરબતમાં સંચળ છાંટવાથી એનો બેસ્ટ લાભ મળે. બ્લડપ્રેશરના દરદીઓ સૉલ્ટને બદલે સંચળ લઈ શકે, પણ વધુ નહીં.’

ડીકૉક્શન ડ્રિન્ક

કાકડી, દૂધી કે સફેદ કોળાનો જૂસ કાઢી, એમાં કોથમીર-ફુદીનો ઉમેરીને સંચળ અને કાળાં મરી, લીંબુ નાખીને તૈયાર થતું પીણું ડેઇલી પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરશે અને ઉનાળામાં શરીરને અંદરથી સાફ પણ રાખશે.

આ પણ વાંચોઃ દીકરો શારીરિક અને માનસિક રીતે નબળો છે તેને સપોર્ટની જરૂર છે શું કરવું?

બહુગુણી બ્લૅક સૉલ્ટ

ડીટૉક્સિફિકેશન

સંચળ સ્કિન અને બૉડીને ડીટૉક્સિફાય કરવાનું કામ પણ બહુ સારી રીતે કરે છે. રોજ સવારે સહેજ ગરમ પાણીમાં ચપટીક સંચળ અને લીંબુ નાખીને પીવાથી જઠર અને આંતરડાંમાં ભરાઈ રહેલાં અપદ્રવ્યો જુલાબ વાટે સાફ થઈ જાય છે.

નર્વ ટૉનિક

સંચળમાં રહેલું સલ્ફર અને અન્ય ખનીજ દ્રવ્યો અંત:સ્રાવી ગ્રંથિઓને સ્ટીમ્યુલેટ કરીને મેલેટૉનિન જેવાં હૉમોન્સ અને સેરોટોનિન જેવાં ન્યુરોટ્રાન્સમીટર કેમિકલ્સનો સ્રાવ કરવામાં મદદ કરે છે. ડિપ્રેશનના દરદીઓમાં એ બહુ ઉપયોગી નીવડે. સંચળથી હતાશાના દરદીઓમાં ઊંઘ અને મૂડમાં સુધારો થાય છે.

સ્કિન-ડીટૉક્સ

ગરમીમાં અળાઈ, ફોડલી, ડલનેસ, કાળાશ જેવી ત્વચાની તકલીફો થાય છે. ત્વચાના રોગોમાં સલ્ફર અસરકારક ગણાય છે. સંચળવાળું પાણી ત્વચાને ડીટૉક્સિફાય કરે છે. એ માટે પાણીમાં સંચળ નાખીને એને પૂરેપૂરું ઓગળવા દેવું. આ પાણી ત્વચા પર લગાવવું અને રાખી મૂકવું. નાહવાના પાણીમાં પણ તમે સંચળ નાખી શકો છો.

આ પણ વાંચોઃ કૉલમ : ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરતી વખતે કઈ ૧૦ ચીજો મહત્વની?

બેબી-કૅર

જે નવજાત શિશુઓને બહારનું ખાવાનું આપવાની શરૂઆત કરી હોય તેમને ઉનાળામાં ગૅસ, અપચો, કડક પેટ, કબજિયાતની તકલીફ વધુ જોવા મળે છે. એને કારણે બાળક રડ્યા કરે, ખાય નહીં, સુસ્ત પડ્યું રહે કે ખાધેલું કાઢી નાખે છે. આવું થતું હોય તો બાળકને કંઈ પણ ખવડાવ્યા પછી મગના દાણા જેટલું સંચળ એક ચમચી પાણીમાં ઓગાળી એકાદ ટીપું લીંબુ નિચોવીને પિવડાવવું. એમ કરવાથી બાળક છૂટથી ગૅસ પાસ કરશે અને પેટ પણ હલકું થઈ જશે.

વેઇટલૉસ

જે લોકો ઉનાળામાં વેઇટલૉસ ડાયટ પર હોય છે અને ખાસ કરીને પ્રોટીન વધુ લે છે તેમણે સંચળનો ઉપયોગ અચૂક કરવો જોઈએ. પ્રોટીન પચવામાં ભારે અને ગૅસ કરનારું હોય છે એટલે સૅલડ અને વાનગીઓ પર સંચળનો છંટકાવ ફાયદાકારક છે. પીણાંમાં શુગરને બદલે સંચળ નાખવાથી સૉલ્ટી ટેસ્ટવાળું પીણું પીવાથી વેઇટલૉસમાં પણ મદદ થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2019 09:11 AM IST | મુંબઈ | સેજલ પટેલ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK