મધર્સ ડે નિમિત્તે ‘મિડ-ડે’એ આ પ્રયોગ કર્યો અને ત્રણ જાણીતા સિંગર્સને રશ્મિન શાહે સવાલ કર્યો કે કયું ગીત એવું છે જે સાંભળતાંની સાથે જ તમારી આંખ સામે મમ્મીની છબિ આવી જાય અને લાગણીઓનો સાગર ઊમટે. જાણી લો કોણે શું કહ્યું અને સાથે એ ગીત પણ માણી લો
જિગરદાન ગઢવી, ઈશાની દવે, ઐશ્વર્યા મજમુદાર
જિગરદાન ગઢવી
સ્કૂલમાં જ્યારે પહેલી વાર મને ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ કવિતા સ્વરૂપે વાંચવા મળ્યું ત્યારે મને પહેલી વખત ફીલ થયું કે માનો પ્રેમ, માનું વહાલ, માનું હેત તમારે જો શબ્દોમાં વર્ણવવાં હોય તો એ કેવી રીતે કહી શકાય, કેવી રીતે લખી શકાય. બાકી મા તો એવું વ્યક્તિત્વ છે કે એને તમે શબ્દો તો શું, દુનિયાભરની ભાષાના તમામ શબ્દોથી પણ વર્ણવી ન શકો. ‘જનનીની જોડ...’ આ જે ગીત છે, જે કવિતા છે એ એટલી સુંદર રીતે માના પ્રેમને, માના હેતને વ્યક્ત કરે છે કે જો એ મને કોઈ સંભળાવે તો હું આજે પણ રડી પડું. કોઈ પણ માહોલમાં હોઉં તો પણ મારી આંખો ભીની થઈ જ જાય. આજે પણ આ ગીત સાંભળતો હોઉં ત્યારે મને મા સાથે વિતાવેલું મારું નાનપણ અને એ નાનપણની બધી યાદો મારી સામે આવી જાય. નાનપણથી લઈને આજ સુધી આપણે માને ક્યારેય થૅન્ક યુ નથી કહેતા. આપણને એમ જ લાગે છે કે તે જે કરે છે એ તેની ફરજ છે અને આપણો હક, પણ ‘જનનીની જોડ...’ ગીત સાંભળીએ ત્યારે ખરેખર થઈ આવે કે મા જે કરે છે એમાં તેનો કોઈ સ્વાર્થ નથી. દુનિયાની કોઈ કોર્ટ તેને દોષી ન ઠરાવી શકે કે તેં કેમ તારા બાળકનું આ બધું કામ નથી કર્યું અને એ પછી પણ તે પ્રેમથી તમારું બધું કામ કરે છે.
‘જનનીની જોડ...’ સૉન્ગ પરથી સમય જતાં મને પણ ગીતો લખવાનું મન થતું અને હું એ ટ્રાય પણ કરતો. ૨૦૧૮માં મેં મા પર એક ગીત લખ્યું, જે ગીત હજી સુધી મેં ઑફિશ્યલી રિલીઝ નથી કર્યું. એક વખત મેં સુરેન્દ્રનગરના મારા એક પ્રોગ્રામમાં ગાયું હતું, પણ હું એ ગીત કમ્પોઝ કરીશ અને એને રિલીઝ કરીશ એવું મેં ક્યારેય કહ્યું નથી. આજે હું ‘મિડ-ડે’ના માધ્યમથી પહેલી વાર કહું છું કે એ સૉન્ગ હું બહુ ઝડપથી હવે બધાની સામે મૂકવાનો છું અને દુનિયાભરની માને એ અર્પણ કરવાનો છું. એ ગીતના શબ્દો છે, ‘મોઢે બોલું જ્યાં હું, મા એ મા...’
મારું આ ગીત સૌથી ફેવરિટ છે.
ADVERTISEMENT
મોઢે બોલું જ્યાં હું, મા એ મા!
આંખે મોતીડા ઝરે
મોતીડાના મોલે મોલે મા એ મા!
આંખે મોતીડા ઝરે
ફરી હીંચવા મારે ઘોડિયા!
તારા હાથે ખાવા મીઠા કોળિયા
સાંભરે હાલરડાં મા એ મા!
આંખે મોતીડા ઝરે!
મોઢે બોલું જ્યાં હું, મા એ મા!
આંખે મોતીડા ઝરે!
મોતીડાંના મોલે મોલે, મા એ મા!
આંખે મોતીડા ઝરે!
ઐશ્વર્યા મજમુદાર
મારા માટે મા એટલે બધેબધું. એમાં મારી આખી દુનિયા આવી જાય એવું કહું તો પણ ચાલે. મને જે પણ ઓળખે છે એ બધાને ખબર છે કે મારે અને મમ્મીને કેવું બને. હું એમ કહી શકું કે મા વિના મારો એક પણ દિવસ પસાર નહીં થયો હોય. હું અને મારી મા જોડે જ હોઈએ. નાની હતી ત્યારે કૉમ્પિટિશન, પછી સ્ટ્રગલ અને પછી પ્રોગ્રામ એમ બધેબધી જગ્યાએ મમ્મી મારી સાથે રહી છે. કોણ એવું હોય જે પોતાની દીકરીની કરીઅર માટે પોતાનું સિટી છોડીને બીજે રહેવા તૈયાર થઈ જાય? મારી મા અને મારા પપ્પા એવાં છે. અમદાવાદમાં તેમની પાસે બધું હતું અને સૌથી અગત્યનું એ હતું કે તેમની પાસે શાંતિની લાઇફ હતી, પણ એમ છતાં તેમણે મારા માટે અમદાવાદ છોડીને મુંબઈમાં રહેવાનું પસંદ કર્યું અને શરૂઆતમાં તો મારી મમ્મી એકલી જ અહીં રહેતી.
મને મા માટે બહુ બધું કરવાનું મન થાય, પણ મને કંઈ સૂઝે જ નહીં કે હું તેમના માટે શું કરું. તેને ઘણું બધું કહેવાનું મન પણ થાય, પરંતુ જેવું બોલવાનું શરૂ કરું કે તરત મને થાય કે મારી પાસે તો વર્ડ્સ જ નથી. મારે તેને બહુ વહાલ કરવું છે, પણ મને સૂઝતું નથી કે કઈ રીતે કરું.
મા માટે મને કોઈ ગીત કે કોઈ કવિતા કે કોઈ શબ્દો એટલાં મળતાં જ નથી કે માના પ્રેમને એ ગીતથી વ્યક્ત કરી શકું. મા માટે આમ પણ તમે ગીત કે કવિતા જોશો તો ખ્યાલ આવશે કે મોટા ભાગનાં ગીતોમાં માને અરજી કરવામાં આવી છે, માને વીનવવા કે પછી માને મનાવવામાં આવી છે. મા માટે માત્ર ને માત્ર વહાલ વ્યક્ત કરતું કે માનો પ્રેમ વ્યક્ત કરતું ગીત જે ખરેખર મને વહાલું હોય એવું બન્યું નથી; પણ હા, હું કહીશ કે નાનપણમાં એક કવિતા સ્કૂલમાં આવતી એ મને બહુ ગમતી. એ કવિતા મને આજે પણ ગમે છે અને એ કદાચ એટલે જ ગમે છે કારણ કે જ્યારે માના પ્રેમને સમજવાની કે વ્યક્ત કરવાની ઉંમર નહોતી ત્યારે આ કવિતા સાથે ઓળખાણ થઈ હતી. કોઈ દીકરો કે દીકરી મા માટે શબ્દોમાં વ્યક્ત કરવા માગે તો શું વ્યક્ત કરે, શું કહે, કેવી રીતે કહે અને કયા શબ્દોમાં કહે એ વાત એમાં છે. મારી મા, મારી મમ્મી રીમા મજમુદાર માટે હું કહીશ કે ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...’
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ
જગથી જુદેરી તેની જાત જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
અમીની ભરેલ તેની આંખડી રે લોલ
વહાલનાં ભરેલાં તેનાં વેણ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
હાથ ગૂંથેલા તેના હીરના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
દેવોને દૂધ તેના દોહ્યલાં રે લોલ
શશીએ સીંચેલ તેની સોડ્ય જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
જગનો આધાર તેની આંગળી રે લોલ
કાળજામાં કંઈક ભર્યા કોડ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
ચિત્તડું ચડેલ તેનું ચાકડે રે લોલ
પળના બાંધેલા તેના પ્રાણ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
લેતાં ખૂટે ન તેની લહાણ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
ધરણી માતાએ હશે ધ્રૂજતી રે લોલ
અચળા અચૂક એક માય જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ પ્રેમનો પ્રવાહ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ
માડીનો મેઘ બારેમાસ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ
એનો નહીં આથમે ઉજાસ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.
ઈશાની દવે
સાચું કહું તો બહુ ઓછાં ગીતો એવાં છે જે મા પર લખાયાં હોય અને મારી આંખોમાં પાણી લાવી શકતાં હોય. મેં તો બહુ વખત એ જોયું છે કે મા પરનું ગીત વાગે અને પાંચમાંથી ત્રણની આંખમાં આંસુ આવી જાય અને મને એની અસર પણ ન થઈ હોય. એનું કારણ છે. નાનપણથી મેં એક ગીત એવું સાંભળ્યું છે જે ગીત મારે મન માનો પ્રેમ દર્શાવવામાં સૌથી ઊંચી હાઇટ પર છે. આમ તો એ ગીત નહીં પણ કવિતા છે. એના શબ્દો છે ‘બાના સાડલે...’
મારા પપ્પા પ્રફુલ દવે બહુ જાણીતા સિંગર. તેમણે આ ગીત તેમનાં બાને એટલે કે મારાં દાદીને ડેડિકેટ કર્યું હતું. એ ગીતના શબ્દોમાં એટલી સાદગી છે જેટલી સાદગી આપણી મમ્મીમાં હોય. મારાં મમ્મી ભારતીબહેન. સ્વભાવ સાવ એટલે સાવ સરળ. પોતાના બાળકને શું જોઈએ છે એની તેને બધેબધી ખબર હોય, પણ પોતાને શું જોઈએ છે એની તેને ખબર પણ ન હોય. મા એવી જ હોતી હશે અને એટલે જ કદાચ દુનિયામાં ‘મા’ એક એવો શબ્દ છે જે દરેક બાળક સૌથી પહેલાં બોલતાં શીખે છે.
કોઈ પણ બાળકનું અસ્તિત્વ જેના થકી છે એ મા છે. મા સાથે તમે રડી શકો, રમી શકો, ઝઘડી શકો, બોલી શકો, લડી શકો અને દૂર પણ જઈ શકો; પણ આ જ મા છે જેનાથી તમે દૂર ન રહી શકો. મા પર તમે કોઈને નિબંધ લખવાનું કહો તો તે ૧૦૦૦ શબ્દનો નિબંધ લખી નાખે, પણ જો તેને પોતાની મા પર ૧૦૦ શબ્દો લખવાનું કહેવામાં આવે તો લખી ન શકે. મા પોતે એવું જ ઇચ્છે છે અને તેની આ પોતાની નોંધ નહીં લેવાની જે તૈયારી છે એ તૈયારી જ તેને મહાન બનાવે છે. તમારે જોવું હોય તો જોજો, આજે તેને થૅન્ક્સ કહેજો. તે હસીને ચાલી જશે, કારણ કે તેની જરૂરિયાત તમે છો અને તેને એ જ યાદ રહે છે, બીજું કંઈ નહીં.
સ્નેહની સઘળી સુગંધ છલકાય બાના સાડલે,
માયા મમતા મૌન બની જાય બાના સાડલે!
શાંત સરોવર હેતનું લહેરાય બાના સાડલે,
બાળવયની યાદ તાજી થાય બાના સાડલે!
બાની હરદમ હાજરી વરતાય બાના સાડલે,
વાણી ને વિચાર થંભી જાય બાના સાડલે!
મલકની મોટાઈ હળવી થાય બાના સાડલે,
જગતની જંજાળ જંપી જાય બાના સાડલે!
સૃષ્ટિનો સર્જક સંતાઈ જાય બાના સાડલે,
જ્ઞાનીઓનું જ્ઞાન ગોથાં ખાય બાના સાડલે!
ઘમંડીનું હુંપણું હટી જાય બાના સાડલે,
ભક્તિ પણ આળોટવા લલચાય બાના સાડલે!
બા હતી ને રહેશે સદાને, બા હોવી પણ જોઈએ,
આત્માની હાજરી ઓળખાય બાના સાડલે!