કૉલમ : મેઘતૃષ્ણા-મેઘતૃપ્તિ તો કચ્છી જ જાણે

Published: 21st May, 2019 14:25 IST | કીર્તિ ખત્રી - કચ્છી કોર્નર

જેને ગળે મેઘતૃષ્ણાની શૂળ ભોંકાઈ હોય એ જ મેઘતૃપ્તિની ખરી અનુભૂતિ કરી શકે

હમીરસર તળાવ
હમીરસર તળાવ

ભુજમાં હમીરસર છલકાતાં હજ્જારો ઊમટી પડે કે ગામડાંમાં વાજતેગાજતે તળાવ વધાવાય ત્યારે ઘણાને નવાઈ લાગે છે, પણ તેમને ખબર નથી કે દુકાળના અંતિમની પીડા સહન કરનાર માટે વરસાદ એ માત્ર પાણી નથી, અછતની શક્યતાનો છેદ ઉડાડતી ઘટના પણ છે. જેને ગળે મેઘતૃષ્ણાની શૂળ ભોંકાઈ હોય એ જ મેઘતૃપ્તિની ખરી અનુભૂતિ કરી શકે

મુંબઈ અને અમદાવાદમાં ૧૦ વર્ષ તેમ જ કચ્છમાં ૩૫ વર્ષ પત્રકારત્વ ક્ષેત્રે ખેડાણ કર્યા પછી આજે પીઠ ફેરવીને ભૂતકાળ જોઉં છું તો ૧૯૭૧નું પાકિસ્તાન સામેનું યુદ્ધ, ગુજરાતનું નવનિર્માણ આંદોલન, કટોકટી, મતપેટીની ક્રાન્તિ સમો ૧૯૭૭ની સામાન્ય ચૂંટણીનો મતદારોનો ફેંસલો, લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ, દાણચોરી, જાસૂસી, ઘૂસણખોરી અને નાપાક પ્રોક્ષીયુદ્ધના પાપે થતા લોહિયાળ આતંકી હéમલા ઉપરાંત દુકાળની વણઝાર, વાવાઝોડું અને મહાવિનાશક ભૂકંપ જેવી કલ્પનાતીત કુદરતી આફતો નજર સમક્ષ ઊભરી આવે છે.

ભૂકંપ તો એક જબ્બર ઝટકા જેવી કાળ દેવતાની ક્રૂર લીલા હતી. એક ઝાટકે હજ્જારો મોતના મોમાં ધકેલાઈ ગયા અને માલ-મિલકતનેય પારાવાર નુકસાન થયું છતાં એમાંથી ઝડપભેર બેઠા થઈ જવાયું, પણ દુકાળની પીડા એનાથીયે ખતરનાક. વરસોથી કચ્છને દુકાળ, અર્ધદુકાળ કે અનિયમિત વરસાદે ધીમા ઝેરની જેમ કોરી ખાધો છે. એને લીધે જ તો હજ્જારો નહીં, લાખો કચ્છી રોજી-રોટીની ખોજમાં હિજરત કરીને બેવતન થયા છે. એમાંયે ૧૯૮૭નો દુકાળ તો ગુજરાતની સદીની સૌથી કાળમુખી આફત હતી. કચ્છ માટે ઉપરાઉપરી ચોથું વર્ષ અછતનું હતું. ગુજરાતની સાથે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને આંધ્ર જેવાં રાજ્યો પણ ભીષણ કુદરતી આફતનો સામનો કરી રહ્યાં હતાં. ઘાસનું જાણે તણખલુંય ક્યાંય નહોતું. કચ્છમાં તો એ વર્ષે મેઘરાજાએ એક છાંટાનીય મહેરબાની કરી નહોતી. મેઘતૃષ્ણાની પીડાની પરાકાષ્ઠાએ પશુધન લગભગ ખતમ થવાના આરે હતું. જે કાંઈ બચ્યું હતું એય મરવાના વાંકે જીવતું હતું. પાંજરાપોળો અને બીજી જીવદયાપ્રેમી સંસ્થાઓએ ઠેકઠેકાણે ઢોરવાડા શરૂ કર્યા હતા. એ સમયે પત્રકારોની ટીમ કચ્છને ખૂણે-ખૂણે જઈને આંખે દેખ્યો હેવાલ પેશ કરતી હતી. ભાતીગળ માલધારી સંસ્કૃતિના અનોખા મુલક તરીકે પ્રખ્યાત બન્નીની મુલાકાત મેં જાતે લીધી અને જે દૃશ્ય જોયાં એ મારી યાદની હાર્ડ ડિસ્કમાં ચિરંજીવ સંઘરાઈ ગયાં છે. એ પૈકી એક પ્રસંગ અહીં પેશ કરું છું, કારણ કે આ વર્ષે - અત્યારે પણ કચ્છ દુકાળની કારમી ભીંસ સહન કરી રહ્યું છે.

ગામનું નામ છછલા. છેક છેવાડાનું ગામ. સર્વ સેવા સંઘના ઢોરવાડાની મુલાકાતે અમે પહોંચ્યા ત્યારે ભરબપોરે સૂર્યના પ્રખર તાપ નીચે સૂકી ધાવણહીન ધરતી વરાળ ઓકતી હોય એમ શરીર દાઝી રહ્યું હતું. સૂકા બાવળિયાનાં બે-ત્રણ ઝાડ ઉપર ફાટેલી ચાદરો બાંધીને ત્રુટક-ત્રુટક ‘છાંયડો’ ઊભો કરાયો હતો. નીચે પાયા વગરના પણ પથ્થરોના ટેકે ઊભેલા બે-ત્રણ બાંકડા હતા. અમે એના પર બેઠા. સામેના વાડામાં ઢોરવાડો હતો. દશ-બાર માલધારી જેવા લાગતા પુરુષોનું ટોળું અંદરોઅંદર કઈક ગણગણી રહ્યું હતું. એવામાં એક વયોવૃદ્ધ આદમી ધીમા પગલે અમારી પાસે આવ્યો. ઢોરવાડાના સંચાલકના પગે પડીને ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યો. તેની દશમાંથી માંડ ત્રણેક ભેંસ બચી હતી. એને ઢોરવાડામાં સામેલ કરવાની આજીજી કરતો-કરતો રડ્યે જતો હતો. પછી શાંત થઈને ધીમે-ધીમે તે ઊભો થયો. અજરખની મેલીઘેલી લૂંગી અને કથ્થઇ રંગના ઝભ્ભા પર છાણના ધાબા સ્પષ્ટ રીતે દેખાતા હતા. ચાંદીની સાંકળવાળા બટન એક સમયની તેની સમૃદ્ધિની ચાડી ખાતા હતા. સફેદ આડેધડ વધી ગયેલી દાઢી અને માથે ફાડિયું. તેણે મારી સામે જોયું, એક આંખ સૂઝી ગઈ હતી પણ બીજી માંજરી આંખ જોઈને હું ચમકી ગયો.

અરે, આ તો ગુલહસન! આ આદમીને ચારેક વર્ષ પહેલાં મેં વૈભવી ઠાઠમાં જોયો હતો. તેના પુત્રના લગ્નપ્રસંગે અમે છછલા ગયા હતા ત્યારે આખી બન્ની ત્યાં ઊમટી હતી. પાંચેક હજાર લોકોની દાવત માટે રસોડું મંડાયું હતું. જિલ્લા કક્ષાના અધિકારીઓ અને લાલ લાઇટવાળી અસંખ્ય કારોનો કાફલો પાર્ક થયેલો હતો. પડછંદ બાંધાનો ગુલહસન બધાને ભેટી-ભેટીને આવકાર આપતો હતો.

...અને આજે? હાડપિંજર જેવો થઈ ગયેલો ગુલહસન બે હાથ પહોળા કરીને આજીજી કરતો હતો. તેની પાસે સૌથી વધુ ગાય-ભેંસોનું ધણ હતું. બધું દુકાળમાં ખપી ગયું. લગ્નના બીજા જ વરસે એનો એકનો એક પુત્ર અકસ્માતમાં મોતને ભેટ્યો. ત્યારથી તેની પડતી શરૂ થઈ.

દુકાળે કચ્છવાસીની કેવી હાલત કરી મૂકી એનો આ દાખલો માત્ર છે. એ વખતે કચ્છના કલેક્ટર માહેશ્વર શાહુ હતા. તેમણે કેટલાય નિર્ણય પોતાની સૂઝ-બૂઝથી લઈને આફતના સમયમાં રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો. યોગાનુયોગ ભૂકંપ વખતેય ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીની રચના પણ તેમના અધ્યક્ષપદે થઈ અને ઐતિહાસિક પુનર્વસનમાં પણ તેમણે ચાવીરૂપ ભાગ ભજવ્યો. કચ્છમાં સતત ચાર વર્ષ દુકાળનાં હતાં. ત્રણથી ચાર કે પાંચ વર્ષનાં બાળકોની એક આખી પેઢી એવી હતી જેમને વરસાદ શું છે એની કલ્પનાય નહોતી. શાહુનું સંતાન પણ એમાં એક હતું અને ૧૯૮૮ના જૂનમાં કચ્છમાં ચોગરદમ વરસાદે દુકાળની પીડાને એકીઝાટકે હડસેલી મૂકી ત્યારે હરખ કરવા માટે કલેક્ટરના બંગલે ગયા તો પોતાના સંતાનને જિંદગીની મોસમના પહેલા વરસાદનો અહેસાસ તેઓ કરાવી રહ્યા હતા.

એ દૃશ્ય યાદગાર હતું. બે દાયકા પછી એ જ પુત્રનાં લગ્નના રિસેપ્શનમાં ગાંધીનગર ગયા ત્યારે ઉદ્યોગસચિવ શ્રી શાહુએ પુત્રને પરિચય આપતાં એમ કહ્યું કે ‘તે પહેલો વરસાદ જોયો ત્યારે આ અંકલ પણ હાજર હતા...’

ખરે જ, વરસાદનો કચ્છી માડું જેવો આનંદ બીજો કોઈ લૂંટતો નથી. કુદરતના બેરહમ જુલમો સહન કરતાં-કરતાં કચ્છી માડુંએ એની પરાકાષ્ઠાસમી પીડા અનુભવી છે. કાળમુખો દુકાળ માનવીનાં તન અને મનને કેવો કોરી ખાય છે એ તો કચ્છવાસી જ જાણે અને એથી જ એને મન વરસાદ એટલે માત્ર પાણીનું વરસવું જ નથી, દુકાળની શક્યતાના જાકારાનુંયે નિમિત્ત છે. એક અંતિમ તેણે વેઠ્યું છે એટલે બીજા અંતિમની એના જેવી અનુભૂતિ બીજા કોઈને થઈ જ ન શકે. મેઘતૃષ્ણાની અપાર વેદનાથી તડપનાર કચ્છીને મેઘઆગમન કે મેઘતૃપ્તિનો આનંદ થાય એનો જોટો કયાંય નહીં મળે.

આ પણ વાંચો : કૉલમ : સેલિબ્રેશન કચ્છિયતનું

બોલો, મોસમના પહેલા વરસાદમાં કોઈ છત્રી લઈને નીકળે તો તેને દુકાળિયો કચ્છ સિવાય બીજે ક્યાંય કહે છે? ભુજના શણગારસમા હમીરસર તળાવમાં પાણીની આવક થાય એ સાથે જ મેઘતૃપ્તિ માટેની તૃષ્ણાનો આરંભ થાય અને લોકો રાત કે મધરાતેય બહાર નીકળી પડે એવું બીજે ક્યાંય સાંભળ્યું છે? અરે, તળાવ છલકાય ત્યારે જાહેર રજા જાહેર થાય અને નાનાં ભૂલકાંથી માંડી મમ્મી-પપ્પા, કાકા-કાકી, દાદા-દાદી કે નાના-નાની સૌ મેઘોત્સવ મનાવવા ઊમટી પડે એવું ભારતમાં બીજે ક્યાંય નથી. મેઘલાડુ, મેઘાનંદ, મેઘોત્સવ, મેઘતૃષ્ણા, મેઘતૃપ્તિ અને મેઘાતુર જેવા શબ્દોનો પ્રયોગ પણ કચ્છ જેટલો બીજે ક્યાંય નહીં થતો હોય. અગાઉ લખ્યું છે એમ આનું એકમાત્ર કારણ અભાવનું અંતિમ અનુભવ્યું હોવાથી તૃપ્તિના સાચા ભાવની અનુભૂતિનું જ છે. (પ્રસિદ્ધ પત્રકાર)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK