Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ચોમાસામાં પેટના રોગોથી બચવા માટે શું કરશો?

ચોમાસામાં પેટના રોગોથી બચવા માટે શું કરશો?

Published : 14 June, 2017 04:54 AM | IST |

ચોમાસામાં પેટના રોગોથી બચવા માટે શું કરશો?

ચોમાસામાં પેટના રોગોથી બચવા માટે શું કરશો?




pain



જિગીષા જૈન

માણસનું શરીર ૭૦ ટકા પાણીનું બનેલું છે. કોઈ વ્યક્તિને જમવાનું ચાર દિવસ ન આપો તો ચાલે, પરંતુ ચાર દિવસ પાણી ન આપો તો? પાણી જીવન છે, પરંતુ જ્યારે આ પાણી દૂષિત થાય ત્યારે એ જીવન પર જોખમ ઊભું કરતું હોય છે. દૂષિત પાણી પીવાથી અનેકાનેક રોગોનો સામનો કરવો પડે છે અને ચોમાસાની આ સીઝન એટલે પાણીને વધુ ને વધુ દૂષિત થવાની સીઝન. ચોમાસામાં ઠેર-ઠેર પાણી ભરાય છે, ગટરો છલકાય છે અને એને કારણે પીવાના પાણી સાથે દૂષિત પાણી ભળી જાય છે અને પછી શરૂ થાય છે બીમારીના વાયરા. પાણીથી ફેલાતા રોગોમાં મહત્વનું એ છે કે આ બધી જ ચેપી બીમારીઓ છે, જે ફક્ત એક માણસને નહીં; પરંતુ સમગ્ર કમ્યુનિટીને અસર કરે છે. કોઈ પણ રીતે જ્યારે આવું દૂષિત પાણી પેટમાં જાય એટલે કે આવું પાણી પીવામાં આવે કે એને રાંધવાના ઉપયોગમાં લેવામાં આવે અથવા આવા પાણીમાં શાકભાજી કે ફળો ઉગાડવામાં આવે તો આ દૂષિત પાણીનાં જંતુઓ આપણા પેટમાં જાય છે અને ઇન્ફેક્શન થાય છે. જો એક જગ્યાએ પાણી દૂષિત થયું તો એ પાણી જે એરિયામાં સપ્લાય થાય એ સમગ્ર એરિયાને બીમાર કરી શકે છે. આમ મહામારી સરજાય છે. આમ તો પાણીને લઈને થતી બીમારીઓ ક્યારેય પણ થઈ શકે છે, પરંતુ એનું રિસ્ક ચોમાસામાં સૌથી વધુ રહે છે. આજે આપણે ચોમાસામાં પાણીને કારણે થતી બીમારીઓ, ખાસ કરીને પેટની બીમારીઓ વિશે જાણીશું અને એનાથી બચવાના સરળ ઉપાયો પણ જોઈશું.

વાઇરલ ઇન્ફેક્શન

જેવી રીતે વ્યક્તિને શરદી-ઉધરસ અને તાવ જેવાં લક્ષણો સાથે વાઇરલ ઇન્ફેક્શન થાય છે એ જ રીતે પેટમાં પણ વાઇરલ ઇન્ફેક્શન થાય છે. બાળકોમાં આજકાલ રોટાવાઇરસ ઇન્ફેક્શન જોવા મળે છે, જેની આજકાલ રસી પ્રાપ્ત છે જે બાળકોને ચોક્કસ લગાવવી જોઈએ. પેટના વાઇરલ ઇન્ફેક્શન વિશે વાત કરતાં KEM હૉસ્પિટલ અને ફોર્ટિસ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ લેપ્રોસ્કોપિક અને ગૅસ્ટ્રો સર્જ્યન ડૉ. જિજ્ઞેશ ગાંધી કહે છે, ‘આ પ્રૉબ્લેમને વાઇરલ ગૅસ્ટરાઇટિસ કહેવાય છે. વાઇરલ ઇન્ફેક્શન જો જઠર સુધી જ પહોંચ્યું હોય તો વ્યક્તિને ઍસિડિટી, પેટમાં બળતરા કે દુખાવો જેવાં લક્ષણો જોવા મળે છે અને જો એ આંતરડા સુધી પહોંચી ગયું હોય તો ઝાડાની તકલીફ પણ શરૂ થઈ જાય છે. આ પ્રૉબ્લેમ કોઈ પણ વાઇરલ ઇન્ફેક્શનની જેમ એની જાતે જ અઠવાડિયાની અંદર ઠીક થઈ જાય છે. ક્યારેક કોઈ કેસમાં એ ગંભીર બની શકે છે.’

કૉલેરા

માખી, વાંદા અને ઉંદરો કૉલેરાને ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને વરસાદમાં માખીનો ત્રાસ ખૂબ વધારે રહે છે. આ માખી ગંદકી પર બેસે અને પછી ખોરાક પર બેસે અને પોતાના પગ અને પાંખો દ્વારા કૉલેરાના બૅક્ટેરિયા ખોરાક પર લાવે. કૉલેરાના બૅક્ટેરિયા પાણીમાં બે અઠવાડિયાં સુધી રહી શકે છે. જે વ્યક્તિને કૉલેરા થાય એનાં ચિહ્નો જણાવતાં ડૉ. જિજ્ઞેશ ગાંધી કહે છે, ‘એકદમ પાતળા ભાતના પાણી જેવા ઝાડા, સખત ઊલટી, પેટમાં ઊપડતો દુખાવો અને એની સાથે સખત લાગતી તરસ કૉલેરાનાં મુખ્ય લક્ષણો છે. ઘણી વાર દરદીમાં ઝાડાની સંખ્યા દિવસમાં ૯૦-૧૦૦ જેટલી પણ થઈ જાય છે, જેને કારણે શરીરમાં પાણી બચતું જ નથી અને વ્યક્તિ થોડા જ કલાકોમાં મૃત્યુ પામે છે. આવાં લક્ષણો હોય ત્યારે જરૂરી ટેસ્ટ કરાવીને ઇલાજ સમયસર લેવો જરૂરી છે. નહીંતર ઇન્ફેક્શન ફેલાઈ જાય અને ક્યારેક કોઈ કેસમાં એ ઘાતક પણ સાબિત થઈ શકે છે.’

ટાઇફૉઇડ

ટાઇફૉઇડના બૅક્ટેરિયા પાણીમાં ૭ દિવસ સુધી જીવી શકે છે અને એ માખી અને વાંદા થકી ફેલાય છે, જેનાં લક્ષણો વિશે વાત કરતાં જુહુના ઇન્ટરનલ મેડિસિન સ્પેશ્યલિસ્ટ અને ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. જય વોરા કહે છે, ‘ટાઇફૉઇડમાં તાવ ધીમે-ધીમે ચડતો હોય છે. જીભ એકદમ સફેદ થઈ જાય છે, લોહીવાળા ઝાડા અને ઊલટી, પેટમાં અસહ્ય દુખાવો અને સ્નાયુ અને સાંધામાં દુખાવો પણ થાય છે. ભૂખમાં ઘટાડો અને ખૂબ વધુ પ્રમાણમાં ડિહાઇડ્રેશન થઈ જાય છે અને આંતરડામાં અલ્સર પણ થઈ જાય છે, જેને કારણે એ પ્રાણઘાતક બની શકે છે. આ રોગમાં પણ જલદી નિદાન અને સમયસર ઇલાજનું ઘણું મહત્વ છે.’

કમળો

પાણીથી ફેલાતા પેટના રોગોમાં કમળો ઘણો જ મુખ્ય રોગ છે અને એ કમળાના બે પ્રકાર છે હેપેટાઇટિસ A અને હેપેટાઇટિસ E. એ બન્ને જુદા-જુદા વાઇરસથી થતા જુદા-જુદા રોગો છે જેનાં ચિહ્નો લગભગ સમાન જ હોય છે. આ રોગ લિવરનો રોગ છે, જેમાં આ વાઇરસના ઇન્ફેક્શનને કારણે લિવર પર સોજો આવી જાય છે. આ બન્ને પ્રકારોનું પ્રમાણ ભારતમાં ઘણું વધારે જોવા મળે છે, એ પણ ચોમાસામાં ખાસ. એ વિશે વાત કરતાં અંધેરીમાં અંશ લિવર ક્લિનિક ધરાવતાં હેપેટોલૉજિસ્ટ ડૉ. જયશ્રી શાહ કહે છે, ‘હેપેટાઇટિસ A અને Eમાં શરૂઆતમાં નૉર્મલ વાઇરલ ઇન્ફેક્શન જેવાં જ લક્ષણો જેમ કે પેટમાં દુખાવો, ઝાડા, ઊલટી, ચક્કર આવવાં, માથું દુખવું, તાવ આવવો વગેરે રહે છે. પરંતુ જ્યારે તમે ડૉક્ટર પાસે આવાં લક્ષણો સાથે જાઓ ત્યારે તે તમારું પેટ દબાવીને જુએ છે જેમાં પેટની જમણી તરફ ઉપરની બાજુએ દુખાવો હોય, આંખો થોડી પીળાશ પડતી લાગે, પેશાબનો કલર થોડો ગહેરો હોય ત્યારે ડૉક્ટર એ દરદીની લિવર પ્રોફાઇલની ટેસ્ટ કરાવડાવે છે; જેના પરથી ખબર પડે છે કે વ્યક્તિને હેપેટાઇટિસ A કે E છે. અને એ મુજબ તેની ટ્રીટમેન્ટ આગળ ચાલે છે. અહીં મહત્વની વાત એ છે કે ચોમાસામાં જો ફ્લુનાં લક્ષણો હોય તો ઠીક થઈ જશે એમ અવગણીને કોઈ પણ દવા લેવા કરતાં ડૉક્ટર પાસે જઈ ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે.’

શું કરવું?

ચોમાસામાં પેટના રોગોથી બચવા માટે શું કરવું એ જાણીએ પી. ડી.હિન્દુજા હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. ફિલિપ અબ્રાહમ પાસેથી.

૧. ઘરમાં તમે વૉટર ફિલ્ટર વાપરો. એની રેગ્યુલર સર્વિસ કરાવતા રહો. જો વૉટર ફિલ્ટર શક્ય ન હોય તો સૌથી સરળ રસ્તો એ છે કે પાણી ઉકાળીને જ પીઓ જેથી એમાં કોઈ કીટાણુ રહે નહીં.

૨. આ સિવાય શાકભાજી કે ફળો બહારથી લાવો ત્યારે એને વ્યવસ્થિત સાફ કરીને વાપરો. બને ત્યાં સુધી શાકભાજી કાચી ખાવાનું ટાળો.

૩. ક્યાંય પણ જમો કે કંઈ પણ ખોરાક મોઢામાં નાખતાં પહેલાં હાથ ઍન્ટિબૅક્ટેરિયલ સાબુથી વ્યવસ્થિત સાફ કરવા. ઇન્ફેક્શનથી બચવા માટેની અકસીર આદત હૅન્ડવૉશ છે. ખાસ કરીને બાળકોમાં આ આદત કેળવવી.

૪. પકવેલો ખોરાક ખુલ્લો ન રાખો. ઢાંકીને જ રાખો. ઘરનો ખોરાક સાફ અને જંતુરહિત હોય છે, પરંતુ જો ખુલ્લો હોય અને એના પર માખી બેસે તો એ હાનિકારક બની શકે છે.

૫. રોડ પર મળતાં ખુલ્લાં ઠંડાં પીણાં, શરબત, શેક, ગોલા, શેરડીનો રસ વગેરે ન ખાવાં. 

૬. ચોમાસામાં રોડ-સાઇડ ખોરાક ખાવાનું ટાળો. ખુલ્લામાં લારીમાં પડેલા ખોરાક પર ઘણી માખીઓ બેઠી હોઈ શકે છે. આ સિવાય તેમણે વાપરેલું પાણી મલિન હોય તો તમે માંદા પડી શકો છો. આ ચાર મહિના લારીઓ પર ખાવાનું ટાળો. આમ તો હોટેલનો ખોરાક પણ ન ખાવો હિતકારક છે. જો ખાવો જ પડે તો તમારી નજર સામે પકવેલો ખોરાક ખાવો.

૭. હેપેટાઇટિસ Aની રસી મળે છે, જે બાળકોને ખાસ લગાવવી જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2017 04:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK