Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમારા ફિટનેસ ગોલ્સને કઈ રીતે વળગી રહેશો?

તમારા ફિટનેસ ગોલ્સને કઈ રીતે વળગી રહેશો?

02 February, 2019 11:40 AM IST |
જિગીષા જૈન

તમારા ફિટનેસ ગોલ્સને કઈ રીતે વળગી રહેશો?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ મૅરથૉન હમણાં જ પતી, જેમાં હજારો મુંબઈગરાઓ દોડ્યા અને બીજા લાખો મુંબઈગરાઓને પ્રેરણા આપતા ગયા કે તમારે પણ ફિટનેસ વિશે વિચારવું જોઈએ. જાન્યુઆરીથી શરૂ થયેલા આ વર્ષની શરૂઆતે લગભગ દરેક વ્યક્તિ એવું વિચારે છે કે આ વર્ષે હું મારી હેલ્થ વિશે વિચારીશ. હું એકદમ ફિટ બનીશ. દરરોજ વૉક પર જઈશ. રનિંગ કરીશ. જિમમાં જોડાઈશ કે દરરોજ યોગ કરીશ. બીજું કંઈ કરું કે નહીં, પણ રેગ્યુલર સ્વિમિંગ તો કરીશ જ. આવું ઘણું-ઘણું આપણે વિચારીએ છીએ, કારણ કે વિચારવા માટે ખાસ મહેનત નથી કરવી પડતી. શરૂઆતમાં ૩-૪ દિવસ કે ૧૦ દિવસ રેગ્યુલર થઈએ છીએ પણ ખરા, પરંતુ થોડા સમયમાં ફરી એ જ આળસ, એ જ બેઠાડુ જીવન અને એ જ અનફિટ શરીર સાથે ઍડ્જસ્ટ કરતા હોઈએ છીએ. જોશથી શરૂ કરનારા આપણે બધા આપણા ફિટનેસ ગોલ્સને જાળવી શકતા નથી. પછી પાછળથી પસ્તાઈએ છીએ. અપરાધભાવ અનુભવીએ છીએ અને છેલ્લે માની બેસીએ છીએ કે આપણાથી નહીં થાય. ફિટનેસ અને હેલ્થ સંબંધિત ગોલ્સને હંમેશાં માટે વળગી રહેવા માટે અમુક ખાસ ટિપ્સ જાણીએ. હાર્ટના દરદી હોવા છતાં છેલ્લાં ૧૦ વર્ષથી લગભગ ૧૧૬ જેટલી મૅરથૉન દોડી ચૂકેલા અને છેલ્લાં પાંચ વર્ષથી ઝિપર્સ ક્લબ દ્વારા હાર્ટ પેશન્ટને મૅરથૉનની ફ્રી ટ્રેઇનિંગ આપતા ૫૯ વર્ષના પી. વેન્કટરામન પાસેથી.

૧) કોઈ એક બનાવ



વ્યક્તિ પોતાના ફિટનેસ ગોલ્સને ત્યારે વળગી રહે છે જ્યારે એક એવો બનાવ તેના જીવનમાં બને છે જે તેને હલાવી નાખે છે. જેમ કે કોઈ વ્યક્તિ ખુદ બીમાર પડે, કોઈની નજીકની વ્યક્તિ બીમાર પડે, કોઈ નજીકની વ્યક્તિનું માંદગીથી મૃત્યુ થયું હોય કે પછી કોઈ જગ્યાએ વ્યક્તિ હાંસીને પાત્ર બની હોય, કોઈ જરૂરી કામ શરીરની નબળાઈને લીધે ન કરી શક્યા હોય કે એવું કંઈ પણ જેણે વ્યક્તિને અંદરથી મજબૂર કરી નાખી હોય કે હવે તો હેલ્થ વિશે વિચારવું જ પડશે. આવી વ્યક્તિઓ પોતાના ગોલ્સને વળગી રહે છે.


૨) પ્રેરણાનો સ્રોત

ફિટનેસ ગોલ્સને વળગી રહેવા માટે જરૂરી છે કે વ્યક્તિને સતત કોઈની પ્રેરણા મળતી રહે. અરે! ફલાણા ભાઈ તો ૭૫ વર્ષની ઉંમરે પણ મૅરથૉન દોડી આવ્યા, અરે! પેલાં બહેન તો દૃષ્ટિહીન છે છતાં કેટલું સારું સ્વિમિંગ કરે છે, હાર્ટ-અટૅક આવ્યો તો શું થયું? કેટલા હાર્ટના દરદીઓ મૅરથૉનમાં દર વખતે ભાગ લે છે, હું પણ કરી શકીશ. જો તમે જિમમાં જતા હો અને બૉડીબિલ્ડિંગ કરવું હોય તો તમારી સામે કોઈ પહેલવાન હોવો જોઈએ જેને જોઈને તમને સતત પ્રેરણા મળે. વજન ઉતારવું હોય તો નજર સામે કોઈ દૂબળી વ્યક્તિને રાખવાથી ફાયદો જ થાય છે.


૩) કમ્યુનિટીનો સહારો

મોટા ભાગના ગાર્ડનમાં જે લોકો દરરોજ વૉક કરવા જાય છે તેમનું એક ગ્રુપ બની ગયું હોય છે. એવી જ રીતે ઝુમ્બા ક્લાસ, જિમ, યોગક્લાસ દરેક જગ્યાએ જો આખેઆખું ટોળું એક કામ કરતું હોય તો તમને એ ટોળાનો ભાગ બનતાં વાર નહીં લાગે. અમારા આખી સોસાયટીના સિનિયર સિટિઝન આ પાર્કમાં જ જાય છે, મારી કિટીની બધી સ્ત્રીઓએ યોગ જૉઇન કરવાનું વિચાર્યું છે. આમ આખી કમ્યુનિટી જો ફિટનેસ માટે કામ કરતી હોય તો તમારા ફિટનેસ ગોલ્સ પૂરા થવા સહેલા થઈ જાય.

૪) પર્સનલ કનેક્શન

ઘણા લોકો ફિટનેસ માટે પર્સનલ ટ્રેઇનર રાખે છે. આમ તો એના ઘણા ફાયદા છે, પરંતુ એક ફાયદો એ છે કે એની સાથે પર્સનલ કનેક્શન બંધાય છે. જેમ કે બે દિવસ જિમ ગયા અને ત્રીજા દિવસે નહીં જાઓ તો ટ્રેઇનર પૂછશે કેમ ન આવ્યા? એને ૧-૨ દિવસ ના પાડશો તો ત્રીજા દિવસે શરમના માર્યા કે ફરજ સમજીને પણ તમારે જવું પડશે. ઘણા લોકો એટલે ઘરે જ ટ્રેઇનર બોલાવી લે છે. ટ્રેઇનર ઘરે જ આવી જાય તો છૂટકો જ નથી, કરવું જ પડે. આ રીતો શરૂઆતમાં ઉપયોગી છે.

૫) રેકૉર્ડ રાખો

જેમ કે તમે વિચાર્યું કે હું દરરોજ ૧ કલાક વૉક કરવા જઈશ. હવે શરૂઆતમાં ૪ દિવસ તો તમે ગયા, પરંતુ પછી બે દિવસ કંઈ કામ આવ્યું તો ન ગયા. ફરી બે દિવસ ગયા અને અઠવાડિયું ન ગયા. આ પ્રકારની અનિયમિતતાથી બચવા અને તમારો દરરોજનો ગ્રોથ માપવા રેકૉર્ડ રાખવો જરૂરી છે. ફક્ત એક કૅલેન્ડરમાં એક લીલું ટપકું કરી રાખો. આખો મહિનો કેટલા દિવસ ચાલ્યા ખબર પડી જશે. આજકાલ ઍપ્સ આવે છે જે આ રેકૉર્ડ રાખતી હોય છે. એ પણ મદદરૂપ છે. રેકૉર્ડ મગજને રિમાઇન્ડર આપ્યા કરે છે. નિયમિત રહેવાની પ્રેરણા મળે છે.

૬) ૨૧ દિવસ કરો મહેનત

ઘણાં રિસર્ચ એવું સાબિત કરી ચૂક્યાં છે કે કોઈ પણ વસ્તુને તમે સતત ૨૧ દિવસ કરો તો તમને એની આદત પડી જાય છે. જો સતત તમે ૨૧ દિવસ સુધી શુગર નહીં ખાઓ તો બાવીસમા દિવસે તમને એની જરૂર નહીં રહે. આમ સમજો તો જેટલી મહેનત છે એ ૨૧ દિવસ જ કરવાની છે પછી તો તમને ખુદને જ એક્સરસાઇઝ કર્યા વગર નહીં ચાલે. ઘણા નિયમિત લોકોને પૂછશો તો ખબર પડશે કે જો તેઓ એક દિવસ પણ એક્સરસાઇઝ ન કરે તો તેમને અંદરથી ખરાબ લાગે છે, જાણે કે માંદા હોય એમ લાગ્યા કરે છે.

૭) નવી આદતોને જૂની આદતો સાથે જોડો

જેમ કે તમને આદત છે દરરોજ સવારે ચા પીવાની. ચા પીધા વગર તમને ચાલે નહીં. તો આ જૂની આદત સાથે નવી આદત જોડો. જેમ કે ચા પીધા પહેલાં હું ૧૦ સૂર્ય નમસ્કાર, ૧૦ સ્ક્વૉટ્સ અને ૧૦ પુશ-અપ કરીશ; પછી જ ચા પીશ. આમ નવી આદતોને જૂની આદતોનો સપોર્ટ મળી રહે છે અને એ ટકી શકે છે.

૮) શરૂઆત ધીમી કરો, પછી ગતિ પકડો

ઘણા લોકો એવા છે જે શરૂઆતમાં ખૂબ ઉતાવળા બની જાય છે. ખૂબ જલદી તેમને ખૂબ બધું મેળવી લેવું હોય છે. અરે ગાર્ડનમાં ૧૦ રાઉન્ડ તો દોડાઈ જ જાયને. હકીકત એ છે કે વર્ષોથી ઍક્ટિવિટી ન કરી હોવાને કારણે શરીર સ્થૂળ થઈ જાય છે. એકદમ વધારે એક્સરસાઇઝ કરશો તો થાકી જશો. ધીમે-ધીમે આગળ વધો. વધારે અઘરી એક્સરસાઇઝ એકદમ કરવા કરતાં નિયમિત રીતે દરરોજ થોડી-થોડી એક્સરસાઇઝ કરવી વધુ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : તમારા શરીરની ઘડિયાળ બગડી જાય તો શું કરશો?

બિહેવિયર મોડિફિકેશન

વ્યક્તિ ક્યારે પોતાના હેલ્થ ગોલ્સને વળગીને રહે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં પી. વેન્કટરામન કહે છે, ‘ફિટનેસ પ્રત્યે સજાગ થવું કે હેલ્થ માટે સજાગ થવું એ એક પ્રકારનું બિહેવિયર મોડિફિકેશન છે. એટલે કે સામાન્ય રીતે તમે જો બેઠાડુ જીવન જીવતા હો કે વગર એક્સરસાઇઝ, અનહેલ્ધી ખોરાક, અપૂરતી ઊંઘ કે કોઈ ખોટી આદતો એ બધું છોડીને એક ઍક્ટિવ લાઇફ-સ્ટાઇલ, હેલ્ધી ખોરાક, દરરોજ નિયમિત એક્સરસાઇઝ, પૂરતી ઊંઘ, કુટેવોથી મુક્તિ વગેરે માટે તમારે તમારું જીવન આખું બદલવું પડે છે જે ધારીએ એટલું સહેલું નથી. સમજવા જેવું એ છે કે આદતો પાડવી મુશ્કેલ છે, પરંતુ એક વાર જો એ પડી ગઈ તો પછી છોડવી પણ મુશ્કેલ છે. એટલે મહેનત તમારે એટલી જ કરવાની છે કે એક વાર હેલ્ધી લાઇફ-સ્ટાઇલની આદત પાડવાની છે. જો એ આદત પડી ગઈ તો એ સરળતાથી છૂટશે નહીં અને આમ પણ વ્યક્તિ પોતે જે છે, જેનાથી ઓળખાય છે એ તેની આદતો જ છે. એટલે હેલ્ધી આદતો અપનાવવી સારી જ છે.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2019 11:40 AM IST | | જિગીષા જૈન

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK