તમને સતત ઍસિડિટી રહેતી હોય તો તમારા દાંત ખતરામાં છે
ADVERTISEMENT
જિગીષા જૈન
આજકાલ ઍસિડિટી એ દરેક વ્યક્તિને થતો નૉર્મલ પ્રૉબ્લેમ બની ગયો છે. આપણી લાઇફ-સ્ટાઇલ, સ્ટ્રેસ, બહારનું ખાવા-પીવાનું વગેરેને કારણે આપણું પાચનતંત્ર બગડે છે અને વ્યક્તિને ગૅસ અને ઍસિડિટીના પ્રૉબ્લેમ થાય છે. આ ઍસિડિટીને કારણે વ્યક્તિ અસ્વસ્થ થઈ જાય, ખાટા ઓડકાર આવે, પેટમાં કે છાતીમાં બળતરા થાય વગેરે પ્રૉબ્લેમ્સ નડી શકે; પરંતુ એને કારણે કોઈ દિવસ દાંત ખરાબ થાય? મોટા ભાગના ડેન્ટિસ્ટના મતે મોઢામાં ઍસિડ-અટૅક દાંત ઘસાઈ જવાનું મુખ્ય કારણ હોય છે, પણ મોઢામાં થતો આ ઍસિડ-અટૅક છે શું અને દાંત પર એ કઈ રીતે અસર કરે છે એ આજે જાણીએ.
સાદી ભાષામાં સમજીએ તો ઍસિડિટીને કારણે વ્યક્તિને જે ખાટા ઓડકાર આવે છે એને ઍસિડ રિફ્લેક્સ કહેવાય છે એટલે કે ઍસિડનું મોઢામાં આવવું. જોકે આ એક કારણ નથી કે ઍસિડ મોઢામાં આવી જાય. બહારથી આપણે જે ઍસિડિક ખોરાક ખાઈએ છીએ, જેમ કે કોલા ડ્રિન્ક્સ કે ઠંડાં પીણાં વગેરે એ પણ મોઢામાં ઍસિડ ફેલાવે છે. આ વિશે સમજાવતાં ઑર્થોડોન્ટિસ્ટ અને ડેન્ટલ સજ્યર્ન ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘કોઈ પણ પ્રકારનો ઍસિડ બહારથી ખોરાકના રૂપે કે પેટમાંથી ખાટા ઓડકારના રૂપે મોઢામાં આવે ત્યારે એ દાંતને અસર કરે છે. આમ તો કુદરતી રીતે આપણા બધાના દાંત પ્રોટેક્ટિવ લેયર, જેને આપણે ઇનેમલ કહીએ છીએ એનાથી સુરક્ષિત થયેલા હોય છે, પરંતુ આ ઇનેમલની થિકનેસ બધા લોકોમાં અલગ-અલગ હોય છે અને એને માપી શકાતી નથી. જ્યારે ઍસિડ-અટૅક થાય ત્યારે એ સીધી દાંતના આ સુરક્ષિત આવરણ ઇનેમલને અસર કરે છે. ઍસિડ-અટૅકથી ઇનેમલ ઘસાય છે, જેને આપણે દાંત ઘસાઈ ગયા એમ કહીએ છીએ.’
ઇનેમલ ઘસાઈ જવાથી દાંત પર શું અસર થાય છે એ સમજાવતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘આપણા દાંતની રચના સમજીએ તો દાંતની ઉપરનું જે આવરણ છે, જે સફેદ અથવા પારદર્શી હોય છે એ ઇનેમલ છે અને એની નીચે ડેન્ટિન આવેલું હોય છે, જે પીળા કલરનું હોય છે. જ્યારે સફેદ ઇનેમલ ઘસાઈ જાય છે ત્યારે ડેન્ટિન ખુલ્લું થઈ જાય છે અને એને કારણે અચાનક જ દાંત પીળા, મેલા કે ભૂખરા રંગના દેખાવા મંડે છે. આમ દાંત એનો ઓરિજિનલ કલર ગુમાવી શકે છે. આ ઉપરાંત દાંત સેન્સિટિવ બની જાય છે. ખાસ કરીને પેઢાં અને દાંતને જોડતા ભાગે વચ્ચે વધુ સેન્સિટિવિટી અનુભવાય, જેને કારણે વ્યક્તિ કંઈ પણ ઠંડું કે ગરમ ખાય ત્યારે ઝણઝણાટી આવી શકે છે. દાંત ઘસાઈ જવાથી આ સૌથી મોટો પ્રૉબ્લેમ થાય છે. જો દાંત પર ઍસિડ-અટૅક ચાલુ જ રહ્યો તો લાંબા ગાળે એવું પણ થાય કે દાંત ખવાતા જાય.’
દાંત ઘસાઈ જવા પાછળ ત્રણ કન્ડિશન જવાબદાર છે: ટીથ ઇરોઝન, ટીથ ઍટ્રિશન અને ટીથ ઍબ્રેશન. ઍસિડ-અટૅકને કારણે દાંત ઘસાઈ જાય છે એને ટીથ ઇરોઝન કહે છે. બાકી બન્ને કન્ડિશન સમજાવતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘ઘણા લોકોને દાંત કચકચાવવાની ખૂબ આદત હોય છે. એને કારણે દાંત મૂળમાંથી હચમચી જાય છે અને વારંવાર આ પ્રક્રિયા થવાથી એ ઘસાતા જાય છે, જેને ટીથ ઍટ્રિશન કહે છે. આ ઉપરાંત જે વ્યક્તિને ગુટકા, તમાકુ ખાવાની આદત હોય તેમના દાંત પર આ તમાકુ ઘસાઈ-ઘસાઈને એના ઇનેમલને ડૅમેજ કરે છે.
આમ દાંત ઘસાતા જાય છે અને આ કન્ડિશન એમનેમ રહી તો ધીમે-ધીમે એ ખવાતા જાય છે. આ કન્ડિશનને ટીથ ઍબ્રેશન કહે છે.’
ઍસિડથી દાંત ઘસાતા અટકાવવા માટે શું કરવું?
વિનેગરવાળી વસ્તુઓ, કોલા ડ્રિન્ક્સ, પૅક્ડ જૂસ, અથાણાં કે કોઈ પણ પ્રિઝર્વેટિવ્ઝવાળી વસ્તુઓમાં ઍસિડ હોય છે. આવા કોઈ પણ પ્રકારના ઍસિડિક ખાદ્ય પદાર્થો કે પીણાંથી દૂર રહો.
જો સાવ ખાવાનું બંધ ન કરી શકો તો મોઢામાં રાખીને વધુ સમય ચાવવાને કે ચગળવાને બદલે જલદીથી ગળે ઉતારી જવા જોઈએ, જેથી દાંત સાથે એનો સંપર્ક ઓછો થાય. જો કોલા ડ્રિન્ક્સ કે બીજા પૅક્ડ જૂસ ન છોડી શકો તો જ્યારે પણ પીઓ ત્યારે સ્ટ્રૉનો ઉપયોગ કરો. સ્ટ્રૉને કારણે પીણાં દાંતના સંપર્કમાં ઓછાં આવે છે અને સીધાં ગળે ઉતારી શકાય છે.
જો ઍસિડિક ખાદ્ય પદાર્થ કે પીણાં ખાઓ તો તરત જ કોગળા કરી લેવા, જેથી ઍસિડની અસરને થોડી ઘટાડી શકાય.
જો તમને ઍસિડિટીની તકલીફ સતત રહેતી હોય તો એનો ઇલાજ કરાવવો ખૂબ જરૂરી છે, સાથે-સાથે ઍસિડિટી ન રહે એ માટે લાઇફ-સ્ટાઇલમાં જરૂરી બદલાવ લાવવો પણ ખૂબ જરૂરી છે, જેના કારણે ઍસિડિટીનો પ્રૉબ્લેમ વારંવાર થાય નહીં.
જો તમને દાંતમાં ઝણઝણાટી થતી હોય, દાંત પહેલાં કરતાં અલગ રંગના કે પીળાશ પડતા દેખાતા હોય કે સતત ઍસિડિટીનો પ્રોબ્લેમ રહેતો જ હોય તો તાત્કાલિક દાંતના નિષ્ણાતને બતાવો.
એ સિવાય પણ દર છ મહિને એક વખત દાંતનું ચેક-અપ કરાવતા રહો.
ટૂથપેસ્ટ ઉપયોગી?
આજકાલ બજારમાં એવી ટૂથપેસ્ટ આવવા માંડી છે જે મોઢામાં થતા ઍસિડ-અટૅકથી દાંતને બચાવે છે. તેમના કહેવા મુજબ એ દાંત પર એક એવું આવરણ બનાવે છે જેથી દાંતને એ ઍસિડથી બચાવી શકાય. શું એક ટૂથપેસ્ટ દાંતને ઍસિડ-અટૅકથી બચાવી શકે? એ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘ટૂથપેસ્ટ જે દાંત પર લેયર બનાવે છે એ ખૂબ સુપરફિશિયલ લેવલ પર કામ કરે છે. જો પ્રૉબ્લેમ ખૂબ ઓછી માત્રામાં હોય તો ટૂથપેસ્ટ રક્ષણ આપી શકે છે, પરંતુ જો ઍસિડ ખૂબ વધારે માત્રામાં હોય, વારંવાર થતો હોય અને ઍસિડનું ph લેવલ એટલે કે એની સાંદ્રતા ખૂબ વધારે હોય તો દુનિયાની કોઈ ટૂથપેસ્ટ કામ લાગી શકે નહીં. આમ સ્પેશ્યલ ટૂથપેસ્ટ વાપરવાથી નાના પાયે મદદ મળી શકે છે, પરંતુ મોટા પાયે આ પ્રકારના ડૅમેજને રોકવું એક ટૂથપેસ્ટ માટે શક્ય નથી.

