કોરોનાની ટ્રીટમેન્ટમાં યોગને કેવી રીતે સામેલ કરશો?

Published: Sep 03, 2020, 17:09 IST | Ruchita Shah | Mumbai

જેમને કોરોના નથી થયો તેમણે, જેમને અત્યારે કોરોના છે તેમણે અને જેમના રિપોર્ટ હવે નેગેટિવ આવી ગયા છે તેમણે યોગની કઈ પ્રૅક્ટિસ કરવી કે જેનાથી લાભ થશે એ જાણીએ આજે

પ્રાણાયામ ખૂબ લાભકારી નીવડશે
પ્રાણાયામ ખૂબ લાભકારી નીવડશે

કોરોના મહામારીએ યોગ અને આયુર્વેદ પ્રત્યે લોકોનો ઝુકાવ વધાર્યો છે. શ્વસનતંત્ર પર અટૅક કરતા આ વાઇરસથી બચવા બ્રીધિંગ એક્સરસાઇઝ અને પ્રાણાયામ સો ટકા અકસીર પરિણામ આપી શકે છે. શ્વસનતંત્રને મજબૂત કરવા, ફેફસાંની હેલ્થ વધારવા અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ અનેક રીતે હેલ્પફુલ થઈ શકે એમ છે. ભૂતકાળમાં આપણે આ જ પ્લૅટફૉર્મ પર કોરોના કાળમાં જનરલી હેલ્ધી રહેવા માટે યોગના માધ્યમે શું કરી શકાય એની ચર્ચાઓ કરી છે. આજે એ વાતને આગળ વધારીએ. હવે જ્યારે કોરોના પૉઝિટિવ કેસો પણ અકલ્પનીય રીતે વધી રહ્યા છે અને લોકોની સાજા થવાની ઝડપ અને સંખ્યા પણ વધી છે. જોકે કોરોના મટી ગયા પછી, રિપોર્ટ નેગેટિવ આવી ગયા પછી અમુક લક્ષણો થોડાક સમય માટે અકબંધ રહે છે. કોરોના નેગેટિવ રિપોર્ટ ધરાવતા લોકોએ હવે શું કરવું? કઈ રીતે કોરોના સામેની જીતને વધુ સુદૃઢ બનાવવી એ વિશે જાણીતા યોગક્ષેત્રમાં ત્રણ દાયકા કરતાં વધુ સમયનો અનુભવ ધરાવતા, અનેક અગ્રણી યોગ સંસ્થાઓ સાથે સંકળાયેલા અને ઑથેન્ટિક ક્લાસિકલ યોગ સંસ્થા ઍક્ટ યોગના સ્થાપક ડૉ. ગણેશ રાવ સાથે આ વિષય પર વાત કરીએ.
ટોટાલિટીનો વિચાર
માત્ર પ્રાણાયામ કરશો કે માત્ર આસન કરશો તો નહીં ચાલે. તમારે સંપૂર્ણ યોગિક જીવનશૈલીને જીવનમાં સામેલ કરવી પડશે એમ જણાવીને ડૉ. ગણેશ રાવ કહે છે, ‘યોગિક લાઇફસ્ટાઇલને સમજવાની જરૂર છે. એમાં ચાર મહત્ત્વના મુદ્દા આવે છે. યોગની જુદી-જુદી પ્રૅક્ટિસ (જેમાં આસન, પ્રાણાયામ, ધ્યાન અને મંત્ર ચૅન્ટિંગ આવી જાય), યોગિક ડાયટ એટલે કે સાત્ત્વિક આહાર, રેસ્ટ અને રિલૅક્સેશન અને ઑપ્ટિમમ એક્શર્ઝન એટલે કે અનુકૂળતાને ધ્યાનમાં રાખીને થતી મહેનત. આ ચાર પાયાના સિદ્ધાંતોની અત્યારના સમયમાં ધ્યાન રાખવાની સૌથી વધુ જરૂરિયાત છે. આ પ્રકારની લાઇફસ્ટાઇલને જો તમે અપનાવશો તો તમારી ઇમ્યુનિટી વધશે, ફિઝિકલ અને સાથે જ મેન્ટલ સ્ટ્રેંગ્થ પણ વધશે.’
આ પ્રૅક્ટિસિસ કરી શકાય
સામાન્ય રીતે આવા સમયે તમારા શરીરની સિમ્પથેટિક અને પૅરાસિમ્પથેટિક બન્ને સિસ્ટમ ઍક્ટિવ હોય એ મહત્ત્વનું છે. ડૉ. ગણેશ કહે છે, ‘યોગમાં શાસ્ત્રીય ઢબથી જે આસનોની રીત છે એ તમને વધુ રિલૅક્સ કરવા માટે છે, જે તમારી પૅરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે. આ સિસ્ટમ ઍક્ટિવ થાય ત્યારે શરીરમાં રિલૅક્સ મોડમાં હોય છે અને નિરાંતે બેસીને જે કામ કરવાનાં હોય એના પર ધ્યાન અપાતું હોય છે.
સેલ્ફ-હીલિંગ આ સિસ્ટમ ઍક્ટિવ થાય ત્યારે વધુ બહેતર રીતે થતું હોય છે. તમારું પાચન આ સિસ્ટમ ઍક્ટિવ હોય ત્યારે બહેતર થતું હોય છે. એટલે મેડિટેશન વગેરે એમાં હેલ્પ કરશે, પરંતુ સાથે અલર્ટ રહેવા માટે, મુસીબતના સમયે ટકી રહેવા માટે સિમ્પથેટિક નર્વસ સિસ્ટમની પણ જરૂરિયાત પડે છે. તમારા હૃદયના ધબકારા ફાસ્ટ થાય, તમારું
બ્લડ-સર્ક્યુલેશન વધે, તમારા શરીરમાં હીટ વધે, પસીનો થાય એવી કસરતો કરવી જોઈએ. યોગમાં એના માટે સૂર્યનમસ્કાર છે. સર્વાંગ વ્યાયામ તરીકે સૂર્યનમસ્કાર રોજ તમારી ક્ષમતા મુજબ કરો જ. ક્રિયામાં ધૌતિ, જલનેતિ, સૂત્રનેતિ અને કપાલભાતિ કરો. આ બધી જ ક્રિયા તમારા શરીરના વધારાના કફ અને ઍસિડને હટાવશે. ભસ્ત્રિકા અને અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો, મેડિટેશન અને તમારા મનગમતા કોઈ પણ મંત્રનું ચૅન્ટિંગ કરો. પ્રી-કોરોના, ડ્યુરિંગ કોરોના અને પોસ્ટ-કોરોના એમ ત્રણેય ફેઝમાં આટલી યોગની પ્રૅક્ટિસ તમને મદદરૂપ થશે.’
આ કરવાનું છે તમારે?
શુદ્ધિ ક્રિયા ઃ નેતિ ઃ ડાબી નાસિકાથી જમણી નાસિકા વાટે અને જમણી નાસિકાથી ડાબી નાસિકા વાટે મીઠાયુક્ત નવશેકું પાણી બહાર કાઢવાનું હોય છે આ ક્રિયામાં, જેને લીધે તમારા સાયનસિસમાં કોઈ પણ પ્રકારનો કફ ભેગો થયો હોય તો એ નીકળી જાય. એ જ રીતે સૂત્ર નેતિ હોય છે જેમાં રબરની સલાઇન કરેલી કૅથીટરને તમે કોઈ પણ નાસિકામાં નાખીને મોં વાટે એને બહાર કાઢો છો જેથી સાયનસિસ ઉપરાંત નાકથી લઈને ઓરલ કૅવિટી વચ્ચે જામેલો એક્સેસ કફ નીકળી જાય છે.
ધૌતિ: પેટ, અન્નનળી અને શ્વાસનળીમાં ચોંટેલા કફને બહાર કાઢવા માટે આ ક્રિયા ઉપયોગી મનાય છે. ધૌતિના ઘણા પ્રકાર છે પણ એમાં વમન એ ખૂબ પૉપ્યુલર મેથડ છે જેમાં તમે એકસામટું મીઠું નાખેલું નવશેકું પાણી પી જાઓ છો અને પછી મોઢામાં આગંળી નાખીને એ પાણી વૉમિટ દ્વારા બહાર કાઢી લો છો જેથી પેટમાં ભેગો થયેલો એક્સ્ટ્રા ઍસિડ અને કફ નીકળી જાય છે.
કપાલભાતિ: શ્વાસને ઝડપથી બહાર કાઢવાનો. શ્વાસ લેવાઈ જાય આપમેળે. ઍક્ટિવ અને રૅપિડ એક્ઝેલેશન એ કપાલભાતિની ખાસિયત છે. આ પણ એક જાતની શુદ્ધિક્રિયા છે જે તમારા શ્વસનતંત્રને સાફ કરવાનું અને શરીરના ટૉક્સિન્સને બહાર ફેંકવાનું કામ કરે છે. તમે એક-એક નાસિકાથી પહેલાં ત્રીસથી પચાસ સ્ટ્રોક અને પછી બન્ને નાસિકાથી એકસાથે એમ કપાલભાતિ કરશો તો વધુ બહેતર પરિણામ મળશે.
પ્રાણાયામ: ભસ્ત્રિકા: આ પ્રાણાયામ ખૂબ લાભકારી નીવડશે જે તમારી ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રૉન્ગ કરશે. આ પ્રાણાયામથી શરીરમાં ગરમી વધે છે અને એ પણ ઘણાં ટૉક્સિન્સ અને વાયરસિસનો ખાતમો બોલાવી શકે છે. શરદી, કફ ભસ્ત્રિકાથી દૂર કરી શકાય છે. આ પ્રાણાયામમાં તમારે ઝડપથી શ્વાસ લેવાનો અને છોડવાનો હોય છે. આ પ્રાણાયામ પણ તમે પહેલાં એક-એક નાસિકાથી અને પછી બન્ને નાકથી કરશો તો વધુ લાભ થશે.
નાડીશુદ્ધિ ઃ અત્યારના સમયમાં દરેકે રોજ સવારસાંજ નાડીશુદ્ધિ પ્રાણાયામ માટે સમય ફાળવવો જ જોઈએ. આ પ્રાણાયામ આપણા શરીરની નાડીઓની અશુદ્ધિઓને દૂર કરવાનું કામ કરે છે. આપણી પ્રાણ ઊર્જાના ફ્લોને વધારે છે. સંતુલન લાવે છે. મગજ શાંત કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ એ ઉપયોગી છે.
ધ્યાન અને મંત્ર ચૅન્ટિંગ ઃ કમ સે કમ રોજનું દસ મિનિટ તમારા શ્વસનની ગતિનું ધ્યાન કરો. બાકી બધું ભૂલી જઈને બધું જ ફોકસ તમારા શ્વાસોશ્વાસ પર લગાવી દો. આ ધ્યાનની પ્રક્રિયા જેમ-જેમ કરતા જશો એમ તમને એનો અનોખો અનુભવ થતો જશે. બીજું, તમારા માનીતા મંત્રોનું મોટા અવાજ સાથે નિયમિત કમ સે કમ ૧૦૮ વાર ચૅન્ટિંગ કરો. એ શબ્દોનાં વાઇબ્રેશન્સની પણ આપણા શરીર તંત્ર પર ખૂબ પૉઝિટિવ અસર પડતી હોય છે.

જ્યારે તમે મેન્ટલી ડાઉન હોય ત્યારે આ કરજો....

જ્યારે તમે મુડલેસ હો અને અંદરથી ભય, શંકા અને ચિંતા સતાવતાં હોય ત્યારે કોઈને મદદ કરો. જુઓ તમારો આત્મવિશ્વાસ આપમેળે વધી જશે. મદદ એટલે તેને મળો કે તેની પાસે બેસો એમ જ નહીં; કોઈને ફોન કરીને, આર્થિક સપોર્ટ આપીને, કોઈને માટે ભોજનની વ્યવસ્થા કરીને. જોકે તાત્કાલિક તમારા માનસિક સ્ટેટસમાં સુધારો થશે.

માનસિક રીતે સ્ટ્રૉન્ગ થઈ જજો!
વાતની શરૂઆત એક વાર્તાથી કરીએ. એક રાજા હતો. એક દિવસ તેને મન થયું કે જોઉં તો ખરો કે રાજ્યના શું હાલચાલ છે એટલે તે ઉઘાડે પગે જ પોતાના રાજ્યમાં ફરવા નીકળ્યો. ત્યાં તેના પગમાં પથ્થર વાગ્યો એટલે તે ખૂબ જ અકળાઈ ગયો. વહેલી સવારે તાબડતોબ તેણે પોતાના મંત્રીમંડળ અને કારભારીઓને ભેગા કર્યા અને એલાન કર્યું કે આજે ને આજે આખા નગરમાં મખમલી કાર્પેટ બિછાવવામાં આવે અને બધા જ પથ્થરોને હટાવી દેવામાં આવે. મંત્રીઓ પણ અકળાયેલા રાજાથી ડરીને હામાં હા ભરી રહ્યા હતા. એવામાં એક સિનિયર મંત્રીએ રાજાને ખૂબ જ વિનમ્રતાથી કહ્યું, બેશક મહારાજ, આખા નગરમાં આપણે કાર્પેટ બિછાવી દઈશું. પરંતુ મને એક વિચાર આવે છે જો આપની અનુમતિ હોય તો કહું. રાજાએ આગળ બોલવા કહ્યું. એટલા પેલા મંત્રીએ વાતને આગળ વધારી, ‘મહારાજ, રાજ્ય આખામાં કાર્પેટ પાથરવામાં સમય જતો રહેશે. એના કરતાં જો આપણે એવું કરીએ કે આપના માટે મખમલ આચ્છાદિત ચામડાનાં પગરખાં બનાવડાવીએ અને આપ બહાર નીકળો ત્યારે એ પહેરીને નીકળો તો આ પ્રશ્નનું કાયમ માટે નિરાકરણ આવી જશે. માત્ર આપણા રાજ્યમાં જ નહીં પણ ભવિષ્યમાં આપ ક્યારેય પણ બહારના રાજ્યમાં પણ અતિથિ તરીકે જશો તો એ કામ લાગશે.’
અત્યારના સંજોગોને સમજાવવા ડૉ. ગણેશ રાવ આ કથા સાથે વાત શરૂ કરતાં આગળ કહે છે, ‘આપણે આખી દુનિયાને અત્યારે બદલી નથી શકવાના કે આપણી અનુકૂળ નથી બનાવી શકવાના, પરંતુ આપણે જ આપણી જાતે થોડીક સાવધાની રાખવાની છે અને એ જ બહેતર પર્યાય છે. યોગમાં પંચ ક્લેશમાં અભિનિવેશ ક્લેશની વાત મહર્ષિ પતંજલિ કરે છે. એનો અર્થ થાય છે મૃત્યુનો ડર. લોકો બહુ જ ડરેલા છે. ડર, ચિંતા, ઍન્ગ્ઝાયટી આ બધાની આપણી ઇમ્યુન સિસ્ટમ પર બહુ જ નેગેટિવ અસર પડતી હોય છે. અત્યારે લોકો ખૂબ જ સ્વાર્થી પણ બનતા ચાલ્યા છે. આ સમય છે તમારે તમારી માનસિક સ્થિતિને હૅન્ડલ કરવાનો. અંદરથી સ્ટ્રૉન્ગ થઈ જાઓ કે મારી જીવનશૈલી એટલી સરસ છે કે મને કોરોના થાય જ નહીં પણ કદાચ થઈ પણ ગયો તો શું હું એની સામે ટકી જઈશ? મરવાનો ડર મૃત્યુ કરતાં વધુ ભયંકર છે. એ ડરમાંથી પણ બહાર નીકળવાના પ્રયત્નો કરવા જોઈએ. મને કોરોના થઈ જશે તો એ શંકામાંથી બહાર નીકળી જાઓ. મને નહીં થાય અને થઈ ગયો તો હું લડીશ એ તીવ્ર ઇચ્છાશક્તિથી જાતને પોષણ આપો. આપણો પાયો અધ્યાત્મનો છે અને આપણો અધ્યાત્મવાદ મૃત્યુના ડરને નાબૂદ કરનારો છે. ઘણા ફૉરેનના દેશોમાં હું ગયો છું જ્યાં લોકો આવા અજાણ્યા સંકટ સામે સંપૂર્ણ ભાંગી પડે છે. આપણે ત્યાં હજીયે ઈશ્વરીય તત્ત્વ પર શ્રદ્ધા રાખનારો વર્ગ મોટો છે. ભગવાન બેઠા છેવાળી આપણી શ્રદ્ધા આ સમયમાં આપણને વધુ પ્રબળ બનાવશે. બાકી તમે જેનો દ્રોહ કરશો અથવા જેના ડર તળે જીવશો એ તમારી સમક્ષ વધુ આકર્ષાશે એ કુદરતનો સિદ્ધાંત છે. ઘણા લોકો સાજા થયા છે એ દિશામાં તમારો દૃષ્ટિકોણ રાખશો તો સાજા થવાની બાબત તમારી તરફ આકર્ષાશે. તમારો આત્મવિશ્વાસ પ્રબળ કરવાનો આ સમય છે અને યોગનાં વિવિધ પરિબળો, કાઉન્સેલિંગ વગેરે એમાં ખૂબ જ મદદરૂપ થઈ રહ્યાં છે અત્યારે. હું તો એ દરેક નૅચરલ લીડર કે જે દેખીતી રીતે કોઈ પદ પર નથી પરંતુ કુદરતી રીતે તેમનામાં લીડરશિપના ગુણો છે એ લોકોએ આગળ આવીને પોતાની આસપાસના સર્કલમાં લોકોને ભય અને શંકાને ઓછાં કરી હિંમત અને આત્મવિશ્વાસ વધારવાના પ્રયત્નો કરવા જોઈએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK