શાકાહારી છો તો રોજ સવારે નાસ્તામાં ખાઓ દૂધ અને ખજૂર
શિયાળા દરમ્યાન ખોરાકમાં ખજૂરનો યોગ્ય સમાવેશ કરવામાં આવે તો તબિયત બની શકે છે. કાબોર્હાઇડ્રેટ્સ, લોહ, કૅલ્શિયમ અને ફૉસ્ફરસ જેવાં ખનિજતત્વોથી ભરપૂર ખજૂર પાંડુરોગ અને ટીબીના દરદીઓ માટે નવજીવન બક્ષનાર ગણાય છે.
ખજૂરનો મુખ્ય પાક અરબસ્તાન, ઈરાન અને એની આસપાસના દેશોમાં વધારે થાય છે. આપણે ત્યાં ખજૂરીનાં વૃક્ષો ઊગે છે ખરાં, પણ એને ફળ નથી બેસતાં. અહીંનાં વૃક્ષો પર ઊગતાં ખજૂરનાં ફળોને પકવવાની રીતને કારણે પણ ભારતમાં બહુ સારાં ફળ નથી થતાં. ખજૂર પોતે જ એટલી મીઠી હોય છે કે એમાં સાકર ઉમેરવાની જરૂર નથી હોતી. આજકાલ તો ખજૂરનો અન્ય મીઠાઈઓમાં નૅચરલ સ્વીટનર તરીકે ઉપયોગ પણ થાય છે. આ એક હેલ્ધી ઑપ્શન છે જે જરૂર અપનાવવો જોઈએ.
ભરપૂર પોષક તત્વો
ખજૂરમાં રહેલાં પોષક તત્વો વિશે જાણીતાં ડાયટિશ્યન ડૉ. યોગીતા ગોરડિયા કહે છે, ‘સ્વાદમાં અત્યંત સ્વીટ ટેસ્ટ ધરાવતા આ ફળમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન, ફાઇબર, મેગ્નેશ્યમ, ક્રોમિયમ જેવાં વિવિધ મિનરલ્સ મબલક પ્રમાણમાં આવેલાં છે. એ શરીરમાં રક્તકણો વધારે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પાચનશક્તિ સુધારે છે તેમ જ સ્કિન-ટાઇટનિંગ માટે એ ખૂબ સારી ગણવામાં આવે છે.’
શાકાહારીઓ માટે ખાસ
ખજૂરમાં રહેલા આયર્નના ભરપૂર જથ્થાને કારણે શાકાહારી લોકોએ તો આ સીઝનમાં ખજૂર ખાસ ખાવાં જોઈએ એમ જણાવીને ડૉ. યોગીતા ગોરડિયા કહે છે, ‘આ સીઝનમાં શાકાહારીઓએ ખજૂર અને દૂધનો નાસ્તો અચૂક કરવો જોઈએ. એમાં રહેલું આયર્નનું ભરપૂર પ્રમાણ શરીરનો રેઝિસ્ટન્સ પાવર વધારે છે. એની સાથે દૂધ લેવાથી ખજૂર શરીરમાં બરાબર શોષાય છે એટલે એમાં જે પણ પોષક તત્વો છે એનો પૂરેપૂરો લાભ શરીરને મળે છે. શિયાળામાં થતી શરદી, બ્રૉન્કાઇટિસ, અસ્થમા જેવી તકલીફો સામે રક્ષણ મેળવવા ખજૂર રામબાણ ઇલાજ છે. ડાયાબિટીઝના પેશન્ટ પણ દિવસમાં બેથી ત્રણ ખજૂર ખાય તો નુકસાન નથી થતું.’
કેવી રીતે ખાશો?
કબજિયાત : કાયમની કબજિયાત હોય અને જુલાબની ગોળીઓ બદલી-બદલીને કંટાળ્યાં હો તો રોજ રાતે સૂતી વખતે ચારથી પાંચ પેશી ખજૂર ધોઈ ઠળિયા કાઢી એમાં થોડુંક ગાયનું ઘી ભરીને ચાવી-ચાવીને ખાવી.
જો ખજૂર ખાવી ન હોય તો બપારે પલાળી રાખેલી ખજૂરની પેશીઓને મસળીને એનું પાણી પી જવું. એનાથી મળને આગળ ધકેલવામાં મદદ થાય છે.
બાળકોના વિકાસ માટે : ઓછું વજન હોય, હાઇટ વધતી ન હોય, બુદ્ધિ મંદ હોય, શરીરનો બાંધો નબળો હોય એવાં બાળકોને શિયાળાના ચાર મહિના ખજૂરપાક જરૂર ખવડાવવો. ખજૂરને ધોઈ, દૂધમાં પલાળીને માવો બનાવી લેવો. માવો ઘીમાં શેકીને એમાં લીંડીપીપર, એલચી, જાવંત્રી નાખીને ઠારી લો. એના બે ટુકડા રોજ સવારે દૂધ સાથે બાળકોને ખવડાવવાથી શરીરનો બાંધો મજબૂત થશે અને બુદ્ધિ વિકસશે.
અરબસ્તાનના લોકોનો મુખ્ય ખોરાક ખજૂર હોય છે. એ લોકોની હાઇટ અને બાંધો કદાવર હોય છે એનું કારણ ખજૂર છે. જો માબાપની હાઇટ ઓછી હોય અને બાળકનો વિકાસ મંદ હોય તો બાળક રમતું થાય ત્યારથી જ ખજૂરપાકના ટુકડા સવાર-સાંજ આપવાનું શરૂ કરવું. જો ખજૂરપાક ન બનાવી શકાય તો ખજૂરના ઠળિયા કાઢી એમાં છલોછલ ઘી ભરીને રાખવું. રોજ આવી બેથી ત્રણ પેશી ખજૂર સવારે ઊઠીને નરણા કોઠે ચાવી-ચાવીને ખાવાથી હાઇટ અને વેઇટ બન્ને વધે છે. એ માત્ર મેદ નથી હોતો, પરંતુ શરીર અંદરથી મજબૂત થાય છે.
ખજૂર અને ઘી : ફેફસાંનો ટીબી હોય એવા અને એચઆઇવી પૉઝિટિવના દરદીઓએ સવાર-સાંજ નિયમિત પાંચથી દસ પેશી ખજૂર ધોઈ એમાં સફેદ માખણ અથવા તો ગાયનું ઘી ભરીને ખાવી. એના પર એક ગ્લાસ સૂંઠ અને કાળાં મરી નાખીને ઉકાળેલું દૂધ પી જવું. એનાથી દવાની આડઅસરો ઘટે છે, શરીરમાં રક્તકણોની સંખ્યા સુધરતાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વજન પણ વધે છે.
હૃદયરોગની તકલીફ હોય તો રોજ સવારે ચારથી પાંચ પેશી ઠળિયા કાઢેલાં ખજૂરની સાથે ગુલકંદ કે આમળાનું ચ્યવનપ્રાશ ખાવું. એના પર સૂંઠવાળું એક કપ દૂધ પીવાથી હૃદયની સાથે સંકળાયેલી શિરાઓ અને ધમનીઓ મજબૂત બને છે. આને કારણે હૃદયનું પમ્પિંગ સુધરે છે અને લોહીનું પ્રસરણ કરવાની શક્તિ નિયમિત બને છે.
કિડનીની તકલીફ હોય અથવા તો યુરિનમાં ખનિજતત્વો જતાં હોય કે હાથે-પગે સામાન્ય સોજા વર્તાતા હોય તો રોજ રાતે ચારથી પાંચ પેશી ખજૂર ગાયના દૂધ સાથે ચાવી-ચાવીને ખાવામાં આવે એ જરૂરી છે.
ખજૂરનું શરબત : સારી જાતના ખજૂરની પેશીઓ બરાબર ધોઈ ઠળિયા કાઢીને ત્રણગણા પાણીમાં રાતભર પલાળી રાખવી. બીજા દિવસે બપોરે એને ચોળીને એમાં એક લીંબુનો રસ તેમ જ ચપટીક સિંધાલૂણ, સંચળ, કાળાં મરી નાખીને પી જવું.
પાચનની તકલીફ કે અરુચિ હોય અને ભૂખ ન લાગતી હોય ત્યારે આ શરબત નિયમિત પીવાથી ફાયદો થાય છે.
અવારનવાર સાંધા જકડાઈ જતા હોય અને વાનો સોજો પરેશાન કરતો હોય તો લીંબુના રસને બદલે આદુંનો રસ નાખીને પીવું.


