દૂધની સાથે શું ન ખવાય?
હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન
આયુર્વેદ માને છે કે જ્યારે તમારો ખોરાક યોગ્ય નથી હોતો ત્યારથી તમારા શરીરમાં જે બૅલૅન્સ રચાવું જોઈએ એ બૅલૅન્સ બગડે છે જે વિવિધ રોગોને આમંત્રણ આપે છે. ખોરાકમાં શું ખોટું અને શું સાચું એનો વિસ્તૃતમાં કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો એ આયુર્વેદ છે. સામાન્ય રીતે સમજીએ તો જેમ કારમાં પેટ્રોલ નાખીએ ત્યારે એ કાર વ્યવસ્થિત ચાલે. જો આ પેટ્રોલ ભેળસેળવાળું હોય તો કારમાં કોઈ ખરાબી આવે જ. વળી જે કાર પેટ્રોલથી ચાલતી હોય એમાં ડીઝલ ભેળવીને નાખો તો એ કારને નુકસાન જ થવાનું છે. પેટ્રોલ અને ડીઝલ બન્ને ઈંધણ જ છે, પરંતુ એમનું કૉમ્બિનેશન એ કાર માટે નુકસાનકારક બની જાય છે. એવી જ રીતે ખોરાક તો ખોરાક જ છે, પરંતુ શેની સાથે શું ખાવું એ પણ મહત્વનું છે અને કદાચ એનાથી પણ વધુ મહત્વનું છે શેની સાથે શું ન ખાવું.
દૂધ સૌથી પૌષ્ટિક અને સાત્વિક આહાર માનવામાં આવે છે. શાકાહારી લોકો માટે દૂધ અને એમાંથી મળતું પ્રોટીન અને કૅલ્શિયમ અત્યંત મહત્વનું છે. દૂધ અને દૂધની બનાવટો જેમ કે પનીર, ચીઝ, માખણ, દહીં, છાશ વગેરે આપણા દૈનિક આહારમાં આપણે સામેલ કરેલી વસ્તુઓ છે અને આ દરેક ખાદ્ય પદાર્થ પોતાનામાં શ્રેષ્ઠ છે; પરંતુ એને કોની સાથે ખાવામાં આવે છે એ વસ્તુ પણ એટલી જ મહત્વની છે. જો એને યોગ્ય પદાર્થો સાથે ભેળવીને ખાવામાં આવે તો શરીરમાં ઝેરી તત્વોનું નિર્માણ થાય છે જેને ટૉક્સિન્સ કહી શકાય. એ સિવાય પ્રકૃતિઓનો વિકાર થાય છે અને એ વિકૃતિમાં પરિણમે છે. પાચનને લગતા પ્રૉબ્લેમ્સ, કુપોષણ, ત્વચાના રોગો વગેરે આ ખોરાકનાં ખોટાં કૉમ્બિનેશન્સને કારણે થાય છે. આજે જાણીએ દૂધ સાથે કયા પદાર્થો બિલકુલ ન ખાવા જોઈએ.
દૂધ અને ફળો
ઘણા લોકો માને છે કે દૂધ અને ખાટાં ફળોને મિક્સ ન કરવાં. એટલે જ ઘણાં ઘરોમાં વડીલોની તાકીદથી ક્યારેય ફ્રૂટ-સૅલડ નથી બનતું, પરંતુ મોટા ભાગનાં ઘરોમાં દૂધ-કેળાં, દૂધ-કેરી ખાવામાં આવતાં હોય છે કે ચીકુશેક પિવાતો હોય છે. કસ્ટર્ડ, જાતજાતના મિલ્કશેક, આઇસક્રીમ, ફ્લેવર્ડ દૂધમાં દૂધ અને ફળો ભેળવવામાં આવે છે એટલું જ નહીં, આજકાલ ફ્રૂટના ફ્લેવર્સવાળું દહીં મળે છે જેને લોકો હેલ્ધી માને છે. આ ઉપરાંત શ્રીખંડમાં પણ આપણે મસકો અને ફળો ભેગાં કરીએ છીએ. આ બાબતે આયુર્વેદ શું માને છે એ સમજાવતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. સંજય છાજેડ કહે છે, ‘દૂધ અને ફળો એ બન્નેમાં રસ ભિન્ïન છે. દૂધ મધુર છે અને ફળો આમ્લ એટલે કે ખાટાં છે. આ બન્નેનો વિપાત અલગ છે એટલે કે એ બન્નેની પાચન થવાની પ્રોસેસ આખી જુદી છે. એથી એ સાથે ગ્રહણ ન કરવું જોઈએ. આ સિવાય આયુર્વેદ અનુસાર કોઈ પણ ફળ હોય મીઠાં કે ખાટાં પરંતુ દૂધ સાથે લેવાં ન જોઈએ, કારણ કે મધુર ફળો પણ જ્યારે દૂધ સાથે લેવામાં આવે ત્યારે એ શરીરમાં કફવર્ધક બને છે અને આગળ સમસ્યા ઊભી કરે છે. માટે દૂધ કે દૂધની બનાવટોને ફળ સાથે ભેગી ન કરવી. સવારે ઊઠીને એક ફળ ખાવાની આદત હોય તો એના એક કલાક પછી જ એક ગ્લાસ દૂધ પીવું.’
દૂધ અને ચા
વગર દૂધની ચાની કલ્પના આપણે ત્યાં કરવી થોડી મુશ્કેલ છે. ગ્રીન ટી અને બ્લૅક ટી પીવાવાળો વર્ગ આજની તારીખે પણ દૂધવાળી કડક, મીઠી, અમીરી ચા પીવાવાળા વર્ગની સરખામણીએ ખૂબ નાનો જ છે, પરંતુ હકીકતમાં દૂધ અને ચાને પણ ભેળવવાં યોગ્ય નથી એમ સમજાવતાં ફિમ્સ ક્લિનિક-માટુંગા અને વિલે પાર્લેનાં હીલિંગ ડાયટ સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘ચામાં રહેલું કેસીન નામનું પ્રોટીન અને ટૅનિન નામનું ઍસિડ દૂધ સાથે ભળીને એક ઝેરી કમ્પાઉન્ડની રચના કરે છે જેની અસર અફીણ જેવી હોય છે. ચા જે લોકો પીતા હોય તેમને એનું બંધાણ થઈ જાય છે એની પાછળ આ જ કારણ છે. જો તેમને ચા ન મળે તો માથું દુખાવા લાગે છે, મૂડ બનતો નથી અને મગજ કામ કરતું અટકી ગયું હોય એવું લાગે છે. જે લોકો ગ્રીન ટી પીતા હોય કે બ્લૅક ટી પીતા હોય તેમને એનું બંધાણ ક્યારેય નથી હોતું. ચા સાથે દૂધ નાખીએ એટલે દૂધમાં રહેલા કૅલ્શિયમનું શરીરમાં વ્યવસ્થિત પાચન નથી થતું. આ સિવાય એ નસો પર અસર કરે છે. માણસની ઍન્ગ્ઝાયટી અને ચીડ વધારે છે. ઍસિડિટી માટે એ જવાબદાર બને છે અને પાચનપ્રક્રિયાને ખરાબ કરે છે. એને પીને થોડા સમય માટે મજા આવે છે બસ, પરંતુ લાંબા ગાળે નુકસાન જ થાય છે.’
દૂધ અને શાકભાજી
પંજાબી શાક ખાસ કરીને પનીરનો જેમાં પ્રયોગ કરવામાં આવતો હોય એમાં દૂધ અને શાકભાજી એક થતાં હોય છે. પનીરનું શાક કે કોફ્તાનું શાક હોય કે કોઈ બીજાં શાક કે દાળની ગ્રેવીને રિચ બનાવવા ટમેટાં, ડુંગળી અને લસણ સાથે દૂધ, દહીં અને મલાઈનો પ્રયોગ થાય છે. આ સિવાય વાઇટ સૉસની સાથે વેજિટેબલ્સ નાખીને પાસ્તા ખાવામાં આવે છે. બર્ગર, હૉટ ડૉગ કે પીત્ઝામાં ચીઝ સાથે શાકભાજી નાખીને વાપરવામાં આવે છે. દૂધ અને શાકભાજીના મેળ વિશે વાત કરતાં ડો. સંજય છાજેડ કહે છે, ‘શાકભાજી અને દૂધ બન્નેની તાસીર જુદી-જુદી છે માટે જ્યારે એ બન્નેને ભેળવીએ છીએ તો એ ર્વીય વિરુદ્ધ આહાર બની જાય છે. કોઈ પણ લીલી શાકભાજી કે કંદમૂળ સાથે દૂધ અને દૂધની બનાવટોનો પ્રયોગ ન જ કરવો જોઈએ. ઘણા લોકો જમતી વખતે વાટકો ભરીને દૂધ પીએ છે એ ત્યારે યોગ્ય છે જ્યારે તમે જમવામાં શાક, પાપડ, કંદમૂળ, અથાણાં વગેરે કોઈ વસ્તુનો પ્રયોગ ન કરવાના હો.’
દૂધ અને દહીં
ઘણી વખત છાશને જાડી બનાવવા અને દહીં ખાટું થઈ ગયું હોય તો છાશને મોળી કરવા માટે દહીંમાં થોડું દૂધ ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત અમુક જગ્યાએ લોકો દહીં-રબડી ખાતા હોય છે જેમાં રબડીમાં દહીં નાખીને ખાવામાં આવે છે. આ કૉમ્બિનેશન પણ બિલકુલ યોગ્ય નથી. એ વિશે વાત કરતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘જ્યારે જમવામાં ખીર કે દૂધપાક બન્યાં હોય ત્યારે આપણે કઢી નથી બનાવતા. એનું કારણ જ એ છે કે દૂધ અને દહીં એ બે રસ આપણે ભેગા નથી કરતા. એક મધુર છે અને બીજો ખાટો રસ છે. આમ પણ દૂધ સાથે બીજો કોઈ રસ ક્યારેય ભેગો કરવો ન જોઈએ. દૂધ સંપૂર્ણ આહાર છે એને એમનેમ લેવું વધુ યોગ્ય છે.’
ADVERTISEMENT
શું કરવું?
દૂધ અને દૂધની બનાવટો સાથે મસાલાઓ સારા ભળે છે. ખાસ કરીને એલચી, કેસર, સૂંઠ, હળદર, મરી વગેરે. આ સિવાય ફળો ભલે ન લઈ શકાય, પરંતુ દૂધ સાથે ડ્રાયફ્રૂટ્સ લઈ શકાય છે. સૌથી બેસ્ટ ગણી શકાય એ છે આખાં ધાન્ય. ઓટ્સ, ફાડા ઘઉં કે ચોખા. આ ધાન્યને દૂધ સાથે પકવીને ખાવાં ઘણાં જ પૌષ્ટિક ગણાય છે. આ ઉપરાંત દૂધ હંમેશાં ગરમ જ પીવું જોઈએ. ઠંડું દૂધ કફ કરે છે. ગરમ ઉકાળેલા દૂધથી કફ ઓછો થાય છે. વળી એ બને ત્યાં સુધી સવારે પીવું. જેને પાચનની સમસ્યા હોય તેણે રાત્રે દૂધ ન પીવું.

