ફૉલિક ઍસિડની ટૅબ્લેટ પ્રેગ્નન્સી પહેલાંથી જ શું કામ લેવી જરૂરી છે?
હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન
આજકાલ મોટા ભાગે કપલ્સ બાળક માટે પહેલાં પોતાની જાતને માનસિક અને આર્થિક રીતે તૈયાર કરતાં હોય છે જેને એ લોકો પ્લાન્ડ બાળક કહેતાં હોય છે. જ્યારે બાળકનું પ્લાનિંગ કરે અને એ માટે ગાયનેકોલૉજિસ્ટને મળવા જાય ત્યારે વિવિધ ટેસ્ટ કરાવવાની સાથે ગાયનેકોલૉજિસ્ટ સ્ત્રીને ફૉલિક ઍસિડ ખાવાની સલાહ આપતા હોય છે. મોટા ભાગે આ સમયે સ્ત્રીને પ્રfન થાય કે મને અત્યારથી કેમ ટૅબ્લેટ આપે છે? કંઈ પ્રૉબ્લેમ હશે એટલે આપે છે? ડૉક્ટરને પૂછે ત્યારે જવાબ મળે કે વિટામિનની ટૅબ્લેટ છે તો સ્ત્રીને એમ થાય કે ઠીક છે એ તો એમ માનીને એકદમ હળવાશથી લે છે. દરરોજ એક ટીકડી ખાવાની હોય છે. એ ટીકડી ખવાય કે ન પણ ખવાય તો ચાલે, જ્યારે યાદ આવે ત્યારે ખાઈ લીધી વગેરે જેવી નાની-નાની ભૂલો થયા કરે છે. પરંતુ ક્યારેક આ નાની ભૂલ મોટાં અને અત્યંત ખોટાં પરિણામોમાં ફેરવાય છે ત્યારે અઘરું થઈ પડે છે. આ ફૉલિક ઍસિડની ઝીણી ટૅબ્લેટમાં એવું તો શું છે કે એ પ્રેગ્નન્સીની શરૂઆતથી જ ખાવી જરૂરી હોય છે? એની પ્રેગ્નન્સીમાં શું જરૂરત અને એ ન લઈએ તો શું થાય એ વિશે આજે આપણે જાણીએ.
ફૉલિક ઍસિડ
ફૉલિક ઍસિડ વિટામિન B કૉમ્પ્લેક્સનો એક ભાગ છે. વિટામિન B1, B2, B3, B4, B6, B9, B12 જેવાં જુદાં-જુદાં વિટામિનો ભેગાં થઈને વિટામિન B કૉમ્પ્લેક્સ બનાવે છે. એમાંથી ફૉલિક ઍસિડ એક છે, જેને વિટામિન B9 પણ કહે છે. સમગ્ર વિટામિન B કૉમ્પ્લેક્સ વ્યક્તિના માનસિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. જે બાળકમાં આ વિટામિનની ઊણપ હોય તેનો માનસિક વિકાસ યોગ્ય રીતે ન થઈ શકે અને જો પુખ્ત વયની વ્યક્તિમાં એની ઊણપ હોય તો તેની માનસિક કામગીરી બરાબર નથી હોતી. જો ફક્ત ફૉલિક ઍસિડની વાત કરીએ તો બ્રિટિશ ડાયાબેટિક અસોસિએશન અનુસાર મગજના વિકાસ ઉપરાંત એ શરીરના બંધારણમાં પાયારૂપ છે એવા DNA અને RNA બનાવવાના અને દરરોજ એના થતા રિપેરિંગના કામમાં વપરાય છે. નવા કોષોની બનાવટમાં પણ એનું મોટું યોગદાન છે. આ સિવાય લાલ રક્તકણોને જન્મ આપવાના કામમાં એ વપરાય છે.
પ્રેગ્નન્સી પહેલાંથી કેમ?
પ્રેગ્નન્સી પહેલાંથી જ ફૉલિક ઍસિડ ખાવાનું શરૂ કેમ કરવું જોઈએ? એ પ્રfનનો જવાબ આપતાં ફોર્ટિસ હીરાનંદાણી હૉસ્પિટલ, વાશીનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘ફૉલિક ઍસિડની ઊણપ બાળકમાં ખૂબ ગંભીર પ્રકારની તકલીફો ઊભી કરી શકે છે. આ એક વિટામિન આખી પ્રેગ્નન્સીમાં સુપર હીરોની ભૂમિકા ભજવે છે. ફૉલિક ઍસિડની ટૅબ્લેટ પહેલેથી શરૂ કરવા પાછળ એકમાત્ર કારણ એ છે કે જો સ્ત્રીમાં પહેલેથી એની ઊણપ હોય તો તે પ્રેગ્નન્ટ થાય એ પહેલાં જ એ ઊણપ પૂરી થઈ જાય. આથી જ્યારે તે પ્રેગ્નન્ટ થાય ત્યારે બાળકને કોઈ જાતની તકલીફ રહે નહીં. પ્રેગ્નન્સી આવતાં પહેલાં ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલાં અને વધુમાં વધુ એક વર્ષ પહેલાંથી ફૉલિક ઍસિડની ટૅબ્લેટ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ.’
ન લઈએ ત્યારે
ફૉલિક ઍસિડનું સૌથી મહત્વનું કામ પ્રેગ્નન્સીના પહેલા ત્રણ મહિનામાં હોય છે. બાળકનાં અંગો બનવાનું કામકાજ ત્યારે થાય છે. ખાસ કરીને મગજ અને કરોડરજ્જુની બનાવટમાં ફૉલિક ઍસિડની ભૂમિકા અગ્રેસર છે એમ સમજાવતાં ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘જે સ્ત્રીઓમાં ફૉલિક ઍસિડ પૂરતા પ્રમાણમાં નથી હોતું એ સ્ત્રીઓનાં બાળકોમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જોવા મળે છે, જેમાં સ્પાઇના બાયફીડા અને અનેનસેફલી નામના રોગો બાળકને થઈ શકે છે. સ્પાઇના બાયફીડા એક એવો રોગ છે જેમાં કરોડરજ્જુ અવિકસિત રહે અથવા તો જે બરાબર બંધ થવી જોઈએ એના બદલે ખુલ્લી જ રહે અને અનેનસેફલી એવો રોગ છે જેમાં મગજના અમુક ભાગ જ ન બન્યા હોય અથવા ખોપડી બરાબર બની ન હોય. આ સિવાય ક્યારેક કોઈ બાળકના હોઠમાં પ્રૉબ્લેમ હોય તો કોઈનું તાળવું જ બન્યું ન હોય. આ સિવાય અમુક બાળકોના હાર્ટમાં કોઈ ખામી રહી જાય છે. આ બધી જ પરિસ્થિતિ બાળક માટે જીવલેણ સાબિત થાય છે. જો બાળક આ પરિસ્થિતિ સાથે જન્મે તો પણ જીવનભર માનસિક કે શારીરિક અક્ષમતા રહે છે. મોટા ભાગે સ્ત્રીનો સ્કૅન કરે ત્યારે પ્રેગ્નન્સીનાં ૧૮ અઠવાડિયાં દરમ્યાન બાળકની આ પ્રકારની ખામીનો ખ્યાલ આવી જાય છે. જો ખામી ગંભીર હોય તો મોટા ભાગે ડૉક્ટર અબૉર્શનનું સૂચન આપે છે. જો અબૉર્શન ન કરે તો બાળક ગર્ભમાં જ મૃત્યુ પામે એવું પણ બની શકે છે.’
સ્ત્રીને તકલીફ
જો સ્ત્રીમાં ફૉલિક ઍસિડની કમી હોય તો પ્રેગ્નન્સી દરમ્યાન વધુ જરૂર પડવાને કારણે સ્ત્રીમાં પણ અમુક ખામી કે રોગ આવી શકે છે, જેના વિશે ચેતવણી આપતાં ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘આવી સ્ત્રીઓને પ્રેગ્નન્સી દરમ્યાન એનીમિયા થવાની શક્યતા રહે છે, જેને લીધેસ્ત્રીઅને બાળક બન્નેનો જીવ જોખમમાં મુકાય છે. આ સિવાય ફૉલિક ઍસિડની ખામી પ્રેગ્નન્સી દરમ્યાન આવતા હાઇપરટેન્શનના પ્રૉબ્લેમને આવકારે છે. જે સ્ત્રીઓને નાનપણથી એપિલેપ્સી એટલે કે ખેંચ કે આંચકીનો પ્રૉબ્લેમ હોય અને તે તેની દવાઓ લેતી હોય તો તેને ફૉલિક ઍસિડનો નૉર્મલ કરતાં વધુ ડોઝ આપવો જરૂરી છે. આ સિવાય સ્ત્રીને ડાયાબિટીઝ, કુપોષણ, લોહી સંબંધિત તકલીફો જેમ કે થૅલેસેમિયા માઇનર જેવા રોગો હોય તો પણ તેના ફૉલિક ઍસિડના ડોઝમાં વધારો કરવો જરૂરી છે.’
ટૅબ્લેટ જરૂરી
પ્રૉબ્લેમ એ છે કે આપણું શરીર વધારાનું ફૉલિક ઍસિડ સ્ટોર કરતું નથી એટલે આપણે દરરોજની જરૂરિયાત મુજબ એ ખાતા રહેવું પડે છે અને લીલાં પાંદડાંવાળી શાકભાજી અને કઠોળમાંથી આપણને ફૉલિક ઍસિડ મળે છે. જેમ કે પાલકમાં ઘણી સારી માત્રામાં ફૉલિક ઍસિડ હોય છે. પરંતુ જ્યારે આપણે શાકભાજીને પકવીએ છીએ ત્યારે એમાં રહેલું ફૉલિક ઍસિડ ઊડી જાય છે. સામાન્ય રીતે ઇન્ટરનૅશનલ હેલ્થ ગાઇડલાઇન્સ મુજબ દરેક પ્રેગ્નન્ટ સ્ત્રીએ ફૉલિક ઍસિડની ટૅબ્લેટ્સ લેવી જરૂરી છે, કારણ કે એ દરમ્યાન સ્ત્રીને ફૉલિક ઍસિડની ઘણી વધારે જરૂર પડે છે અને જો એની ઊણપ સર્જાય તો ઘણા પ્રૉબ્લેમ્સ આવી શકે છે. વળી જો સ્ત્રીમાં એ ઊણપ ન પણ હોય તો પણ આ ટૅબ્લેટ લઈ શકાય છે. ઓવરડોઝ થાય તો પણ આ વિટામિન શરીરમાં એક પણ પ્રકારના ટૉક્સિન બનાવતું નથી એટલે કે એ સેફ છે. સામાન્ય રીતે આ ટૅબ્લેટ પ્રેગ્નન્સી પહેલાંથી લઈને પ્રેગ્નન્સીના પહેલા ત્રણ મહિના જ આપવામાં આવે છે, પરંતુ જે સ્ત્રીઓમાં ઊણપ લાગે એ સ્ત્રીઓ સમગ્ર પ્રેગ્નન્સી દરમ્યાન અને બાળકને દૂધ પીવડાવતી હોય ત્યારે પણ આ ટૅબ્લેટ્સ ખાઈ શકે છે.

