જ્યારે લિવર પર ચરબી જામે ત્યારે

જિગીષા જૈન
ગઈ કાલે સમગ્ર દુનિયામાં વર્લ્ડ લિવર ડે ઊજવાઈ ગયો. ભારતમાં મૃત્યુ માટે જવાબદાર રોગોમાં ડાયાબિટીઝ પછી નવમું નામ લિવર ડિસીઝનું છે. લિવર આપણા શરીરનાં મહત્વનાં અંગોમાંનું એક એવું અંગ છે જે ડૅમેજ થાય તો પણ જલદીથી ખબર નથી પડતી. માટે જ લગભગ ૧૦૦થી વધારે જેટલા લિવર ડિસીઝ છે તેમને મોટા ભાગે સાઇલન્ટ કિલરનું બિરુદ આપવામાં આવે છે, કારણ કે ધીમે-ધીમે એ લિવરને ડૅમેજ કરતા જાય છે. ક્યારેક એવું પણ બને છે કે સામાન્ય પ્રૉબ્લેમ જણાતાં ટેસ્ટ કરાવડાવો અને ખબર પડે કે લિવર સંપૂર્ણ રીતે ડૅમેજ થઈ ગયું છે અને હવે ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ ઉપાય બચ્યો નથી. એક સમય હતો જ્યારે લોકો માનતા કે જે લોકો દારૂ પીએ છે તેમનું લિવર ખરાબ થઈ જાય છે. એ હકીકત છે, પરંતુ ફક્ત દારૂ લિવરને ડૅમેજ નથી કરતો. છેલ્લા કેટલાક વખતથી લોકો હેપેટાઇટિસ વિશે જાણતા થયા છે. હેપેટાઇટિસના બે પ્રકાર હેપેટાઇટિસ-B અને હેપેટાઇટિસ-C લિવરને ફેલ કરવાની તાકાત ધરાવતા વાઇરસને કારણે ફેલાતા રોગો છે. બાળકો માટે આજે હેપેટાઇટિસ-Bની રસી મુકાવવી ફરજિયાત છે અને આ બાબતે સારીએવી જાગૃતિ લોકોમાં પ્રવર્તી રહી છે, પરંતુ આજકાલ એક એવી બીમારી છે જે લિવર ફેલ્યર માટે સૌથી વધુ જવાબદાર સાબિત થઈ રહી છે. એ છે ફૅટી લિવર. એના વિશે આજે આપણે વિસ્તારથી જાણીશું.
રિસ્ક
ડૉક્ટરો માને છે કે આજની તારીખે લોકો લિવરની જે સમસ્યાથી પીડાય છે એમાં ફૅટી લિવર આગળ પડતી સમસ્યા છે. એ વિશે વાત કરતાં નૅશનલ લિવર ફાઉન્ડેશનના ઑનરરી સેક્રેટરી અને ગ્લોબલ હૉસ્પિટલના હેપેટૉલૉજી ડિપાર્ટમેન્ટના હેડ હેપેટૉલૉજિસ્ટ ડૉ. સમીર શાહ કહે છે, ‘હકીકત છે કે છેલ્લાં થોડાં વર્ષોથી જે લિવર ફેલ્યરના કેસ આવી રહ્યા છે એની પાછળ ફૅટી લિવર ડિસીઝ મુખ્ય કારણ છે. આજે ભારતમાં લગભગ ૧૦૦ લોકોમાંથી ૩૦-૪૦ લોકોને ફૅટી લિવરનો પ્રૉબ્લેમ છે, પરંતુ જાગૃતિના અભાવે બધા લોકો જાણતા નથી કે તેમનું લિવર ફૅટી લિવર નામના રોગનું શિકાર છે. હેપેટાઇટિસ-B અને ઘ્ના કેસો જાગૃતિ અને યોગ્ય ઇલાજને કારણે ઘટી રહ્યા છે અથવા તો કહીએ કે ફેલ્યર સુધી આગળ નથી વધી રહ્યા. ફૅટી લિવર સંપૂર્ણપણે ખોટી લાઇફ-સ્ટાઇલને લીધે થતી બીમારી છે જે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઉંમરે થઈ શકે.’
રોગ
હેલ્ધી લિવર પર ક્યારેય ચરબી જમા થતી નથી, પરંતુ કોઈ કારણોસર જ્યારે લિવર પર ચરબી જમા થતી જાય ત્યારે આ ચરબીના થર લિવરને ડૅમેજ કરે છે. લિવરનાં જે જુદાં-જુદાં કામ છે એ કામમાં વિક્ષેપ ઊભો કરે છે. મોટા ભાગે આ વિક્ષેપ શરૂઆતમાં સમજી શકાતો નથી, કારણ કે એના કોઈ ખાસ શરૂઆતી લક્ષણ નથી હોતાં. ધ્યાન ન રાખવામાં આવે અને વધુ ને વધુ ચરબી લિવર પર જમા થતી જાય તો લિવર ફેલ થવાની શક્યતા વધી જાય છે. એના બે પ્રકાર વિશે જણાવતાં ડૉ. સમીર શાહ કહે છે, ‘ફૅટી લિવરનું એક કારણ છે દારૂ. દારૂ પીતી વ્યક્તિના લિવર પર ફૅટ્સ જમા થાય છે અને બીજો પ્રકાર જેને નૉન-આલ્કોહૉલિક ફૅટી લિવર કહે છે એ થવા પાછળ ઓબેસિટી, ડાયાબિટીઝ અને કૉલેસ્ટરોલ જવાબદાર છે જે બધા જ લગભગ લાઇફ-સ્ટાઇલ પ્રૉબ્લેમ્સ છે. એ આગળ જતાં બેદરકારીને લીધે લિવર ફેલ્યરમાં પરિણમે છે. વળી ફૅટી લિવર લિવરના કૅન્સર માટે પણ જવાબદાર રોગ છે. આજકાલ આ નૉન-આલ્કોહૉલિક ફૅટી લિવરના કેસ વધુ જોવા મળે છે, જેમાં વ્યક્તિ ફરિયાદ કરે છે કે મેં કોઈ દિવસ દારૂને હાથ પણ નથી લગાડ્યો છતાં મારું લિવર ફેલ થઈ ગયું, પરંતુ હકીકત એ છે કે ખોટી લાઇફ-સ્ટાઇલને કારણે એવું થયું છે.’
બચાવ
લિવર ડિસીઝની એક સૌથી મોટી ખાસિયત એ છે કે જેટલું ડૅમેજ થયું છે એ ડૅમેજનું કારણ શોધવામાં આવે અને એ કારણને દૂર કરવામાં આવે તો એ રોગ સંપૂર્ણ રીતે ક્યૉર થઈ શકે છે અને લિવરને જે ડૅમેજ થઈ ચૂક્યું છે એ મોટા ભાગના કેસમાં ફરીથી ઠીક થઈ જાય છે. એ વિશે સમજાવતાં ડૉ. સમીર શાહ કહે છે, ‘જો તમે દારૂ પીતા હો, તમને ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ કે હાર્ટ-પ્રૉબ્લેમ જેવા કોઈ પણ મેટાબોલિક ડિસઑર્ડર હોય, જો તમારો બૉડી માસ ઇન્ડેક્સ (BMI) વધારે હોય તો દર વર્ષે એક વાર લિવર ચેક-અપ જરૂરી છે. જો ટેસ્ટ દ્વારા ખબર પડે કે તમને ફૅટી લિવરની સમસ્યા છે તો સૌથી પહેલું કામ એની પાછળ જવાબદાર કારણ શોધવાનું છે. જો દારૂને કારણે ફૅટી લિવર હોય તો દારૂ મૂકી દેવાથી પરિણામ મળી શકે છે. જો વજન વધારે હોવાને કારણે ફૅટી લિવર હોય તો ડાયટ-એક્સરસાઇઝ વડે વજન પર કાબૂ લઈ લિવરને બચાવી શકાય છે, પરંતુ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ ત્યારે શક્ય છે જ્યારે ફૅટી લિવરને કારણે લિવર થોડું ડૅમેજ થયું હોય, નહીં કે સંપૂર્ણ ફેલ થઈ ગયું હોય, કારણ કે જ્યારે લિવર સંપૂર્ણ રીતે ફેલ થાય છે ત્યારે ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ ચારો રહેતો નથી.’


