કચ્છના રાજમહેલોની રંગત

Published: Jun 18, 2019, 09:21 IST | કિશોર વ્યાસ - કચ્છી કૉર્નર | કચ્છ

કચ્છને ભારત માતાને ચરણે ધરનારા છેલ્લા મહારાઓ શ્રી મદનસિંહજી હતા.

વિજય વિલાસ પેલેસ (માંડવી)
વિજય વિલાસ પેલેસ (માંડવી)

કચ્છમાં ચાવડા અને સોલંકીની સત્તા પછી જામ ઉન્નડના વંશમાંથી લાખો અને લાખિયાર એ બે જોડિયા ભાઈઓ સિંધમાંથી ઊતરીને કચ્છમાં આવ્યા અને લાખિયારવિયરામાં રાજ્ય ગાદીની સ્થાપના કરી. આ બન્ને ભાઈઓએ કચ્છમાં જાડેજાઓની સત્તાનાં બીજ રોપ્યાં. આ બીજમાંથી જાડેજા વંશના વટવૃક્ષનો વિસ્તાર થયો અને એનાં મૂળ સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતીમાં પ્રસરી ગયાં. એક હજાર વર્ષ સુધી જાડેજા વંશનું સામ્રાજ્ય રહ્યું એ છેક દેશ આઝાદ થયો ત્યાં સુધી. એ રીતે કચ્છને ભારત માતાને ચરણે ધરનારા છેલ્લા મહારાઓ શ્રી મદનસિંહજી હતા.

કચ્છને કચ્છ બનાવનાર હતા મહારાઓ શ્રી ખેંગારજી પહેલા. તેમનો રાજ્યાભિષેક પણ લાખિયારવિયારામાં જ થયો હતો, એ વર્ષ હતંા વિક્રમ સંવત ૧૫૯૦! તેમણે કચ્છને સુંદર રીતે પરિવર્તિત કરવાનાં મનોરથ સેવ્યાં હતાં. તેમણે સૌથી પહેલાં અજિત અને અજોડ કિલ્લો બાંધવા માટે ભુજીઓ ડુંગર પસંદ કર્યો. ભુજીઓ ડુંગર કચ્છની મધ્યમાં છે. તેમણે સંવત ૧૬૦૫માં સૌપ્રથમ રાજનગરીની સ્થાપના કરી, એ વખતે એનું નામ ભુજંગ નગરી હતું જે અપભ્રંશ થઈને હાલનું ભુજ નામ થયું.

સંવત ૧૯૧૭ના રોજ મહારાઓ શ્રી દેશળજી પછી પ્રાગમલજી રાજગાદીએ બિરાજ્યા ત્યાર પછી તેમને જાહેર બાંધકામોનો શોખ હોવાથી છેક ઇટલીથી કારીગરો બોલાવીને પ્રાગ મહેલ નામનો એક સુંદર રાજમહેલ બંધાવ્યો. એ પહેલો રાજમહેલ આજે પણ અડીખમ છે.

વતનમાં જતા લોકો નવી પેઢીને સાથે લઈ જઈને કચ્છનો પ્રવાસ ખેડે અને કચ્છમાં આવેલા રાજમહેલો અને એની પાછળનો ઇતિહાસ સમજાવે તો વતનની ગરિમાની તેમને સમજ પડે. થાય છે એવું કે મુંબઈથી ગયેલી ટ્રેન જ્યારે સૂરજબારીના પુલ પરથી પસાર થાય ત્યારે, મોટા ભાગે સંતાનોને ટ્રેનની બારીમાંથી દેખાતો રણનો ટુકડો બતાવીને સંતોષ માની લઈએ છીએ! જોકે, કચ્છના રણ પાસે પણ આપણે સાંભળીએ તો ઘણી વાતો છે, એની વાતોમાં વિદેશી પક્ષીઓ સુરખાબના ટહુકા છે અને ભોંમાં ભંડારાયેલાં ખનીજોના ખનકાર છે.

કચ્છમાં પ્રવાસ-પર્યટન માટેનાં ઘણાં સ્થળો છે. કચ્છનો વિશાળ સાગરપટ, રણપ્રદેશ, બંદરો અને પ્રકૃતિ ધામો! વિશાળ સાગરપટની વાત આવે એટલે અહીંનું માંડવી બંદર યાદ આવે! એ સાથે જ કચ્છના મહારાઓ શ્રી વિજયરાજજીએ બંધાવેલો રાજમહેલ આંખ સામે તરી આવે. મહારાઓ શ્રી વિજયરાજજી શાંતિપ્રિય રાજા હતા. તેમને પાટનગર ભુજના કાવા-દાવાથી ખદબદતા ખટપટી વાતાવરણથી દૂર, શાંત સ્થળે રહેવાની ઇચ્છા થતાં તેમણે માંડવીમાં વિજયવિલાસ પૅલેસ બંધાવ્યો હતો. એ મહેલના એક ઝરુખામાંથી સામે જ આસાડ માતાનું મંદિર નજરે પડે છે. એનો મહિમા પણ વિશેષ છે. માંડવીની ખલાસી પ્રજા જ માત્ર નહીં, પરંતુ તમામ લોકો એમનામાં શ્રદ્ધા ધરાવે છે. ત્યાં વર્ષે એક વખત બે દિવસ ચાલતો મેળો ભરાય છે.

વડોદરાના માજી મહારાઓ શ્રી ફતેહસિંહજી ગાયકવાડે બહાર પાડેલા તેમના એક પુસ્તક ‘ધ પૅલેસિસ ઑફ ઇન્ડિયા’માં દેશના મુખ્ય ત્રીસ જેટલા અને પ્રથમ દરજ્જાના રાજમહેલોનો તેમના ઇતિહાસ સાથે ઉલ્લેખ કર્યો છે. એ પુસ્તક ખોલતાં જ પહેલા જ પાને જે તસવીર જોવા મળે છે એ માંડવીના વિજયવિલાસ પૅલેસની છે! આ એજ રાજમહેલ છે જ્યાં રજનીશજી પોતાનો આશ્રમ શરૂ કરવા માગતા હતા અને આ એજ રાજમહેલ જે લગાન ફિલ્મમાં બતાવવામાં આવ્યો હતો. જ્યાં એક સમય એવો હતો કે આપણી નજર પથરાય એટલા લાંબા વિસ્તારમાં નાળિયેરી, આંબા, જામફળના બગીચાઓ પથરાયેલા હતા. જોકે, આજે પણ ઘણું બધું જોવા મળે છે.

રાજમહેલનું સ્થાપત્ય કળાની દૃષ્ટિએ ઘણું મહત્વ છે. હિન્દુ-મોગલ તેમ જ પાશ્ચાત્ય સ્થાપત્યનું સુભગ મિશ્રણ જોવા મળે છે. આ મહેલ બનાવવા માટે ગુલાબી શહેર જયપુરથી નિષ્ણાતો બોલાવવામાં આવ્યા હતા. જે ફળ-ફૂલની વાત કરી એ પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી શ્રી જયકૃષ્ણ ઇન્દ્રજીની અંગત દેખરેખ હેઠળ ઉછેરવામાં આવ્યાં હતાં. અરબી સમુદ્રનાં તોફાની મોજાં મહેલની ઊંચાઈને આંબવા આજે પણ ઊછળ્યાં કરે છે!

વિજયવિલાસ મહેલ ઉપરાંત એક બીજો રાજમહેલ પણ માંડવીમાં છે જે જૂના રાજમહેલ તરીકે ઓળખાય છે. અઢારમી સદીની અધવચ્ચે કચ્છના તત્કાલીન મહારાઓ શ્રી લખપતજીની ઇચ્છાથી તેમના કલાકારમિત્ર ખારવા જ્ઞાતિના રામસંગ માલમે એ મહેલ બાંધ્યો છે. રામસંગ માલમ મૂળ વાઘેર હતો. દરિયો ખેડવાનું મુખ્ય કામ. દરિયો ખેડતાં એક વખત તેનું વહાણ લૂંટાયું અને તેને હોલૅન્ડ લઈ જવામાં આવ્યો. એ ત્યાં જેટલાં વર્ષો રહ્યો એટલા સમયમાં પાશ્ચાત્ય સ્થાપત્ય જ્ઞાન અને વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. તે જ્યારે વતન પાછો ફર્યો ત્યારે નિપુણ સ્થપતિ બનીને આવ્યો. તેણે કચ્છના રાજવી લખપતસિંહજીની કલાપ્રિયતા વિષે સાંભળ્યું હતું. તે તેમને મળ્યો. ચતુર રાજાએ તેને ચકાસી લીધો અને નવો મહેલ બાંધવા કહ્યું. એ જૂનો મહેલ રામસંગ માલમની અદ્દભુત શિલ્પકૃતિ છે.

મહેલની અંદરના ભાગમાં હોલૅન્ડના મહેલોની અસર જોવા મળે છે. સુંદર નકશીધર ગોખ અને ઝરુખાઓમાં હિન્દુ દેવી-દેવતાઓની સુંદર મૂર્તિઓ બેસાડવામાં આવી છે. આજે પણ એ સ્થાપત્ય વૈભવ જળવાઈ રહ્યા છે. કહેવાય છે કે એ મહેલમાં મોટા ભાગે રિસામણે ગયેલાં રાણી કે યુવરાજ રહેવા આવતાં. કચ્છની ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જે માંડવીના કાંઠાવાળા નાકા સામે આવેલી શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયને ન જાણતી હોય! એ વિદ્યાલય એટલે એજ રાજમહેલ જે રામસંગ માલમ પાસેથી મહારાઓ શ્રી લખપતસિંહજીએ બંધાવ્યો હતો. જેને આજે પણ લોકો મોલાત તરીકે ઓળખે છે! એટલું જ નહીં, એ શિક્ષણ સંસ્થા પણ મોલાતના નામથી પ્રસિધ્ધ છે. કન્યા શિક્ષણ માટે કચ્છના રાજાએ પોતાનો રાજમહેલ, મૂળ માંડવીના પરંતુ મસ્કતમાં આજે પણ રાજા ગણાતા શેઠ ખીમજી રામદાસને સોંપી દીધો હતો. એનું શિલ્પકામ ગૌરવ-ગરિમા આજે પણ અકબંધ જોવા મળે છે. છેલ્લા વિનાશકારી ભૂકંપમાં એ થોડો ખંડિત જરૂર થયો છે.

શહેરના મુખ્ય માર્ગ પર એનું મુખ્ય પ્રવેશદ્વાર છે, જ્યારે પાછળ એ મોલાત અરબી સમુદ્ર સાથે વાતો કરે છે. રામસંગ માલમની બીજી યાદગાર અને અદ્દભુત કલાકૃતિ એટલે ભુજમાં આવેલો આયના મહેલ. ૧૭મી સદીમાં મહારાઓ શ્રી ગોડ્જીએ એ રાજમહેલ બંધાવ્યો હતો. તેના બીજા માળાના બે ખંડોને આયના મહેલમાં ફેરવવામાં આવ્યા છે. એક ખંડના દરવાજા તો હાથીદાંતના બનેલા છે. એ દરવાજા ખરીદવા અંગ્રેજો ભારેમાં ભારે કિંમત આપવા તૈયાર હતા, પરંતુ કચ્છની પ્રજાના સદ્નસીબે એ ઐતિહાસિક વારસો સચવાઈ રહ્યો!

આયના મહેલની પાસે જ ઇટાલિયન બાંધણીનો ભવ્ય પ્રાગ મહેલ આવેલો છે. એના વિશાળ ખંડોમાં કચ્છના રાજવીઓનાં પરાક્રમોની ગાથા કહેતા, શિકારમાં હણેલાં ખૂંખાર પ્રાણીઓને મસાલા ભરીને રાખવામાં આવ્યાં છે એમાં હિપોપૉટેમસ, સિંહ, વાઘ અને ચિત્તાઓ જોવા મળે છે. બાંધકામના શોખીન મહારાઓ શ્રી પ્રાગમલજીએ આ મહેલ બાંધવા માટે ઇટલીથી કારીગરો બોલાવ્યા હતા. ભુજ શહેરની નજીક આવેલા લકી ડુંગરના પથ્થરોનો એમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે દેશભરમાં એવો પથ્થર મળવો મુશ્કેલ છે!

આ પણ વાંચો : પ્રવાસન નકશા પર કચ્છ

ભુજમાં એ બે રાજમહેલો ઉપરાંત શરદ બાગ પૅલેસ પણ છે. હમીરસર તળાવના કિનારે આવેલા એ મહેલનો બગીચો મનોરમ્ય છે. એ ઉપરાંત કોટડી બાગ પૅલેસ અને એનાથી એક કિલોમીટર દૂર રણજિત વિલાસ પૅલેસ પણ કચ્છના રાજવીઓની કથા કહેતો આજે પણ અવશેષરૂપે ઊભો છે. રણજિત વિલાસ પૅલેસ એ જામનગરના મહારાઓ શ્રી રણજિતસિંહજી સાથેના સંબંધોનું પ્રતીક છે. (કવિ અને પત્રકાર)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK