Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમને હર્નિયા થાય તો ઑપરેશન ટાળો નહીં

તમને હર્નિયા થાય તો ઑપરેશન ટાળો નહીં

Published : 13 February, 2017 05:18 AM | IST |

તમને હર્નિયા થાય તો ઑપરેશન ટાળો નહીં

તમને હર્નિયા થાય તો ઑપરેશન ટાળો નહીં


hernia

જિગીષા જૈન

તાજેતરમાં ૬૫ વર્ષના રિટાયર્ડ એન્જિનિયરને પેટ અને સાથળની વચ્ચેના ભાગમાં ભયંકર દુખાવો ઊપડ્યો જેને કારણે તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. એમાં ડૉક્ટરોને એ ખબર પડી કે આ કાકાને સારણગાંઠ એટલે કે ઇગ્નાઇનલ હર્નિયા પણ કહે છે એની સમસ્યા છે. આ સમસ્યા વિશે આ કાકાને ૮ વર્ષ પહેલાંથી ખબર પડી હતી અને ડૉક્ટરે તેમને સમજાવ્યું પણ હતું કે ઑપરેશન કરવું જરૂરી છે, પરંતુ તેમણે ઑપરેશન ન કરાવ્યું. આ ઑપરેશન ન કરાવવા પાછળ એક જ કારણ તેમના માટે પૂરતું હતું અને એ છે કે તેમને એ જગ્યાએ ફક્ત ઊપસેલો ભાગ લાગતો હતો, પરંતુ કોઈ દુખાવો થતો નહોતો. માટે તેમને થયું કે ઑપરેશનની શું જરૂર છે? આ સારણગાંઠને તેમણે એમનેમ રહેવા દીધી અને એને કારણે એ આંતરડું ત્યાં ફસાઈ ગયું અને અચાનક ઇમર્જન્સી આવી પડી. તાત્કાલિક ઑપરેશન કરવું પડ્યું. આ કેસમાં મહત્વની વાત એ છે કે આ કાકા ભણેલા-ગણેલા હતા છતાં તેમણે ડૉક્ટરની સલાહને અવગણી અને પોતાના માટે રિસ્ક ઊભું કરી દીધું. ઘણા લોકો પોતાને થતા આ રોગ હર્નિયાને ગંભીરતાથી નથી લેતા જેને લીધે તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે એ વાત તેઓ સમજતા નથી. આજે આપણે વર્ષોથી ચાલ્યો આવતા સામાન્ય રોગ હર્નિયા વિશે જાણીશું અને એમાં કરવામાં આવતી લોકોની ભૂલોને કારણે વધતાં કૉમ્પ્લીકેશન્સ વિશે સમજીશું જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આ રોગને અવગણે નહીં.

રોગ

લૅન્સેટ જર્નલમાં છપાયેલા આંકડાઓ અનુસાર દુનિયાભરમાં બે કરોડથી વધુ લોકો હર્નિયાનાં ઑપરેશન કરાવે છે. લગભગ બે ટકા પુરુષોમાં આ રોગ જોવા મળે છે. આમ તો પુરુષ કે સ્ત્રી કોઈ પણને આ રોગ થઈ શકે છે, પરંતુ એમાં રેશિયો ૩:૧નો છે એટલે કે દર ત્રણ પુરુષ દરદીઓએ એક મહિલા દરદી જોવા મળે છે. આ રોગ એક મહિનાના બાળકથી લઈને ૯૦ વર્ષની વ્યક્તિને પણ થઈ શકે છે. હર્નિયા એટલે શું એ સમજવા માટે આપણે શરીરની રચના પણ સમજવી પડશે. દરેક અંગ એ સ્નાયુઓથી જોડાયેલું છે. જ્યારે કોઈ પણ અંગ પોતાને એની જગ્યા પર પકડી રાખતા સ્નાયુ કે ટિશ્યુની દીવાલને ધક્કો મારીને બહાર આવી જાય છે એ તકલીફને હર્નિયા કહે છે. એ વિશે વાત કરતાં ધ્ચ્પ્ હૉસ્પિટલ અને ર્ફોટિસ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ લેપ્રોસ્કોપિક અને ગૅસ્ટ્રો સજ્ર્યન ડૉ. જિજ્ઞેશ ગાંધી કહે છે, ‘ખાસ કરીને આંતરડા પેટની દીવાલની નાજુક બાજુએથી કે નબળી પડી ગયેલી બાજુએથી બહાર નીકળે એ અવસ્થા એટલે હર્નિયા. સામાન્ય ભાષામાં સમજો તો પ્લાસ્ટિકની પાતળી થેલીમાં આંગળી ભરાવીને એને ખેંચીએ તો એ એકદમ પાતળી થઈને થોડીક બહારની બાજુએ ઊપસી આવે અને એમાં ધારો કે કોઈ વસ્તુ કે પાણી ભરાઈ જાય. અહીં પ્લાસ્ટિકની કોથળી એટલે સ્નાયુ, ટિશ્યુ કે પછી પેટની દીવાલ સમજો અને એમાં ભરાઈ જતી વસ્તુને અંગ કે આંતરડું સમજો તો સમજી શકાશે કે હર્નિયામાં શું તકલીફ થતી હોય છે. પેટના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં થતો હર્નિયા અત્યંત સામાન્ય રોગ છે.’

ટ્રિગર

આમ તો કોઈ પણ વ્યક્તિને હર્નિયા થઈ શકે છે, પરંતુ એ થવા પાછળ શું કારણો જવાબદાર હોઈ શકે છે એ બાબતે વાત કરતાં ડૉ. જિજ્ઞેશ ગાંધી કહે છે, ‘પહેલાં એમ માનવામાં આવતું કે જે વ્યક્તિને ક્રૉનિક કફ અને ક્રૉનિક કબજિયાત રહેતી હોય એને કારણે એના પેટના સ્નાયુ પર પ્રેશર પડે તો એને હર્નિયા થવાની શક્યતા રહે છે, પરંતુ હકીકત એ છે કે દરેક ક્રૉનિક કફ કે કબજિયાતના દરદીને આ રોગ નથી થતો. રિસર્ચ એ કહે છે કે જે વ્યક્તિના સ્નાયુઓ ખૂબ જ નબળા છે એમને કફ કે કબજિયાતની તકલીફ થાય અથવા એવું કોઈ પણ ટ્રિગર દબાય તો એને હર્નિયા થઈ શકે છે. ડિલિવરી પછી ઘણી સ્ત્રીઓને હર્નિયા થાય છે. આ સિવાય પેટનું ઑપરેશન થયું હોય અને એ ટાંકા ખૂલી જાય તો પણ હર્નિયા થઈ શકે છે.’

લક્ષણો

હર્નિયાને કઈ રીતે ઓળખી શકાય એ બાબતે વાત કરતાં ડૉ. જિજ્ઞેશ ગાંધી કહે છે, ‘સૌથી મહત્વની વાત એ છે કે હર્નિયા મોટા ભાગે દેખાઈ આવે છે. આ રોગમાં જે જગ્યાએ હર્નિયા થયો હોય, પેટની ઉપર કે નીચેની તરફ કે દૂંટી પાસેનો ભાગ બહાર ઊપસી આવે છે. ક્યારેક દરદી ખૂબ જ જાડી હોય તો કદાચ એને સમજવો મુશ્કેલ હોય છે. આ ભાગને જ્યારે ડૉક્ટર ચેક કરે છે ત્યારે એ સરળતાથી નિદાન કરી શકાય એવો જ હોય છે. માટે જ મોટા ભાગે અમુક કેસને બાદ કરતાં આ રોગના નિદાન માટે કોઈ એક્સ-રે કે સ્કૅનની જરૂર પડતી જ નથી. મહત્વની વાત એ છે કે પહેલા સ્ટેજમાં આ ભાગમાં કોઈ દુખાવો નથી થતો. બીજા સ્ટેજમાં જ્યારે આંતરડું અંદર ફસાઈ જાય ત્યારે દુખાવો શરૂ થાય છે અને તો પણ ઇલાજ ન થાય તો ત્રીજા સ્ટેજમાં એ આંતરડું અંદર ટ્વિસ્ટ થઈ જાય છે અને એને લીધે એમાં ગૅન્ગ્રીન થઈ જાય છે જે વ્યક્તિ માટે ઘાતક હોઈ શકે છે.’

ઑપરેશન એકમાત્ર ઇલાજ


અહીં આપણે જે કેસની વાત કરી એ રીતે ઘણા લોકો દુખાવો ન થવાને લીધે કોઈ ઇલાજ નથી કરાવતા એ બાબતે સતર્ક કરતાં ડૉ. જિજ્ઞેશ ગાંધી કહે છે, ‘દુખાવો થાય એની રાહ જોવી આ રોગમાં મૂર્ખામીભર્યું છે. આ રોગનો બીજો કોઈ જ ઇલાજ નથી. એ એની જાતે ઠીક ન થઈ શકે. દવાઓ એમાં કામ ન લાગે. ઑપરેશન જ એનો એકમાત્ર ઉપાય છે. બે પ્રકારનાં ઑપરેશન થતાં હોય છે-એક લેપ્રોસ્કોપિક એટલે કે દૂરબીનથી અને બીજી ઓપન સર્જરી. જેવું નિદાન થાય કે તમારા ડૉક્ટરની સલાહ મુજબ ઑપરેશન કરાવી લેવું હિતાવહ છે, જેથી ઇમર્જન્સી ન સર્જા‍ય.’

પ્રકાર

આમ તો હર્નિયાના ઘણા પ્રકાર છે, પરંતુ કેટલાક ખાસ પ્રકાર જે સામાન્ય રીતે જોવા મળે છે એ આ મુજબ છે.

સારણ ગાંઠ : જેને ઇગ્નાઇનલ હર્નિયા પણ કહે છે જે પગ અને સાથળની વચ્ચેના ભાગમાં થાય છે. આ પ્રકાર સૌથી વધુ સામાન્ય છે અને પુરુષોમાં વધુ જોવા મળે છે.

અમ્બિલિકલ હર્નિયા : જેમાં નાભિ પાસે ઊપસેલો ભાગ દેખાય છે. આ રોગ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ખાસ કરીને ડિલિવરીમાં જે સ્નાયુ ખેંચાયા હોય એને કારણે આ રોગ થઈ શકે છે.

ઇન્સીઝનલ હર્નિયા : જે વ્યક્તિને ઍપેન્ડિક્સ કે પેટનું કોઈ પણ ઑપરેશન થયું હોય અને એને કારણે સ્નાયુ નબળા થઈ ગયા હોય, ટાંકા ખૂલી ગયા હોય તો આ પ્રકારનો હર્નિયા થઈ શકે છે.

ઍપિગૅસ્ટ્રિક હર્નિયા : આ ઉપરના પેટ પર થતો હર્નિયા છે. આજકાલ બાયપાસના દરદીઓમાં એનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2017 05:18 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK