મોઢું સુકાઈ જાય ત્યારે
DEMO PIC
હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન
હોળી ગઈ અને હવે ઉનાળો લગભગ શરૂ થઈ ગયેલો ગણાય. ઉનાળામાં શોષ પડે અને મોઢું સુકાય ત્યારે વારંવાર પાણી પીવાની જરૂર પડે. આ મોઢું સુકાવું અલગ છે, પરંતુ જ્યારે ખૂબ તરસ લાગ્યા કરે કે મોઢામાં અંદર ખંજવાળ આવે અને સૂકું હોવાને કારણે અંદરની ચામડી ફાટી ગઈ હોય, હોઠ ફાટી ગયા હોય, મોઢામાં જ નહીં ગળામાં પણ એકદમ સૂકું લાગે, જીભ એકદમ સૂકી અને ખરબચડી થઈ ગઈ હોય કે બોલવામાં, કોઈ વસ્તુનો સ્વાદ લેવામાં, ચાવવામાં કે ગળે ઉતારવામાં તકલીફ થવા લાગી હોય અને બે વાર બ્રશ કર્યા છતાં મોઢામાંથી વાસ આવતી હોય તો એ કોઈ સમાન્ય પરિસ્થિતિ નથી; એ એક રોગ છે. આપણા મોઢાની અંદર લાળગ્રંથિઓ રહેલી છે. આ લાળગ્રંથિઓમાંથી લાળ ઝરે છે. આ લાળ મોઢાને સતત ભીનું રાખવાનું કામ કરે છે. આ લાળનું ઉત્પાદન ઓછું થઈ જાય તો એ પરિસ્થિતિને ડ્રાય માઉથ સિન્ડ્રૉમ કહે છે અને જ્યારે સાવ લાળ બનતી બંધ જ થઈ જાય એને ઝેરોસ્ટોમિયા નામનો રોગ કહે છે.
આ એક એવો રોગ છે જેની પાછળ ઘણાં જુદાં-જુદાં કારણો જવાબદાર હોઈ શકે છે. નિષ્ણાતોના કહેવા મુજબ સામાન્ય રીતે લગભગ ૧૦ ટકા લોકોને ડ્રાય માઉથની તકલીફ રહેતી હોય છે અને જો વૃદ્ધ લોકોની વાત કરવામાં આવે તો ૩૦ ટકા વૃદ્ધોને ડ્રાય માઉથની તકલીફ રહે જ છે. વૃદ્ધોમાં આ તકલીફ વધુ હોવાનું કારણ એ છે કે તેમની ઉંમરને લીધે લાળગ્રંથિમાંથી લાળનું ઉત્પાદન આપોઆપ ઓછું થતું જાય છે. આ એક નૅચરલ પ્રોસેસ છે. મોઢું સૂકું રહેતું હોય તો શી તકલીફ થાય અને એ તકલીફ પાછળ કયાં-કયાં કારણો જવાબદાર છે એ આજે આપણે જોઈશું.
લાળની ઉપયોગિતા
લાળનું કાર્ય શરીરમાં ખૂબ જ મહત્વનું છે. લાળ મોઢાને સતત ભીનું રાખે છે. એ ખોરાક સાથે ભળીને ખોરાકને ચાવવામાં મદદરૂપ થાય છે અને એને કારણે જ ખોરાકને ગળે ઉતારવો સરળ બને છે. લાળ છે તો વ્યક્તિને ખોરાકનો સ્વાદ સારો આવે છે. વ્યવસ્થિત રીતે એ ખોરાકને અન્નનળી મારફત જઠરમાં મોકલે છે. જો લાળ ન હોય તો વ્યક્તિના પાચનમાં પણ તકલીફો ઊભી થઈ શકે છે, કારણ કે લાળમાં રહેલા એન્ઝાઇમ ખોરાક સાથે ભળીને પાચનને પ્રબળ કરે છે. એ સિવાય ખોરાકનો સ્વાદ પણ આવતો નથી માટે આવી વ્યક્તિને સમય જતાં ખાવાનું ભાવતું નથી અને તે ખોરાક લેવાનું ટાળે છે. ખાય તો પણ તેમને ખોરાકનો સંતોષ મળતો નથી, જેની સીધી અસર તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. આ ઉપયોગિતાની સાથે બીજી જરૂરી બાબતો જણાવતાં ડેઝલ ડેન્ટલ, બાંદરાના ડેન્ટિસ્ટ ડૉ. રાજેશ શેટ્ટી કહે છે, ‘લાળ છે તો મોઢામાં બૅક્ટેરિયાને કારણે જે ઍસિડનો અટૅક થતો હોય એ ન થાય, કારણ કે લાળ એ ઍસિડને ન્યુટ્રલ કરી દે છે. એને લીધે મોઢામાં બૅક્ટેરિયાનો ગ્રોથ થતો નથી અને મોઢામાં જે રહ્યા-સહ્યા ખોરાકના કણો છે એ પણ લાળ દ્વારા ગાળામાં ઊતરી જાય છે. આમ લાળ ન હોય તો ખોરાકના કણો દાંતમાં ચોંટી જાય છે, જેને કારણે સડો થવાની પૂરી શક્યતા છે. ડ્રાય માઉથની જે લોકોને તકલીફ હોય તેમને દાંતનો સડો, પેઢાંના રોગ, મોઢામાં ઇન્ફેક્શન અને મોઢામાંથી વાસ આવવાની તકલીફો થઈ શકે છે. આમ આ પોતે એક પ્રૉબ્લેમ છે એટલું જ નહીં, બીજા પ્રૉબ્લેમ્સનું કારક પણ બને છે.’
દવાઓને લીધે
મહત્વની વાત એ છે કે ડ્રાય માઉથની તકલીફ ઘણાં જુદાં-જુદાં કારણોને લીધે થાય છે. વ્યક્તિને ડ્રાય માઉથની તકલીફ કયા કારણે થઈ છે એ જાણ્યા બાદ જ ઇલાજ શક્ય છે. ઘણાં કારણોમાંનું એક કારણ છે કેટલીક ખાસ દવાઓની સાઇડ-ઇફેક્ટ. એ વિશે વાત કરતાં ડૉ. રાજેશ શેટ્ટી કહે છે, ‘મોટા ભાગે સાઇકિયાટ્રિક ઇલાજમાં વપરાતી દવાઓને કારણે ડ્રાય માઉથનો પ્રૉબ્લેમ આવે છે. ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, સાઇકોટિક ડિસઑર્ડરમાં વપરાતી દવાઓ ડ્રાય માઉથ માટે જવાબદાર બને છે. આ સિવાય દુખાવામાં લેવાતી દવાઓ, અસ્થમા કે ઍલર્જીની દવાઓ, શરદીમાં લેવાતી ઍન્ટિ-હિસ્ટેમાઇન અને ડીકન્જેસ્ટન્ટ દવાઓ પણ ડ્રાય માઉથ માટે જવાબદાર બની શકે છે. પાર્કિન્સન્સ ડિસીઝ, ઍક્ને, એપિલેપ્સી, હાઇપરટેન્શન, ડાયેરિયા, ઊલટીની દવાઓની સાઇડ-ઇફેક્ટને કારણે પણ ડ્રાય માઉથ થઈ શકે છે. મસલ્સને રિલૅક્સ કરવા માટે વપરાતી દવાઓ અને સેડેટિવ્ઝ પણ મોઢાને સૂકું કરી શકે છે.’
ઇન્ફેક્શન અને ટ્રીટમેન્ટને લીધે
કેટલાક રોગો અને કેટલાક રોગોનો ઇલાજ પણ ડ્રાય માઉથ માટે જવાબદાર બને છે એમ જણાવતાં ડૉ. રાજેશ શેટ્ટી કહે છે, ‘જોગ્રન્સ સિન્ડ્રૉમ નામનો એક રોગ છે, જેમાં વ્યક્તિના મોઢામાં લાળ બનવાનું બંધ થઈ જાય છે. આ સિવાય HIV કે AIDS, ઑલ્ઝાઇમર્સ, ડાયાબિટીઝ, એનીમિયા, રૂમૅટૉઇડ આર્થરાઇટિસ, સિસ્ટિક ફાઇબ્રોસિસ, પાર્કિન્સન્સ, સ્ટ્રોક અથવા ગાલપચોળિયાં થાય ત્યારે પણ વ્યક્તિનું મોઢું સૂકું થઈ જાય છે. બાકી કૅન્સરના ઇલાજ દરમ્યાન અપાતી કીમોથેરપીને કારણે પણ ડ્રાય માઉથની તકલીફ થઈ શકે છે. માથાથી લઈને ગળા સુધીના એરિયામાં કોઈ નર્વ ડૅમેજ થઈ હોય તો પણ આ રોગ થાય છે. જ્યારે અચાનક ડીહાઇડ્રેશન થાય ત્યારે પણ આ રોગ થઈ શકે છે. લાળગ્રંથિમાં કોઈ તકલીફ થઈ હોય, જેમ કે એમાં સ્ટોનનો પ્રૉબ્લેમ થયો હોય અને બ્લૉકેજ થયું હોય તો પણ આ રોગ થઈ શકે છે. આ ઉપરાંત સ્મોકિંગ અને તમાકુ ચાવવાથી પણ ડ્રાય માઉથ થઈ શકે છે. જે લોકોને મોઢું ખુલ્લું રાખીને સૂવાની આદત હોય તેમને આ તકલીફ વધી શકે છે.’
ઇલાજ
ડ્રાય માઉથનો ઇલાજ જરૂરી છે. એ વિશે વાત કરતાં ડૉ. રાજેશ શેટ્ટી કહે છે, ‘જો કોઈ દવાને કારણે આ રોગ થયો હોય તો એ દવા ખાવાની બંધ કરીએ ત્યારે આ તકલીફ આપોઆપ ઠીક થઈ જાય છે. આ જ રીતે કોઈ રોગને કારણે કે કોઈ ટ્રીટમેન્ટને કારણે આ રોગ થયો હોય તો એ થોડા સમય પૂરતો જ રહે છે. રોગ ઠીક થાય કે ટ્રીટમેન્ટ પૂરી થાય એટલે આ પ્રૉબ્લેમ આપોઆપ જતો રહે છે, પરંતુ એ દરમ્યાન મોઢાને ભીનું રાખવા માટે અમુક ગોળીઓ આવે છે જે લાળને વધારવામાં મદદ કરે છે. સામાન્ય શુગર-ફ્રી કૅન્ડી ચગળવાથી પણ ફાયદો થઈ શકે છે. આ દરમ્યાન પાણી વધુ પીવું જોઈએ. હંમેશાં નાકથી fવાસ લેવાની આદત કેળવવી જોઈએ. લાળનું પ્રોડક્શન વધારે એવી દવાઓ પણ ઉપલબ્ધ છે, જ્યારે તકલીફ વધુ હોય ત્યારે ડૉક્ટરની સલાહ મુજબ એ લઈ શકાય. આ દરમ્યાન દાંતને વ્યવસ્થિત સાફ રાખવા અને કાળજી લેવી કે ઇન્ફેક્શન ન થાય. જો તકલીફ લાળગ્રંથિ સંબંધિત હોય તો ગણી વાર સર્જરી પણ કરવી પડે છે.’
હેલ્થ-ડિક્શનરી
હાડકાં મજબૂત છે કે પોલાં એ તપાસવા માટે છે બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ
આપણાં હાડકાં જો સ્વસ્થ હોય તો એ સ્ટીલ કરતાં પણ પાંચગણા મજબૂત હોય છે. જોકે આપણે ત્યાં તો જોવા મળે છે કે જરાક પડવા-આખડવા પર હાડકાંમાં ક્રૅક પડી જવી, મણકો ખસી જવો, હાડકું તૂટી જવું જેવી સમસ્યાઓ થઈ જાય છે. સખત હોવા છતાં જરા અમથું વાગવાથી હાડકું ભાંગી જાય એવો વિરોધાભાસ કેમ? એનું કારણ એ છે કે આપણે હાડકાંને મજબૂત કરવા માટે ખાસ ધ્યાન નથી આપતા.
ઉંમરની સાથે-સાથે હાડકાંની અંદરનું સ્ટ્રક્ચર સખત અને સ્ટ્રૉન્ગ રહેવાને બદલે એમાં ચાળણી જેવાં છિદ્રો થવા લાગે છે. શરૂઆતમાં આ બદલાવ નજરે જોઈ શકાય એવો નથી હોતો, પણ વ્યક્તિ ફીલ જરૂર કરી શકે છે. પૂરતાં મિનરલ્સનું પોષણ ન મળવાથી તેમ જ હાડકાંનો વપરાશ ઘટવાથી એની ક્ષમતાઓ ઘટવા લાગે છે. હાડકાંમાંનાં અન્ય મિનરલ્સનું માપ કાઢવાની ટેસ્ટ હજી નથી શોધાઈ, પણ કૅલ્શિયમ ખનિજની માત્રા ખાસ પ્રકારના એક્સ-રે દ્વારા શોધી શકાય છે જેને બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ કહે છે. રિપોર્ટમાં બોન ડેન્સિટી સ્કોર એકથી માઇનસ એક હોય તો એ નૉર્મલ ગણાય. માઇનસ એકથી માઇનસ ૨.૫ જેટલો સ્કોર લો બોન ડેન્સિટી કહેવાય. જેમને માઇનસ ૨.૫થી માઇનસ પાંચ જેટલો સ્કોર હોય તેમને ઑસ્ટિઓપોરોસિસ નામનો હાડકાં ગળવાનો રોગ થયો હોવાનું કહેવાય. એથીયે માઇનસ સ્કોરમાં વ્યક્તિનાં હાડકાં સાવ જ બટકણાં હોય છે.
ડૉક્ટરો ૪૦ વર્ષ પછી મહિલાઓને બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ દર ચાર-પાંચ વર્ષે કરાવતા રહેવાનું કહે છે. બોન મિનરલ ડેન્સિટી જાળવી રાખવી હોય તો કૅલ્શિયમ મળે એવો ખોરાક અને સૂર્યનો કુમળો તડકો નિયમિત લેવો જોઈએ.

