Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ભરઊંઘમાં દાંત કચકચાવો છો?

ભરઊંઘમાં દાંત કચકચાવો છો?

Published : 29 June, 2012 06:36 AM | IST |

ભરઊંઘમાં દાંત કચકચાવો છો?

ભરઊંઘમાં દાંત કચકચાવો છો?


teeth-sleepરુચિતા શાહ

ઘણા લોકોને રાત્રે નસકોરાં બોલાવવાની આદત હોય છે. ભરઊંઘમાં જે ખરાટા લેતું હોય તેને તો કોઈ ફરક ન પડે, પણ તેની આજુબાજુના લોકોની ઊંઘ હરામ થઈ જાય. આવી જ એક આદત છે ઊંઘમાં દાંત કચકચાવવાની. વ્યક્તિ જ્યારે ભરઊંઘમાં હોય ત્યારે  અજાણતાં ઉપર-નીચેના દાંત પરસ્પર ભીંસવાની કે સતત દાંતને કકડાવવાની ટેવ પડી જાય છે. એ વ્યક્તિને પોતાને તો એની ખબર પણ ન પડે. જોકે તેની આજુબાજુમાં સૂનારા લોકો દાંતના કચકચાટભર્યા અવાજથી ચોક્કસ કંટાળી જાય. ટીથ ગ્રાઇન્ડિંગ કે બ્રુક્સિઝમ તરીકે ઓળખાતી આ ટેવથી દાંતને ભારે નુકસાન થઈ શકે છે. તમારા મોતી જેવા દાંત માટે ભયજનક આ આદતનું પ્રમાણ આજકાલ લોકોમાં વધેલું જોવા મળ્યું હોવાથી એના વિશે વિગતમાં વાત કરીએ.



બાળકોમાં હોય


બાળકોમાં દાંત કચકચાવવાની આદત હોય છે. પણ બાળક જેમ-જેમ મોટું થતું જાય એમ આપમેળે જ આ હેબિટ છૂટવા માંડે છે. એટલે એની બાળક પર કોઈ પર્મનન્ટ ઇફેક્ટ દેખાતી નથી, પરંતુ કેટલાંક બાળકો દાંત કકડાવવાની આદત આગળ પણ ચાલુ રાખે છે જેનું સંભવિત કારણ દાંતનો વ્યવસ્થિત ગ્રોથ ન થયો હોય અને ઊંચી-નીચી દાંતની પૅટર્નના કારણે પણ આવું થાય છે.

ડેન્ટલ સર્જયન ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘બ્રુક્સિઝમને કારણે દાંતને ઘસારો પહેાચે છે. અમારી પાસે આવતા દાંતના દર ચાર દરદીઓમાંથી એકને આ પ્રકારની સમસ્યા હોય છે. થોડા સમય પહેલાં એક ભાઈ તેમની વાઇફના દાંતના પ્રૉબ્લેમ માટે આવેલા. તે વાત કરતા હતા ત્યારે તેમના દાંત પર નજર ગઈ ત્યારે ખબર પડી કે તેમના દાંત એકદમ ઘસાઈ ગયા હતા. એમની સ્થિતિ એક્સ્ટ્રીમ હતી અને તેમને પોતાને પણ એની ખબર પડી નહોતી. દાંત ૩૨ છે કદાચ એકાદમાં તકલીફ ઊભી થઈ તો પણ શું એ માનસિકતાને કારણે મોટે ભાગે આપણે ત્યાં દાંતનાં પ્રોબ્લેમ્સને લોકો અવૉઇડ કરતા હાય છે.’


બ્રુક્સિઝમની નિશાની

દાંતના ઉપર-નીચેનાં ચોકઠાંને સતત પરસ્પર ટકરાવવાની ક્રિયા એટલે બ્રુક્સિઝમ. ડૉ. કામદાર કહે છે, ‘દાંતની એવી કોઈ પણ મૂવમેન્ટ જેને લીધે અવાજ થાય, દાંત કકડાવવા, પરસ્પર ભીંસવા, કચકચાવવા વગેરે બ્રુક્સિઝમની નિશાની છે. સામાન્ય કરતાં મિનિટમાં ૧૪થી વધુ વખત દાંતની આવી મૂવમેન્ટ એ વ્યક્તિ કરે છે. આ સિવાય આ આદત ધરાવતા લોકોમાં નખ ચાવવાની, પેન્સિલ ચબાવવાની ટેવ પણ હોય છે. આ બધાની તાત્કાલિક અસર એટલે પેઢામાં દુખાવો થવો, માથાનો દુખાવો થવો, દાંતમાં ઘસારો થવો વગેરે છે. ઘણા લોકોની અવારનવાર જીભ ચવાઈ જતી હોય છે, તેમને પણ બ્રુક્સિઝમ હોઈ શકે છે.’

મુખ્ય કારણો

સ્ટ્રેસ એ આ બીમારીનું મુખ્ય કારણ છે. સતત ગુસ્સામાં રહેનાર, ફ્રસ્ટ્રેશન કે કોઈ જાતની પીડાનો અનુભવ કરનારા માણસને બ્રુક્સિઝમ થવાના ચાન્સ વધારે છે. ડૉ. કામદાર ઉમેરે છે, ‘આજકાલ કૉમ્પિટિશન વધી છે એમ લોકોમાં જાતજાતની બીમારી વધી છે. બ્રુક્સિઝમ એમાંની એક છે. સતત સ્પર્ધામાં આગળ રહેવાની મનોદશા અને ઉતાવળિયો નેચર ધરાવતા લોકાને પણ આ ટેવ પડી શકે છે.’

ટ્રીટમેન્ટ

દાંત કચકચાવવાની આદતથી છુટકારો મેળવવા પેશન્ટને અપાતી સારવાર વિશે ડૉ.કામદાર કહે છે, ‘ટ્રીટમેન્ટ તો પેશન્ટની કન્ડિશન પર આધાર રાખે છે. શરૂઆતનો સ્ટેજ હોય તો પેશન્ટમાં બિહેવિયરલ ચેન્જિસ લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. બે દાંતની વચ્ચે જીભ રાખીને જીભને આરામ કરવા માટે ટ્રિક્સ શીખવીએ છીએ. પ્રૉબ્લેમ વધુ સિવિયર હોય ત્યારે પેશન્ટને નાઇટ ગાર્ડ એટલે કે ટ્રાન્સપરન્ટ થમોર્પ્લાસ્ટિકનું મટીરિયલનું આવરણ પહેરવાની સલાહ આપીએ છીએ. આ દાંતના ચોકઠા જેવું જ હોય જેને પહેરીને સૂઈ જવાનું. રાત્રે જો તમે દાંત કચકચાવો તો એની સીધી અસર દાંત પર ન પડે. તેમ જ એનટીઆઇ એસએસ નામનું એક પ્લાસ્ટિકનું ડિવાઇસ હોય છે જે ઉપર-નીચેના, આગળની સાઇડના દાંત વચ્ચે રાખવાનું હોય છે જેથી પાછળના દાંત ખુલ્લા રહે. પેશન્ટ દિવસના સમયે આ પહેરે અને આગળના દાંત કકડાવે તો પણ પાછળના દાંત પર ઘસારો ન પહોંચે. આ સિવાય એક્સ્ટ્રીમ કેસમાં રૂટ કેનાલ, ક્રાઉન્સ, બ્રિજિસ, ઇમ્પ્લાન્ટ અને આખું ચોકઠું જ નવું બેસાડવું જેવી ટ્રીટમેન્ટનો સહારો પણ લેવો પડે છે.’

શું ધ્યાન રાખશો?

કોઈ પણ જાતના સ્ટ્રેસથી દૂર રહો. નિયમિત કસરત અને મેડિટેશન કરો. બગડેલી લાઇફસ્ટાઇલને કારણે જ આવા અનેક જાતના રોગ થાય છે. એટલે એમાં પરિવર્તન લાવવું જોઈએ. કૉફી, કેફેઇન અને આલ્કોહોલ બંધ કરી દેવા. ચ્યુઇંગ-ગમ, ચૉકલેટ જેવા પદાથોર્ પણ ન ખાવા. સભાનપણે મોઢાને લગતી કોઈ પણ ખરાબ આદતને છોડવાનો માઇન્ડ સેટ બનાવવો જોઈએ. તેમ જ દર છ-આઠ મહિને ડેન્ટલ ચૅક-અપ કરાવવું જોઈએ. કારણ કે દાંતની તકલીફો શરૂઆતમાં ધ્યાનમાં નથી આવતી. એટલે જો શરૂઆતમાં જ એની તપાસ થાય તો તકલીફ વધે એ પહેલાં જ એને કાબુમાં લઈ શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2012 06:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK