Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમે અપૂરતી ઊંઘના શિકાર છો એ કઈ રીતે ખબર પડે?

તમે અપૂરતી ઊંઘના શિકાર છો એ કઈ રીતે ખબર પડે?

16 January, 2019 11:21 AM IST |
Jigisha Jain | jigisha.jain@mid-day.com

તમે અપૂરતી ઊંઘના શિકાર છો એ કઈ રીતે ખબર પડે?

પ્તતીકાત્મક તસવીર

પ્તતીકાત્મક તસવીર


કૉર્પોરેટની દુનિયામાં કામ કરતી સ્નેહા એકદમ તેજસ્વી છોકરી છે, પણ છેલ્લા એક મહિનાથી કામ પર તે ધ્યાન નથી આપી શકતી. કોઈ મીટિંગમાં બેઠી હોય તો પાંચ મિનિટથી વધારે તે કોઈને ધ્યાનથી સાંભળી નથી શકતી. કોઈએ કંઈ કામ સોંપ્યું હોય તો ભૂલી જાય છે. છેલ્લા એક મહિનામાં તેણે બે ફોન ખોઈ નાખ્યા. ક્યાં મૂકીને જતી રહે તેને યાદ જ નહોતું રહેતું. પહેલાં તે મહિનામાં એકાદ વખત પીત્ઝા ખાતી, આજકાલ તો દરરોજ જ પીત્ઝા ખાવા લાગી છે. પીત્ઝા ન મગાવે એ દિવસે ફક્ત ચિપ્સથી કામ ચલાવે. પહેલાં કરતાં તેનું વજન ૪ કિલો જેવું વધી પણ ગયું અને પિમ્પલ્સ પણ થવા લાગ્યા છે. દિવસ દરમ્યાન તેને લાગે કે તેનું મગજ કામ જ નથી કરતું ત્યારે કૉફી પર કૉફી પીને તે કામ કરતી હોય છે. કામનું પ્રેશર ખૂબ હોય જ છે અને રહેવાનું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે પોતાનાથી નીચેના લોકો પર ખૂબ ગુસ્સે ભરાઈ જતી હતી. તેની આજુબાજુના લોકોએ આ ફેરફાર નોંધ્યો અને તેને પૂછ્યું કે શું થાય છે, શું પ્રૉબ્લેમ છે? સ્નેહા સમજી ન શકી. તેણે કહ્યું, બસ, હું થાકી ગઈ છું. શારીરિક અને માનસિક બન્ને રીતે. તેણે ૪ દિવસની રજા લીધી અને ઘરે આખો દિવસ પડી રહી. સૂતી રહી. ૪ દિવસ પછીનું એક અઠવાડિયું ઠીક રહ્યું, પરંતુ વસ્તુઓ ફરી એવી ને એવી જ થઈ ગઈ. આખરે હારીને તે એક ડૉક્ટરને મળવા ગઈ ત્યારે ખબર પડી કે તેને અપૂરતી ઊંઘની સમસ્યા છે. તે દરરોજ ફક્ત પાંચ કલાક ઊંઘતી હતી, કારણ કે કામ જ એટલું રહેતું હતું અને સવારે ઑફિસે પહોંચવા માટે વહેલું ઊઠવું પડતું. શરૂઆતમાં જ્યારે તે ઓછું સૂતી ત્યારે તેને કોઈ ખાસ ફરક લાગતો નહીં અને પછી તેનું શરીર ટેવાઈ ગયું, એટલે તેને ખુદ સમજાયું નહીં કે તેને ઊંઘ ઓછી પડે છે. જે હિસાબથી તે કામ કરતી હતી તેને ૮ કલાકની ઊંઘ તો જોઈએ જ એવું ડૉક્ટરે તેને કહ્યું. તેણે કંઈ પણ કરીને ૮ કલાક સૂવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તકલીફ પડી, પણ તરત જ એનાથી ઘણો ફરક તેને દેખાયો.

ઊંઘની અનેક તકલીફો છે જેમાંથી એક મહત્વની તકલીફ એ છે કે વ્યક્તિને ખુદને જ ખબર નથી પડતી કે તેને ઊંઘની તકલીફ છે. અપૂરતી ઊંઘ વિશે લગભગ દરેક વ્યક્તિ જાણે છે છતાં જે વ્યક્તિ આ તકલીફથી પીડાતી હોય છે તેને સરળતાથી ખબર નથી પડતી કે તેને અપૂરતી ઊંઘની તકલીફ છે, કારણ કે ઊંઘ એક એવી બાબત છે જેના પર લોકો ઘણું ઓછું ધ્યાન આપે છે. આજે સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ ડૉ. પ્રીતિ દેવનાણી પાસેથી જાણીએ કે અપૂરતી ઊંઘની સમસ્યા હોય તો કઈ રીતે સમજાય કે તમને આ તકલીફ છે.



સ્કિન પર એની અસર દેખાય


જો તમને એક સારી ઊંઘ ન મળતી હોય તો તમારી સ્કિન પર એ દેખાઈ આવે છે. અમુક એવા સ્ટડીઝ પણ છે જેના દ્વારા જાણી શકાય કે સ્કિન અને ઊંઘ વચ્ચે સીધો સંબંધ છે. એની પાછળનું કારણ હૉર્મોન્સ હોય શકે છે. અપૂરતી ઊંઘની અસર હૉર્મોન્સ પર થાય છે અને એના ઇમ્બૅલૅન્સને કારણે કદાચ એટલે જ ઊંઘને બ્યુટી સ્લીપ પણ કહેતા હશે. જે વ્યક્તિની ઊંઘ બરાબર ન હોય તેની સ્કિન પર એજિંગનાં ચિહ્નો દેખાવા લાગે છે. આ સિવાય ઍક્નેની તકલીફ પણ વધી જાય છે.

તમારું વજન વધે


તમે જો દરરોજ ૧૦ વાગ્યે સૂઈ જતા હો તો એક દિવસ રાત્રે એક વાગ્યે સૂજો. ૧૦થી ૧નો સમય ભલે ફક્ત ત્રણ જ કલાકનો છે, પરંતુ એ ૩ કલાકમાં તમને ભયંકર ભૂખ લાગી જશે. ઉજાગરા જે વ્યક્તિ કરતી હોય તેને અનુભવ રહે જ છે કે એ પછીના દિવસે તે હંમેશાં સામાન્ય કરતાં વધુ જ ભોજન લે છે. એની પાછળનું કારણ એ છે કે રાત્રે આપણે જ્યારે સૂઈએ છીએ ત્યારે આપણા શરીરમાં ઘ્રેલિન અને લેપ્ટિનનું પ્રમાણ અનિયમિત બની જાય છે. આ બન્ને હૉર્મોન્સ એ શરીરમાં ભૂખ માટે જવાબદાર હૉર્મોન્સ છે. વળી જે ભૂખ લાગે એમાં અનહેલ્ધી ખોરાકની ભૂખ વધુ લાગે છે. આવી વ્યક્તિ તળેલું, પૅકેટ-ફૂડ કે જન્ક ફૂડ વધુ ખાય છે. વધુપડતું અને અનહેલ્ધી ખાવાથી વજન તો તરત વધી જ જાય છે. આમ જો થોડા સમયમાં તમારું વજન એકદમ વધી ગયું હોય તો તપાસ કરો કે તમે રાત્રે પૂરતી ઊંઘ લો છો કે નહીં.

દિવસ દરમ્યાન ઊંઘ આવે

રાતની ઊંઘ પૂરી ન થઈ હોય ત્યારે એ ઊંઘને પૂરી કરવા શરીર દિવસે કોશિશ કરે. જો તમે દિવસના સૂતા જ ન હો અને અચાનક તમને દિવસના ખૂબ ઊંઘ આવ્યા કરે કે ખૂબ બગાસાં આવે, જાણબહાર ઝોકાં ખાવા લાગે તો સમજવું કે ગરબડ છે. રાતની ઊંઘ શરીરને પૂરી નથી પડતી. ઘણી વખત એવું થાય છે કે લોકો ખૂબ મહત્વની જગ્યાએ સૂઈ જ જાય છે. મતલબ કે તેઓ સૂવા નથી માગતા, પણ ઊંઘને રોકવી તેમના વશમાં નથી હોતું. આ પરિસ્થિતિ અલાર્મિંગ છે. તમે તમારી રાતની ઊંઘ પૂરી કરો એ જરૂરી છે.

સતત થાક લાગ્યા કરે

શરીર એક એવું મશીન છે જેને એનું બળતણ એટલે કે પાણી અને ખોરાક ૧-૨ દિવસ ન આપો તો પણ ચાલે, પરંતુ આરામ જો એને ન મળે તો એ વ્યવસ્થિત ન ચાલી શકે. માટે જરૂરી છે કે શરીરને પૂરતો આરામ મળે. જે વ્યક્તિની ઊંઘ પૂરી ન થતી હોય તેને શારીરિક જ નહીં, માનસિક થાક પણ ખૂબ લાગે છે. શરીર અને મગજની ક્ષમતામાં એકદમ જ ઘટાડો થઈ જતો જોવા મળે છે. ખાસ કરીને મગજની ક્ષમતામાં વધારે એ છતો થાય છે.

મૂડ-સ્વિંગ્સ ખૂબ આવે

ચીડિયાપણું અપૂરતી ઊંઘનું મહત્વનું લક્ષણ છે. જો વ્યક્તિ અચાનક જ ખૂબ સ્ટ્રેસમાં લાગવા લાગે, તેનાથી દરરોજ જે સ્ટ્રેસ હૅન્ડલ થતું હતું હવે અચાનક જ ન થાય, વારંવાર ગુસ્સો આવી જાય કે એકદમ જ તે શાંત થઈ જાય તો સમજવું કે ઊંઘ સંબંધિત કોઈ સમસ્યા હોય શકે છે. સામાન્ય રીતે જે વ્યક્તિની ઊંઘ સરસ થઈ હોય તે વ્યક્તિ સવારે ખૂબ એનર્જીથી ભરપૂર અને ખુશ હોય છે. એની જગ્યાએ જો તમે આળસ, તાણ કે પછી ગુસ્સામાં ઊઠuા હો તો સમજવું કે ઊંઘ પૂરતી થઈ નથી.

એકાગ્રતા અને યાદશક્તિ પર અસર

મગજની જે શક્તિઓની આપણને આપણા દરરોજના કાર્યમાં જરૂર રહે છે એ શક્તિઓ પર સીધી અસર ઊંઘની પડે છે. આપણી એકાગ્રતા, નિર્ણય લેવાની ક્ષમતા, આપણી તર્કશક્તિ અને ખાસ યાદશક્તિ પર અસર પડે અને લાગે કે એ ક્ષમતાઓ ઓછી થઈ રહી છે ત્યારે ખાસ ચકાસો કે ઊંઘ કેવી લઈ રહ્યા છો અથવા કામની જગ્યાએ જો તમારો પર્ફોર્મન્સ ઘટી રહ્યો હોય તો તમારી ઊંઘની ગુણવત્તા પહેલાં ચકાસો.

ઍસિડિટી અને માથાનો દુખાવો રહે

જો તમને સતત ઍસિડિટી રહેવા લાગી હોય તો એનું કારણ પણ તમારી અપૂરતી ઊંઘ હોય શકે છે. ઊંઘની પાચન પર જે સીધી અસર થાય એમાં ઍસિડિટી એક મહત્વની અસર છે. ઍસિડિટી વધુ રહેવાનાં બીજાં ઘણાં કારણો છે, પરંતુ ઊંઘ એમાં મહત્વનું કારણ છે. શરીરમાં તમને પિત્ત વધી જાય જ્યારે તમે ઊંઘ પૂરી ન કરો ત્યારે. અને એને કારણે માથું પણ ખૂબ દુખે.

આ પણ વાંચો : શુગર સબ્સ્ટિટ્યુટ વાપરતાં પહેલાં આટલું જાણી લો

તમારી આંખો પરથી ઓળખી શકાય

જ્યારે સતત તમારી ઊંઘ ઓછી થતી જાય ત્યારે ભલે તમને સમજાય કે નહીં, પરંતુ તમારી આંખોને જોઈને કહી શકાય કે વ્યક્તિની ઊંઘ ઓછી હશે. આંખો લાલ થઈ જવી, સૂજેલી રહેવી, આંખોની આસપાસ કાળાં કૂંડાળાં થવાં જેવી તકલીફો તમને જણાવે છે કે તમારી ઊંઘ પૂરતી નથી. ઊંઘ લેવાથી સૌથી વધુ જે ઇãન્દ્રયને આરામ મળે છે એ છે દૃષ્ટિ, કારણ કે જ્યારે તમે જાગો છો ત્યારે દૃષ્ટિ સતત કામ કરે છે. એને આરામ ત્યારે જ મળે જ્યારે તમે સૂઈ જાઓ, પણ એ આરામ ન મળે એટલે એના પર અસર તો દેખાવાની જ.

Whatsapp-channel Whatsapp-channel

16 January, 2019 11:21 AM IST | | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK