ઊંધી ખોપડીના કચ્છીમાડુ પાંચાલાલ કારિયા

Published: Jul 07, 2020, 13:54 IST | Vasant Maru | Kutch

અંદાજે ૧૯૪૦માં કચ્છની ચાંગ નદીના કિનારે ૧૪-૧૫ વર્ષનો થીંગડાંવાળાં કપડાં પહેરેલ ગરીબ છોકરો પોતાના મિત્રોને છેલ્લી વાર મળવા આવ્યો હતો. તેના મિત્રો હતા ચાંગ નદી, વૃક્ષો અને જૂનાં મકાનો

પરિવાર સાથે પાંચાલાલભા
પરિવાર સાથે પાંચાલાલભા

અંદાજે ૧૯૪૦માં કચ્છની ચાંગ નદીના કિનારે ૧૪-૧૫ વર્ષનો થીંગડાંવાળાં કપડાં પહેરેલ ગરીબ છોકરો પોતાના મિત્રોને છેલ્લી વાર મળવા આવ્યો હતો. તેના મિત્રો હતા ચાંગ નદી, વૃક્ષો અને જૂનાં મકાનો. આ રમતિયાળ છોકરો બીજા દિવસે સવારે પોતાની ગરીબી ભાંગવા મોંભઈ (મુંબઈ)ની વાટ પકડવાનો હતો. મિત્રોને પ્રૉમિસ આપતો હતો કે બરાબર ૫૦ વર્ષની ઉંમરે ગામમાં પાછો રહેવા આવી જઈશ. મિત્રો કહેવા લાગ્યા, મુંબઈ કમાવા જનાર આજ સુધી મુંબઈની માયા ત્યજી ગામમાં પાછા રહેવા આવ્યા નથી તો તું શું આવશે? ત્યારે છોકરાએ પોતાની ચમકતી આંખોમાં પુરાયેલાં સપનાંઓને બતાડીને જાણે કહેવા લાગ્યો, ‘ભાઈબંધ, તમને ખબર છે ને કે હું ઊંધી ખોપડીનો છું? બીજા ભલે ન આવ્યા હોય, પણ હું પાછો આવીશ.’

એ છોકરાનું નામ હતું પાંચાલાલ. વાગડના કકરવા ગામનાં લધાબાપા અને મધા માના ત્રીજા નંબરના મસ્તીખોર દીકરા પાંચાલાલે ઘર છોડ્યું ત્યારે ક્યાં ખબર હતી કે એક દિવસ આ ગરીબ છોકરો કકરવા ગામનો નગરશેઠ તરીકે જાણીતો થશે! રદ્દી પેપરના ધંધામાંથી આંજી નાખતી કડકડતી નોટો કમાવી ગુપ્ત સખાવતોની લાઇન લગાવી દેશે.

મુંબઈ આવી પાંચાલાલભાએ જબરદસ્ત સંઘર્ષ કર્યો. શરૂઆતમાં કોલભાટ લેનની કોઈ દાણાની દુકાનમાં નોકરીએ લાગ્યો. ત્યારે પગાર હતો ૧૫ રૂપિયા. પછી એક પસ્તીની દુકાનમાં નોકરીએ લાગ્યો. ત્યાં ઝાડુ કાઢવાથી લઈ શેઠિયાની પગચંપી સુધીનાં બધાં કામો કરતાં-કરતાં મનમાં મોટા માણસ બનવાનું સપનું જોવા લાગ્યો. સખત મહેનત કરી રદ્દીની લાઇન શીખી. દોસ્ત બચુ અરજણ વધાણ સાથે ચીરાબજારમાં ભાડાની એક દુકાન લીધી.

૨૨મા વર્ષે તેમનાં લગ્ન થયાં ભચાઉનાં જવેરબેન સાથે. પુનશી ડાયાભાઈ નીસરની દીકરી જવેરબેન પત્ની બનીને આવતાં જાણે તેમના નસીબનું પાંદડું ફરી ગયું. ભાગીદારી છોડી સીધી ૧૦૦૦ રૂપિયામાં દુકાન ખરીદી લીધી (આજે દુકાન ખરીદવા કરોડો રૂપિયા જોઈએ). મુંબઈના ફેરિયાઓ પસ્તી તેમને વેચે અને પાંચાલાલભા એને રાતે વ્યવસ્થિત કરી સવારે ટ્રકમાં ભરીને વેપારીઓને વેચી દે. ધીરે-ધીરે ધંધો જામવા લાગ્યો એટલે મસ્જિદ બંદરમાં પણ દુકાન લીધી.

પછી તો ધંધો કરતાં-કરતાં પાંચાલાલભા ધીરે-ધીરે શ્રીમંત બની ગયા, પણ પોતાની ગરીબીને ભૂલ્યા નહીં. તેમની આજુબાજુ દેખાતા બેકાર ગરીબો માટે કંઈક કરવા સતત મન ઝંખતું. અચાનક એક નવી લાઇન તેમના હાથમાં લાગી. એ જમાનામાં મુંબઈના દાણાવાળા કચ્છીઓ વાણીશેઠ તરીકે ઓળખાતા. આ વાણીશેઠ અનાજ અને રસકસનો સામાન કાગળનાં પડીકાંમાં બાંધીને આપતા. એ જરા અગવડભર્યું હતું. પાંચાલાલભાને આ વાત ખટકતી. એમાંથી આ કચ્છીમાડુને પસ્તીમાંથી થેલી બનાવવાની નવી લાઇન મળી આવી અને પાંચાલાલભા ભારતની પૅકિંગ ઇન્ડસ્ટ્રીઝના પાયોનિયર બની ગયા!

તેમણે સામાન ભરવા કાગળનાં પડીકાંને બદલે રદ્દીના પેપરમાંથી થેલીઓ બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. સેંકડો જરૂરિયાતમંદ તેમની દુકાનેથી છાપાંની રદ્દી ઘરે લઈ જાય અને ઘરના બધા લોકો સાથે બેસી એ પેપર પસ્તીમાંથી થેલીઓ બનાવે. પાંચાલાલભા રોકડ મહેનતાણું ચૂકવે ત્યારે કારીગરોના મુખ પર હાસ્યની રેખા ખેંચાયેલી જોઈ તેમના દિલમાં અજબની ટાઢક થતી. પછી તો થેલીઓ બનાવવાનું કામ ધમધોકાર ચાલ્યું. પોતાની સાથે પોતાના સ્નેહીજનોને ધંધામાં ભાગીદારીના ધોરણે જોડવા લાગ્યા. પરિણામે એક-એક કરતાં પચાસેક લોકોને ભાગીદાર બનાવ્યા. જ્યારે-જ્યારે ગામ જાય ત્યારે એ વિસ્તારના યુવાનોને કામ આપવા મુંબઈ લઈ આવે. તેમને પોતાના ઘરે જ રાખે. રવિવારે બધાને ઉજાણી આપે. પાંચેક વર્ષ પછી તેમને ભાગીદાર બનાવી દે. એમ કરતાં-કરતાં એક સમય એવો આવ્યો કે મુંબઈમાં રદ્દીનો કારોબાર વાગડવાસીઓ પાસે આવી ગયો.

પછી તો દસેક વર્ષમાં પેપર-બૅગ ક્ષેત્રે ભારતમાં તેમનું નામ ટૉપ પર પહોંચી ગયું. એ સમયે હજી પ્લાસ્ટિકની થેલીઓ વ્યવહારમાં નહોતી એટલે તેમની કંપનીની થેલીઓ ભારતભરમાં જવા લાગી અને દોમદોમ સાહેબી મેળવી, પણ પાંચાલાલભાને જ્યારે ૫૦ વર્ષ પૂરાં થયાં ત્યારે ત્રણ પુત્રો લતેશ, હસમુખ, રમતાલાલ; દીકરીઓ સાવિત્રી, ઉર્મિલા, ભારતી અને પત્ની જવેરબેન તથા ભાગીદારોને બોલાવી ધડાકો કર્યો કે ‘આજે મને ૫૦ વર્ષ પૂરાં થયાં, હવે હું રિટાયર થાઉં છું, આજથી ધંધામાંથી નિવૃત્તિ લઉં છુ !’

મોટો દીકરો નાટ્યકાર લતેશ શાહ પણ ઊંધી ખોપડીનો માડુ, ક્રીએટિવ અને સ્વપ્નદૃષ્ટા. તે ધીકતા ધંધાને છોડવાની પપ્પાની વાતને સમજ્યો, પણ બાકીના કુટુંબીજનો સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયાં. પણ પત્ની જવેરબેન પાંચાબાપાને બરાબર સમજતાં. બન્ને પતિ-પત્ની સાપ કાંચળી ઉતારે એમ મુંબઈની માયા ઉતારી પોતાના ગામ કકરવા પાછા જવા નીકળ્યાં. અલબત્ત, વાર-તહેવારે કર્મભૂમિ મુંબઈનો સ્પર્શ અને સુગંધ ભરવા ક્યારેક-ક્યારેક આવવાના ઇરાદા સાથે.

કકરવા પહોંચતાં જ પાંચાબાપા તરત ચાંગ નદીના કિનારે પહોંચી ખોબામાં જળની અંજલિ આપતાં પોતાના દોસ્ત નદી, વૃક્ષો, પાદરની સાથે વાર્તાલાપ આરંભ્યો કે જુઓ આપેલા વચનને પાળવા પાછો આવી ગયો છું, મુંબઈની દોમદોમ સાહેબી છોડીને! ગામમાં આવીને બીજા જ દિવસે જરૂરિયાતમંદોને છાશ વિતરણ કરવાનું શરૂ કરી લોકસેવાના નવા અધ્યાયનો આરંભ કર્યો. તેમનો મંત્ર હતો ‘જે આપે તે ખુશી છાપે’. આ અંદાજે ૧૯૭૫ની વાત છે. એ સમયે વાગડમાં લોકો પાસે ખેતી સિવાય બીજું કોઈ ખાસ કામ હતું નહીં. ઘણા લોકો બેકારીના ભરડામાં પીસાતા હતા. એવા લોકોને થાળે પાડવા માટે છેક કકરવા જેવા નાનકડા ગામમાં રદ્દી પેપરમાંથી થેલીઓ બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. વાગડથી થેલીઓ મુંબઈ પહોંચાડવી આર્થિક રીતે અવ્યવહારુ હતું, પણ પાંચાબાપાને ક્યાં કમાણી કરવી હતી? તેમને તો વતનના લોકોને આજીવિકા આપી સ્વમાનભેર જીવન જીવતા કરવા હતા. કદાચ વાગડમાં એ પહેલી ઇન્ડસ્ટ્રીઝ શરૂ થઈ થેલી બનાવવાની!

પાંચાબાપાનો વતનપ્રેમ જબરદસ્ત હતો. જ્યારે મુંબઈમાં રહેતા હતા ત્યારે અવારનવાર વતનમાં આવે. ગામનાં બાળકો માટે થેલીઓ ભરીને ભાભ (પીપરમેન્ટ, ચૉકલેટ ઇત્યાદિ) લાવે. મૂઠી ભરી-ભરીને બાળકોને આપતા જાય, સાથે-સાથે વડીલો અને ગુરુજનોના સન્માન કરવાની શિખામણ આપી બાળકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. પાંચાબાપા પોતાનું નામ તકતી પર આવે એવા મોટા પ્રકલ્પો પર દાન આપવાને બદલે ગુપ્ત સખાવતો કરતા, કારણ કે પાંચાબાપા માનતા કે દાન એવી રીતે આપીએ કે જમણા હાથે આપીએ તો ડાબા હાથને ખબર ન પડે. ગામની તેમની વાડીઓ પરનાં ગોદામોમાં બારેમાસ ઘાસ ભરીને રાખે અને જરૂરત હોય ત્યારે ગામના અને આસપાસના ભરવાડો પોતાનાં ઢોરો માટે વિનાસંકોચે વાપરે એવી વ્યવસ્થા ગોઠવી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગામમાં ઢોરો માટે પાણીના અવાડા બંધાવ્યા, ખેડૂતોને ખેતર ખરીદવા વગર વ્યાજની લોન આપવા માંડ્યા, કારણ કે તેઓ માનતા કે ખેતીવાડીનો વિકાસ થશે તો જ દેશનો વિકાસ થશે.

કચ્છમાં જે સાધુ-સંતો આવે તેઓ પાંચાબાપાને ત્યાં અચૂક પગલાં પાડે. પાંચાબાપા અને જવેરમા તેમની સેવામાં કમી ન આવવા દે. હિન્દુ સાધુ સમાજમાં તે લોકપ્રિય હતા. જૈન સાધ્વી રત્ન ઝરણાબાઈ મહાસતીજીની પ્રેરણાથી તેમણે ગામમાં જૈન સ્થાનક બનાવ્યું. એ પ્રસંગે ઝરણાબાઈ મહાસતીજીએ કંઈક છોડવાનો આગ્રહ કર્યો એટલે પાંચાબાપાએ જીવનભર ગુસ્સો છોડવાની પ્રતિજ્ઞા લીધી અને જાણે ક્રોધનું પોટલું બાંધી ચાંગ નદીમાં વહાવી દીધું. ત્યાર બાદ ક્યારેય તેઓ ગુસ્સે થયા નહીં.

માતાના મઢ કે રવેચીમાનાં દર્શને જતા કે હાજીપીર જતા યાત્રિકો માટે ખાસ હાઇવે પાસે તેમણે વાડી ખરીદી અંદર ભંડારો ચાલુ કર્યો. બારેમાસ, ૩૬૫  દિવસ હાજીપીર, માતાના મઢ, પબુદાદાના સઈ ગામે જતા ભાવિકો માટે ૨૪ કલાક ભંડારો ચાલુ રહેતો. ક્યારેક ભાવિકો તેમની વાડી પર ભજન ઇત્યાદિના કાર્યક્રમો કરે એ જોઈને આ કચ્છીમાડુ હરખાઈ ઊઠતા. પાંચાબાપા ખાસ શહેરથી શેઠિયાઓને બોલાવી અહીં ઉદ્યોગ કે ખેતીવાડી શરૂ કરી માતૃભૂમિનો વિકાસ કરવા સમજાવતા. મોટા ભાગના લોકોને આ ઊંધી ખોપડીની ડાહી વાત સમજાતી નહીં. એ સમયે મુંબઈના ચાંપશીબાપા (નંદુ) સમાજના દીર્ઘદૃષ્ટા મનાતા. ચાંપશીબાપાને ઊંધી ખોપડીના માણસની વાતમાં દમ દેખાતો. કદાચ મુંબઈ છોડીને ચાંપશીબાપાને ગામે પાછા રહેવા આવવું અઘરું હતું, પણ તેમણે પાંચાબાપાની વાતને અનુમોદન આપવા સેંકડો એકરમાં પીલુ, જોજોબા, અલોવેરાની ખેતી પાંચાબાપા સાથે કરી. પાંચાબાપાને ગુજરાત સરકારે શ્રેષ્ઠ ખેડૂતનો ખિતાબ આપી નવાજ્યા. અહીં પણ વાત નફો કમાવવાની નહોતી, પણ પોતાના વતનની પડતર જમીન પર સોનું ઉગાડી અસંખ્ય લોકોને રોજીરોટી અને ખેતી માટે પ્રેરણા આપવાની હતી.

એ સમયે જે ગામમાં લાઇટ હોય એ ગામ વિકસિત કહેવાતું. કકરવાના સરપંચ અને પોતાના મિત્ર દરબાર શિવુભાના સથવારે પાંચાબાપાએ સરકાર સાથે માથાકૂટ કરી ગામમાં લાઇટ લાવ્યા. પોતાના ખર્ચે ગામમાં લાઇટના થાંભલા બેસાડ્યા. તેમનાં પોતાનાં કુળદેવીના અનુયાયીઓને એકત્રિત કરી કારિયા મંડળ અને વિશ્રામ ધામ બનાવ્યું.

આમ ગ્રામ્ય સંસ્કૃતિના રક્ષક બની લોકહૃદયમાં રાજ કરનાર પાંચાબાપા જ્યારે આ ધરતી પરથી વિદાય થયા ત્યારે ગામવાસીઓએ ૭ દિવસ સ્કૂલ, ખેતીવાડી, દુકાનો બંધ રાખી હતી. ગામના લોકો સૂનમૂન થઈ ગયા હતા. વાગડનાં ચોવીસે ગામથી અનેક લોકો ટ્રૅક્ટર, ખટારા કે ગાડામાં બેસી તેમનાં અંતિમ દર્શન કરવા આવેલા. ભરવાડો પોક મૂકીને રડતા કે હવે અમારા ઢોરોને ઘાસચારો કોણ નીરશે?  સાધુ-સંતોએ એક દિવસના ઉપવાસનું એલાન કર્યું હતું. આ વિરાટ માનવ, જેણે ક્યારેય પોતાની વાહ-વાહ કરવા માટે કશું નહોતું કર્યું. તેમને તો એક આદર્શ સ્વાવલંબી વાગડનું સપનું પૂરું કરવું હતું. આજે પણ તેમનું સ્મરણ કરતાં લોકો નતમસ્તકે થઈ જાય છે. આવા નિર્મોહી પાંચા લધા કારિયાને ‘મિડ-ડે’ના કચ્છી કૉર્નર વતી અંજલિ આપી વિરમું છું. અસ્તુ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK