જાણો છો મૅગીમાં વપરાતું MSG અને સીસું કેટલું ખતરનાક છે?

ADVERTISEMENT
સેજલ પટેલ
હજી ગયા અઠવાડિયે લખનઉના ફૂડ સેફ્ટી ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા મૅગીમાં મોનોસોડિયમ ગ્લુટામેટ અને સીસાનું પ્રમાણ સ્વીકૃત માત્રા કરતાં લગભગ સાતગણું હોવાનો રિપોર્ટ બહાર પડતાં મૅગીરસિયાઓમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. નેસ્લે કંપનીએ મૅગીનાં લાખો પૅકેટ્સ માર્કેટમાંથી પાછાં ખેંચ્યાં છે, પણ હવે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ મૅગીનાં સૅમ્પલ્સનું પરીક્ષણ થવાનો આદેશ મળ્યો છે. આ વખતે મામલો એટલો ગરમાયો છે કે મૅગી પર પ્રતિબંધ આવી શકે છે.
પ્રતિબંધ આવવો જોઈએ કે કેમ એ તો પૉલિસીનો વિષય છે, પણ આપણા સ્વાસ્થ્યની જવાબદારી આપણી પોતાની જ છે. જો ખબર પડે કે કોઈ ખાદ્યચીજમાં શરીરને ખોખલું કરી નાખે એવાં રસાયણો ભરેલાં છે તો શું એ ચીજો આપણે ખાવી જોઈએ ખરી? મૅગીમાંથી મોનોસોડિયમ ગ્લુટામેટ અને સીસું પ્રમાણિત કરતાં વધુ માત્રામાં હતું, પણ હકીકતમાં આ રસાયણો એવાં છે જે થોડીક માત્રામાં પણ શરીર માટે હાનિકારક છે. આમ તો ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા અમુક સંજોગોમાં ૩ ગ્રામ જેટલું મોનોસોડિયમ ગ્લુટામેટ નાખવાની પરવાનગી આપેલી છે, પણ ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘આ બે ચીજો શરીર માટે જરાય જરૂરી નથી. એનાથી કોઈ પોષણ નથી મળતું. બલકે શરીરનાં પોષકતત્વો એના કારણે શોષાઈ જાય છે અને શરીરના વિકાસમાં ગરબડ પેદા થાય છે એવી ચીજો થોડીક માત્રામાં પણ શા માટે ખાવી જોઈએ?’
MSG છે શું?
ટૂંકમાં MSG તરીકે ફેમસ આ એક પ્રકારનું સૉલ્ટ છે જેનું રાસાયણિક નામ છે મોનોસોડિયમ ગ્લુટામેટ. ગ્લુટામિક ઍસિડની સોડિયમ સાથે પ્રક્રિયા કરવાથી જે ક્રિસ્ટલ પદાર્થ મળે છે એને મોનોસોડિયમ ગ્લુટામેટ કહે છે. ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘MSG કુદરતી રીતે ટમેટાં, પાર્મેસન ચીઝ, મશરૂમ્સ અને સૉય સૉસ જેવી ચીજોમાંથી મળે છે; પણ એ એટલી હાનિકારક નથી હોતી. જ્યારે એને રાસાયણિક પ્રક્રિયાથી બનાવીને કોઈ ખાદ્ય ચીજમાં ઉમેરવામાં આવે છે ત્યારે એ હાનિકારક નીવડે છે.’
મોટા ભાગે આ રસાયણ કોઈ પણ ચીજને ઝડપથી ચડાવવા માટે અને વાનગીનો આકર્ષક રંગ જાળવી રાખવા માટે વપરાય છે. ખારો, ખાટો, મીઠો અને તૂરો એમ બધા જ સ્વાદનું મિશ્રણ કરીને બનતા યુનિક ટેસ્ટને કારણે એ સૌને ભાવે છે.
ઇન્સ્ટન્ટ ચીજો પણ નુકસાનકારક
મૅગી બે મિનિટમાં ઝટપટ બની જાય છે એટલે જ રાંધવાનો કંટાળો ધરાવતા લોકોની ફેવરિટ છે. સ્ટુડન્ટ્સ કે પ્રોફેશનલ એકલા રહેતા હોય ત્યારે ઈઝીએસ્ટ રસ્તો મૅગી બનાવી લેવાનો છે. જોકે એ બે મિનિટમાં બની જાય છે એ જ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એમ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે ‘માત્ર મૅગી જ નહીં, કોઈ પણ ઇન્સ્ટન્ટ ચીજ જે ચુટકી બજાવતાંમાં તૈયાર થઈ જાય એવા રેડી ટુ ઈટ પૅકમાં વધતેઓછે અંશે મોનોસોડિયમ ગ્લુટામેટ હોવાનું જ. પાસ્તા, પીત્ઝા, ઇન્સ્ટન્ટ ઓટ્સ એમ જ ચીજો હાનિકારક છે. નવાઈની વાત એ છે કે મોટા ભાગના દેશોમાં એના પર પ્રતિબંધ હોવા છતાં રેસ્ટોરાંઓમાં એનો હજીયે ભરપૂર ઉપયોગ થાય છે. મોટા ભાગે લોકો નાસ્તામાં નહીં, ડિનરમાં જ મૅગી ખાઈ લેતા હોય છે; જેને કારણે શરીરને ઓવરઑલ ન્યુટ્રિશન મળતું નથી.’
MSGની હાનિકારક અસરો
મોનોસોડિયમ ગ્લુટામેટ શરીરમાં જાય એટલે અત્યંત અનઈઝીનેસ પેદા કરે છે એ વિશે ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘એનાથી માથાનો દુખાવો, થાક, ઍસિડિટી, પાચનમાં સમસ્યા, ઝાડા અને કબજિયાત, અલ્સરેટિવ કોલાઇટિસ, ઊબકા-ઊલટી, ઇરિટેશન અને ચંચળતા જેવી ફરિયાદો રહે. હાર્ટ-રેટ વધી જાય, બ્લડ-પ્રેશર વધે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે. આંખો ડૅમેજ થાય અને અપૂરતા પોષણને કારણે મગજના વિકાસમાં અવરોધ પેદા કરે. શરીરમાં ઓવરઑલ ચરબીનું પ્રમાણ વધે. એટલું જ નહીં, એનાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી હોવાથી અને આંતરડાંની અંત:ત્વચાને ઇરિટેટ કરતું હોવાથી આંતરડાંનું કૅન્સર કરી શકે છે. કેટલાક ઍલર્જિક લોકોને એનાથી અસ્થમાનું જોખમ પણ વધે છે.’
સીસાની આડઅસરો
મૅગીમાંથી સ્વીકૃત માત્રા કરતાં સાતગણું સીસું મળી આવ્યું છે, જે અત્યંત હાનિકારક બની શકે છે. સીસું શ્વાસમાં લેવામાં આવે કે ફૂડ દ્વારા પેટમાં ડાયરેક્ટ જાય, બન્ને રીતે એ શરીર માટે અત્યંત ઝેરી સાબિત થાય છે. બાળકોને બહુ મૅગી ભાવે છે પણ એમાંનું સીસું બાળકના બ્રેઇન માટે અત્યંત હાનિકારક છે. યોગિતા ગોરડિયા કહે છે, ‘સીસું સૌથી માઠી અસર ચેતાતંત્ર અને મગજના વિકાસ પર કરે છે. એનાથી નાનાં બાળકો અત્યંત હાઇપર થઈ જાય છે. સીસું અત્યંત સૂક્ષ્મ માત્રામાં પણ ટૉક્સિક છે. ખાસ કરીને છ વર્ષથી નાના બાળકના શરીરમાં સીસું જાય તો એની માઠી અસર મગજના વિકાસ પર પડે અને ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટ ઘટાડે. મગજ અત્યંત ચંચળ થઈ જાય. છ વર્ષથી મોટી વયનાં બાળકોમાં હાથ-પગનું હલનચલન અને મગજ વચ્ચેનું કો-ઑર્ડિનેશન ઘટાડે. મતલબ કે બાળક કરવા કંઈક ઇચ્છતું હોય, પણ શરીરની મૂવમેન્ટ કેવી રીતે કરવાની એની તેને સમજણ ન પડે. પેન્સિલ પકડતાં તકલીફ થાય, ઝીણા દાણા પકડવામાં તકલીફ પડે. વારંવાર ગબડી પડે કે અથડાઈ પડે. આ બધાં લક્ષણો જેમ-જેમ વય મોટી થતી જાય એમ વધુ વકરે.’
સીસું ફૂડ પ્રોડક્ટ્સ ઉપરાંત પેઇન્ટ, પોલ્યુશન અને ઇન્ડસ્ટ્રિઅલ વેસ્ટ પ્રોડક્ટ્સને કારણે શ્વાસ વાટે પણ શરીરમાં જઈ શકે છે. એમાં વળી પાણી કે ખોરાકમાં સીસું હોય તો એ વધુ હાનિકારક બને છે. યોગિતા ગોરડિયા કહે છે, ‘મિડલ-એજની વ્યક્તિઓ પણ વધુ માત્રામાં સીસાનું સેવન કરે તો ચેતાતંતુઓમાં સંવેદનાવહનની ગરબડ થાય. મોટી ઉંમરે બ્રેઇનનો બૉડી પરનો કન્ટ્રોલ ઘટી જાય. પડવું-આખડવું વધી જાય. તમે ઇચ્છતા હો એ મુજબ હાથ-પગ હલી ન શકે. સીસું ફર્ટિલિટી ઘટાડે છે. એટલે યંગ એજમાં કન્સીવ કરવા ઇચ્છતી યુવતીઓ મૅગી કે સીસું ધરાવતી ચીજોનું સેવન કરે તો તકલીફ પડે છે. પ્રેગ્નન્સી ધારણ થયા પછી ગર્ભસ્થ બાળકના બ્રેઇનના વિકાસમાં પણ સીસાથી અવરોધ પેદા થાય છે.’
લિવર અને કિડનીનું કૅન્સર થવાનું જોખમ સીસાને કારણે વધે છે એમ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘આ ધાતુને શરીરમાંથી કાઢવા માટે લિવર અને કિડનીને વધુ મહેનત કરવી પડે છે. એ છતાં સીસું બહાર નીકળતાં પહેલાં આ બે મુખ્ય અવયવો પર ઝેરી અસરો કરી જાય છે.’
ખબર કેવી રીતે પડે?
MSG વિવાદાસ્પદ રસાયણ હોવાથી કોઈ પ્રોડક્ટના ઇન્ગ્રીડિયન્ટ્સમાં ડાયરેક્ટલી એનો ઉલ્લેખ નથી હોતો. તો પછી ખબર કેવી રીતે પડે કે એમાં કેમિકલ છે કે નહીં? યોગિતા ગોરડિયા કહે છે, ‘પૅક પર કદી MSG નથી લખેલું હોતું, પણ હાઇડ્રોલાઇઝ્ડ પ્રોટીન્સ, ગ્લુટામેટ, જિલેટિન, યીસ્ટ એક્સ્ટ્રૅક્ટ એવું લખેલું હોય છે. હાઇડ્રોલાઇઝ્ડ પ્રોટીન્સમાં મોનોસોડિયમ ગ્લુટામેટ હોય છે એટલે એનો અલગથી ઉલ્લેખ કરવાની ફૂડ એજન્સી ફરજ પાડી શકે એમ નથી. જો તમારે પ્લ્ઞ્થી બચવું હોય તો ઉપરોક્ત ચીજો લખી હોય એનું ધ્યાન રાખવું.’
