Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

લોહીના પ્રકાર કેટલા?

Published : 14 June, 2012 06:31 AM | IST |

લોહીના પ્રકાર કેટલા?

લોહીના પ્રકાર કેટલા?


blood-typસેજલ પટેલ

વિશ્વમાં જેટલા લોકો કોઈ ગંભીર કે આકસ્મિક રોગોથી મરે છે એટલા જ લોકો ઍક્સિડન્ટ કે કુદરતી હોનારતમાં મરે છે. આવી હોનારત દરમ્યાન અનેક લોકો વધુપડતું લોહી વહી જવાને કારણે અને તત્કાળ યોગ્ય મૅચિંગ બ્લડ-ગ્રુપ ધરાવતું લોહી ન મળવાને કારણે મૃત્યુ પામે છે. ડિલિવરી અને હૃદય-કિડની કે અન્ય મેજર સર્જરી દરમ્યાન પણ લોહી ચડાવવાની જરૂર ઊભી થાય છે. માનવશરીરમાં લોહી એક એવી ચીજ છે જે સતત નવું-નવું બન્યા કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ ધરતી પરના ૨૫ ટકા લોકોને જીવનના કોઈક ને કોઈક તબક્કે લોહી ચડાવવાની જરૂર પડે છે. એકલા ભારતમાં જ દર વર્ષે ચાર કરોડ બ્લડ-ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાત હોય છે, જ્યારે ડોનેશન મળે છે માત્ર ચાળીસ લાખ જેટલું જ. જોકે આપણે ત્યાં બ્લડ-ડોનેશન કૅમ્પ દ્વારા એકઠા કરવામાં આવતા લોહીમાંથી યોગ્ય મૅનેજમેન્ટના અભાવે હજારો યુનિટ બ્લડ વપરાયા વિનાનું વેસ્ટ જાય છે. આવું જાણીને સાવ જ બ્લડ-ડોનેશન કૅમ્પો પરત્વે ઉદાસીનતા દાખવવી યોગ્ય નથી. આપણે જ્યારે બ્લડ ડોનેટ કરવા જઈએ કે ઈવન બ્લડની જરૂર ઊભી થાય ત્યારે સૌથી પહેલો સવાલ ડૉક્ટરનો હોય છે કે તમારું બ્લડ-ગ્રુપ કયું છે? તમે કહો કે મારું તો B પૉઝિટિવ છે. તો આ B પૉઝિટિવ શું છે?



લોહીના પ્રકાર કઈ રીતે પડે?


બધાના લોહીનો રંગ લાલ હોય છે. એક હેલ્ધી વ્યક્તિના શરીરમાં પાંચથી છ લિટર જેટલું લોહી હોય છે ને આપણા શરીરના કુલ વજનમાંથી સાત ટકા વજન લોહીનું હોય છે. જોકે લોહી મુખ્યત્વે ચાર પ્રકારનું હોય છે. લોહીના લાલ રક્તકણોમાં શુગરબેઝ્ડ ઍન્ટિજન A અને ગ્ની હાજરી અથવા ગેરહાજરીને આધારે લોહીના A, B, AB અને O જેવા ચાર પ્રકારો પડે છે. આ ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝ શું છે એ સમજીએ. ઍન્ટિબૉડી એટલે અમુક ચોક્કસ ચીજોનો પ્રતિકાર કરી શકે એવા પ્રોટીનના બનેલા કણો. આ કણો બ્લડના પ્લાઝમામાં હોય છે. ઍન્ટિજન એટલે શરીરમાં આવાં ઍન્ટિબૉડીઝ જનરેટ કરી શકે એવા કણો. એ લાલ રક્તકણોની સપાટી પર હોય છે. દરેક વ્યક્તિમાં જુદી-જુદી ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની ગોઠવણને આધારે લોહીનું ગ્રુપ નક્કી થતું હોય છે. આને ABO સિસ્ટમ કહે છે.

ABO સિસ્ટમ પ્રમાણે બ્લડ-ગ્રુપ


A : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A ઍન્ટિજન આવેલા હોય અને B પ્રકારના ઍન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ A છે એમ કહેવાય.

B : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર B ઍન્ટિજન આવેલા હોય અને B પ્રકારના ઍન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ B છે એમ કહેવાય.

AB : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A અને B બન્ને ઍન્ટિજન આવેલા હોય અને બન્ને પ્રકારના ઍન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ AB છે એમ કહેવાય.

O : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A અથવા B કોઈ પણ પ્રકારના ઍન્ટિજન આવેલા ન હોય અને બન્ને પ્રકારના ઍન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય તો એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ O છે એમ કહેવાય.

પૉઝિટિવ અને નેગેટિવ

Rh (Rhesus) ફૅક્ટર તરીકે ઓળખાતા ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની હાજરી કે ગેરહાજરી પરથી આ બે ગ્રુપ જુદાં પડે છે.

પૉઝિટિવ : જે  વ્યક્તિમાં ઉપરોક્ત ઍન્ટિજન ઉપરાંત લાલ રક્તકણોની સપાટી પર Rh ઍન્ટિજન પણ હાજર હોય એ બ્લડ Rh પૉઝિટિવ ગણાય છે.

નેગેટિવ : જે વ્યક્તિમાં લાલ રક્તકણોની સપાટી પર Rh ઍન્ટિજન હાજર ન હોય એને Rh નેગેટિવ બ્લડ કહેવાય છે. આ બ્લડના પ્લાઝમામાં Rh ઍન્ટિબૉડીઝ નૅચરલી નથી હોતા, પરંતુ જો આ બ્લડની સાથે Rh પૉઝિટિવ બ્લડ ભેળવવામાં આવે તો એ Rh ઍન્ટિબૉડીઝ પેદા કરી શકે છે.

લોહીનું મૅચિંગ કઈ રીતે થાય?

A ગ્રુપ ધરાવનારી વ્યક્તિ A ગ્રુપ તેમ જ AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે. આ વ્યક્તિને A તેમ જ O ગ્રુપનું બ્લડ આપી શકાય.

B ગ્રુપ ધરાવનારી વ્યક્તિ B અને AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે. આ વ્યક્તિને B તેમ જ O ગ્રુપનું બ્લડ આપી શકાય.

AB ગ્રુપ ધરાવનારી વ્યક્તિનું AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકાય. આ વ્યક્તિને A, B, AB, અને O એમ દરેક પ્રકારનું બ્લડ આપી શકાય છે. આ ગ્રુપની વ્યક્તિ દરેક પ્રકારના ગ્રુપનું લોહી લઈ શકે એમ હોવાથી એને યુનિવર્સલ રિસીવર બ્લડ-ગ્રુપ કહેવાય છે.

O ગ્રુપ ધરાવનારી વ્યક્તિઓ A, B, AB, અને O એમ દરેક પ્રકારના બ્લડ-ગ્રુપ સાથે મૅચ થાય છે, પરંતુ તેમને જ્યારે લોહીની જરૂર પડે તો માત્ર અને માત્ર O ગ્રુપ જ મૅચ થાય છે. આ ગ્રુપનું લોહી કોઈ પણ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓને આપી શકાતું હોવાથી એને યુનિવર્સલ ડોનર બ્લડ-ગ્રુપ કહેવાય છે.

બૉમ્બે બ્લડ-ગ્રુપ

કેટલાક લોકોનું બ્લડ-ગ્રુપ ચકાસો તો એ O પૉઝિટિવ કે O નેગેટિવ બતાવે છે, પણ એ ખરેખર આ બેમાંથી કોઈ ગ્રુપનું નથી હોતું. આ પ્રકારનું લોહી ૧૯૫૨માં મુંબઈમાં પહેલી વાર જોવા મળ્યું હતું એટલે એ ગ્રુપનું નામ બૉમ્બે બ્લડ-ગ્રુપ પાડવામાં આવ્યું છે. આ સૌથી રેર ગણાતું બ્લડ-ગ્રુપ છે. ભારતમાં દર દસ લાખ લોકોએ એક વ્યક્તિ બૉમ્બે બ્લડ-ગ્રુપ ધરાવે છે ને ઈસ્ટ એશિયાના અમુક દેશોમાં દર દસ લાખે ચાર વ્યક્તિ આ બ્લડ-ગ્રુપ ધરાવે છે. આ બ્લડ-ગ્રુપ ધરાવનારા લોકો પણ નૉર્મલ સ્વાસ્થ્ય ધરાવતા હોય છે, પરંતુ તેમને ઍક્સિડન્ટ, ડિલિવરી કે મેજર સર્જરી દરમ્યાન લોહી ચડાવવાની જરૂર ઊભી થાય તો કટોકટી પેદા થઈ શકે છે, કેમ કે તેમને માત્ર અને માત્ર બૉમ્બે બ્લડ-ગ્રુપ ધરાવનારાઓનું જ લોહી ચડી શકે છે.

વર્લ્ડ બ્લડ ડોનર ડે કેમ?

ઑસ્ટ્રેલિયન મૂળ ધરાવતા અમેરિકાના બાયોલૉજિસ્ટ-કમ-ફિઝિશ્યન કાર્લ લૅન્ડસ્ટેઇનરે ૧૯૦૧ની સાલમાં શોધ્યું હતું કે દરેક વ્યક્તિનું લોહી એકસરખું નથી હોતું, પરંતુ એના વિવિધ પ્રકાર હોય છે. હાલમાં જે પદ્ધતિ બહુપ્રચલિત છે એવી A, B, AB, અને O એમ ચાર પ્રકારનાં પૉઝિટિવ અને નેગેટિવ Rh ફૅક્ટર ધરાવતું કુલ આઠ પ્રકારનું લોહી હોય છે એવું સાબિત કર્યું. આને ABO સિસ્ટમ કહે છે. આ સિસ્ટમને આધારે મૅચિંગ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓમાં બ્લડ-ટ્રાન્સફ્યુઝન કરવાથી એમાં ૯૯.૯ ટકા જેટલી સફળતા મળતી હોવાનું નોંધાયું છે. આ સફળતાને પગલે વધુ ને વધુ લોકો રક્તદાન કરીને બીજાની જિંદગી બચાવવામાં પોતાનો ફાળો આપે એ માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું. એ માટે બ્લડ-ગ્રુપના શોધક કાર્લ લૅન્ડસ્ટેઇનરના જન્મદિવસ ૧૪ જૂનની પસંદગી કરી. રક્તદાન કરનારાઓને પ્રોત્સાહન મળે એ માટે ૧૯૯૫ની સાલથી દર વર્ષે ૧૪ જૂને આ દિવસ સેલિબ્રેટ થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2012 06:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK